પાકિસ્તાનના રાષ્ટ્રપતિઃ મહંમદઅલી ઝીણા

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 21st March 2020 07:03 EDT
 
 

ગુજરાતે મહાપુરુષો એવા આપ્યા કે જેમણે દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો. દયાનંદ સરસ્વતી જેવા ધર્મ અને સમાજસુધારક ગુજરાતની દેણ છે તો બબ્બે દેશના રાષ્ટ્રપિતા પણ ગુજરાતી મૂળના છે. ભારતને મહાત્મા ગાંધી તો પાકિસ્તાનને મહંમદઅલી ઝીણા. બંને ગુજરાતી. બંને સૌરાષ્ટ્રવાસી. ગુજરાતને કર્મભૂમિ બનાવનાર ભગવાન શ્રીકૃષ્ણ અને સહજાનંદ સ્વામી બંનેએ ગુજરાતમાં જ દેહ છોડ્યો. સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી - બંને ગુજરાતી.
સરદાર પટેલ કરતાં એક વર્ષ નાના અને ૧૮૭૬માં ક્રિસમસના દિને જન્મેલા મહંમદ અલી ઝીણાના પિતા ઝીણાભાઈ અને દાદા પૂંજાભાઈ ગોકુળદાસ મેઘજી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના વતની. પૂંજાભાઈ લોહાણા. તેમના પૂર્વજો કાપડવણાટનો વ્યવસાય કરતા. માંડ પૂરું થાય તેથી પૂંજાભાઈએ માછલાંનો વેપાર શરૂ કર્યો. લોહાણા જ્ઞાતિના આગેવાનોએ વિરોધ કર્યો પણ કમાણીનો ધંધો છોડવા પૂંજાભાઈ તૈયાર ના થતાં અંતે જ્ઞાતિએ એમનો બહિષ્કાર કર્યો તો પૂંજાભાઈએ ઈસ્લામ અંગીકાર કર્યો. તેઓ ઈસ્માઈલી ખોજા બન્યા. કરાચી જઈને વસ્યા. તેમના દીકરા ઝીણાભાઈ અને મીઠીબાઈના સાત સંતાનોમાં મહંમદઅલી સૌથી મોટા.
મહંમદઅલી કરાચી અને મુંબઈ ભણીને મેટ્રિક થયા. આ પછી લંડન જઈને ૧૮૯૬માં બેરિસ્ટર થઈને પાછા આવીને મુંબઈમાં સ્થાયી થયા. અહીં તેઓ સફળ ધારાશાસ્ત્રી બન્યા. તર્કબદ્ધ રજૂઆતને કારણે તેમના અસીલોને કાયમ સફળતાના સમાચાર સાંભળવા મળતા. મોટા મોટા ઉદ્યોગપતિ અને વેપારીઓ એમને શોધતા આવતા.
૧૯૦૬થી તેઓ કોંગ્રેસમાં જોડાઈને રાજકારણમાં સક્રિય બન્યા. મહાત્મા ગાંધી કરતાં લગભગ એક દશકો વહેલાં તે ભારતીય રાજકારણમાં જોડાયા હતા. મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ દાદા અબ્દુલ્લાનો સાથ મળ્યો હતો તેમ મહંમદઅલીને દાદાભાઈ નવરોજી કે જેઓ ‘હિંદના દાદા’ તરીકે જાણીતા થયા હતા તેમનો પૂરો સાથ હતો. ૧૯૦૬માં દાદાભાઈ જ્યારે કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે તેમના અંગત મંત્રી હતા મહંમદઅલી.
૧૯૦૮માં જ્યારે લોકમાન્ય ટીળક સામે રાજદ્રોહનો કેસ ચાલ્યો ત્યારે બચાવ પક્ષે મહંમદઅલી ઝીણા હતા. ૧૯૦૯માં ત્યારની ધારાસભામાં મુસ્લિમ પ્રતિનિધિ તરીકે તે નિમાયેલા ત્યારે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની લડતના ટેકામાં ધારાસભામાં અંગ્રેજોથી ડર્યા વિના ટીકા કરી હતી. ગાંધીજીએ જેમને ગુરુ માન્યા તેવા ગોપાલકૃષ્ણ ગોખલેએ કહ્યું હતું, ‘મહંમદ ખરેખર દેશપ્રેમથી ભરેલો છે. બધા પ્રકારના સાંપ્રદાયિક પૂર્વગ્રહોથી મુક્ત છે અને આ ગુણોથી જ તે હિન્દુ-મુસ્લિમ એકતાના એલચી બની શકશે.’
તે જમાનામાં કોમવાદથી પર એવા મહંમદઅલી ઝીણા કહેતા, ‘હું મુસ્લિમ ગોખલે બનવા માગું છું.’ ૧૯૦૯માં મોર્લેમિન્ટો સુધારાથી અંગ્રેજોએ હિંદુ અને મુસ્લિમ માટે અલગ અલગ મતદાર મંડળ કર્યા ત્યારે આવા કોમી વિભાજનનો ઝીણાએ ખૂબ વિરોધ કરેલો. મહાત્મા ગાંધીને હજી ભારતમાં આવવાને પાંચ વર્ષની વાર હતી! ઝીણા પ્રખર રાષ્ટ્રવાદી હતા.
૧૯૧૩માં ઝીણા મુસ્લિમ લીગમાં જોડાયા ત્યારે પણ તે માનતા કે મુસ્લિમોનાં એકંદર હિત વ્યાપક ભારતીય હિતથી જુદાં નથી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર નાગરિક તરીકે મહાત્મા ગાંધી જ્યારે બળબળતાં તાપમાં સામ્રાજ્યને મદદરૂપ થવા સૈનિક ભરતી માટે ફરતા હતા ત્યારે ભારતના વાઈસરોયની યુદ્ધ સમિતિમાં નીમાયેલા સભ્ય મહંમદઅલી ઝીણાએ કહેલું, ‘હિંદુસ્તાનને સ્વતંત્રતાની ખાતરી આપશો તો જ અમારી પ્રજા રાજીખુશીથી લડાઈમાં સાથ આપશે.’ મુંબઈના ગવર્નરે ઝીણાના કથનને ન આવકારતાં ઝીણાએ યુદ્ધ સમિતિમાં જવાનું બંધ કર્યું. ૧૯૧૫માં ગોપાલકૃષ્ણ ગોખલેનું અવસાન થયું અને લોકમાન્ય ટિળક મ્યાનમારમાં માંડલેની જેલમાં હતા ત્યારે મહંમદઅલી ઝીણાએ વિચાર્યું કે દેશમાં હિંદુ - મુસ્લિમ એકતા હશે તો જ આઝાદી ઝડપથી આવશે. આથી તેમણે બંને પક્ષના એટલે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ ભેગા થાય તેવું ગોઠવ્યું હતું. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter