વંદે માતરમ્ - ‘માતાને પ્રણામ’ આ બે શબ્દોએ દેશના ઈતિહાસમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ બે શબ્દોએ દેશમાં નીડરતા અને આત્મ-બલિદાનોનો અનોખો ઈતિહાસ રચ્યો છે.
વંદે માતરમ્ એક સૂત્ર કે નારો નથી પરંતુ એ તો દેશ માટે દિલમાંથી ઊભરતું શક્તિશાળી મોજું છે. સરદાર ભગતસિંહ, બટુકેશ્વર દત્ત, રાજગુરુ સહિત સેંકડો યુવાનોએ જે દઢતા અને ભક્તિથી ફાંસીનો ગાળીયો ગળે નાંખતા સમયે પૂરી તાકાતથી કહ્યું હતુંઃ વંદે માતરમ્... આ જ શબ્દો કહીને તેમણે પોલીસની ગોળી છાતી પર ઝીલી હતી.
હિંદ છોડોના આંદોલન દરમિયાન અમદાવાદની ગુજરાત કોલેજના પરિસરમાં છાતી સામે તકાયેલી બંદુકની પરવા કર્યા વિના વીર કિનારીવાળાએ નીચે પડતા રાષ્ટ્રધ્વજને પકડીને કશા ભય કે શંકા વિના જે મક્કમ ડગલા ભર્યા હતાં... ‘વંદે માતરમ્’. 1930માં દાંડી કૂચ બાદ ધરાસણામાં મીઠા સત્યાગ્રહ કરતાં સત્યાગ્રહીઓના બેફામ લાઠીમારમાં માથા ફાટી ગયાં, બેહોશ પડી ગયા ને મૃત્યુ પામ્યા ત્યારે સૌના માટે ‘વંદે માતરમ્’નો ઉચ્ચાર સંજીવનીથી ઓછો ન હતો. ખેડા સત્યાગ્રહ, નાગપુર સત્યાગ્રહમાં દેશભક્તિના અનેક ગીતો સાથે વંદે માતરમનો ઉચ્ચાર કાને પડતાં જ સત્યાગ્રહીઓ સમક્ષ મા ભારતીની મુક્તિ માટે ફના થઈ જવાની લાગણીનો ધોધ વહેવા માંડતો હતો.
1857ના સંગ્રામની નિષ્ફળતાએ દેશના અનેક લોકોના મનમાં આશંકાનો માહોલ રચ્યો હતો કે અંગ્રેજોની કપટનીતિ, અત્યાચારો અને ક્રુરતા સામે લડવામાં આપણે ઊણાં ઊતરીશું. 1882માં બંગાળના સાહિત્યકાર બંકિમચંદ્ર ચટોપાધ્યાયે ‘આનંદમઠ’ નામની નવલકથા લખી. સંન્યાસીઓ દ્વારા સ્વતંત્રતા માટે વિદ્રોહની વાર્તા સાથે એક ગીતની રચના કરાઇ. આ ગીતના શરૂઆતના શબ્દોઃ ‘વંદે માતરમ્’ એ ઔપચારિક વંદન ન રહેતાં સંપૂર્ણ સંકલ્પનો શબ્દ બની રહ્યો.
1905માં તત્કાલીન વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડયા ત્યારે તે નિર્ણય સામે લોકોનો રોષ ભભૂકી ઊઠયો. બંગભંગ સામેના આંદોલને દેશની પ્રજાને જાગૃત કરી ત્યારે તે લડતનો નારો હતો ‘વંદે માતરમ્’. આ વર્ષે ‘આનંદમઠ’ પ્રસિદ્ધ થયાને 143 વર્ષ થયા. આપણે ‘વંદે માતરમ્’ ગીતની રચનાની સાર્ધ શતાબ્દિ ઉજવીએ છીએ તે ઘટના પણ આગવું મહત્ત્વ ધરાવે છે.
1905થી ‘વંદે માતરમ્’ શબ્દો દ્વારા આપણે સામાવાળાનું અભિવાદન કરતાં હતાં. પત્રવ્યવહારનો યુગ હતો ત્યારે પત્રની શરૂઆત કે અંતમાં આપણા નામ સાથે વંદે માતરમ્ લખી આપણે સૌ મા ભારતીના પરિવારના સભ્યો હોવાનું ગૌરવ અનુભવતા હતાં.
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ઈ.સ. 1876માં ‘વંદે માતરમ્’ ગીત જે તેમની નવલકથા ‘આનંદમઠ’ (1882)માં પ્રકાશિત થયું હતું તે ગુજરાતી ભાવાર્થ સાથે (જૂઓ બોક્સ) રજૂ કર્યું છે. આ ગીત મૂળરૂપે સંસ્કૃત અને બંગાળી શબ્દોના મિશ્રણથી લખાયેલું છે. જેમ કે, વંદે માતરમ્ (સંસ્કૃત અને બંગાળી).
ભારતના આત્માને જાગૃત કરનાર, દેશભક્તિની ભાવના પ્રજવલિત કરનાર અને શહિદોની શહાદતને એક અનોખી હૂંફ આપનાર આ ગીત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અતૂટ રીતે જોડાયેલું છે.
‘વંદે માતરમ્’ એ બે શબ્દો જ નથી, પરંતુ આઝાદીની તમન્નાઓનો પર્યાય છે. ભય, શંકા, સ્વાર્થ, અપેક્ષા વગેરે છોડીને માભોમની આઝાદી માટે ફના થઈ જવાના સંકલ્પની અભિવ્યક્તિ છે. આ રાષ્ટ્ર પ્રેમભક્તિના અનુપમ ગીતનું ગાન આજે પણ આપણા રૂંવાડા ખડા કરી દે છે.
વીસમી સદીનો પૂર્વાર્ધ એવો હતો કે જેમાં તમામ પ્રાદેશિક ભાષાઓમાં અનેક કવિઓએ લોકોની આઝાદી માટેની લાગણીઓને શબ્દસ્થ કરી હતી.
ગુજરાતમાં કવિ હંસરાજ, કવિ ઝવેરચંદ મેઘાણી, કવિ ઉમાશંકર જોષી, કવિ સુંદરમ, કવિ કાગ સહિત ગાંધીયુગના કવિઓની કલમે આપણને એક એવો અમુલ્ય વારસો આપ્યો છે કે જે આપણે આગામી પેઢી સુધી પહોંચાડવો જ રહ્યો.
‘વંદે માતરમ્’ ગીતની રચનાને 150 વર્ષ થયાં તે પ્રસંગે તેનું ગાન સર્વત્ર થઈ રહ્યું છે તે જાણી આપણી છાતી ગજગજ ફૂલે છે, આપણા પૂર્વજોએ જે બે શબ્દોને મહામંત્ર માનીને સર્વસ્વ હોડમાં મૂક્યું હતું, તે ગીત સામે આપણા જ દેશના નાગરિકોના એક જૂથે જે વાંધાવચકા કાઢીને આ ગીતનું વિચિત્ર અર્થઘટન કરીને જે વાતાવરણ પ્રદુષિત કર્યું છે તેનો ઈતિહાસ લાંબો છે.
આ પ્રસંગે રાષ્ટ્રગીત તરીકે સંપૂર્ણ હક્કદાર એવા ગીતની ઉપેક્ષા કરી આપણું બંધારણ હજારો શહિદોની ભાવનાની કદર કરવામાં ઊણું ઉતર્યું છે. આ દેશનું રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ ગીત જ હોઇ શકે. આ ‘વંદે માતરમ્’ શબ્દોનું ઋણ ચૂકવવાનું આપણા માટે શક્ય જ નથી. તેની બાબતમાં જે થયું છે તે નહોતું થવું જોઈતું. ભવિષ્યે અગાઉ થયેલી ભૂલ સુધારવા અંગે ગંભીર વિચારણા કરવી જરૂરી છે.
•
વંદે માતરમ્ (સંસ્કૃત અને બંગાળી)
ગુજરાતી ભાવાર્થ (સમજણ માટે)
વંદે માતરમ્
હે માતા, હું તને વંદન કરું છું
સુજલામ્ સુફલામ્
સુંદર જળવાળી, સારા ફળવાળી
મલયજશીતલામ્
મલય પર્વત પરથી આવતા પવનથી શીતળ
શસ્યશ્યામલામ્ માતરમ્
લીલાછમ પાકથી શોભતી, હે માતા!
શુભ્રજ્યોત્સના પુલકિતયામિનીમ્
સફેદ ચાંદનીથી ખીલેલી રાત્રિઓવાળી
ફુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીમ્
ખીલેલાં ફૂલોવાળાં વૃક્ષો અને પાંદડાંથી શોભતી
સુહાસિની સુમધુર ભાષિણીમ્ મધુર
હાસ્યવાળી, મીઠી વાણીવાળી,
સુખદામ્ વરદામ્ માતરમ્
સુખ આપનારી, વરદાન આપનારી હે માતા!
વંદે માતરમ્ (2) હું તેને વંદન કરું છું
કોટિ કોટિ-કણ્ઠ-કલ-કલ-નિનાદ-કરાલે
કરોડો લોકોના કલરવભર્યા ધ્વનિથી ગુંજતી
કોટિ કોટિભુજૈધૂત-ખરકરવાલે
કરોડો હાથો વડે તીક્ષ્ણ તલવારો ધારણ કરેલી
અબલા કેન મા એત બલે તુ
આટલી બધી શક્તિશાળી હોવા છતાં,
અમને નિર્બળ કેમ કહેવાય, માતા?
બહુબલ ધારિણી નમામિ
તારનારી મહાન શક્તિ ધારણ કરનારી, તારનારી
રિપુદલ વારિણીમ્ માતરમ્ (૩)
શત્રુઓના સમૂહને હરાવનારી હે માતા!
તુમિ વિદ્યા, તુમિ ધર્મ
તું જ વિદ્યા છે, તું જ ધર્મ છે
તુમિ હૃદિ, તુમિ મર્મ
તું જ હૃદય છે, તું જ મર્મ (સાર) છે
ત્વમ્ હિ પ્રાણા: શરીરે
તું જ ખરેખર શરીરમાં પ્રાણ છે
બાહુતે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ,
હાથોમાં શક્તિ છે, હૃદયમાં તું ભક્તિ છે,
તોમારઈ પ્રતિમા ગડી મન્દિરે-મન્દિરે (4)
તારી જ પ્રતિમાઓ અમે મંદિરે મંદિરે બનાવીએ છીએ
ત્વમ્ હિ દુર્ગા દશપ્રહરણધારિણી
તું જ દશ શસ્ત્રો ધારણ કરનારી દુર્ગા છે
કમલા કમલદલ વિહારિણી
કમળના દળ પર વિરાજમાન કમલા (લક્ષ્મી) છે
વાણી વિદ્યાદાયિની
વિદ્યા આપનારી વાણી (સરસ્વતી) છે
નમામિ ત્વામ્, નમામિ કમલામ્
હું તને પ્રણામ કરું છું, હું કમલાને પ્રણામ કરું છું.
અમલામ્ અતૂલામ્ નિર્મળ,
અજોડ સુજલામ્ સુફલામ્ માતરમ્ (5)
સુંદર જળવાળી, સારાં ફળવાળી હે માતા!
શ્યામલામ્ સરલામ્ સુસ્મિતામ્ ભૂષિતામ્
શ્યામલ, સરળ, સુંદર હાસ્યવાળી, અલંકારોથી શોભતી
ધરણી ભરણી માતરમ્ (6)
ધારણ કરનારી, પોષણ કરનારી હે માતા!
વંદે માતરમ્ હું તને વંદન કરું છું.
•••


