ગાંધીજીએ અવતાર શબ્દની વ્યાખ્યા આપી છે તે મૌલિક છેઃ અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. આ વ્યાખ્યા નરેન્દ્રભાઇને લાગુ પડે છે. નરેન્દ્રભાઇએ જે પ્રદાન કર્યું છે અને દેશને બેઠો કરવા જે ફાળો આપ્યો છે તેની નોંધ ઇતિહાસ લેશે. આ માણસમાં પડેલી શક્તિનો કોઇ અંત નથી. આવા લોકોનું લાંબા સમય સુધી પદ પર રહેવું અને પદને શોભાવવું તે જેવુંતેવું પ્રદાન નથી. નરેન્દ્રભાઇની કાર્યનિષ્ઠાનું આ પરિણામ છે.
નરેન્દ્રભાઇ જે દિવસથી વડાપ્રધાન બન્યા છે, આજ સુધી ટકી રહ્યા છે તે ચમત્કાર છે. તે ચમત્કાર તેમના પરાક્રમને આભારી છે. જ્યાં થાકવું જોઇએ ત્યાં નહીં થાકવું એ નરેન્દ્રભાઇનો સ્વભાવ છે. કો’ક વાર અમારે વાત થાય છે. ટેલિફોન પર લાંબી વાતો થાય છે. તેઓ પ્રેમપૂર્વક ગુરુપૂર્ણિમાને દિવસે ફોન કરીને મારો આદર કરે છે. જોકે છેલ્લા બે વર્ષથી ફોન આવ્યો નથી, પણ તેઓની વ્યસ્તતા જોતાં તે ક્ષમ્ય છે. તેમનો ટાઇમ બગડે તે મને પણ ન ગમે કારણ કે દેશનો સમય બગડે છે. તેમની એક એક મિનિટ કિંમતી છે અને દેશને સમર્પિત છે.
તેમના મોટાભાઇ સોમભાઇ શ્રી કિશોર મકવાણા સાથે મને મળવા એપોઇન્ટમેન્ટ લઇને ખાસ બરોડા આવ્યા હતા. મેં તેમને વિદાય કરતી વખતે પૂછ્યછયુંઃ સોમભાઇ, ક્યારેક દિલ્હીમાં ભાઇના ઘરે ગયા છો? તેમણે કહ્યુંઃ હું નરેન્દ્ર મોદીનો ભાઇ છું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાઇ નથી.
હું જો દિલ્હી જાઉં અને તેમના ઘરે રહું તો તેમણે દરરોજ સ્હેજેય અડધો કલાક મને આપવો પડે એટલે હું જતો નથી. કેમ કે તેમનો અડધો કલાક બગડે તેમ ઇચ્છતો નથી. નરેન્દ્રભાઇ જેવા વડાપ્રધાન તો આ દેશને મળશે, પરંતુ વડાપ્રધાનના આવા ઉમદા મોટાભાઇ દેશને નહીં મળે. જે પોતાના નાનાભાઇને મળેલા પદનો એક મિલીગ્રામ પણ લાભ લેવા માગતા નથી. સોમભાઇ પાસે કોઇ પેટ્રોલ પંપ નથી. તે નરેન્દ્રભાઇના ભાઇ તરીકે અલિપ્ત રહીને ભાજપનું કામ કરી રહ્યા છે, પણ નરેન્દ્રભાઇનો લાભ લેવાનો વિચાર સરખો કરતા નથી.
કોઇ પણ કુટુંબી હોય, અને તે વડાપ્રધાન પદે હોય તો કુટુંબીજનો તે પદને વટાવી ઘણા લાભો મેળવે છે. કોંગ્રેસ આ મુદ્દે ચૂકી ગઇ માટે જ પડવાની અણી પર છે. વિરોધ પક્ષોએ નરેન્દ્રભાઇની સ્વ. માતાની પણ ટીકા કરી, નિંદા કરી. વડાપ્રધાન મોદીએ તેમનો જવાબ આપવામાં પણ સમય બગાડ્યો નથી. મને તો લાગે છે કે આવા વડાપ્રધાન દેશને મળ્યા નથી, અને મળશે પણ નહીં.
નરેન્દ્રભાઇ ડિસ્ટીંક્શન સાથે ફુલ્લી પાસ થયા છે. તેમના નામે ભ્રષ્ટાચારનો એક રૂપિયો પણ બોલતો નથી. ભ્રષ્ટાચારની તેમને જરૂર જ નથી. તેમનું જીવન સ્વયં એક મિશાલ છે. દેશ જો નરેન્દ્રભાઇને અનુસરે તો થોડાક સમયમાં દેશ ઉપર આવી જાય. ઉપર તો આવ્યો છે, પરંતુ હજી તેમની નિંદા કરવાનું ચાલુ છે. તેમની નિંદા કરનારાઓ નરેન્દ્રભાઇને લાભ કરાવી રહ્યા છે. નિંદા કરનારનું કોઇ માનતું નથી. કોંગ્રેસમુક્ત ભારતનું સપનું નરેન્દ્રભાઇએ વર્ષોથી સેવ્યું છે અને સપનું લગભગ પૂરું થવામાં છે. આવા નરેન્દ્રભાઇને શગ મોતીડે વધાવીએ. નરેન્દ્રભાઇનું અભિવાદન છે. તેમણે જે તપ કર્યું છે તે તપ સમય જતાં હજુ વધુ નિખાર પામશે તેમ હું જોઇ રહ્યો છું. (લેખક ગુણવંત શાહ વરિષ્ઠ સાહિત્યકાર અને ચિંતક છે.)