સનાતની સંસ્કૃતિમાં પિતા એટલે શાશ્વત આધાર, કાયમી સંરક્ષક, પોષક તેમજ પાલક, સાચાં માર્ગનાં પથદર્શક, સર્વાંગી શિક્ષક, સચોટ વ્યવસ્થાપક અને મહાન સત્પ્રેરક પારિવારિક વ્યક્તિ. દરેક સંસ્કૃતિમાં, દરેક પરિવારમાં પિતાનું આગવું સ્થાન હોય છે. તેમનું કાર્યક્ષેત્ર પણ વિશેષ અને જટિલ હોય છે. એક રીતે પિતા એટલે કુટુંબ અને સમાજને પરસ્પર સાંકળતી કડી. પિતા સમાજ માટે કુટુંબનો બાહ્ય ચહેરો છે તો સાથે સાથે કુટુંબ માટે સમાજનો આંતરિક ચહેરો છે. પિતા થકી પરિવારનો સમાજ સાથેનો વ્યવહાર સ્થાપિત થાય અને સમાજનું કુટુંબ સાથેનું સમીકરણ નિર્ધારિત થાય. સમાજ અને કુટુંબ વચ્ચેની એક જટિલ વાસ્તવિકતા એટલે પિતા. આ સમગ્ર વ્યવસ્થામાં પોતાનાં સ્વાર્થ કરતાં પરિવારનાં - સંતાનના કલ્યાણને અગત્યનું માને તે પિતા.
પરિવારની આર્થિક તેમજ સામાજિક જવાબદારી નિભાવનાર, પરિવારમાં સમગ્રતાનો વિચાર કરી ચોક્કસ પ્રકારનાં નિર્ણય લેનાર, પરિવારનાં સારાં ભવિષ્યની કલ્પના કરી તે માટે સતત પુરુષાર્થ કરનાર અને સંજોગો પ્રમાણે, જો જરૂરિયાત જણાય તો, ભવિષ્યની કલ્પનામાં ફેરફાર કરી તે ફેરફારને પરિવારમાં સ્વીકૃતિ અપાવનાર, પોતાની ચિંતાઓ છુપાવી પરિવારને હિંમત આપનાર, પરિવારની ઉન્નતી અને ખુશી માટે પોતાનાં સપનાંને દરકિનાર કરનાર, પરિવારની દરેક વ્યક્તિની પ્રતિભાને યોગ્ય મંચ પ્રાપ્ત થાય તે માટે પોતાની પ્રતિભાને બાજુમાં કરનાર, દરેક પરિસ્થિતિમાં પરિવારનો ‘ભાર’ ઉંચકનાર; સામાન્ય જણાતો પણ વિશેષ માનવી એટલે પિતા.
સંતાનના જીવનમાં શિસ્ત, મૂલ્ય, કૌશલ્ય, તંદુરસ્તી અને સુરક્ષાનું મહત્વ સમજાવનાર કૌટુંબિક સુહૃદયી વ્યક્તિ એટલે પિતા. પિતા એટલે પરિવારની આર્થિક સ્થિતિના આયોજક, પરિવારના સામાજિક સમીકરણોના ધારક, પરિવારની શિક્ષણ વ્યવસ્થાના આધાર, પરિવારનો દરેક પ્રકારનો ભાર ઉચકનાર પરિશ્રમી તેમજ ગંભીરતા સાથે હળવાશ પ્રસરાવનાર પ્રેમાળ તેમજ કઠોર વ્યક્તિત્વ.
પિતા એટલે પાલન-પોષણ કરનાર, નૈતિકતાનું મહત્વ સમજાવનાર, દરેક સંજોગોમાં માર્ગદર્શન આપનાર, સ્થાપિત દરેક વ્યવસ્થા વિશે જાણકારી આપનાર, સકારાત્મક અભિગમ સાથે પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર, શિક્ષણ અને કૌશલ્યની શરૂઆત કરાવનાર, સામાજિક સમીકરણોની પ્રતીતિ કરાવનાર, કોઈપણ પ્રકારનાં જોખમ સામે ઢાલ બનીને ઊભાં રહી રક્ષણ કરનાર, મૂંઝવણના સમયે ચોક્કસ ઉકેલ દર્શાવનાર, સંતાનની લગભગ પ્રત્યેક ભૌતિક જરૂરિયાતો પૂરી પાડનાર, જે તે પ્રકારનાં કૌટુંબિક તેમજ સામાજિક દબાણ હેઠળ મોટેભાગે ગંભીરતા ધારણ કરી રાખનાર, એક આખી નોકરી પછી બીજી અડધી નોકરી કરીને કુટુંબના સ્વપ્ન સાકાર કરવા સદા મથામણ કરનાર, પોતે રોજ અડધી ચા પીને - અડધી ચાની બચત કરીને સંતાન માટે આખી ચોકલેટ લાવનાર, પરિવારમાં પારિવારિક સંતુલન જાળવી રાખનાર તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં નિયમોમાં અપવાદ ઉભો કરનાર વ્યક્તિ.
પિતા હંમેશા સંતાનમાં પોતાનાં જીવનનું પ્રતિબિંબ જોવાં પ્રયત્ન કરે, પોતાનાં અધુરા સપનાં સંતાનના માધ્યમથી પૂરાં કરવાનાં સપનાં જુએ, પોતાની રાત બગાડીને સંતાનના દિવસો સુધારવાની ઈચ્છા રાખે, સંતાન ખોટાં રસ્તે ન ચડી જાય તે માટે કઠોર બને, સંતાનની સફળતા અને નિષ્ફળતામાં સાથ આપે, દરેક પરિસ્થિતિમાં સંતાન પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી ન દે તે માટે અને સાથે સાથે સંતાન અહંકારી ન બની જાય તે માટે સજાગ રહે, જ્યાં બાંધછોડ કરવાની હોય ત્યાં સંતાનને બાંધછોડ કરતાં શીખવાડે અને જ્યાં સિદ્ધાંતની આવશ્યકતા હોય ત્યાં કૃતનિશ્ચયતાનું મહત્વ સમજાવે, જ્યાં આરામ જરૂરી હોય ત્યાં આરામ કરવાનું કહે અને જ્યાં પરિશ્રમની આવશ્યકતા હોય ત્યાં આરામથી વિમુખ કરે, જ્યાં સમયપાલનનું મહત્વ હોય ત્યાં સમયપાલનનો આગ્રહ જતાવે અને જ્યાં મુક્ત-માહોલ હોય ત્યાં સ્વતંત્રતાને માણવાનું કહે, જ્યાં કઠોરતા જરૂરી હોય ત્યાં કઠોર બનવાનું કહે નહીંતર લાગણીઓના પ્રવાહને પણ માન્ય રાખે. પિતા એટલે પિતા.
પિતા પરિવારમાં અનેક પ્રકારનાં સંતુલન જાળવવા પ્રયત્નશીલ રહે. પ્રેમ અને કર્તવ્યનિષ્ઠા, વ્યવહાર અને આદર્શ, ધર્મ અને સંસ્કાર, હક અને ફરજ, મર્યાદા અને સંભાવના, આત્મનિર્ભરતા અને જરૂરી અવલંબન, વ્યક્તિગત અને સામૂહિક, વાસ્તવિકતા અને સપનાં અને નિષ્ફળતા અને સફળતા જેવી વિરોધી જણાતી બાબતોને તટસ્થતા અને સંતુલિતતાથી પરિવારમાં સ્વીકૃત બનાવે તે પિતા.
ઉપપદ સમાસ મુજબ, પુત્ર એટલે ‘પુ’ નામનાં નર્કમાંથી તારનાર અને પુત્રી એટલે તે જ નર્કમાંથી તારનારી. પિતા એટલે પોતાનાં પિતૃઓને તારનાર અને પોતાના સંતાનોનું ભવિષ્ય બનાવનાર વ્યક્તિ. સનાતની સંસ્કૃતિ મુજબ ‘પિતા’ એક સુંદર અને અદભુત વાસ્તવિકતા છે જે સંતાનને માત્ર જીવન નથી આપતી પણ સાથે સાથે જીવન જીવવાની દિશા અને પ્રેરણા આપે છે.
માતા અને પિતા બંને સંતાનના જન્મનું નિમિત્ત બને પરંતુ બંનેની સંતાનના જીવનમાં ભૂમિકા ભિન્ન હોય. માતાનો વ્યવહાર લાગણી આધારિત હોય તો પિતાનો યોજના આધારિત. માતા સંતાનમાં પ્રાથમિક સંસ્કારનું સિંચન કરે તો પિતા પ્રાથમિક શિક્ષણનો પાયો નાખે. સંતાન સાથેનાં માતાના સમીકરણમાં ભાવનાનું પ્રાધાન્ય હોય તો પિતા સંતાનની સામાજિક ભૂમિકાને મહત્વ આપે. આજના સંદર્ભમાં માતા અને પિતાની ભૂમિકામાં ક્યાંક બદલાવ હોઈ શકે પરંતુ બંનેની ભૂમિકામાં ભિન્નતા તો સ્વાભાવિક કહેવાય. માતા મમતાનું સાક્ષાત સ્વરૂપ છે તો પિતા સામાજિક ઉત્તરદાયિત્વનું.


