ભલે તેને રાષ્ટ્રગીત તરીકે બંધારણ સભાએ પસંદ નથી કર્યું, પણ વિકલ્પે રાષ્ટ્રીય ગીત તરીકે તો સ્વીકારવું પડે એવી તેની અસ્મિતા છે. કાર્તિક સુદ નવમી, શક સંવત 1717, એટલે કે 9 નવેમ્બર, 1875ના દિવસે કોલકાતા નગરની નજીકના નૈહાટી ગામના કાંટાલપાડા મહોલ્લામાં એક સાંજે, બે માળની ઇમારતના એક નાનકડા કમરામાં લાલ ટેનના અજવાળે રચાયું હતું તે ‘વંદે માતરમ્’. તેના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ‘આનંદમઠ’ નવલકથાના લેખક. ઓગણીસમાં વર્ષે ગામને પાદરથી 1857ના સાધુઓ માતૃશક્તિનું ગાન લલકારતા નીકળે તેમાં આ ગીતના બીજ રોપાયા હતાં. ‘બંગ દર્શન’ નામે સામયિકમાં 1880માં નવલકથા ‘આનંદમઠ’ પ્રકાશિત થવા મંડી. તે 1882 સુધી ધારાવાહી સ્વરૂપે ચાલી, તેમાં જ આ ગીતનો પણ સમાવેશ થયો હતો. બરાબર 13 વર્ષ પછી, આ ગીત ફાંસીના ફંદાથી રાજમાર્ગ સુધી લોકચિત્તમાં ગરજી ઉઠ્યું. શ્રી અરવિંદે તેમને રાષ્ટ્રનિર્માતા કહ્યા, અને 1907ના એક લેખમાં લખ્યું:
‘તેઓ એક મહાન કવિ હતા. અત્યંત સુંદર ભાષાના આચાર્ય હતા. જીવનના પૂર્વાર્ધમાં ભલે તેઓ માત્ર કવિ કે સાહિત્યકાર રહ્યા, પણ ઉત્તરાર્ધમાં રાષ્ટ્ર નિર્માતા બન્યા. તેમનું કાર્ય માત્ર બંગાળ માટે નહીં, સમગ્ર ભારતને માટે છે. તેમની ભાષા પાંડિત્યપૂર્ણ નહોતી, કે સામાન્ય લોકભાષા પણ નહોતી. મૂળ ઉદ્દેશની સફળતા માટે જરૂરી સંસ્કૃત ભાષાની શક્તિ, સૌંદર્ય, ઓજસ્વિતા, ઉત્સાહ અને ગતિશીલતા સભર હતી. તેણે બંગાળના આત્માને જાગૃત કરી દીધો.’
8 એપ્રિલ, 1894 ના દિવસે 56 વર્ષની વયે બંકિમબાબુએ વિદાય લીધી. પણ ખરેખર? આજે પણ ‘વંદે માતરમ્’ હોઠ પર આવે અને સમગ્ર ભારતમાતાનું દિવ્ય, ભવ્ય, પ્રેરક ચિત્ર આંખો સામે ખડું થઈ જાય છે, અને તેની પાછળ એક પાઘડીધારી વ્યક્તિનો ચહેરો દેખાય છે તે છે બંકિમબાબુ!
કોઈ સામયિકમાં ધારાવાહી સ્વરૂપે પ્રકાશિત નવલકથાએ ઇતિહાસ રચ્યો હોય તેવાં માત્ર બે જ ઉદાહરણ છે, ને તે બન્ને બંગાળના છે. બંકિમચંદ્રની ‘આનંદમઠ’ છપાઈ ‘બંગદર્શન’માં, અને થોડાંક વર્ષો પછી ‘બંગવાણી’ સામયિકમાં રામાપ્રસાદ મુખર્જીએ શરદબાબુની ‘પથેર દાબી’ નવલકથા છાપી અને બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો. તેની હસ્તપ્રત પર શરદચંદ્રે પોતાના હસ્તાક્ષરોમાં લખ્યું હતુંઃ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય. જન્મકુંડળી, પછી એક શબ્દ મૃત્યુ. વળી આડા હાંસિયામાં: ‘કશું લખી ના શક્યો. શરત. 19 જ્યેષ્ઠ, 1333. ‘પથેર દાબી’નો બીજો ભાગ જો હું પૂરો ન કરી શકું તો મારા દેશમાં કોઈ બીજી વ્યક્તિ કરશે.’
અને પછી એક પંક્તિ-
જે ફૂલ ના ફૂટિત,
ઝરીલ ધરણીને,
જે નદી મરૂપથે હારાલ ધારા,
જાનિ હે જાનિતાઓ હયનિ હારા!
‘પથેર દાબી’નો નાયક તો ખુલ્લી રીતે દેશની સ્વાધીનતા માટેના રક્તરંજિત પથનો યાત્રિક છે. બંગાળ અને બર્મા તેની રણભૂમિ છે. તેનું સાચું નામ તો કોઈ જાણતું નથી, સૌના તે પ્રેરક સવ્યસાચી છે. ‘પથેર દાબી’ તેની ક્રાંતિ મંડળીનું નામ છે. પથનો અધિકાર. સ્વાધીનતાનો અધિકાર. બચપણમાં શસ્ત્રહીન ભાઈએ મૃત્યુની ક્ષણોમાં કહ્યું હતું: ‘પોતાનું રાજ હેમખેમ રાખવાની લાલસાથી જે લોકોએ આખા દેશના માણસને માણસ જેવો રહેવા દીધો નથી, એમને તું કદીયે માફ ના કરજે.’
એટલે તો સવ્યસાચીએ વિરાટ દેશનો નિવાસી ભય-મુક્ત બનીને સ્વાધીનતા માટે લડે તે માર્ગ પસંદ કર્યો. સાથીદારો તો કેટલાક હોય, જ્યાં માથે મોતનો પડછાયો હોય? એક ભારતી અને સુમિત્રા. ભૂલથી આવી ચડેલો અપૂર્વ. સવ્યસાચી માટે કોઈ એક સ્થાન નક્કી હતું જ નહીં, કથાના અંતે તે બર્મા છોડે છે. ડરીને નહિ, બીજા દેશોમાં ભારતીય સ્વાધીનતા માટે.
એક પ્રસંગે તે કહે છે: ‘યુગોથી અંધારમાં રહીને જે લોકોએ પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી છે, એમનો શો દોષ? ભારતી, તારો આ મોટો ભાઈ - સવ્યસાચી - ફાંસીના માંચડે ચડે ત્યારે એટલું નક્કી માનજે કે પરદેશીઓના હુકમથી ફાંસીનું દોરડું તો પોતાના જ દેશબંધુએ તેના ગળામાં પહેરાવ્યું હશે. કસાઈને ત્યાં ગાયનું માંસ ગામ સુધી પહોંચાડે તો બળદ જ!’
છેક 1905થી જ દેશ-વિદેશમાં ‘વંદે માતરમ્’નો જયઘોષ સ્વતંત્રતાનો પ્રાણ બની ગયો હતો. બંગાળના વિભાજન સમયે તે પ્રચંડ રણઘોષ બની ગયો. ગદર આંદોલનમાં તે અમેરિકા, કેનેડા સુધી પહોંચી ગયું. લંડનમાં પહેલા મદનલાલ ધિંગરા અને પછી સરદાર ઉધમ સિંહે ફાંસી પર ચડ્યા ત્યારે ‘વંદે માતરમ્’નો બુલંદ અવાજ કર્યો.
ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા, સોહનલાલ પાઠક, ભગવતી ચરણ વોહરા, લાહોર કેસ 1 - 2 - 3, ના ફાંસીએ ચડેલા વીર નાયકો, લંડનમાં ‘ઈન્ડિયા હાઉસ’ના ક્રાંતિકારો, સુભાષબાબુની આઝાદ હિન્દ ફોજના સૈનિકો, કાલાપાનીની સજા ભોગવનારા 1000થી વધુ ક્રાંતિકારો, ભગિની નિવેદિતા અને અરવિંદ ઘોષ, સાવરકર અને શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા, વીરેન્દ્રનાથ અને બિપિનચંદ્ર પાલના ‘વંદે માતરમ્’ અખબારો, લાલા હરદયાલનો યુગાંતર આશ્રમ... સર્વત્ર ‘વંદે માતરમ્’નો મંત્ર ફેલાયેલો રહ્યો. અરે, હાલના બાંગલા દેશના ચટગાંવ, જલાલાબાદ અને ઢાકા, કે પાકિસ્તાનનાં લાહોર સુધીનો પ્રભાવ રહ્યો.
દોઢસોમાં વર્ષે બીજું કઈ નહિ તો દરેક શાળા, મહાશાળા અને વિશ્વ વિદ્યાલયોમાં આ ગીતનું અધૂરું નહિ, સંપૂર્ણ ગાન થવું જોઈએ, એક આખુ વર્ષ આટલું કરી જુઓ. કેવું પરિવર્તન આવે છે. ગુજરાતમાં સરકાર, સમાજ અને શિક્ષણ સંસ્થાઓ આટલું કરે તો યે દોઢસો વર્ષનું પર્વ સાર્થક થાય.


