પાકિસ્તાની સિંધનું હિંદુ રજવાડું અમરકોટ

ડો. હરિ દેસાઇ Monday 17th April 2017 11:22 EDT
 
 

બહુ માન્યામાં આવે નહીં, પણ વાત જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જમ્મુ-કાશ્મીર વિશેની સંશોધન સંસ્થાના પ્રકાશનમાં કહેવાઈ હોય ત્યારે એને કાન તો દેવા પડે. ૯૦ ટકા કરતાં વધુ હિંદુ વસતી ધરાવતા દેશી રજવાડાના હિંદુ રાણાએ બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા પડ્યા ત્યારે ભારતની લાખ કોશિશ છતાં પાકિસ્તાન સાથે જવાનું પસંદ કર્યું હતું. રાણાને સમજાવવા ૧૯૪૬માં કોંગ્રેસના નેતા જવાહરલાલ નેહરુ ગયા હતા, પણ રાજાએ તો ચોખ્ખું સુણાવ્યું કે અમે કોંગ્રેસ સાથે નહીં રમીએ, પણ કોંગ્રેસ સામે મુસ્લિમ લીગ સાથે રહીને તમારી સાથે ટકરાઈશું જરૂર.

સિંધના થરપારકરના અમરકોટ રજવાડાના રાણા અર્જુનસિંહ અને ચંદરસિંહ સોઢાની આ વાત છે. ૧૯૪૭માં પિતા અને અમરકોટના ૨૪મા રાણા અર્જુનસિંહનો દેહાંત થયો એટલે ભારત કે પાકિસ્તાનમાં વિલયનો નિર્ણય કરીને હસ્તાક્ષર કરવાની જવાબદારી ૨૫મા રાણા ચંદરસિંહની આવી. ૨૦૦૯માં એમનું મૃત્યુ થયું અને અત્યારે ૨૬મા રાણા તરીકે એમના પાટવી કુંવર હમીરસિંહ ગાદી સંભાળે છે. હમીરસિંહના યુવરાજ કરણીસિંહ સોઢા ઈંગ્લેન્ડમાંથી વકીલાતની પદવી લઈને સિંધમાં રજવાડાનો કારોબાર સંભાળવાની સાથે સાથે શિકારનો શોખ પણ પોષે છે. આખા ખાનદાનને પાકિસ્તાન સાથે ભળવાનો કોઈ કડવો અનુભવ આજ લગી થયો હોય એવું જણાતું નથી. ઊલ્ટાનું, આજેય અમરકોટ હિંદુબહુલ પ્રદેશ છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે એખલાસનો માહોલ છે અને રાણા પરિવાર માને છે કે અમારા લગ્ન કે અન્ય પ્રસંગે અમારી સાથે મુસ્લિમ મિત્રો-સાથીઓ અને એમને ત્યાં શાદી-નિકાહ સહિતના પ્રસંગે અમારી હાજરી જાણે કે અનિવાર્ય છે.

ભુટ્ટો પરિવાર સાથેની નિકટતા અને પ્રધાનપદાં

રાણા ચંદરસિંહ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પરિવારના અંગત સ્વજન રહ્યા. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સંસ્થાપકોમાં રહ્યા. ઝુલ્ફીકાર અલી અને બેનઝીર ભુટ્ટોની સરકારમાં રાણા સાહેબ કેબિનેટ પ્રધાન રહ્યા. ભારતમાં રાજા-રજવાડાનાં હોદ્દા અને સાલિયાણાં નાબૂદ થયાં, પણ પાકિસ્તાનમાં એમનો દબદબો યથાવત્ રહ્યો છે. રાણા ચંદરસિંહ સાત-સાત વાર નેશનલ એસેમ્બલી (રાષ્ટ્રીય ધારાસભા)માં ચૂંટાયા અને પ્રધાન રહ્યા. એમના પાટવી કુંવર અને અત્યારના રાણા પણ સિંધ ધારાસભાના સભ્ય રહ્યા અને કેબિનેટ પ્રધાન પણ.

લગ્નસંબંધો રાજસ્થાનના રાજવી પરિવારોમાં

કરણીસિંહને પરણાવવા માટે જયપુરમાં પાંચસો જાનડિયાઓને લઈને આવેલા હમીરસિંહ બિચારા-બાપડા લાગતા નથી, પણ પોતાના દેશ અને રાજપૂત વંશ વિશે ગૌરવ અનુભવે છે. રાણા પરિવારની દીકરીઓ ભારતીય રાજવી પરિવારોમાં પરણાવાય છે અને પુરુષો પણ ભારતીય રાજકુમારીઓ સાથે પરણે છે. એમના સગાંસંબંધીઓમાં વાજપેયી સરકારમાં પ્રધાન રહેલા જશવંતસિંહ પણ આવે. કરણીસિંહ કે રાણા પરિવારનાં લગ્નમાં ‘મહારાણી’ વસુંધરા રાજે સહિતનાં પૂર્વ રાજવી પરિવારોના પ્રતિનિધિ મહાલે.

વાજપેયીની લાહોર યાત્રાનું આયોજન

અને એટલે જ વડા પ્રધાનપદે અટલ બિહારી વાજપેયી હતા ત્યારે જશવંતસિંહ મારફત રાણા ચંદરસિંહે એ વેળાના વડા પ્રધાન મિયાં નવાઝ શરીફની લાહોર મુલાકાત ગોઠવી હતી અને અટલજી બસ લઈને લાહોર ગયા હતા. રાણા પરિવારના સંબંધો કોંગ્રેસના રાજવી પરિવારના નેતાઓ સાથે પણ ખરા. વડા પ્રધાન રાજીવ ગાંધી અને ડો. મનમોહન સિંહના શાસન દરમિયાન બે દેશો વચ્ચે સંબંધ સુધારવાના પ્રયાસોમાં એમનું યોગદાન પણ ખરું.

બાદશાહ અકબરનું જન્મસ્થળ

અમરકોટના રાણા પરિવારનો ઈતિહાસ ખાસ્સો ઉજ્જવળ છે. જ્યારે અફઘાન લડાયક અગ્રણી શેરશાહ સૂરિ દિલ્હીના મુઘલ બાદશાહ હુમાયુને ભગાડવામાં સફળ થયો ત્યારે અમરકોટના રાણાએ એમને આશ્રય આપ્યો હતો. બાદશાહ અકબરનો જન્મ પણ અમરકોટમાં એ રાજ્યાશ્રયના સમયગાળામાં થયો હતો એટલે મુઘલકાળમાં અમરકોટ સાથે દિલ્હીના સંબંધ સારા જળવાયા. અંગ્રેજો સાથેની બગાવતમાં રાણા રતનસિંહને ૧૮૫૩માં અમરકોટમાં જ જાહેરમાં ફાંસી અપાઈ હતી.

મુસ્લિ લીગ-હિંદુ મહાસભાની સંયુક્ત સરકાર

વર્ષ ૧૯૪૩માં સિંધમાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકાર હતી ત્યારે જ સિંધની ધારાસભામાં પાકિસ્તાન ઠરાવ પસાર થયો હતો. એ વેળા સિંધ પ્રાંતની રાજધાની કરાચી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદ અલી ઝીણાનું જન્મસ્થળ અને વતન પણ કરાચી. ૧૯૪૭માં ૧૪ ઓગસ્ટે જ્યારે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે એની રાજધાની પણ કરાચી હતું. પાછળથી રાજધાની રાવલપિંડી અને પછીથી ઈસ્લામાબાદ ખસેડાઈ હતી.

મુંબઈ પ્રાંતમાંથી મુસ્લિમો અને હિંદુઓની સંયુક્ત માગણીને પ્રતાપે જ સિંધ પ્રાંત અલગ કરવામાં આવ્યો હતો. ૧૯૩૭ની ચૂંટણીઓ પછી સિંધની પ્રાંતિક ધારાસભામાં ત્રીજા ભાગના સભ્યો એટલે કે ૨૪ જેટલા સભ્યો હિંદુ રહેતા હતા.

૩ માર્ચ ૧૯૪૩ના રોજ સિંધની ધારાસભાએ પાકિસ્તાન ઠરાવ પસાર કર્યો ત્યારે પ્રીમિયર (મુખ્ય પ્રધાન) સર ગુલામ હુસૈન હિદાયતુલ્લાહ હતા. એમની મુસ્લિમ લીગની સરકાર હિંદુ મહાસભા સાથે શાસન કરતી હતી. હિંદુ મહાસભાના ત્રણ પ્રધાનો એ વેળા તેમની સરકારમાં હતા. જોકે, સિંધ ધારાસભાએ જી. એમ. સૈયદે રજૂ કરેલા પાકિસ્તાન ઠરાવને મંજૂર કરવા હાથ પર લીધો ત્યારે ૭ હિંદુ સભ્યો સભાત્યાગ કરી ગયા હતા. ત્રણેય પ્રધાનોએ ગૃહમાં રહીને પાકિસ્તાન ઠરાવનો વિરોધ કર્યો છતાં ઠરાવ ૨૪ વિરુદ્ધ ૩થી મંજૂર થયો હતો. ધારાસભાએ પાકિસ્તાન ઠરાવ મંજૂર કર્યો એ પછી પણ હિંદુ મહાસભાના પ્રધાનો મુસ્લિમ લીગના વડપણવાળી સરકારમાંથી રાજીનામું આપ્યા વિના ચાલુ રહ્યા હતા.

સિંધનું ભારત સાથેનું સંધાણ

અમરકોટના રાણા હમીરસિંહ આઝાદી પછી પણ ભારત અને પાકિસ્તાનના સિંધ વચ્ચેના લગ્નસંબંધો ચાલુ રહ્યા હોવા છતાં ભારતના વીસા મેળવવામાં મુશ્કેલી પડતી હોવાનું જણાવે છે. પાકિસ્તાન સરકાર વીસા આપવામાં ઉદાર હોવાનું દર્શાવે છે.

બ્રિટિશ ઈન્ડિયામાં સિંધ અને જોધપુર વચ્ચે રેલવે અને વિમાનસંબંધ મહારાજા-જોધપુરની પહેલથી સ્થપાયાની યાદોને એ વાગોળે છે. રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં દુષ્કાળના સમયે રેલવે માર્ગે મારવાડી ભીલ અને મેઘવાળ કામધંધાની શોધમાં સિંધ ભણી જતા હતા અને એમાંના ઘણાં ત્યાં વસ્યા છે. સિંધને બ્રિટિશ હકુમતથી અલગ કરવાની ઝુંબેશના સૂત્રધાર મનાતા પીર પગારોને જેસલમેર રાજવી પરિવારે આશ્રય આપ્યાનું પણ રાણા હમીરસિંહ કહે છે. જોકે, આજે પણ રાણા પરિવાર સહિતના સિંધના રાજપૂત પરિવારોને લગ્નસંબંધો કાજે ભારત આવવા-જવાની મોકળાશ અનુભવાતી હોય એવું લાગે છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice 22 April 2017 વેબલિંકઃhttp://bit.ly/2pcVMu2  )


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter