આજકાલ ‘હું નક્સલવાદી છું’ એવું કહેવાની (અને તે રીતે મીડિયામાં થોડો સમય ચમકવાની, લોકો ભૂલી ગયા હોય તો તેનો ફોટો જોઈ શકે તેવા હેતુથી) રફતાર ચાલી છે. વિડંબના તો જુઓ કે જ્યારે રાજ્યસત્તા પર ગૃહમંત્રી હતા, પોતાના જ કોંગ્રેસી નેતાઓની કત્લેઆમ નક્સલવાદીઓએ કરી હતી ત્યારે સદંતર નિષ્ક્રિય રહેનાર પી. ચિદંબરમે પોતાને નક્સલવાદી ગણાવવા માટેનું ગૌરવ ઘોષિત કર્યું! સત્તા પર હતા ત્યારે આવું કહ્યું હોત તો રાષ્ટ્રપતિએ તેમને મંત્રીપદેથી બરખાસ્ત કર્યા હોત. કારણ આપણાં દેશમાં નક્સલ પ્રવૃત્તિ પર પ્રતિબંધ હતો.
પણ હાલની વાત સાવ જુદી છે. ચિદમ્બરમ્ કે કેજરીવાલ પોતાને એટલા માટે જ દિમાગી નક્સલ કહે છે, કારણ તેમને યેનકેનપ્રકારે નરેન્દ્ર મોદી - ભાજપ - વર્તમાન સરકારની વિરુદ્ધમાં રહેવું એક મજબૂરી છે. મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા પ્રવચનમાં ‘દિમાગી નક્સલવાદી’થી સાવધ રહેવા કહ્યું તેની આ પ્રતિક્રિયા છે.
પણ આવો નક્સલવાદી હોવાનો સ્વીકાર પોતે જ બંધારણ, દેશ અને પ્રજાવિરોધી વર્તન છે. નક્સલવાદ માટે તેના સ્થાપક ચારુ મઝૂમદારે 1967માં આઠ પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો હતો. તેમાં જમીનદાર, પોલીસ વગેરેની હત્યા કરવાનો નિયમ પણ છે. ચિદમ્બરમ્ અને કેજરીવાલ એવું કરવા તૈયાર હશે? સંસદીય લોકતંત્ર અને ચૂંટણી - બંનેનો નક્સલવાદ ઇનકાર અને અસ્વીકાર કરે છે, આ મહાનુભાવો તો ચૂંટણીમાં જીતીને જ આવ્યા છે, અને બંધારણીય મર્યાદામાં રહેવાની નીતિ સાથે સંમત થઈને પોતાનો પક્ષ ચલાવે છે!
નકસલ ઇતિહાસ પોતે જ હિંસાની સાથે જોડાયેલો છે. 1967માં નકસલબાડી નામે પશ્ચિમ બંગાળમાં આવેલા ગામમાં કેટલાકને મારી નાખવામાં આવ્યા ત્યારથી તેનું નામ નકસલવાદ પડ્યું. તેણે સીધો ટેકો માઓનો હતો. પછીથી તેમાં ઉમેરવામાં આવ્યું કે અમે માઓ-ત્સે-તુંગ, કાર્લ માર્કસ અને લેનિનને અમારા નેતા માનીએ છીએ, તેના વિધાનોથી પ્રેરણા લઈએ છીએ, અમારે ચીની ક્રાંતિ જેવી ક્રાંતિ કરવી છે! શરૂઆતમાં તેના નેતાઓ ચારુ મઝુમદાર, કનુ સાન્યાલ, અને જંગલ સાંથાલ હતા. પણ કોઈનો સર્વાનુમત નહોતો.
કોલકાતાના શિક્ષિત યુવકો ભોળવાઈ ગયા (જેવું અત્યારે જેન-ઝી, કોકરોચ, આલ્ફા વગેરેમાં થયું છે) અને મરાયા, જેલોમાં ગયા. મહાશ્વેતા દેવીની એક નવલકથા છે, ‘હાજાર ચુરાશિર મા’ (એક હજાર ચોર્યાશીરની મા). તે વાંચતાં અંદાજ આવે છે કે યુવકોને તેની મુગ્ધ આદર્શ અવસ્થાનો લાભ લઈને કેવો ઉપયોગ કરવામાં આવે છે! જાણે મહાન ક્રાંતિ કરી રહ્યા હોય તેમ ગંદી ગાળો તેનું હથિયાર બની ગયું. બિચારા વાંગચૂકને હીરો બનવાની હોંશમાં ઉપવાસી બનીને નજર સામે આ બધું જોવું પડ્યું. એટલું જ નહીં, પણ કેટલાક બૌદ્ધિકો ગાલી પ્રદાનની તરફેણમાં આવ્યા અને કહ્યું કે આ પણ અભિવ્યક્તિ છે. ખરેખર જો વિરોધની આ અભિવ્યક્તિ હોય તો ગાંધીજી, જવાહરલાલ, સુભાષબાબુ, સરદાર વલ્લભભાઈના પ્રવાચનોમાં આવી ગાળો જોવા મળી હોત!
નક્સલવાદનું ઝનૂન એવું રહ્યું કે તેના ફાંટા પડતા રહ્યા. અમિત શાહે ભલે નક્સલવાદને ખતમ કર્યો હોય પણ દસ્તાવેજો મુજબ આજે પણ 40 નકસલ જૂથો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પોતે જ આદિવાસીઓનું શોષણ કરવા માંડ્યા, ખંડણી શરૂ થઈ, સુરક્ષા દળો પર હુમલા માટે તેમનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. આવી ચળવળ છત્તીસગઢ કે બસ્તર કે મહારાષ્ટ્ર પૂરતી મર્યાદિત ના રહી. બીજે પણ વિસ્તરી.
સાવ સીધુંસાદું સત્ય એ છે કે આ બધાં 40 જૂથોને ચીનની મદદ મળતી રહી. ક્યાંક તેણે માઓ જૂથ તરીકે ઓળખવામાં આવ્યું, તો બીજે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (એમ - એટલે કે માઓ), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (મા.લે. - એટલે કે માર્ક્સવાદી લેનિન), સિલીગીડી જૂથ ઓફ નકસલ, ઓલ ઈન્ડિયા કો-ઓર્ડિનેશન કમિટી ઓફ કમ્યુનિસ્ટ રિવોલ્યુશનરીઝ (એઆઇસીસીઆર), માર્કસવાદી – લેનિનવાદી પાર્ટી, ગદર રિવોલ્યુશન વગેરે જૂથો કામ કરતાં થયા. બધાનું છેવટનું કામ હત્યા, હુમલા, ખંડણી, અને તેનું નામ ક્રાંતિ! બીજો નારો એટલે વર્ગ દુશ્મનોની હત્યા. હવે કોણ વર્ગ દુશ્મન છે તે નક્કી કરનારો તેનો એકાદ નેતા જ હોય. બીજાઓએ અનુસરવાનું. સરકારોએ તે જૂથોને આતંકવાદી તરીકે જાહેર પણ કર્યા હતાં.
તમે આ બધાના મૂળ અને કૂળ તપાસો એટલે 1962ના ચીની આક્રમણને નજરમાં રાખવું પડે. ત્યાં સુધી તો ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી માટે ચીન અને રશિયા આરાધ્ય હતાં, મદદ પણ મળી રહેતી. 1945માં ગાંધીજીને પ્રજાદ્રોહી કહેવા, સુભાષને જાપાનના દલાલ કહેવા વગેરે આદેશો રશિયાથી આવતા રહ્યા. હૈદરાબાદ અને વિભાજનમાં પણ તેવી જ નીતિ રીતિ રહી. 1962માં ચીને સરહદો પર હુમલા કર્યા, એટલે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ના ભાગલા પડ્યા.
એ યાદ રાખવા જેવું છે કે ચીનતરફી ભાંગફોડ અને અલગાવને અંકુશમાં લાવવા પહેલી કટોકટી 1962માં સરકારે લડી હતી. નક્સલ નેતા કનુ સાન્યાલને દાર્જીલિંગ જિલ્લાનો કૃષક સભાનો 1952માં જ પ્રમુખ બનાવવામાં આવ્યો. તેણે ખેતરોમાં થયેલો પાક લૂંટવાથી શરૂઆત કરી. 1964માં સામ્યવાદીઓના ભાગલા પડ્યા. 1965માં ચારુ મઝૂમદારનો આઠ પાનનો દસ્તાવેજ બહાર પડ્યો. એક પછી એક હત્યાઓ શરૂ થઈ. એક નેતાને ચીન મોકલ્યો. બીજાને પૂર્વ પાકિસ્તાન. કનુ સાન્યાલ પણ ચીન જઇ આવ્યો. તેની માઓની સાથે મુલાકાત થઈ. (બીજી ઓકટોબર, 1967). તાલીમ લીધી, 26 ડિસેમ્બર, 1967 તે ભારત પાછો ફર્યો. 20 ફેબ્રુઆરી 1968ના નક્સલ આંદોલનને નષ્ટ કરવા સમગ્ર બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
વ્યક્તિગત હત્યા કરો તેવો નિયમ થયો તો નક્સલવાદીઓએ નેતાજી બોઝના ફોરવર્ડ બ્લોકના નેતાની હત્યા કરી. આ નેતાઓ છેક આંધ્ર પ્રદેશ સુધી જઇ આવ્યા. શ્રીકાકુલમ મુકદ્દમામાં કનુ સાન્યાલને આજીવન કારાવાસની સજા થઈ. ડાબેરી મોરચાએ બધાં નક્સલીઓને જેલથી મુક્ત કર્યા. 1977માં કનુ પણ કોર્ટના આદેશથી મુક્ત થયો. 23 માર્ચ, 2010માં આ સ્થાપક નેતાની પોતાના કાર્યાલયમાં ફાંસી પર લટકતી લાશ મળી.
આપણી એક ગુજરાતી યુવતી અજીતા 1968માં કેરળમાં તેલીચેરી ધાડમાં સામેલ થઈ. તેની મોટી બહેન મંદાકિની ભાવનગરની ગુજરાતી શિક્ષિકા હતી, પિતા કુનીકલ નારાયણ મુંબઇનો નક્સલી નેતા. ડાબેરી સરકારે તમામને જેલમાં ધકેલી દીધા. જનમટીપની સજા થઈ. તેની મલયાલમ ભાષામાં આત્મકથા પ્રકાશિત થઈ છે. અજિતાએ તેમાં સ્વીકાર્યું છે કે કથિત ડાબેરીઓ ક્રાંતિકારો પણ કેવા નકલી હતાં, જુલમ કરતા.
અજીતાની આત્મકથા તે સમયના નક્સલીઓના ખેલ ખુલ્લા પડે છે તે જ ચીલો અત્યારનો છે. કેટલાક અધ્યાપકો, લેખકો, કવિઓ, સંસ્થાઓના સ્થાપકો, યુનિવર્સિટીના બૌદ્ધિકો, ઇતિહાસકારો – જેમને નરેન્દ્ર મોદી ‘દિમાગી નક્સલવાદી’ કહે છે, તેઓ ખરેખર તો અર્ધ દિમાગી નકસલવાદીઓ છે, પ્રગતિશીલ ગણાવીને તેઓ અલગાવવાદી દૂષિત પ્રચારમાં સક્રિય છે અને તેને ‘ક્રાંતિ’ ગણાવે છે. આવી પ્રવૃત્તિના હાથ ઘણા લાંબા છે, અન્ય દેશોમાં તેનું કામ છે.
હમણાં નોર્વેમાં એવી એક પરિષદ યોજાઇ હતી જેનો મુખ્ય વિષય હતો, સત્તા પરિવર્તન કઈ રીતે કરાવવું. ભારતમાં સ્વાભાવિક છે કે મોદી-ભાજપ-સંઘ વિરોધી છાવણી, જુદી જુદી જગ્યાએ, જુદા જુદા મુદ્દા સાથે, જુદા જુદા માધ્યમોથી, સ્કોલરશીપથી માંડીને દેશોની મુલાકાતો સુધીની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ એક જ માનસિક્તાથી તેઓએ ‘દિમાગી નકસલવાદી’ હોવાનું નક્કી કર્યું છે. આ સંપૂર્ણ દિમાગ નથી, અર્ધદિમાગી કસરત છે. એટલે જુદા જુદા સંગઠનોના નામ દેખીતી રીતે તો નિર્દોષ અને સમાજસેવી લાગે, તેને ‘વંચિત, પીડિત, દલિત અને મહિલા’ની જાગૃતિનું નામ આપવામાં આવે, નાનો કે મોટો અલગાવ પેદા થાય, તેવાં તત્વો ઠેર ઠેર પડ્યાં છે. બૌદ્ધિકતા અને ક્રાંતિના તે કળાકારો છે. તમારી આસપાસ પણ ક્યાંક હશે!


