દરેક સફળ વ્યક્તિની પાછળ કોમ્યુનિટીના સંઘર્ષનો સાથ

મિતુલ પનીકર Tuesday 02nd July 2019 09:06 EDT
 

પ્રિય વાચકમિત્રો

ગત થોડાં સપ્તાહોમાં અનુભવોનું ભાથું બંધાયું છે. અહીં અમારાં લગભગ અસ્તિત્વહીન સામાજિક વર્તુળનો વિસ્તાર થઈ રહ્યો છે. આપણા તંત્રી-પ્રકાશક સીબી પટેલે મારો અને મારા પતિનો પરિચય સ્નેહપૂર્ણ સુરેશભાઈ પટેલ અને તેમના પત્ની ભાવનાબહેન સાથે કરાવ્યો હતો. થોડા દિવસો સુધી ઈ-મેઈલ્સની આપ-લે ચાલ્યા પછી સુરેશભાઈ એક દિવસ અમને મળવા આવ્યા અને સૌ પહેલા તેઓ અમને મારખમસ્થિત સનાતન મંદિરની મુલાકાતે લઈ ગયા. સુરેશભાઈએ કહ્યું કે આ પરંપરા છે. તેઓ પોતાના દરેક મહેમાનને પહેલા મંદિરે લઈ જાય છે અને પછી ગુજરાતી આતિથ્યના પ્રતીક સમાન તેમના ઘેર લઈ જાય છે. આ મંદિર ખરેખર જોવાલાયક અને અદ્વિતીય છે, જ્યાં એક વિશાળ પૂજાખંડમાં તમામ હિન્દુ દેવી-દેવતાને સ્થાન અપાયું છે. સુરેશભાઈ સાથે થોડા દિવસના પરિચય પછી તેમણે કોમ્યુનિટીના અન્ય સભ્યો સાથે પણ પરિચય કરાવ્યો અને દરેક સભ્યોએ અમારી સાથે એટલો સુંદર વ્યવહાર કર્યો તેનાથી અમારાં હૃદય પણ લાગણીથી તરબતર થઈ ગયાં.

મારું નમ્ર નીરિક્ષણ એ રહ્યું છે કે એક દાયકા કે તેથી વધુ સમયથી અહીં સ્થિર થયેલા લોકો, પોતાના પગ મજબૂતપણે જમાવવાનો સંઘર્ષ કરી રહેલા લોકોની સરખામણીએ પોતાની કોમ્યુનિટીના સભ્યો સાથે જ હળવા મળવાનું કે સામાજિક વ્યવહાર રાખવાનું વધુ પસંદ કરે છે. સુરેશભાઈ અને ભાવનાબહેનનાં અમારાં પ્રત્યે ઝૂકાવનું એકમાત્ર કારણ અમે સીબી સાથે સંકળાયેલા હોવાની હકીકતનું જ નહિ પરંતુ, તેઓ પોતાની સાથે જે મૂલ્યો લાવ્યાં હતાં તે પણ હતું. આ કદાચ રૂઢિગત લાગે પરંતુ, વિદેશની ધરતી પર પોતાના જ સમુદાયની કોઈ વ્યક્તિ સાથે મળવાની લાગણી કે અનુભવ પણ અનોખો હોય છે. તેમના વિજયો કે સફળતા તમારા વિજય બની જાય છે. તેમની સમસ્યાઓ તમારી સમસ્યા બની જાય છે અને તેમની કથની હવે તમારી કથની બની જાય છે.

ભારતીય ઉપખંડમાંથી સૌપ્રથમ અહીં આવનારા પ્રમાણભૂત ઈમિગ્રન્ટ્સ શીખ સમુદાયના હતા. તેઓ ૧૯૦૪માં વાનકુવર પહોંચ્યા હતા. આ સમય એવો હતો જ્યારે વર્તમાનની સરખામણીએ કેનેડાની ઈમિગ્રેશન નીતિઓ ખરાબ હતી. ઘણા શ્વેત કેનેડિયન્સ અશ્વેત ઈમિગ્રેશનની વિરુદ્ધ હતા. ૧૯૦૭માં ૧૦,૦૦૦ લોકોએ વાનકુવરમાં ભારતીય ઈમિગ્રેશનનો વિરોધ કર્યો હતો. તેમણે વાનકુવરના ચાઈનાટાઉનમાં લોકોને ધમકાવવાં અને તેમની માલમિલકતોનો નાશ કરવા સાથે રમખાણો કર્યાં હતાં. તે વર્ષ પછી ફેડરલ સરકારે ભારતીય ઈમિગ્રેશનને અટકાવવાના એકમાત્ર ઈરાદા સાથે બે જોગવાઈઓ દાખલ કરી હતી. પ્રથમ જોગવાઈ તમામ ઈમિગ્રન્ટ્સે તેમની નાગરિકતાના દેશથી સતત મુસાફરી કરી કેનેડા આવવાની હતી. તે સમયે ભારતથી કેનેડા સુધી સળંગ મુસાફરી કરતા હોય તેવાં જહાજો ન હતાં. આ નિયંત્રણથી ભારતીય ઈમિગ્રેશન પર અસરકારક અટકાવ જ આવી ગયો હતો. બીજી જોગવાઈ કેનેડામાં આવતા ભારતીય ઈમિગ્રન્ટ્સ પાસે ૨૦૦ ડોલરની મૂડી હોવી આવશ્યક હોવા વિશે હતી. આ રકમ કેનેડા માઈગ્રેટ થતા શ્વેત ઈમિગ્રેન્ટ્સની સરખામણીએ (યુરોપિયનો પાસે કેનેડામાં માઈગ્રેટ થવા ૨૫ ડોલરની રકમ હોવાનો નિયમ હતો) આઠ ગણી હતી.

આપણે બધાં જ કોમાગાટા મારુની કમનસીબ ઘટના વિશે જાણીએ છીએ. આ જહાજે ૧૯૧૪માં બ્રિટિશ હોંગ કોંગથી ચીનના શાંઘાઈ અને જાપાનના યોકોહામા થઈને કેનેડાના બ્રિટિશ કોલંબિયાના વાનકુવર માટે મુસાફરી આરંભી હતી. જહાજના ૩૭૬ પ્રવાસી બ્રિટિશ નાગરિકોમાં ૩૫૧ શીખ, ૨૧ મુસ્લિમ અને ૧૨ હિન્દુ હતા. આમાંથી માત્ર ૨૪ પ્રવાસીને કેનેડામાં પ્રવેશવા દેવાયા અને બાકીના પ્રવાસીઓ સાથે જહાજને ફરજિયાત ભારત તરફ મુસાફરી માટે રવાના કરાયું હતું. આ જહાજનો કમનસીબ અંત આવ્યો હતો. ખરાબ અને પ્રતિકૂળ વાતાવરણ હોવાં છતાં બે હજાર ઈમિગ્રન્ટ્સે વાનકુવરના અર્થતંત્રમાં પોતાના માટે સ્થાન ઉભું કરવા જહેમત આદરી હતી. તેમાંથી ઘણા શહેરમાં પોતાની કોમ્યુનિટી અને બિઝનેસીસની સેવા કરનારા સફળ એન્ટ્રેપ્રીન્યોર્સ બન્યા હતા.

આજે ભારતીય મૂળના ૩૦ જેટલા નેતાઓ છે જેઓ દેશના રાજકીય ક્ષેત્રમાં અગ્રેસર છે. આ તમામમાં સૌથી આગળ જગમીત સિંહ છે, જેઓ નોર્થ અમેરિકામાં રાષ્ટ્રીય કક્ષાએ અગ્રણી પાર્ટીમાં ચૂંટાયેલા નેતા બનવામાં ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ હોવાનું માન ધરાવે છે. આ પ્રમાણે, ગુજરાતી મૂળની ઘણી જાણીતી વ્યક્તિઓ પણ છે જેમાં, ટીડી બેન્ક ગ્રૂપના સીઈઓ ભરત મસરાની, સીએનએનના સન્માનીય જર્નાલિસ્ટ ઝઈન વીરજી, કેલ્ગારીના મેયર નાહિદ નેનશી તથા અન્યોનો સમાવેશ થાય છે.

દાયકાઓના બ્રિટિશ સંસ્થાનવાદ પછી, ભારતીય સમુદાય ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં પ્રસરી ગયો છે. ઈતિહાસ સાક્ષી છે કે સમય તેમની પડખે રહ્યો ન હતો પરંતુ, મારે સ્વીકારવું જ રહ્યું કે તેમના સંઘર્ષના ફળ વર્તમાન પેઢીઓને મળી રહ્યાં છે. કેનેડાના કિનારેથી ભારત પરત મોકલી દેવાયેલા પ્રત્યેક ભારતીયની સામે આજે સેંકડો ભારતીય મજબૂત સ્થિરતા અને ઉન્નત મસ્તકે અહીં વસવાટ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter