દયનીય અવસ્થામાં જીવવા કરતાં મહારાજાને લડતાં લડતાં મોત પસંદ હતું

ઈતિહાસના નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Monday 07th August 2017 09:55 EDT
 
 

ભારત સાથે ૨૭ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ વિલય પામેલા જમ્મુ-કાશ્મીરના વિલય પછીના ઘટનાક્રમે મહારાજા હરિસિંહને એટલા બધા વ્યથિત કરી મૂક્યા હતા કે ૩૧ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સરદાર પટેલને પત્ર લખીને એમણે પોતાના રજવાડાના વિલયને રદ્દબાતલ કરવા સંદર્ભે જણાવ્યું હતું. કાશ્મીરના પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાયા બાદ ન્યૂ યોર્કથી મહારાજાને મળતા નિરાશાજનક સમાચારથી તેમજ રાજ્યમાં શેખ અબદુલ્લાને વહીવટ સુપરત કર્યા પછી મહારાજાનું જે રીતે જાહેર અપમાન થઈ રહ્યું હતું એનાથી હરિસિંહનું દિમાગ ફાટવાની સ્થિતિમાં હતું. 

સરદારના વચનમાં વિશ્વાસ રાખીને આગળ વધી રહેલાં મહારાજા હરિસિંહે ૩૧ જાન્યુઆરી ૧૯૪૮ના એ પત્રમાં લખ્યુંઃ ‘ક્યારેક હું વિચારું છું કે મારે વિલયની ઘોષણાને પાછી ખેંચી લેવી જોઈએ, જે મેં ભારતની તરફેણમાં કરી હતી. ભારતીય સંઘે એને અસ્થાયી રીતે પણ સ્વીકારી છે અને જો ભારતીય સંઘ આ રાજ્યના બાકીના હિસ્સા પર ફરી અધિકાર જમાવી ના શકે અને પાછળથી સુરક્ષા પરિષદના નિર્ણયને પગલે મજબૂર થઈને પાકિસ્તાન સાથે જોડાવાનો વખત આવે તો ભારત સાથે જોડાયેલા રહેવાનો કોઈ અર્થ નથી. થોડા સમય માટે જ ભલે સંભવ બને, પરંતુ સમયાંતરે તો એનો અર્થ એક રાજવંશનો અંત જ થશે. એનો એક સંભવિત વિકલ્પ મારી પાસે છે કે મેં આપેલો વિલય પ્રસ્તાવ પાછો ખેંચી લઉં, જેનાથી વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘ નહીં રહે, કારણ એવા સંજોગોમાં ભારત સંઘ એના પર ચર્ચા કરવા માટે બંધાયેલો નહીં રહે, એના પરિણામે રિયાસત વિલય પહેલાંની સ્થિતિમાં આવશે.’

રાજ્યનું બંધારણ ઘડાય ત્યાં લગી સત્તાની અપેક્ષા

આવા સંજોગોમાં કેવી મુશ્કેલી સર્જાઈ શકે એનાથી મહારાજા વાકેફ હતા. એમણે સ્પષ્ટ કર્યું હતું કે રિયાસતમાં ભારતીય સેના નહીં રહે. હું રિયાસતની સેનાની કમાન ભારતીય સેનાના હાથમાંથી મારા હાથમાં લઈશ. જો ભારત માને તો રિયાસતની મદદ માટે આવેલી ભારતીય સેના તથા રિયાસતની સેનાનું સંચાલન હું પોતે કરી શકીશ. હું મારા રાજ્યને આપના કોઈ પણ જનરલ કરતાં વધુ સારી રીતે જાણું છું, જેને તેઓ આવતા કેટલાય મહિના કે વર્ષોમાં પણ નહીં જાણી શકે.’ મહારાજા વિલય પછીના સંજોગોમાં એટલા ત્રાસી ગયા હતા કે એમણે સરદારને ચોખ્ખું કહ્યુંઃ ‘હું અત્યારની સ્થિતિથી એટલો બધો ત્રાસી ગયો છું કે આવી અસહાય અને દયનીય પરિસ્થિતિમાં જીવવા કરતાં લડતાં લડતાં મોતને ભેટવાનું મારે માટે વધુ સારું લેખાશે.’
મહારાજાએ સરદારમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. જોકે, રાજ્યના બંધારણને ઘડવાની કામગીરી પૂરી થાય નહીં ત્યાં લગી મહારાજા રાજ્યના બંધારણીય શાસકના હોદ્દે રહેવા ઉત્સુક હતા. રાજ્યની હિંદુ, મુસ્લિમ અને શીખ પ્રજાનો વિશ્વાસ જીતવાનું નેશનલ કોન્ફરન્સના નેતાથી શક્ય નહીં હોવાનું એમણે જણાવ્યું હતું. એટલે જ પોતાની પસંદગીના દીવાનને રાખવાનો અધિકાર પોતાની પાસે અપેક્ષિત માનતા હતા અને એ દીવાન જમ્મુ-કાશ્મીરના પ્રધાનમંડળનો અધ્યક્ષ કે સભ્ય રહે એવું પણ આગ્રહપૂર્વક ઝંખતા હતા. આનાથી વિપરીત શેખ અબ્દુલ્લા મહારાજાને રાજ્ય બહાર તગેડી મૂકવાના આગ્રહી હતા અને એ પ્રજાને રાજાની વિરુદ્ધમાં ઉશ્કેરીને અપમાનિત અવસ્થામાં મૂકી રહ્યા હતા ત્યારે દિલ્હીના નેહરુ, સરદાર સહિતના નેતાઓ મૂકપ્રેક્ષક બની રહ્યાની વેદના ૧૯૫૨માં પણ મહારાજાએ રાજ્યમાં ‘નેહરુ તથા સરદારના સંયુક્ત પ્રયાસોને પગલે’ તેમની હકાલપટ્ટી પછી રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને પાઠવેલા આવેદનપત્રમાં પણ ઠાલવી હતી. સરદારના ૧૯૫૦ના ડિસેમ્બરમાં અવસાન પછી રિયાસત ખાતાનો અખત્યાર ડો. કૈલાશનાથ કાટ્જુ પાસે આવ્યો ત્યારે મહારાજા ભણી દિલ્હીએ ઉદાસીનતા દાખવ્યાની પણ એમની ફરિયાદ હતી.

દિલ્હીએ ભારત સાથે જોડાવા ફરજ પાડી હતી.

મહારાજા હરિસિંહે ૨૦ જૂન ૧૯૪૯ના રોજ અનિચ્છાએ વ્યથિત થઈને, સરદાર પટેલ અને નેહરુમાં મૂકેલા ભરોસાની ભેંસે પાડો જણ્યાની અનુભૂતિ સાથે પોતાના રિજેન્ટ તરીકે ૧૮ વર્ષના રાજકુમાર કર્ણસિંહને નિયુક્ત કરતા ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવા પડ્યા, એનું વર્ણન ડો. કર્ણસિંહની આત્મકથામાં પણ દિલ દ્રવી જાય એવા શબ્દોમાં કરવામાં આવ્યું છે. મહારાજા ઈચ્છતા હતા કે કર્ણસિંહ રિજેન્ટ તરીકે જવાનો નન્નો ભણી દે, પણ વડા પ્રધાન નેહરુ અને નાયબ વડા પ્રધાન સરદાર પટેલે એ પહેલાં રાજકુમારને હાથમાં લઈ લીધા હતા. મહારાજાને રાજ્યવટો મળ્યો. મહારાણી અને મહારાજા બેઉ રાજ્ય બહાર રહે એવો ખેલ પાડવામાં આવ્યો. કમનસીબે મહારાજા મુંબઈમાં એકલા રહ્યા કારણ મહારાણી પણ એમનાથી અલગ રહેવા ગયાં.
રાજકુમાર જમ્મુ-કાશ્મીર ગયા તો ખરા, પણ મહારાજાના અંતિમ દિવસોમાં એમનો પરિવાર વેરવિખેર થઈ ગયો અને મહારાજાએ વસિયતનામામાં લખવું પડ્યું કે મારા અંતિમ સંસ્કાર માટે મારા પરિવારના કોઈને હાજર રાખવામાં ના આવે! જમ્મુ-કાશ્મીરના મહારાજાએ કયા સંજોગોમાં ભારત સાથે વિલય કરવાની ફરજ પડી હતી એ વિશે ડો. કર્ણસિંહે ૯ સપ્ટેમ્બર ૨૦૧૩ના ‘ગ્રેટર કાશ્મીર’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતુંઃ ‘મારા પિતા હજુ તો બે સંઘમાંથી કયાની સાથે જોડાવું એનો વિચાર કરતા હતા ત્યાં પાકિસ્તાન તરફથી કબાઈલીઓનું આક્રમણ થયું, આ આક્રમણે મારા પિતાને ભારત સાથે જોડાવાની ફરજ પડી. એમણે મદદ મળી અને ભારતે એ માટે વિલયની શરત મૂકી.’

મહારાજાની અવસ્થા ગ્રીક ટ્રેજેડી જેવી

ડો. કર્ણ સિંહ પોતાના પિતાની દ્વિધાભરી સ્થિતિને ગ્રીક ટ્રેજેડી સાથે સરખાવવાનું પસંદ કરે છે. ૧૯૬૧માં એમનું એકાકી અવસ્થામાં જ મુંબઈમાં મૃત્યુ થયું, પણ મહારાજાએ અગાઉ જે કહ્યું હતું એ સાચું પડતું રહ્યું. કાશ્મીર કોકડું આજેય હજુ વણઉકલ્યું છે. ઈતિહાસના ઘટનાક્રમના નવા-નવા દસ્તાવેજો જેમ બહાર આવતા જાય છે, એમ જમ્મુ-કાશ્મીરના પ્રકરણના નવા રંગ જોવા મળે છે. મહારાજા હરિસિંહ ૧૯૨૫માં ગાદીએ આવ્યા ત્યારથી લઈને ૧૯૬૧માં મૃત્યુ પામ્યા ત્યાં સુધીના ઘટનાક્રમના ઘણા રહસ્યો હજી ઉકેલાવાના બાકી જ છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૧૨ ઓગસ્ટ ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2wpaCOg)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter