પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં પ્રિન્ટીંગ ઉદ્યોગનું ગિરીશ્રૃંગઃ રમેશભાઈ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Thursday 22nd March 2018 05:57 EDT
 
 

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ પ્રમાણમાં મોડા આવ્યા છતાં વિકાસની દોડમાં એ ઘણા આગળ નીકળી ગયા છે. સિડની અને મેલબોર્નમાં ગુજરાતીઓની મોટી વસતિ છે પણ ત્યાં પ્રમાણમાં ઠંડી વધારે છે. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ઓસ્ટ્રેલિયા રાજ્યમાં આબોહવા બેંગલોર જેવી છે. આમાં ૨૦૧૧માં ૧૬ લાખ ૭૧ હજારની વસતિ હતી આજે તે ૧૮ લાખ કરતાં ય વધી ગઈ છે. અહીંની વસતિમાં ગુજરાતીઓની મોટી સંખ્યા છે. સાગર તટે હોવાથી પર્થ રમણીય અને આહલાદક છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના હજારો લોકો અહીં આફ્રિકાના જુદા જુદા દેશોમાંથી સલામતી અને વિકાસની તકોને કારણે આવ્યા છે. કેટલાક કચ્છી પાટીદારો અહીં મોટાં મોટાં ફાર્મ ધરાવે છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાથી તેમનું અલગ મંદિર છે. બીએપીએસનું મંદિર છે. હિંદુ ધર્મના અહીં વિવિધ મંદિરો એમની ધર્મધજા ફરકાવે છે.
પર્થની અંદર મોડા આવીને વિકાસની દોડમાં આગળ નીકળી જનારમાંના એક છે રમેશભાઈ પટેલ. તેઓ ઉત્તરસંડાના મૂળ વતની. ૧૯૫૩માં તેઓ ઉત્તરસંડામાં જન્મ્યા હતા. ઉત્તરસંડામાં ભણ્યા પછી વલ્લભ વિદ્યાનગરમાં ભણીને કોમર્સમાં અનુસ્નાતક ડિગ્રી પામ્યા.
ગરીબીમાંથી ઊંચે આવવા તેમણે સતત પુરુષાર્થ કર્યો. વિદ્યાનગરમાં ભણતાં ભણતાં તેમણે કોઈના કારખાનામાં કામ કર્યું. ૧૯૭૭થી ૧૯૮૧ શિક્ષક તરીકે નોકરી કરી હતી. ૧૯૮૧માં તેઓ ઈંદોર વસતા તારાપુરના જશભાઈ પુરુષોત્તમદાસ પટેલના બી.એસસી., બી.એડ. થયેલાં પુત્રી કલાબહેનને પરણ્યા અને પછી વર્કપરમીટ મળતાં કેન્યા ગયા. રમેશભાઈ સ્વભાવે બોલકાં અને પરગજુ તો કલાબહેન પણ સામે વાત કરનાર મળે તો એ સાંભળતાં થાકે એટલું બોલવાની ક્ષમતા ધરાવતાં હતાં.
પતિ-પત્ની કેન્યા ગયા પછી, રમેશભાઈએ શરૂમાં શાળા સંચાલનમાં અને પછીથી મોટરના સ્પેરપાર્ટ્સના વ્યવસાયમાં ઝંપલાવ્યું. પતિ-પત્ની બંને પરગજુ. અતિથિવત્સલ. બંને બીજાને મદદ કરવા તત્પર રહેતાં. આને કારણે ભારતમાંથી જુદી જુદી વ્યક્તિઓને કેન્યા બોલાવીને નોકરી વ્યવસાયમાં ગોઠવવામાં મદદરૂપ થતાં. કેન્યામાં એમણે મિત્રોનું એવું ગ્રૂપ બનાવેલું કે કોઈ વ્યક્તિ બીમાર પડે અને હોસ્પિટલમાં રાખવાની હોય તો વારાફરતી બધા પેલી વ્યક્તિની સાથે હોસ્પિટલમાં રહેવાનું ગોઠવતાં. આથી બીમાર વ્યક્તિના પરિવારને દોડધામ અને ઊજાગરા ઘટે. ક્યારેક વ્યક્તિ હોસ્પિટલમાં મરણ પામે તો તેને હોસ્પિટલમાંથી તૈયાર કરીને ઘરે લઈ જાય. મરણ પછી અંતિમક્રિયામાં મદદરૂપ થાય અને તે નિમિત્તે સત્સંગ ગોઠવે. પારકી પીડાને પોતાની માનીને આ દંપતી જીવનભર વર્ત્યું છે.
૧૯૯૫માં રમેશભાઈના સંતાનોના ભાવિનો વિચાર કરીને કેન્યા છોડીને ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવ્યા. અહીં તેમને કોઈ વ્યવસાય કરવો હતો. તેમને એવો વ્યવસાય કરવો હતો કે જેમાં દારૂ કે નોન-વેજ ખોરાક વેચવાનો ના હોય. જેમાં જુગાર સાથે સંબંધ ના હોય એટલે કે લોટરીની ટિકિટો વેચવાની ના હોય. વળી અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરે અને બે દિવસ રજા ભોગવે તો ચાલે. આવા ખ્યાલ સાથે ધંધો શોધતાં તેમણે પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાયમાં જવાનું વિચાર્યું.
૧૯૯૫માં તેમણે ક્વોલિટી પ્રેસ ખરીદ્યો. આ પ્રેસ ત્યારે નાદારીમાં હતો. પ્રેસનું માત્ર નામ ખરીદવાના પૈસા આપ્યા હોય તેવું હતું. જૂનાં મશીનો અને ખખડધજ મકાન. પ્રેસને કામ ન હતું. કોઈ નામના ન હતી. સારી છાપના અભાવે ધંધો પડી ભાંગ્યો હતો.
રમેશભાઈ પાસે સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં અનન્ય પ્રિન્ટિંગ પ્રેસ છે. કાગળની બંને બાજુએ છાપવાનું હોય તો પણ એક કલાકમાં ૧૩ હજાર શીટ્સ નીકળે. એક બાજુ છાપવામાં ૧૬ હજાર શીટ્સ નીકળે. પછી એક શીટ્સમાંથી આઠ, સોળ કે બાર અથવા જે સાઈઝ પ્રમાણે ગોઠવ્યું હોય એટલાં પૃષ્ઠ બને. ગમેતેવા નાના ફોટામાંથી પ્રેસના કેમેરાથી ગમેતેવી મોટી સાઈઝનો ફોટો નીકળે. પ્રેસમાં કોઈ પુસ્તકની એક, પાંચ, દશ કે તમે ઈચ્છો એટલી નકલ તૈયાર થઈ શકે તેવાં યંત્ર છે. આ તો એમણે ૧૯૯૫માં પ્રેસ લીધા પછીનાં પાંચેક વર્ષ પછીની વાત છે. તાજેતરમાં તેમણે નવી જગ્યા ખરીદીને પ્રેસ અદ્યતન કર્યો છે. તેમાં ૬૦૦૦ ચોરસ મીટર જેટલો માત્ર બાંધકામનો વિસ્તાર છે. ત્રણ એકર જેટલી જમીન છે. મોટી મોટી બેંકોનું કામ અને યુનિવર્સિટીઓના કામ એટલાં મળે છે કે બીજું કરવાની નવરાશ ના રહે. ડાયરીઓ, કેલેન્ડરો, અહેવાલ, પોસ્ટર્સ વગેરે ભાતભાતનાં કામ કરે છે.
ધંધામાં સફળ ઉદ્યોગપતિ એવા તે માનવતા અને પરોપકારમાં પણ મોખરે છે. તેઓ પૈસાનાં લેખાંજોખાં કરતા નથી. અગાઉના સંબંધે વર્ષો સુધી તેમણે વાયા વાયા ભલામણે કોઈનાં દીકરા-દીકરીઓને પૈસા લીધા વિના ઘેર રાખીને ભણાવ્યાં છે. આવી સંખ્યા નવેકની છે. દીકરી કૃષ્ણા અને પુત્ર નીરવ જ્યારે કોલેજમાં ભણતાં ત્યારે એમને ઘરે ભાગ્યે જ તેમનાં મિત્ર જમનાર કે રજામાં રહેનાર ના હોય તેવું બનતું. કલાબહેન કોઈને ય જમાડવામાં કે રાખવામાં મોં બગાડતાં નહીં.
ટ્રેક નામના યુવા ઘડતરના મંડળમાં, પર્થમાં તેઓ સક્રિય હતાં. પર્થમાં તેમણે શિશુકુંજ નામની છથી ચૌદ વર્ષનાં બાળકો માટેની સંસ્થા સેવાભાવે શરૂ કરી અને ચલાવી હતી. પછી અન્ય કામે દેશ બહાર રહેવાનું થતાં તેમણે સંચાલન છોડ્યું હતું.
વ્યવસાય સરસ ચાલતો હોવાથી અને બધું બરાબર ગોઠવાયું હોવાથી પુત્ર નીરવ ભાગીદાર આતિશભાઈ શાહના વડપણમાં ધંધો ચલાવી શકે તેવો બનતાં રમેશભાઈ હવે વર્ષનો અડધો સમય ભારતના ઉત્તરસંડામાં રહે છે. આથી સેવા જ જેની રગેરગમાં છે તેવા તે નડિયાદના સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટની કારોબારીમાં સક્રિય છે. આ ટ્રસ્ટ સરદાર વલ્લભભાઈ પટેલ જેમાં ભણ્યા હતા તે મોગલકોટની શાળાનું અને બીજી એક શાળાનું સંચાલન કરે છે. મહિલા આર્ટ્સ કોલેજનું સંચાલન કરે છે. જર્નાલિઝમ અને ઈન્ટિરિયર ડિઝાઈનના અભ્યાસક્રમ ચલાવે છે.
રમેશભાઈને નવરા બેસી રહેવાનું પસંદ નથી. સતત પ્રવૃત્તિ, સરળતા અને સેવા એમની વિશિષ્ટતા છે. પર્થમાં વ્યવસાય અને સેવામાં બંનેમાં એમનું નામ અને કામ જાણીતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter