નવલાં નોરતાંમાં ઘૂમતો ગરબો

Wednesday 10th September 2025 06:22 EDT
 
 

દેવીશક્તિની આરાધનાનું રમતું, ભમતું અને ઝળહળતું પ્રતીક એટલે ગુજરાતનો ગરબો. નવલાં નોરતાં (નવરાત્રિ)ને અજવાળતો ઘૂમતો અને ધડકતો ગરબો તો ગુજરાતને વાઈબ્રન્ટ કરી દે છે!
જગદંબાનું પ્રાગટ્ય
પુરાણકથાઓ પ્રમાણે દેવોની શક્તિઓના પ્રકાશપુંજમાંથી ઝળહળતી દૈવીશક્તિ (ડિવાઇન પાવર) જગદંબાનું પ્રાગટ્ય થયું. આ દૈવીશક્તિએ આસુરી શક્તિ ઉપર મેળવેલ વિજયનો આનંદોત્સવ ‘ગરબા’ના દીવડાઓથી ધામધૂમથી આપણે નવ-નવ દિવસો સુધી ઊજવીએ છીએ. ‘ગરબા’નો દીવડો તો જ્યોતિરૂપ ઝળહળતી દૈવીશક્તિનું પ્રતીક છે. તે જગતજનની તો અખિલ વિશ્વને અજવાળતી, સંચાલિત કરતી દિવ્ય ઊર્જા છે. એ જગદંબાની પ્રકાશધારાઓ, ચેતના બ્રહ્માંડના નવેય ગ્રહોમાં અને સૃષ્ટિના નવેય ખંડોમાં ધબકી રહે છે. આ સંદર્ભમાં નવરાત્રિની અષ્ટમીએ માતાજી સમક્ષ ધરાવાતી પલ્લીમાં નવ ખંડ ધરાવાય છે.
ગરબી અને રાસ-ગરબા
સ્ત્રીઓ ગાય તે ‘ગરબા’ અને પુરુષો ગાય તે ‘ગરબી’ એવો ભેદ પણ કરાય છે. કવિ દયારામની ગરબીઓ ખૂબ જાણીતી છે. ભક્ત નરસિંહ મહેતાની એક ગરબીમાં ગરબાનો ઉલ્લેખ થયો છે: ‘ગરબે રમે શ્રીગોકુલનાથ કે સંગ ગોપી બની રે લોલ!, રાસ-ગરબા’ જેવો શબ્દ પણ પ્રચલિત થયો છે. ગરબા-ગરબી સાથે ‘રાસ’ પણ જોડાય છે. ભક્તકવિ ભાણદાસ ગરબા, ગરબી અને રાસનું ગૌરવગાન કરે છે: ‘ગગનમંડળની ગાગરડી, ગુણ ગરવી રે, તેણે રમી ભવાની રાસ, ગુણ ગરબી રે.’ નવરંગ નવરાત્રિએ શેરી-સોસાયટીઓમાં આબાલવૃદ્ધ સૌ ભાતભાતના વસ્ત્રાભૂષણોથી સજી-ધજીને દાંડિયા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવે છે.
સૌરાષ્ટ્રમાં તો ‘રાસ’ના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. ગુજરાતની અંબાજી, બહુચરાજી અને પાવાગઢની મહાકાળી જેવી શક્તિપીઠોમાં લોકનૃત્ય ભવાઇના વેશમાં પણ ગરબા ગવાતા. એ ભવાઇ ભૂલાતી જાય છે. અંબાજી-મહાકાળીના ચાચર ચોકમાં તો અનેક જાતની મંડળીઓ દ્વારા ગવાતા ગરબાઓની સુરાવલીઓથી આરાસુર અને પાવાગઢની ગિરીમાળાઓ ગૂંજી ઊઠે છે. પાવાગઢના માંચી ચોકમાં પૂર્વે કાલિકા માતાજી સુંદરીનો વેશ ધરી ગરબે ઘૂમવા આવેલાં એ કથા જાણીતી છે. શેરીના ચોકમાં મંડપ નીચે મંદિર જેવી નાનકડી માંડવી મૂકાય છે અને તેમાં માતાજીની સ્થાપના કરાય છે. આ માંડવી પણ ગરબી કહેવાય છે. ગરબાનું એક ઝળહળતું સ્વરૂપ એટલે માથે ‘માંડવી’ મૂકીને ગવાતા ગરબા. પુત્રપ્રાપ્તિ જેવી મનોકામના પૂર્ણ થતાં માતાજીના માનેલા ગરબા કઢાય છે. એમાં સવાસો દીવડાઓથી ઝગમગતી વાંસની બનેલી કલાત્મક માંડવી માથે મૂકીને સ્ત્રીઓ ઘૂમરીઓ લે છે.
માતાજીના ગરબા-ગીતોના વિષયો
નવરાત્રિના ગરબા-ગીતોમાં સ્તુતિ, દેવીનાં વિવિધ નામ, દેવીઓને ગરબે રમવાનું આમંત્રણ, માતાનાં વાહનો - શસ્રો - પરાક્રમો, માતાજીનાં ચૂંદડી - ઝાંઝર જેવાં આભૂષણો વગેરેનું વર્ણન હોય છે. સંગીતના કે ઢોલના ધબકારે ગરબે ઘૂમતી નારીઓ બ્રહ્માંડની જનની એવી માતૃશક્તિને ગરબે ઘૂમવા આમંત્રે છે: ‘રમવાને આવો મારી માત, ગરબો હેલે ચડ્યો રે’, ‘આરાસુરી અંબે માત! ગરબે રમવા આવો રે’. સરખી સહિયરો સાથે સોળેય શણગાર સજી દેવીઓ ગરબે ઘૂમે છે. ‘માએ ગરબો લીધો છે માથે રે, મા અંબા, બહુચર મહાકાળી રે’, અંબા માનાં ઝાંઝર - ચૂંદડીનું વર્ણન તો અનેક ગરબાઓમાં થયું છે: ‘માનું ઝાંઝરિયું ઝગમગ થાય, એના પડઘા ગગનમાં પડઘાય’, ‘આસમાની રંગની ચૂંદડી રે, માની ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય...’ વગેરે.
દૈવીશક્તિનું પ્રાગટ્ય અને અસુરોનો સંહાર
માર્કણ્ડેય પુરાણની એક કથામાં દેવી મહામાયાને બ્રહ્માજીની સ્તુતિથી સ્વયં પ્રગટ થતી અને મધુ-કૈટભ રાક્ષસોનો સંહાર કરતી વર્ણવી છે. મહિષાસુર-મર્દિની તરીકેનું તેનું સ્વરૂપ ખૂબ જાણીતું છે. તેની ઉત્પત્તિ સંબંધી જાણીતી કથા માર્કણ્ડેય પુરાણના ‘દેવી-માહાત્મ્ય’માં પ્રાપ્ત થાય છે.
મહિષાસુરના ત્રાસથી દેવો પણ પરેશાન થઇ ગયા. અંતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ક્રોધમાંથી, તેજસમૂહમાંથી કલ્યાણમયી દૈવીશક્તિનો આવિર્ભાવ થયો. બધા દેવોએ આ દેવીને પોતપોતાનાં શસ્ત્રો આપ્યાં. પછી આ દૈવીશક્તિ અને મહિષાસુરની સેના વચ્ચે આસો સુદ એકમથી દશમ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દશમીએ મહિષાસુર અને અસુર-સેનાનો સંપૂર્ણ વિનાશ થયો.
દૈવીશક્તિના આ વિજયનો ઉત્સવ નવરાત્રિ સ્વરૂપે ઊજવાય છે. દેવી-માહાત્મ્ય’માં કહ્યું છે કે ભગવતી દુર્ગા પુનઃ પુનઃ પ્રગટ થઇને રાક્ષસો કે દુષ્ટોનો સંહાર કરી જગતની રક્ષા કરે છે. તે સમસ્ત વિશ્વની કરુણામયી ભગવતી છે, જગન્માતા છે. તે જ મહાકાળી સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે.
જુદા જુદા ગ્રંથોમાં સિંહવાહિની દુર્ગાનાં નામ - સ્વરૂપો જુદા જુદા નામે બતાવ્યાં છે. શિવપત્ની તરીકે દુર્ગા ચતુર્ભુજ છે, જ્યારે અસુર-સંહારિકા તરીકે આયુધયુક્ત આઠ કે દસ ભુજાવાળી છે. માર્કણ્ડેય પુરાણના અધ્યાય 81થી 93નું દેવી-માહાત્મ્ય દુર્ગા સપ્તશતી કે ચંડીપાઠ તરીકે ઓળખાય છે. નવરાત્રિ પ્રસંગે આપણે દેવીને આરાધીએ:
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके।
शरण्ये म्बके गौरी नारायणी नमोस्तुते ।।
ગુજરાતના શેરી-ગરબાનું સ્વરૂપ
માતાજીના સ્થાનકની આસપાસ ગોળાકાર નૃત્યની પ્રથા તો વિશ્વમાં આદિકાળથી ચાલી આવે છે, પરંતુ માથે ‘ગરબો’ મૂકીને ગરબે ઘૂમવાની પ્રથા તો કેવળ ગુજરાતની ગરવી ગુજરાતણોએ પ્રવર્તિત કરી છે. ગુજરાતનો ગરબો વિશ્વ-સંસ્કૃતિમાં આગવી ભાતીગળ છાપ ઉપજાવે છે, પરંતુ ગુજરાતનો શેરી-ગરબો ભૂલાતો જાય છે. ગુજરાતનો આવો પરંપરિત શેરી-ગરબો આજે તો ક્લબો અને પાર્ટી-પ્લોટોમાં પહોંચી ગયો છે. કોકિલકંઠી નારીઓના મુખેથી ગવાતા ગરબા-ગીતની મધુરતા ‘સીડી’માં બંધાઈને દબાઈ ગઈ છે. પરંપરાગત ગરબા ભૂલાતા જાય છે, એનો રંજ થાય. છતાં ગુજરાતનો ગરબો નવાં નવાં સ્વરૂપો ધારણ કરતો વિશ્વનાં અનેક દેશોનાં પ્રાંગણ અજવાળી રહ્યો છે, એ ગુણવંતી ગુર્જરી સંસ્કૃતિની ઓળખ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter