દેવદિવાળીઃ દૈવીશક્તિના વિજયને વધાવવાનું પ્રકાશપર્વ

પર્વવિશેષ - દેવદિવાળી

Tuesday 21st November 2023 16:32 EST
 
 

ભગવાન શિવજીએ કાર્તિકી પૂર્ણિમાએ રાક્ષસોનાં ત્રણ નગરોનો સંહાર કરી વિજય મેળવેલો. તે પ્રસંગે દેવોએ દીવા પ્રગટાવી વિજયનો આનંદોત્સવ મનાવ્યો. ત્રણ નગર એટલે ‘ત્રિપુર’. આથી દેવદિવાળીને ‘ત્રિપુરોત્સવ’ પણ કહે છે. આ અવસરે દેવલોકના દેવો ભેગા મળીને વિષ્ણુ-તુલસીનું દીપમાળાઓ પ્રગટાવીને સ્વાગત કરે છે.
ભારતીય સંસ્કૃતિમાં તામસી આસુરીશક્તિ ઉપર સાત્વિક દૈવીશક્તિના વિજયને વધાવવા દસ-દસ દિવસીય ત્રણ પ્રકાશ-પર્વો ઊજવાય છે: પહેલું - મહિષાસુર જેવા આતંકવાદી રાક્ષસને વિજયાદશમીએ સંહારી વિજય મેળવનાર જગદંબા-નવદુર્ગાની આરાધના અને ઉપાસના કરવાનું નવરાત્રિ પર્વ, બીજું - વાઘબારસથી લાભપાંચમ-સૂર્યછઠ્ઠ સુધીનું દીપોત્સવી પર્વ અને ત્રીજું, કાર્તિક સુદ લાભપાંચમથી આરંભીને કાર્તિકી પૂર્ણિમા સુધીનું દેવદિવાળી પર્વ. વિજય કે સ્વાગતનાં આ પર્વોનાં વધામણાં દીપમાલાઓ, દીવડાઓ પ્રગટાવીને ધામધૂમથી કરાય છે.
અંધારામાંથી પ્રકાશ ભણી જવાની, મૃત્યુલોકમાંથી પ્રકાશલોકમાં જવાની આપણી ઇશ્વર પાસે કાયમી પ્રાર્થના છે: હે પરમાત્મન્, અંધકારમાંથી મને પ્રકાશમાં લઇ જા, મૃત્યુમાંથી અમૃત તરફ લઇ જા. દીપક તો અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનારી જયોતિ છે. આસુરીશક્તિ તમોગુણી છે, દુર્ગુણોની કાળાશથી ખરડાયેલ છે તો દૈવીશક્તિ સતોગુણી છે, શ્વેત-શુદ્ધ-સાત્વિક વૃત્તિથી ઝળહળતી છે. આવી સાત્વિક દૈવીશક્તિએ તામસી આસુરી-શક્તિ ઉપર મેળવેલ વિજયનું પર્વ એટલે ‘નવરાત્રિ’, ‘દિવાળી’ અને ‘દેવદિવાળી’.
પૃથ્વીલોકના માનવો આસો વદ અમાસે ‘દિવાળી’ ઊજવે છે, તો વૈકુંઠલોકમાં કાર્તિક સુદ પૂર્ણિમાએ (આ વર્ષે 27 નવેમ્બરે) દેવો ‘દેવદિવાળી’ મનાવે છે. માનવોના દીપોત્સવી પર્વ સાથે આસુરી સંપાત ઉપર દૈવી સંપાતના વિજયની અનેક કથાઓ જોડાયેલી છે, જેવી કે - દૈવીશક્તિને રાક્ષસો ઉપર વિજય, રામનો રાવણ ઉપર વિજય, શ્રીકૃષ્ણનો નરકાસુર ઉપર વિજય વગેરે તો શિવપુરાણ વગેરેની કથાઓ પ્રમાણે ભગવાન શિવજીએ કાર્તિકી પૂર્ણિમાએ રાક્ષસોનાં ત્રણ નગરોનો સંહાર કરી વિજય મેળવેલો. તે પ્રસંગે દેવોએ દીવા પ્રગટાવી વિજયનો આનંદોત્સવ મનાવ્યો. શિવજીનો જયજયકાર કર્યો. ત્રણ નગર એટલે ‘ત્રિપુર’. આ સંદર્ભમાં દેવદિવાળીને ‘ત્રિપુરોત્સવ’ પણ કહે છે, ત્રિપુર-વિજયની કથા સંક્ષેપમાં જોઇએ તો...
શંકર-પાર્વતીના શૂરવીર પુત્ર કાર્તિકેયે માથાભારે તારકાસુરનો સંહાર કર્યો, પરંતુ એ રાક્ષસના ત્રણ પુત્રોએ ભારે તપશ્વર્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું. વરદાન પ્રમાણે વિશ્વકર્મા પાસે તૈયાર કરાવેલા ત્રણ ધાતુના વિમાન જેવા હરતાં-ફરતાં ત્રણ નગરોમાં બેસીને એ ત્રણેય રાક્ષસો મરજી પ્રમાણે ભ્રમણ કરવા લાગ્યા. ઉદ્ધત બની જઇને તેમણે દેવો ઉપર પણ આધિપત્ય જમાવ્યું. તે વેદ ભણવા લાગ્યા, યજ્ઞ-યાગાદિ કરવા લાગ્યા! ધર્મના અંચળા તળે તેમનો આ દંભ જ હતો. આવા દંભી રાક્ષસોનો સંહાર કરવા વિષ્ણુએ એક માયાવી પુરુષ ઉત્પન્ન કરીને, તેને નાસ્તિક ભૌતિકવાદનો પ્રચાર કરવા પેલા દૈત્યો પાસે મોકલ્યો. તેણે રાક્ષસોમાં પ્રચાર કર્યો. ‘સ્વર્ગ-પરલોક જેવું કશું નથી, સ્વર્ગ-નરક, ઇશ્વરની વાતો તો ધુતારાઓએ ઊભી કરેલી મિથ્યા કલ્પનાઓ છે, શરીર જ આત્મા છે, તેથી દેવું કરીને પણ ઘી પીઓ, ખાઓ-પીઓ ને મજા કરો, આ જ જીવનનું સાચું તત્વજ્ઞાન છે.’
માયાવી પુરુષના ઉપદેશથી હવે દૈત્યોએ યજ્ઞ-યાગાદિ કર્મો અને ધર્મ-ભક્તિ છોડી દીધાં. અધર્મના માર્ગે વળી તે તદ્દન નાસ્તિક બની ગયા. હવે અધર્મી બનેલા દૈત્યોને હણવાનું કાર્ય સરળ થઇ ગયું. દેવોની વિનંતીથી ભગવાન શિવજીએ કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે ત્રણેય નગરોનો રાક્ષસો સાથે વિનાશ કર્યો. આમ, શિવજી ત્રિપુર-સંહારક ‘ત્રિપુરારિ’ કહેવાયા. આ વિજયના શુભપ્રસંગે સર્વ દેવોએ શિવજી સમક્ષ દીવડાઓ પ્રગટાવીને આનંદ-ઉલ્લાસ વ્યક્ત કર્યો. ત્યારથી દેવલોકમાં ‘દેવદિવાળી’નો ઉત્સવ ઊજવાવા લાગ્યો. ધર્મનો ઢોંગ કરતા દુરાચારી રાક્ષસને હણવા ક્યારેક વિષ્ણુ જેવા ભગવાનને પણ ‘માયાવી-પુરુષ’નું કપટ રચવું પડે છે.
દેવલોક કે વૈકુંઠલોકમાં દેવદિવાળી ઊજવવાનો કારણ-સંબંધ દેવઊઠી (પ્રબોધિની) એકાદશી અને ભગવાન વિષ્ણુ અને તુલસીના વિવાહ સાથે પણ છે. આસુરીશક્તિને સંહારવા ક્યારેક કપટનો આશ્રય પણ લેવો પડે, એવી બીજી પણ એક પૌરાણિક કથા છે.
પદ્મપુરાણ પ્રમાણે ભગવાન વિષ્ણુએ પત્નીના પતિવ્રત્યના પ્રભાવથી રક્ષાતા શંખાસુરને સંહારવા એની પત્ની વૃન્દાને કપટથી ચારિત્રય-ભ્રષ્ટ કરી અને એ રીતે રાક્ષસનો સંહાર કરી ભગવાન વિષ્ણુ અષાઢ સુદ એકાદશીએ ક્ષીરસાગરમાં પોઢી જાય છે અને ચાતુર્માસ પૂર્ણ થતાં, પાછા કાર્તિક સુદ એકાદશીએ જાગે છે. તે પછી તેમના વિવાહ વૃન્દામાંથી તુલસી બનેલ દેવી સાથે થાય છે.
કાર્તિક સુદ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ નવવધૂ તુલસી સાથે પૃથ્વીલોક ઉપરથી સ્વધામ વૈકુંઠલોકમાં પધારે છે. શંખાસુરનો વધ કરીને આવેલા વિષ્ણુની પધરામણીના મંગળ અવસરે વૈકુંઠ કે દેવલોકના દેવો ભેગા મળીને નવદંપતી વિષ્ણુ-તુલસીનું દીપમાળાઓ પ્રગટાવીને સ્વાગત કરે છે. આ રીતે, કાર્તિક સુદ પૂર્ણિમાનો દિવસ ‘દેવદિવાળી’ રૂપે ઉજવાયો. ધરતીલોકનાં નર-નારીઓ પણ દીવડાઓ પ્રગટાવીને, ફટાકડા ફોડીને દેવોની દિવાળી ઊજવવામાં સહભાગી બને છે, દેવલોક અને મનુષ્યલોકનો સંગમ સધાય છે, દેવો અને મનુષ્યોનો આનંદ એકરૂપ બની જાય છે.
દેવદિવાળીએ દીવડાઓની પ્રકાશધારાઓથી આપણે મનનો અંધકાર ધોઇ નાખવા સંકલ્પ કરીએ. દેવદિવાળી ઊજવીને આપણે પણ આસુરી-તામસીવૃત્તિ દૂર કરીને દેવ જેવી સાત્વિક-પ્રકાશિત વૃત્તિના થઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter