તુલસી ક્યારા જેટલી જ પવિત્રતાથી દીકરાના ગ્લાસમાં પાણી રેડે તેનું નામ જ માતા

- પારસકુમાર Tuesday 10th March 2026 16:17 EDT
 
 

રશિયાના વોલ્ગોગ્રાદમાં માતૃત્વના અભિવાદનનું એક સ્મારક છે. એક માતા યુદ્ધમાં શહીદ થયેલા દીકરાને ખોળામાં લઈને આંસુ સારે છે અને મુસાફરો પ્રેમસભર માતૃત્વનું અભિવાદન કરે છે. ભારતમાં માતૃત્વના બલિદાનનું સ્મારક દેશના દરેક ખૂણે આકાર લઈ શકે તેમ છે.

યુદ્ધમાં દીકરો શહીદ થાય ત્યારે પ્રસન્ન થનારી જનેતાનું માતૃત્વ તો શેરદિલ સપૂતોના વિરહમાં જ તૃપ્ત થતું હોય. જે માતાના એકીસાથે ત્રણ દીકરા શહીદ થયા હોય તે માતાનું અભિવાદન કરવા અસ્તિત્વનું બલિદાન આપવું પડે. ચાફેકર બંધુઓ જેવા ત્રણ બહાદુર દીકરાની શહીદી પછી પણ
રિટાયર્ડ ન થાય તેનું નામ જ માતૃત્વ.
 
પૂણેમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ત્યારે અંગ્રેજોએ પ્લેગને કાબૂમાં લેવાને બદલે પ્લેગગ્રસ્ત લોકોને ધડાકે દેવાનું શરૂ કર્યું. બ્રિટનની બંદૂકોમાંથી ગોળીબાર થાય છે અને માસૂમ અવાજ શૂન્યમાં ગરકાવ થાય છે. કતરા ક્તરા ખૂન દિયા થા, દી જવાની ઝુનૂન દિયા થા, ખડે અંગ્રેજ માને નહીં તો ગોલિયો સે ભૂન દિયા થા. ચાફેકર બંધુ પૂણેની પ્રજાને પીડા પહોંચાડનાર અંગ્રેજ અફસર મિ. રેન્ડ અને મિ. આર્યસ્ટને બંદૂકના ધડાકે ઉડાવી દે છે અને
બ્રિટનની બેઈમાન બંદૂકો મૌન થઈ જાય છે.

સરહદ પર માતૃત્વનું સંમેલન યોજાય તો યુદ્ધ અટકી જાય પણ માતૃત્વનું સંમેલન જ બલિદાન આપવા માટે યોજાય તો અટકી પડેલું યુદ્ધ પણ ઈતિહાસમાં અંક્તિ થઈ જાય. ચાફેકર બંધુઓને ફાંસીની સજા આપવામાં આવી ત્યારે માતા લક્ષ્મીબાઈને સૌ સહાનુભૂતિની નજરે નીરખવા લાગ્યા. ફાંસી અપાયા પછી સિસ્ટર નિવેદિતા તે વીરમાતાને સાંત્વના આપવા પૂણે પહોંચે છે. સિસ્ટર નિવેદિતાને હતું કે જે માતાના એકીસાથે ત્રણે પુત્ર શહીદ થયા હોય તે માતા ખૂણે ખૂણેથી તૂટેલી ખૂણેથી તૂટેલી હશે, ઘડપણની લાઠી તૂટતા માતૃત્વનું અસ્તિત્વ લુપ્ત થવાની કગાર પર હશે પણ સિસ્ટર નિવેદિતા પરે પહોંચ્યા ત્યારે ઘરડો દેહ તો હરખનો માર્યો અભિવાદન ઝીલવા ઊભો થયો. માતાના અભિવાદનમાં પણ માતૃત્વના બલિદાનના
અણસારા સિસ્ટર નિવેદિતાની આંખો ભરાઈ આવી.
સિસ્ટર નિવેદિતા કંઈ બોલે તે પહેલાં વીરમાતા બોલી ઉઠ્યા, ‘સિસ્ટર, આપ તપસ્વિની હૈ, આપને તો સંસાર કી મોહમાયા ત્યાગ દી હૈ, ફિર આપ કી આંખો મેં યે મોહ કે આંસુ ક્યો? આપ વિશ્વાસ રખે, મુજે તો ગૌરવ હૈ કી મેરે તીનો બેટે દેશ કે લિયે શહીદ હુએ હૈ. દુઃખ તો કેવલ ઈતના હૈ કી, મેરી ઔર કોઈ સંતાન નહીં હૈ, જિસે મેં દેશ કો દે શકું.’
આટલું બોલ્યા પછી તે વીરમાતાની આંખો ભીની થવાને બદલે લાલ થઈ ગઈ. સિસ્ટર નિવેદિતા તે વીરમાતાના ચરણોમાં પડીને કહેવા લાગ્યા, ‘ધન્ય હો માં, તુમ્હી ભારત વર્ષ કી સચ્ચી માં હો.’
માતૃત્વને રિટાયર્ડમેન્ટ મળે ખરું? માતૃત્વનું રિટાયર્ડમેન્ટ કેવું હોય? મા રિટાયર્ડ થાય ત્યારે આપણે માતૃત્વનો રિપોર્ટ કાઢીએ છીએ ખરાં? જિંદગી આખી માતાના બે કોમળ હાથે કેટલી રોટલી બનાવી તેનો સરવાળો ક્યારેય કર્યો ખરો? ટપ ટપ રોટલાં ઘડતાં બે હાથમાં ભરેલી મીઠાશનું માપ ક્યારેય કાઢ્યું ખરું? માતાએ જિંદગીભર કેટલા ટન સ્વાદિષ્ટ શાક બનાવ્યું તેનું વજન ક્યારેય કર્યું ખરું? માતાએ જીવનભર ઘરમાં કરેલા કચરા-પોતાનું ક્ષેત્રફળ ક્યારેય કાઢ્યું ખરું? ઘરની સાંકડી જગ્યામાં માતાએ કરેલી પદયાત્રાના કિલોમીટર ક્યારેય માપ્યા ખરા?

ગોળ ગોળ રોટલી વણતાં બે હાથમાં અંતરની કોઈ ઈચ્છા ગોળ ગોળ તો નહીં ફરતી રહી હોયને? રોટલી વણતાં વણતાં અંતરમાં ઉગેલા અરમાન રોટલીમાં ભરાયેલી હવાની જેમ પળવારમાં ઓલવાઈ તો નહીં ગયા હોયને? માતૃત્વ તો ગેસ પર રહેલી દૂધની તપેલી જેવું છે. માતૃત્વમાં ગરમ કરેલા દૂધની જેમ ઉભરો આવે પણ છલકાયને ખાલી થવાનો ભાવ ન આવે.

માતા પોતાના હૈયામાં પડેલાં ડાઘની પરવા કર્યા વિના આપણા કપડામાં પડેલો ડાઘ દૂર કરવા મંડી પડે ત્યારે સ્વયં ડાઘ પણ ડઘાઈ જાય. રોજ ઘસી ઘસીને ઘરના વાસણ ચમકાવતાં હૈયાને આપણે કેટલીવાર ચમકાવ્યું? ચહેરા પર પડેલી કરચલી ભૂલીને આંગણામાં પડેલી કરચલી દૂર કરનાર માતૃત્વ ક્યારેય રિટાયર્ડ થાય ખરું? તુલસી ક્યારા જેટલી જ પવિત્રતાથી દીકરાના ગ્લાસમાં પાણી રેડે તેનું નામ જ માતા.

માતૃત્વનું માપ સ્વયં માતા પણ કાઢી શકે નહીં. ક્યારેય કોઈ માતાને માતૃત્વની હરીફાઈ કરતાં જોઈ છે ખરી? માતૃત્વનો હરખ હોય, હરિફાઈ નહીં. કોઈ માતા ક્યારેય પોતાની રિટાયર્ડ ડેટ નક્કી કરતી નથી. માણસ માતાને વૃદ્ધાશ્રમમાં મોકલીને રિટાયર્ડ કરે છે. વૃદ્ધાશ્રમમાં બેઠેલું માનું હૈયું સંતાનની જ ચિંતા કર્યા કરે ત્યારે વિચાર આવે પ્રભુએ આવું ઋજુ હૃદય કઈ નજાક્તથી બનાવ્યું હશે. માનું હ્રદય એટલે જ ઋજુતાનું વનરાવન...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter