તમે અને તમારી કારકિર્દીનો વિકાસ: ઘરે રહીને કામ કરવાની પદ્ધતિ

કરિયર કોર્નર

જય ગોહેલ Wednesday 07th January 2026 05:10 EST
 
 

આપણે વર્ષ2020ના આગમનને આવકારી રહ્યા હતા ત્યારે COVID ત્રાટક્યો હતો. આ મહામારીએ વિશ્વમાં સાત મિલિયન લોકોનો ભોગ લીધો. જોકે, આનાથી આપણામાં ઘેર રહી કામ કરવા (WORKING FROM HOME) ની જાગરુકતા વધી. ફોર્બસ વેબસાઈટના રિપોર્ટ અનુસાર હાલ 39 ટકા વર્કર્સ ઘેર રહીને કામ કરે છે. આ પદ્ધતિમાં બે બ્રેઈનચાઈલ્ડ છે-હાઈબ્રીડ વર્કર્સ અને રિમોટ વર્કર્સ. પ્રથમ પ્રકાર એવા વર્કર્સનો છે જેઓ કામ માટે ઓફિસ અને ઘર બંનેનો ઉપયોગ કરે છે. બીજો પ્રકાર ઓફિસથી દૂર રહીને કામ કરે છે, પરંતુ તે ઘર જ હોય તે આવશ્યક નથી. આના બદલે તેઓ કાફે અથવા અન્ય દેશમાંથી કામ કરતા હોઈ શકે છે.

હોમ વર્કિંગથી ઓફિસનાં ખર્ચા, ટ્રાફિકના લીધે પોલ્યુશન ઘટે અને પરિવહનનો સમય બચે છે. આનાથી નાના બાળકો સાથેના પેરન્ટ્સ, દિવ્યાંગો અને પાર્ટ-ટાઈમ વર્કર્સ માટે રોજગારી શોધવાની તકો વધે છે. એમ્પ્લોયર્સની મુખ્ય ચિંતા એ છે કે હોમ વર્કર્સ ઓફિસ સ્ટાફ જેટલી જ ઉત્પાદકતા આપી શકશે ખરા? હોમ વર્કર્સની પણ ચિંતા હોય છે કે તેઓ સીનિયર મેનેજમેન્ટથી દૂર હોવાથી તેમની સાથે ‘સેકન્ડ કલાસ સિટિઝન’ જેવો વ્યવહાર થઈ શકે છે.

હોમ વર્કર્સની ઉત્પાદકતા સંદર્ભે એમ્પ્લોયર્સની ચિંતાને નિવારવા આપણે નીચે મુજબના પગલાં લઈ શકીએઃ

[1] હોમ વર્કર્સની ઉત્પાદકતાનું મૂલ્યાંકન કરવા તેમના કાર્યોને માપી શકાય તેવા યુનિટમાં રુપાંતરિત કરવા. જો આ શક્ય ન હોય તો મેનેજમેન્ટે અલગ ઈનોવેટિવ પદ્ધતિ અપનાવવી જોઈએ.

[2] દરેક હોમ વર્કરે તેમની ડેઈલી એક્ટિવિટીઝ શીટ દરરોજ પૂર્ણ કરીને દિવસના અંતે લાઈન મેનેજરને મોકલી આપવાની રહેશે.

[3] લાઈન મેનેજરે દર ત્રણ મહિને હોમ વર્કરના ઘરની મુલાકાત લેવી જોઈએ અને આ વિઝિટ દરમિયાન, કામના સ્થળે દરેક એમ્પ્લોયીના પરફોર્મન્સ અને કામ સંબંધિત મુશ્કેલી હોય તો તેની ચર્ચા કરવી અને નિવારણ લાવવું જોઈએ.

[4] ગત સમયગાળાના કાર્યની સમીક્ષા તથા આગામી સમયગાળાના આયોજન માટે સમગ્ર હોમ વર્કર્સ ટીમ સાથે લાઈન મેનેજરની સાપ્તાહિક અથવા માસિક મીટિંગ્સ આમનેસામને કરાવી જોઈએ. આ મીટિંગ્સની મિનિટ્સ- રિપોર્ટ રેકોર્ડ કરાવો જોઈએ.

[5] દરેક હોમ વર્કરની ડેઈલી એક્ટિવિટીઝના આંકડાનો ઉપયોગ તેમના વાર્ષિક પરફોર્મન્સ રિવ્યૂમાં કરાવો જોઈએ.

[6] પરફોર્મન્સ એવોર્ડ, નબળો (Poor), સારો (Good), ઘણો સારો (Very Goo) અથવા્ ઉત્કૃષ્ટ (Excellent) શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય. જેમનું પરફોર્ન્સ ‘Poor’આવે તેમને વાર્ષિક પગારવધારો મળી ન શકે સિવાય કે આગામી ત્રણ મહિનામાં તેઓ ‘Good’ પરફોર્મન્સ હાંસલ કરે. અન્ય કેટેગરીઝમાં તેમની કેટેગરી અનુસાર પર્સન્ટેજ વધારો અપાવો જોઈએ. સંબંધિત કેટેગરી સંદર્ભે લાઈન મેનેજર અને હોમ વર્કર્સ વચ્ચે યોગ્ય વિચારવિમર્શ કરાવો જોઈએ.

[7] લાઈન મેનેજર અને હોમ વર્કર, બંનેએ તેમના કોમેન્ટ બોક્સીસ ભરવા જોઈએ અને રિવ્યૂ ફોર્મ પર સહીઓ કરવી જોઈએ.

હવે, એમ્પ્લોયીની ‘સેકન્ડ ક્લાસ સિટિઝન વ્યવહાર’ની કલ્પિત ચિંતા વિશે વાત કરીએ.

આનો ઉકેલ આ પગલાંથી લાવી શકાયઃ

[1] સીનિયર મેનેજર દ્વારા ત્રિમાસિક ધોરણે વાતચીત. તેઓ હોમ વર્કર્સ સાથે ફર્મના બિઝનેસની વૃદ્ધિ, તેની યોજનાઓ, નવી પ્રવૃત્તિઓ અને બજારમાં પ્રોડક્ટ્સ વિશે વાત કરી શકે. વર્કર્સનો રસ કેળવવા અને તેમનો સમાવેશ કરવા ઉપસ્થિતો પાસેથી સજેશન્સ- આઈડિયાઝ પણ મેળવી શકે.

જો પ્રવાસનું અંતર વધારે હોય ત્યારે ઝૂમ મીટિંગ્સની વ્યવસ્થા પણ કરી શકાય છે.

[2] હોમ વર્કર્સને પણ ઓફિસ વર્કર્સની માફક જ પેન્શન્સ, બોનસ, અને કંપની કાર જેવાં લાભ અપાવા જોઈએ.

[3] હોમ વર્કર્સને પણ ઓફિસના એસાઈન્મેન્ટ્સ માટે યોગ્યતા-મેરિટના આધારે પ્રમોશનની સમાન તક અપાવી જોઈએ.

આ ઉપરાંત, મેનેજમેન્ટે ઉત્પાદકતાને વધારવા માટે સંઘભાવના-ટીમ સ્પિરિટ સર્જવા જોઈએ તેમજ હોમ વર્કર્સ અને ઓફિસ સ્ટાફ વર્કર્સની પ્રવૃત્તિઓ-કામગીરીનું સંકલન કરવું જોઈએ.

હોમ વર્કર્સે પણ હેલ્થ અને સેફ્ટી, ડેટા પ્રોટેક્શન અને નિયંત્રણકારી જરુરિયાતોનું અમલપાલન કરવું જોઈએ. જો હોમ વર્કર તેના ઘરમાં કોઈની સાથે રહેતા હોય ત્યારે તેમણે ઉપરોક્ત નિયમનોનો અમલ કરવા વધુ કાળજી લેવાની રહેશે.

ઘરમાં રહી કામ કરવાની સફળતાનો આધાર સ્વયંપ્રેરણા કે સેલ્ફ-મોટિવેશન પર રહેલો છે. તમારા ટેબલ પર ફ્લાવર વાઝ અથવા પસંદગીનું ચિત્ર રાખો અને દરરોજ તેને ધ્યાનથી નિહાળો, જરૂર જણાય તો એકથી વધુ વખત આમ કરો. તેની સામે નિહાળતી વેળાએ તમારી જાતને મોટેથી કહો, ‘હું કામકાજ માટે આજનો દિવસ વીતાવીશ તે માત્ર આજ પૂરતો નથી, તે મારી આવતી કાલ માટે પણ છે.’

જો આનાથી તમારું કાર્ય બરાબર ન ચાલે તો તમારા માટે કામ કરે તેવું બીજું કશું વિચારો. ઘણી વખત આપણું મન ભટકી જાય છે, આપણે કામ પર ધ્યાન રાખવાની જરૂર રહે છે. જ્યાં સુધી તમારા કાર્ય સંદર્ભે એકાગ્ર નહિ બનો ત્યાં સુધી તમારું શ્રેષ્ઠ કાર્ય આપી શકશો નહિ. મુશ્કેલી માત્ર શરૂઆત કરવાની જ છે. સમયસર કામ શરુ કરો અને બાકીનું કામ તો કાર્ય જાતે જ સંભાળી લેશે.

તમે સૌથી વધુ અને શ્રેષ્ઠ કામ કરી શકતા હોય તે અનુસાર કામકાજનું સમયપત્રક બનાવો. જો તમે 8 am થી 4 pm દરમિયાન સારું કામ કરી શકતા હો તો આ સ્લોટનો ઉપયોગ કરો, જો તમને 11 am થી 7 pmનો સમયગાળો વધુ સારો પડતો હોય તો તેનો ઉપયોગ કરી શકો છો.

નિયમિત કસરત અને મનોરંજન સાથે તમારા આરોગ્યની યોગ્ય સારસંભાળ લો. સારી નિદ્રા અને તંદુરસ્તી વિના તમે તમારું શ્રેષ્ઠ હાંસલ કરી શકશો નહિ. જો તમે કોઈની સાથે ઘરમાં રહેતા હો તો તમારુ કાર્ય પૂર્ણ ક્ષમતા સાથે કરવામાં તેમનો સહકાર મેળવો. જો તમારા બાળકો હોય તો તમે કહી શકો કે કામકાજના સમયમાં ડિસ્ટર્બ કરશો તો પોકેટ મની નહિ મળે!

તમારી સફળતા આવી શિસ્ત પર આધારિત રહેશે. પ્રેક્ટિસની સાથે જ શિસ્ત પણ આવશે. આપણને સ્વનિર્ણાયકતા અને સ્વપ્રેરણાની જ વિશેષ જરૂર છે. તમારા વહાણના તમે જ કપ્તાન છો, તેને સારી રીતે હંકારો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter