પિતૃઓને જીવતે જીવ એવા સંતૃપ્ત કરો કે શ્રાધ્ધમાં કાગડાને આમંત્રવા ના પડે..!

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 22nd September 2021 14:59 EDT
 
 

ભાદરવા સુદ પૂનમ, એકમનું પહેલું શ્રાધ્ધ સોમવારથી શરૂ થયું. સોળ શ્રાધ્ધની તિથીમાં આપણા પિતૃઓના આત્મા સંતૃપ્ત થાય એવી શ્રધ્ધાથી શ્રાધ્ધ કરવું જોઇએ. જેમના થકી આપણા શરીરનો પિંડ બંધાયો, આપણું અસ્તિત્વ જેમને આભારી છે તેનું ઋણ ચૂકવવા શ્રધ્ધાથી જે કરીએ એ શ્રાધ્ધ. શ્રાધ્ધમાં તર્પણ કરવું એ કેવી રીતે થાય? પિતૃઓની તિથીએ દૂધ-રોટલી કે ખીર રાંધીને કાગડાઓને કાગવાસ કરવાથી પિતૃ તર્પણ કર્યું ના કહેવાય..! હું માનું છું કે જીવતા જ એમને સુખ આપી તૃપ્ત ના કર્યા હોય તો મર્યા પછી કાગવાસ કરીને તૃપ્ત કરવાનો શો અર્થ..!? મર્યા પછી તર્પણની શી જરૂર..? મા-બાપની જરૂરિયાત, એકલતામાં હૂંફ તેમજ બીજી ભૌતિક જરૂરિયાતો પ્રત્યે એમની હયાતીમાં જ ધ્યાન રાખ્યું હશે તો દેહાંત વખતે એ સંતુષ્ટ જ હશે. મને લાગે છે કે આપણા મનને સંતોષ થાય એટલે આપણા પિતૃઓની તિથી યાદ રાખી આપણા ઘરના ગાર્ડનમાં કે રસોડાના છાપરે રોટલી-ખીરના લચકા ઉડાડીએ છીએ.
શરીરે અશક્ત મા-બાપને તમે વૃધ્ધાશ્રમમાં મૂકી આવો અથવા સાથે રાખીને તમે રોજ એના પર શાબ્દિક પ્રહારો કરી એનું હૈયું વેદનાથી વલોવતા હોવ, રોજ આંખે અશ્રુધારા વહેવડાવી હોય તો કોઇ શ્રાધ્ધ વિધી એ આત્માને સંતુષ્ટ નહીં કરી શકે..! તમારા ઉધારેલાં કર્મનું ફળ તમારી આવનાર પેઢીને ચૂકવવું પડે છે તો પછી એવી ઉધારી શું કામ રાખવી?! મા-બાપની હયાતીમાં જ એમને એટલાં ખુશ રાખવાં કે તમને માથે હાથ મૂકી આશીર્વાદની ઝડી વરસાવતાં કહે કે બેટા ઇશ્વર તારા ભરેલા ભંડાર રાખે, તારા ઘર પર કયારેય દુ:ખની છાયા ના પડે..!
પહેલાના વખતમાં માણસ માણસ વચ્ચે લાગણીભીના સંબંધોના ઝરા વહેતા એ હવે સૂકાઇ ગયા હોય એવું લાગે છે. સંયુક્ત કુટુંબમાં બે-ત્રણ ભાઇઓનો પરિવાર એક છત હેઠળ આનંદથી રહેતો અને એ કિલ્લોલ કરતા પંખીડાના મેળામાં વૃધ્ધ મા-બાપની પણ હેતપૂર્વક કાળજી લેવાતી. આજે સમય બદલાયો છે. આજે સૌને મોકળાશભર્યું, મુક્તમને હરીફરી શકાય એવું વાતાવરણ જોઇએ છીએ..! આજે દિકરા કે દિકરીના ઘરમાં તંદુરસ્ત નિવૃત્ત મા-બાપની જગ્યા નથી તો અશક્ત, વૃધ્ધ મા-બાપનો ભાર કોણ વેંઢારવા તૈયાર હોય...!? એમના પેન્શનના ખેર્ચે કાં તો કેરર અથવા વૃધ્ધાશ્રમ જ ધ્યાન રાખી શકે..!
આવાં વૃધ્ધ મા-બાપ સ્વર્ગે સિધાવે પછી જ એમના સંતાનોને લાગણીઓના ઉભરા ચઢતા દેખાય છે. જીવતાં રોજ હૈયે વાકબાણના ડામ દીધા હોય એવી મા કે બાપ સ્વર્ગવાસી થાય ત્યારે અંતિમક્ષણે એણે માથે હાથ મૂકી ઇશ્વરના જાપ કરવા કે પાણીનું ટીપું મ્હોંમાં મૂકી આત્માને સુખેથી અનંત તરફ ગતિ કરતો જોવા એમના કમભાગી સંતાનો હાજર હોતાં નથી..! એ મા-બાપ મર્યા પછી ઘરના ડ્રોઇંગ રૂમમાં મોટો ફોટો મૂકી રોજ તાજા ફૂલોની માળા ચઢાવી અઠવાડિયા સુધી સતત બળતા દીવામાં કિલો ઘી વાપરી નાખે છે, એટલું જ નહિ પણ અંતિમવિદાય વેળાએ બા કે બાપુજીને મનગમતાં કપડામાં સજાવીને કોફીનમાં તુલસીમાળા, મુખમાં ગંગાજળ, તુલસી પાન, સોના-ચાંદીની કટકી અને મોંઘીદાટ શાલ અર્પણ કરે છે..., મનગમતાં પુષ્પોથી "મમ્મી, બા, દાદી, દાદા ને બાપુજી લખાવી શબવાહિની શણગારવામાં આવે છે. એમના સ્વર્ગારોહણ પછી બારમા દિવસે બા કે બાપુજીને ભાવતાં ફળફળાદિ, મનપસંદ વાનગીઓનું લીસ્ટ બનાવી એને લગતું અનાજ કરિયાણુ, કપડાં, સાડીઓ સાથે સ્વર્ગમાં વૈતરણી પાર કરાવે એવી ગાયનું (ચાંદીની) દાન કરવામાં આવે છે..! બારમાના જમણમાં ભાતભાતનાં ભોજન જમી-જમાડી સૌ સગાં-સ્નેહીઓ સાથે મળી આનંદોત્સવ થાય...!
આપણા શ્રીમદ ભગવત ગીતામાં એમ કહ્યું છે કે, પિંડદાન ન કરે, શ્રાધ્ધની વિધી ના કરે અથવા એમાં કંઇક ભૂલચૂક થાય તો તેના પિતૃઓ નરક પામે. આજના યુગમાં યોગેશ્વરે ગીતામાં કરેલી વાતમાં સુધારો કરવો જોઇએ કે પિત્રુઓની હયાતીમાં જીવતે જીવ જ એમને સાથે બેસાડીને જમાડો, પ્રેમથી પાણી પીવડાવો, એમને ભરપૂર લાગણી-હૂંફ આપો અને એમના જીવનકાર્યોને બિરદાવો, સરાહના કરો નહિતર તમારા પિતૃ નહીં પણ પુત્ર, પુત્રી અને પુત્રવધૂ નર્ક પામશે..!
ટૂંકમાં શ્રાધ્ધ કરજૌ પણ શ્રધ્ધાથી.. તમારા પિતૃઓની પૂણ્યતિથીએ તમારાથી જાણ્યે અજાણ્યે જે કંઇ ભૂલો થઇ હોય એની માફી માગીને કાગવાસ કરશો તો પિતૃઓ જરૂર સંતૃપ્ત થઇ આશિષ વરસાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter