સૌ પ્રથમ તો ૧૬ જૂનને રવિવારે પિતૃ દિન – ફાધર્સ ડેના પર્વ નિમિત્તે ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ના સર્વે વાચકો તથા સ્ટાફના પરિવારજનોને અંતઃકરણની શુભેચ્છા. પિતૃદિનની ઉજવણી ફક્ત એક જ દિવસ માટે મર્યાદિત ન રાખતા ૨૪x૭ અને ૩૬૫ દિવસ પિતા (માતા-પિતા) સાથે ઉજવણી કરીએ તેવો સંકલ્પ કરીએ તો જ ખરી ઉજવણી કરી ગણાશે.
લેખકો, કવિઓ, ધર્મગુરુઓ તથા કથાકારોએ પિતાના પાત્રને જોઈએ એવો ન્યાય આપ્યો નથી. પિતાના પાત્રને કડક અને ગુસ્સાભર્યા સ્વભાવના, શિસ્તનું પાલન કરાવનાર, ઓછા લાગણીશીલ, વધારે પડતું સલાહસૂચન આપનારા, પોતાનું ધાર્યું કરાવનાર, પૈસાના ખર્ચમાં કંજૂસાઈ કરનાર, ઓછું બોલનારની રીતે ચીતરવામાં આવ્યું છે.
પુરુષો પોતાના કુટુંબના ભરણપોષણ માટે અને સારા ભવિષ્ય માટે ગામ-ઘરબાર છોડીને ભારત તથા દુનિયાના જુદાજુદા દેશોમાં કેટલાંય વર્ષો પહેલા ગયા. શરૂઆતમાં એકલાં રહ્યા. જેકાંઈ કામ ધંધો મળ્યો તે સ્વીકારી લીધો, ખાવાપીવા રહેવામાં જે મળે, જ્યાં મળે તે સર્વ સ્વીકારી લીધું, ખૂબ કરકસર કરી, થોડા ઘણાં પૈસા બચાવ્યા બાદ કુટુંબને બોલાવી સ્થાયી થયા. પોતાને પડેલી તકલીફો મુશ્કેલીઓ, ઉાતાર ચઢાવ, એકલવાયું જીવન બધુપં જ હસતા મોંએ સહન કર્યું અને કુટુંબીજનોને તેના વિશે ભાગ્યે જ જણાવ્યું હોય. આર્થિક ભીડ વેઠીને પરિવારજનો તેમજ સામાજિક પ્રસંગોની જવાબદારી ઉપાડી, પૈસાની તકલીફ હોવા છતાં કોઈની સામે હાથ લંબાવ્યા વિના દીકરીઓના લગ્ન પ્રસંગો તથા બીજા સામાજિક પ્રસંગો પાર પાડ્યા હોય. તે છતાં કોઈ વિઘ્નસંતોષી અદેખાઈને લીધે અથવા સ્વાર્થથી પોતાના પરિવાર પર કીચડ ઉછાળે તો એક મજબૂત ઢાલ સમાન બનીને વીરતાથી સામનો કરતાં અચકાય નહીં તેવું મજબૂત મનોબળ ધરાવનાર પાત્ર - પિતાને અમારા લાખ-લાખ વંદન.
આપણા હિંદુ ધર્મમાં પણ એમ જણાવવામાં આવે છે કે પ્રભુને ભજતાં પહેલાં માતા-પિતાને ભજો, કારણ કે તેઓ ભગવાન બરાબર છે અને સ્વર્ગ કે મંદિર તમારા ઘરમાં જ છે.
હેપ્પી ફાધર્સ ડે..