દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી, કારણ કે નવાબે આખા સોરઠના પાકિસ્તાનની સાથે જોડાણની જાહેરાત કરી હતી. તેની જેમ માણાવદર નવાબે પણ એવું જ કર્યું. ખાન અને બાબી - બે નામ ઈતિહાસમાં તેના મૂર્ખ ઈરાદા માટે જાણીતા થઈ ગયા!
એવું વાંચ્યું કે નવમી નવેમ્બરે જૂનાગઢમાં કાર્યક્રમ થવાનો છે. ખરેખર તો સમગ્ર ગુજરાતમાં આ દિવસને શાનદાર રીતે ઉજવવો જોઈએ. કારણ કે તે માત્ર ‘જૂનાગઢ-મુક્તિ દિવસ’ નથી, સૌરાષ્ટ્રે તેનો છેલ્લો સ્વાતંત્ર્ય-સંગ્રામ ખેલ્યો તેનો ઇતિહાસ-સ્તંભ છે. સરકારી કાર્યક્રમ થાય અને તેમાં મુખ્યમંત્રીનું પ્રવચન થાય તે પર્યાપ્ત નથી. શું જૂનાગઢની કે માણાવદરની કે ગુજરાતની નવી પેઢીને તેમાંથી પ્રેરણા મળી શકે ખરી કે ગુલામીના અંધારા સામે પ્રજાએ કેવી લડાઈ કરીને વિજય મેળવ્યો હતો? શું આયોજક સરકારી તંત્ર કે તેમાં ઉપસ્થિત રહેનારા મંત્રી સહિતના મહાનુભાવોને અંદાજ હશે કે આરઝી હકૂમતની રચના પાછળ મુંબઈના સોરઠી પ્રજાજનોની ભૂમિકા હતી?
આ સંગ્રામની પાછળ બે મોટા ગજાના પત્રકાર-તંત્રીઓ હતા - અમૃતલાલ શેઠ અને શામળદાસ ગાંધી. એકનું ‘જન્મભૂમિ’ અખબાર અને બીજાનું ‘વંદે માતરમ્’. ત્રીજા હતા ગુજરાતની અસ્મિતાના ધ્વજધારી કનૈયાલલાલ મુનશી, જેમણે આરઝી હકૂમતનું બંધારણ ઘડી આપ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના નાના રજવાડાઓ પણ જોડાયા હતા. અને વૈષ્ણવ મહારાજ પુરુષોત્તમ લાલજી અને મયારામ દાસે પ્રજાને નૈતિક બળ પૂરું પાડ્યું હતું. ભાવનગર, જામનાગર, લુણાવાડા, કચ્છ, મોરબી, વવાણિયા, બાબરિયાવાડ રાજ્યો તો આરઝી હકૂમતમાં સક્રિય બન્યા હતા.
આ તવારીખનું સ્મરણ થવું જોઈએ: માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947ના જાહેર થઈ. રિયાસતોએ નિર્ણય લેવા માંડ્યો. 25 જુલાઇ 1947ના નરેન્દ્ર મંડળની છેલ્લી બેઠક થઈ. ભારત સંઘમાં જોડાઈ જવાની તૈયારી હતી. એક અને અખંડ ભારત માટે તે અનિવાર્ય હતું. 14 અને 15 ઓગસ્ટ 1947 જેમ પાસે આવતી ગઈ, રિયાસતોની ચહલપહલ શરૂ થઈ ગઈ.
મોહમ્મદ અલી ઝીણા (અંગ્રેજી હિન્દીમાં ભલે તેને જીન્ના કે જિન્નાહ કહેવામાં આવે, સાચી અટક તો કાઠિયાવાડ જાણે છે. પાનેલીનો આ પરિવાર ઝીણા નામે ઓળખાતો હતો.)એ કેટલાંક રાજ્યોનો સંપર્ક કર્યો, તેમાં જૂનાગઢ, હૈદરાબાદ, જોધપુર વગેરે હતા. 13 ઓગસ્ટે માઉન્ટ બેટન યોજનાનો વીંટાળો કરાયો. 14 પાકિસ્તાનનો અને 15 ઓગસ્ટ એમ બે નવા ‘દેશ’ને સ્થાપિત કરાયા.
જૂનાગઢના નવાબને સ્થાનિક પ્રજાજનોએ આવેદન આપ્યું હતું કે આપણે ભારત સંઘનો ભાગ છીએ એવું જાહેર કરો, પણ દિવાન અને નવાબ અલગ ખેલ કરવા માગતા હતા. 13 ઓગસ્ટે જ જૂનાગઢ રિયાસત પાકિસ્તાનમાં વિલીન થવા માંગે છે તેવી નવાબે જાહેરાત કરી દીધી. ભારત સંઘે ખુલાસો માંગ્યો, પણ કોઈ જવાબ મળ્યો નહિ. એટલે સપ્ટેમ્બરની ત્રીજી તારીખે બાબરિયાવાડે જાહેર કરી દીધું, ‘અમે ભલે જૂનાગઢનો ભાગ હોઈએ, અમે ભારતની સાથે જોડાણ કરીશું’. નવાબની સામેનો આ પહેલો અવાજ. કાઠિયાવાડ રાજકીય પરિષદે જૂનાગઢ નવાબના નિર્ણયનો બહિષ્કાર કર્યો. ભારત સરકારે 11 સપ્ટેમ્બરે બાબરિયાવાડનું જોડાણ સ્વીકાર્યું. તેના નેતા સુરગભાઈ વરુ હતા.
દરમિયાન, મુંબઈમાં જૂનાગઢ સમિતિની રચના 15 સપ્ટેમ્બરે થઈ. જન્મભૂમિ કાર્યાલયમાં તે બેઠક થઈ હતી. સરદારના સચિવ વી.પી. મેનન નવાબને સમજાવવા આવ્યા, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. 20 સપ્ટેમ્બરે માંગરોળના શેખે ભારતની સાથે જોડાણની જાહેરાત કરી અને થોડાક કલાકોમાં ફરી ગયા. માણાવદર નવાબ જૂનાગઢની સાથે રહ્યા. 23 સપ્ટેમ્બર 1957ના મુંબઈમાં બેઠક અને પછી આરઝી હકૂમત રચવામાં આવી. 27મીએ શામળદાસ ગાંધીના નેતૃત્વમાં જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું. ‘હિંસા કે અહિંસા-નો કોઈ મુદ્દો જ નથી, અમે તો જૂનાગઢની આઝાદી ઈચ્છીએ છીએ.’ આ ઘોષણા શામળદાસ ગાંધીએ કરી. 30 સપ્ટેમ્બરે રાજકોટનું ‘જૂનાગઢ હાઉસ’ જે હવે અતિથિ ભવન (સર્કિટ હાઉસ)ના નામથી ઓળખાય છે, તે કબ્જે કર્યું.
જૂનાગઢમાં અને સર્વત્ર નવાબના નિર્ણય સામે ભારે રોષ હતો. જૂનાગઢમાં હિજરત શરૂ થઈ. પણ એક પછી એક સ્થાનો આઝાદ થતાં ગયા, એટલે નવાબોને લાગ્યું કે બાજી હાથમાં રહી નથી. બન્ને નવાબોએ ભારત છોડયું, પાકિસ્તાન ચાલ્યા ગયા. એક રસપ્રદ ઘટના એવી છે છે કે કેશોદ વિમાનમથકે બેગમો અને પ્રિય શ્વાનો સાથે નવાબ 24 ઓકટોબરે વિમાનમાં બેઠા પણ વધુ જગ્યા નહોતી તો એક બેગમને અહીં જ રહેવા દીધી!
આરઝી હકૂમતની આગેકૂચ જારી રહી. માંગરોળ, અમરપર, બાબરિયાવાડ, નવાગઢ, કુતિયાણા, સરાડિયા, માણાવદર... સર્વત્ર ત્રિરંગો ફરક્યો. નવમી નવેમ્બરે જૂનાગઢ મુક્ત થયું. 13મી એ સરદાર વલ્લભભાઈ જૂનાગઢ આવ્યા. બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સભા થઈ, સરદારે કહ્યું, ‘બે ઘોડા પર સવારી શક્ય નથી, જેને પાકિસ્તાન જ્વું હોય તે ચાલ્યા જાય...’. અહીંથી તેઓ એન.વી. ગાડગીળ, ક.મા. મુનશી, જામ સાહેબની સાથે ભગ્ન સોમનાથની મુલાકાતે ગયા અને સોમનાથના જિર્ણોદ્ધારનો સંકલ્પ લીધો.
15 ફેબ્રુઆરીએ સંયુક્ત કાઠિયાવાડ સૌરાષ્ટ્ર નામથી ભારતની અંતર્ગત રાજ્યની સ્થાપના થઈ. 20 ફેબ્રુઆરી 1948ના લોકમત લેવામાં આવ્યો. તેમાં કુલ મતદારો 2,00,569 હતા. તેમાંથી 1,90,870 રહેવાસીઓએ મતદાન કર્યું. માત્ર 91 મતદારો પાકિસ્તાનની તરફેણમાં ગયા! 15 ફેબ્રુઆરીએ સરદરગઢ, બાંટવા, માણાવદર, માંગરોળ અને બાબરિયાવાડમાં લોકમત લેવાયો. તેમાં 31,434 મતદારોએ ભારતની તરફેણ કરી. આજે પણ પાકિસ્તાન તેના ટપાલ ટિકિટના નકશામાં જૂનાગઢ, માણાવદર, કાશ્મીરને વિવાદાસ્પદ મુલક તરીકે ગણાવે છે. તાજેતરમાં કરાચીમાં એક સભામાં જૂનાગઢને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત ગણવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
કોણ હતા આરઝી હકૂમતના આગેવાનો?! આમ તો 79 જેટલા નામો મળે છે, મોટાભાગના અવસાન પામ્યા છે. આટલાં વર્ષોથી જૂનાગઢ-મુક્તિનું ભવ્ય સ્મારક રચાયું નથી. માત્ર બહાઉદ્દીન કોલેજના મેદાનમાં એક ખૂણે તખતી લાગેલી છે. એટલે મેઘાણી યાદ આવે:
કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની,
અમોને યે સ્મરી લેજો, જરી પળ એક નાની!


