દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન!

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 15th September 2021 06:23 EDT
 
 

રેડિયો પર હમણાં એક ગીત સાંભળીને મને અમારી સાહેલી ગ્રુપમાં થતી વાતો યાદ આવી ગઇ. ફિલ્મ "પેડમેન"માં અરિજીત સિંઘના કંઠે ગવાયેલા ગીતના બોલ હતા, “આજ સે મેરા ઘર તેરા હો ગયા, આજ સે મેરીખુશિયાં તેરી હો ગઇ, તેરે માથે કે કુમકુમ કો મૈં તિલક લગા દૂંગા, તૂં બારિશમેં અગર કહદે, “જા મેરે લિયે ધૂપ ખિલા" તો મૈં સૂરજ કો ઝટક દૂંગા, સાવન કો ગટક લૂંગા, સારે તારોં સંગ ચંદા મૈં તેરી ગોદ મૈં રખ દૂંગા!” આ લીરીક્સ લખનારો કવિ કે શાયર કોઇ યુવતીના પ્રેમમાં પડ્યો હશે અથવા રૂપાળી રમણી સાથે તાજો તાજો પરણ્યો હશે..! ના.. ના.. હોં.. આવી ઘેલછા અત્ર-તત્ર સર્વત્ર જોવા મળે છે!
૬૦-૬૫ વટાવી ચૂકેલી અમારી સાહેલી ગ્રુપની સખીઓ સાથે મળી શકાતું નથી પણ કોરોનાકાળમાં ફોન પર અવારનવાર ચર્ચાઓ થતી હોય છે એમાં કેટલીક બહેનોને હૈયુ ઠાલવવા બપોરનો સમય મોકળાશભર્યો રહે છે. આમ તો હું પત્રકારત્વમાં બીઝી રહું એટલે મારે બહુ ઝાઝું સખીમંડળ નથી પણ આપણા સમાજની કેટલીક નિવૃત્ત બહેનો સમયના બદલાતા રંગઢંગ સામે કયારેક અમારી સમક્ષ એમના મનના ઉભરા ઠાલવતી હોય છે. આ નિવૃત્ત બહેનોનું કહેવું છે કે, છેલ્લા ૨૫-૩૦ વર્ષમાં આપણી કુટુંબ વ્યવસ્થા, કુટુંબના સભ્યોની માન-મર્યાદા, આચાર-વિચારમાં કેટલો બદલાવ આવ્યો છે..! ૫૦, ૬૦ કે ૭૦ના દાયકામાં પરણેલી બહેનોનું કહેવું છે કે “આપણી દશા સેન્ડવીચ જેવી થઇ ગઇ છે..!” સેન્ડવીચમાં બન્ને બાજુ જે બ્રેડ હોય એના ઉપર જ વધારે દબાણ આવતું હોય છે એમ આ બહેનો જયારે ૨૫-૩૦ વર્ષ પહેલાં પરણીને સાસરે આવેલી ત્યારે માન-મર્યાદામાં રહીને સાસુ, સસરા, જેઠ, દિયેર કે નણંદ સહિત સાસરીયાની જે સવલતો સાચવી એવી આજની આધુનિક પુત્રવધૂઓ એ વાતને વધાવવા તૈયાર નથી. પહેલાના વખતમાં તો આપણે પરણીને સાસરીયે પગ મૂકીએ એટલે આપણાં સાસુમા સોરી આપણાં બા અથવા મમ્મી ઘરના સર્વ કામકાજમાંથી નિવૃત્ત થઇ જતાં..! જો કે બા નિવૃત્તિમાં સતત આપણા પર ચાંપતી નજર રાખી પ્રવૃત્ત તો રહેતાં, કદાચ કોઇ કામકાજ કે રસોઇમાં ભૂલચૂક થઇ હોય તો ખાસ આપણા પતિદેવ સામે ભૂલોનો ભંડાર ખોલી બેધડક આપણને આપણી હેસિયત પણ બતાવી દેતાં. એ વખતે વાજતે ગાજતે આપણો હાથ ઝાલી, સપ્તપદીના વચનો સાથે આપણું રખોપુ કરવાના સોગંદ લેનાર પતિદેવ… સોરી… પૂજ્ય સાસુમાના દિકરા મૌન બનીને પોતાની વંદનીય 'મા'ના પલ્લામાં જ બેસી જતા અને આપણે નીચા મસ્તકે પૂજ્ય સાસુમા સામે શબ્દ ઉચ્ચારી શકતા નહિ..! પરણીને અજાણ્યા ઘરે જઇએ ત્યારે "તમને અહીં ફાવે છે કે ફાવશે..? એવું પૂછવાને બદલે આપણી પાસે આશાઓ, અપેક્ષાઓનો ઢગલો ખડકી દેવાતો. કેટલાક પરિવારોમાં તો પત્ની સૌ વચ્ચે પતિનું નામ પણ ઉચ્ચારી શકતી નહિ..!
મિલેનિયમની શરૂ થતાં જેમ તમામ ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું એમ આપણી યુવાપેઢીની વિચારધારામાં પણ ગજબનું પરિવર્તન આવ્યું છે. રજીસ્ટર્ડ મેરેજ સાથે "મિસ્ટર એન્ડ મિસીસ"નું લાયસન્સ મળી જતાં જ કુટુંબના દાદા-દાદી, કાકા-કાકી કે પપ્પા-મમ્મી સામે જ પ્રેમાલિંગન કરી ચુંબનો શરૂ થઇ જતાં હોય છે. અહીંથી જ "ડાર્લિંગ ઘેલો" ઉપરના ગીતની કડીઓ "આજસે મેરા ઘર તેરા હો ગયા..!"લલકારવા માંડે છે, પરણેલા દિકરાને આંખે એકદમ જ ચશ્મા બદલાઇ જાયછે…! ઉજાગરા કરીને, કષ્ટ વેઠીને મોટા કરનાર મા-બાપ એના મન "ઝીરો" બની જતા હોય છે. એની દુનિયા માત્ર એની "બેબ્સ", “ડાર્લિંગ" કે "હની" સુધી સિમિત બની જાય છે. ફેકટરીઓ કે ઓફિસોમાં નવ-નવ કલાક ઉભા રહીને કામ કરી આવનાર થાકીપાકી મમ્મીઓ સંતાનો માટે ઝટપટ ગરમા ગરમ રોટલીઓ, દાળ-ભાત, શાક કે નિત નવી વાનગીઓ જમાડતી એના સમર્પણનો સત્યાનાશ વળી જાય ત્યારે હૈયે કેવી વેદના ઉપજે..!? આ આધુનિક વિચારધારા માત્ર પશ્ચિમના દેશોમાં છે એવું નથી..! ભારતની યુવાપેઢીમાં પણ આવું પરિવર્તન જોવા મળે છે. કેટલીક બહેનોએ હસી-મજાક કરતાં કહ્યું કે, “બળ્યું…. આપણે પરણ્યા ત્યારે આપણી સાસુને વાત વાતમાં વાંકુ પડી જતું ત્યારે મોંઢું ચઢાવીને કંઇ સુધી ફરતાં પછી એમના સુપુત્ર સમજાવે-પટાવે પછી "બા કે મમ્મીજી" આપણા પ્રત્યે જે ગુસ્સો ભર્યો હોય એણે ગેરસપ્પાના ધોધની જેમ મનમેલી ઠાલવતાં, એ વખતે આપણે પારેવાંની જેમ ફફડતાં, બા કે એમના સુપુત્ર સામે દલીલ કરી શકતા નહિ, આજે એ પાંદડું ફેરવાઇ ગયું છે અર્થાત સિન બદલાઇ ગયો છે. આજે આધુનિક પુત્રવધૂનું કંઇક વાતે મોંઢું બગડ્યું હોય, સોરી… "મૂડ ઓફ" થઇ ગયો હોય તો આપણને મનમાં ચટપટી થાય, ભીતિ લાગે કે શું થયું હશે?! હમણાં બેડરૂમમાં જઇને કોડવર્ડ લેંગવેજમાં આપણા દિકરાને ફરિયાદ કરીને વાતનું વતેસર કરી ટેન્શન વધારે ના તો સારું…!
લંડનમાં રહેતા એક નિવૃત્ત દંપતિ એમના બે સંતાનોને ત્યાં વારાફરતી રહેવા જતાં અને આનંદમય સમય વિતાવતાં, એક દિકરો લંડનમાં અને દીકરી અમેરિકામાં વસે છે, આજના વખતમાં દિ'વાળે એ દિકરી એટલે આ બન્ને પતિ-પત્ની ઝાઝું અમેરિકામાં જ રહેતા પણ આ કોરોનાએ કેર વર્તાવ્યો ત્યારથી આ નિવૃત્ત દંપતિ દોઢેક વર્ષથી દિકરાને ઘેર ફસાયું છે..!! આઇટી ભણેલો દિકરો, ગ્રેજયુએટ પુત્રવધૂ અને બે ગ્રાન્ડ ચિલ્ડરન સાથે આલિશાન ઘરમાં રહે છે. આજે પરિસ્થિતિ એવી આવી ગઇ છે કે સાસુ સવારથી ઉઠી ઘરની સાફ સફાઇ અને રસોઇની જવાબદારી સંભાળી રહ્યાં છે, પિતા બાળકોને સ્કૂલે લેવા-મૂકવા જાય છે તેમછતાં પુત્રવધૂને પતિદેવનાં "ડસ્ટબીન" એટલે કે મા-બાપ આંખના કણાની જેમ ખૂંચે છે..! ધીરે ધીરે પુત્રવધૂએ સાસુ સાથે બોલવાનું બંધ કરી દીધું. ટેબલ પર સાથે બેસી ચ્હા પીવાનો કે ખાવાનોય સંબંધ નહિ..! સસરાએ પુત્રવધૂનો આ વર્તાવ જોઇ અત્યંત દુ:ખ વ્યક્ત કરી દિકરાને એમના માટે અલાયદો ફલેટ શોધવા જણાવ્યું. જો કે એ મા-બાપ પાસે પૂરતી મૂડી હોવાથી રહેવા માટે ફલેટ મળી ગયો છે ત્યારે 'ટાઢા પાણીએ ખસ ગઇ" એવું સમજનાર પુત્રવધૂએ ખુશ થતાં એની નિકટની સહેલીઓને ખુશ ખબર આપી "શેમ્પેઇન પાર્ટી" માટે આમંત્રણ આપ્યું છે..!!
 સામાન્ય રીતે આધુનિક વહુઓને સસરા કરતાં સાસુઓ પ્રત્યે વધુ અણગમો જોવા મળે છે…! કારણ..? રસોડે સાથે કામ કરવાનું એક મોટું કારણ તો ખરું જ સાથે માતૃત્વની મમતા તરફ પોતાનો "ડાર્લિંગ" વધુ પડતો ઢળી ના જાય એની પણ આધુનિક યુવતીઓ ખૂબ સાવચેતી રાખતી હોય એવું લાગે..! એટલે આ કેસમાં પણ આપણી ગુજરાતી, ભણેલી, મોર્ડન પુત્રવધૂને સાસુ "લલિતા પવાર" જેવી ખતરનાક જ દેખાતી હશે. કેટલાક કેસમાં સાસુઓ પણ અક્કડ રહી સાસુપણાનો પ્રભાવ પાડવા મથતી હોય છે પણ અહીં આ સાસુ બિચારી તદ્ન સરળ અને સાદગીપૂર્ણ, ચાલશે-ફાવશેવાળા હતા. ચાલો.. અંતે સાસુ-સસરા સુખી થયાં અને સંસ્કાર-સંપન્ન (!?) પુત્રવધૂ પણ શેમ્પેઇન પાર્ટીમાં તરબતર થઇ ખુશખુશાલ…!
(નોંધ: આજે કેટલાક અપવાદ બાદ કરતાં આજે મોટાભાગની સાસુઓ પુત્રવધૂઓને દિકરી ગણીને જ વર્તન, વ્યવહાર કરતી હોય છે, એ જ રીતે કેટલાક સંસ્કારી કુટુંબની દિકરીઓ પુત્રવધૂ બની સાસરે આવે ત્યારે સાસુ-સસરા સહિત સમગ્ર કુટુંબ-કૂળને તારે એવી સુલક્ષણી હોય છે. અમારી પાસે સાસુ સાથે ફ્રેન્ડલી હોય, સાસુને પોતાની "મા"નો દરજ્જો ગણતી હોય એવી સંસ્કારી પુત્રવધૂઓ વિષે માહિતી છે એ આવતા ભવિષ્યમાં રજૂ કરશું.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter