દાદાભાઇ નવરોજી – ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા

Wednesday 26th January 2022 05:23 EST
 
 

લંડનઃ ઇરાનમાં શાસકો દ્વારા થઇ રહેલા ધાર્મિક દમનથી બચવા ઝોરાષ્ટ્રિયન અથવા તો પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે આવી પહોંચ્યા અને દૂધમાં સાકર ભળે તેમ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયાં. ભારતમાં સ્થાયી થયેલા પારસીઓ પૈકીના ઘણા યુરોપ, અમેરિકા અને અન્ય દેશોમાં પહોંચ્યા હતા. યુરોપમાં પારસીઓની સંગઠનાત્મક શક્તિ જાળવી રાખવા ૧૮૬૧માં ધ ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ યુરોપ (ઝેડટીએફઇ)ની સ્થાપના કરાઇ હતી.
ઝેડટીએફઇ સંગઠન દ્વારા ૩૦મી જાન્યુઆરીના રોજ પારસી વારસા અને દાદાભાઇ નવરોજી પર એક વેબિનાર યોજાયો છે. જેમાં ઝેડટીએફઇના પ્રમુખ માલ્કમ એમ દેબૂ, બ્રિટિશ સાંસદ ડો. દિનયાર પટેલ, લોર્ડ કરણ બિલિમોરિયા સહિતના પારસી આગેવાનો અને મહાનુભાવો જોડાશે અને ઝેડટીએફઇના સ્થાપક સભ્ય સ્વ. દાદાભાઇ નવરોજી પર સંબોધન કરશે.
ઝેડટીએફઇ – ૧૫૦ વર્ષનું વટવૃક્ષ
યુરોપમાં વસતા પારસીઓની સહાય માટે ઓગસ્ટ ૧૮૬૧માં શેઠ મુંચેરજી હોરમસજી કામાએ દાદાભાઇ નવરોજી અને અન્યોને ધાર્મિક ભંડોળ ઊભુ કરવાની અપીલ કરી હતી. જેના પગલે ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ યુરોપની સ્થાપના થઇ. આજે આ સંગઠન ૧૫૦ વર્ષનું વટવૃક્ષ બની ચૂક્યું છે. બ્રિટનમાં સૌથી પહેલા ૧૭૨૪માં પહેલી પારસી વ્યક્તિ આવી હોવાનો રેકોર્ડ છે. ૧૮૬૧માં બ્રિટનમાં પારસીઓની સંખ્યા વધીને ૫૦ની આસપાસ પહોંચી હતી. બીજા વિશ્વયુદ્ધના અંતે તેમની સંખ્યા ૨૦૦ની આસપાસ થઇ હતી. તેમાં કામા, તાતા અને વાડિયા પરિવારોના કેટલાક વ્યાવસાયિકોનો સમાવેશ થતો હતો. છેલ્લા ૫૦ વર્ષમાં ભારત, પાકિસ્તાન, ઇસ્ટ આફ્રિકા, એડન અને અન્ય બ્રિટિશ કોલોનીઓ અને છેલ્લે ૧૯૭૯માં ઇરાનથી મોટી સંખ્યામાં પારસીઓ બ્રિટન અને યુરોપના અન્ય દેશોમાં પહોંચતા તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ઝેડટીએફઇ બ્રિટનમાં વસવાટ કરતા દક્ષિણ એશિયન મૂળના લોકો દ્વારા સ્થાપિત સૌથી જૂનું ધાર્મિક સ્વયંસેવી સંગઠન છે. સંગઠન દ્વારા બ્રિટિશ સરકાર સમક્ષ પારસી હિતના મુદ્દાની રજૂઆત કરાય છે. યુરોપના અન્ય દેશોમાં વસતા પારસીઓને પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થા દ્વારા મદદ કરાય છે.
સામાજિક સુધારક, શિક્ષણશાસ્ત્રી, બિઝનેસમેન અને રાજકિય નેતા
૧૯મી સદીના પ્રારંભે દાદાભાઇ નવરોજી ભારતના સૌથી વિદ્વાન નેતા ગણાતા હતા. તેમની કારકિર્દીના અંત સુધીમાં તેઓ ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયાનું બિરુદ હાંસલ કરી ચૂક્યા હતા. તેમણે મોટાભાગનું જીવન પશ્ચિમ ભારત અને ઇંગ્લેન્ડમાં સામાજિક સુધારક, શિક્ષણશાસ્ત્રી, બિઝનેસમેન અને રાજકિય નેતા તરીકે પસાર કર્યું.
બ્રિટિશ સામ્રાજ્યના કેન્દ્ર સમાન લંડનમાં રાજકિય સક્રિયતા દ્વારા તેમણે સંસ્થાનવાદના અત્યાચારો અને અન્યાય સામે લડત આપી. ૧૮૯૨માં દાદાભાઇ નવરોજી લંડનની સેન્ટ્રલ ફિન્સબરી બેઠક પરથી લિબરલ પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા. આમ દાદાભાઇ બ્રિટનમાં પહેલા ભારતીય મૂળના સાંસદ બન્યા હતા.
તેમણે બ્રિટનના જ રાજકિય માળખા, પાસાઓ, બ્રિટિશ સામ્રાજ્યની ભાષાનો ભારતની રાજકિય મંઝિલ કંડારવા ઉપયોગ કર્યો હતો.
સાંસદપદના શપથ બાઇબલ પર લેવાનો ઇનકાર
૧૮૯૨માં બ્રિટનની સંસદમાં ચૂટાઇ આવેલા દાદાભાઇ નવરોજીએ સાંસદપદના શપથ બાઇબલ પર લેવાનો ઇનકાર કરી દીધો હતો. દાદાભાઇએ બાઇબલને સ્થાને પારસીઓના પવિત્ર ગ્રંથ ખોરદેશ અવેસ્તાના શપથ લીધા હતા.

દાદાભાઇ નવરોજી – જીવનગાથા
• ૧૮૨૫માં મુંબઇ ખાતે જન્મ, ૪ વર્ષની નાની વયે પિતાનું છત્ર ગુમાવ્યું
• નેટિવ એજ્યુકેશન સોસાયટીની શાળામાં વિનામૂલ્યે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો
• મુંબઇની એલફિન્સ્ટન કોલેજમાં ઉચ્ચતર અભ્યાસ, ૧૮૪૫માં પ્રથમ ભારતીય સ્નાતકો પૈકીના એક
• ૧૮૫૪માં એલફિન્સ્ટન કોલેજમાં જ પ્રોફેસર બન્યા, બ્રિટન સંચાલિત કોલેજમાં પહેલા ભારતીય પ્રોફેસર
• ૧૮૫૨માં બોમ્બે એસોસિએશન અને ૧૮૬૧માં વિધવા લગ્ન સંગઠનની રચના કરી
• ૧૮૫૫માં પ્રોફેસર પદેથી રાજીનામુ આપી પોતાનો બિઝનેસ શરૂ કર્યો
• તેમની કામા એન્ડ કંપની બ્રિટનમાં સ્થપાયેલી પહેલી ભારતીય કંપની હતી
• ભાગીદારો સાથે વિવાદ થયા બાદ કોટન ટ્રેડિંગ કંપનીની સ્થાપના કરી
• ૧૮૫૬થી ૧૮૬૫ સુધી યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે ગુજરાતીના પ્રોફેસર તરીકે સેવા આપી
• ૧૮૬૫માં લંડન ઇન્ડિયન સોસાયટી અને ૧૮૬૬માં ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કરી
• ૧૮૭૪ બાદ ગુજરાત પરત ફર્યા અને બરોડાના મહારાજા મલ્હાર રાવે રાજ્યના દિવાન પદે નિયુક્તિ કરી
• મહારાજાના દેશનિકાલ બાદ દાદાભાઇ બોમ્બે પહોંચ્યા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે સેવા આપી
• ૧૮૮૫માં રચાયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક સભ્ય દાદાભાઇ ૧૮૮૬,૧૮૯૩ અને ૧૯૦૬માં કોંગ્રેસ અધ્યક્ષ રહ્યાં
• બ્રિટન પરત ફર્યા બાદ ૧૮૮૬, ૧૮૯૨, ૧૮૯૫ અને ૧૯૦૬માં સંસદિય ચૂંટણી લડ્યા, ફક્ત ૧૮૯૨માં સાંસદપદે ચૂંટાયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter