યુક્રેન અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધનો આરંભ થયો ત્યારથી જ હું કહેતો આવ્યો છું કે ઈયુ અથવા યુએસએ ભલે ગમે તેટલું કૂદી લેશે, આખરે રશિયા તેનું ઈચ્છેલું મોટા ભાગે મેળવી લેશે તેના પછી જ યુદ્ધનો અંત આવશે. આ યુદ્ધના સમયગાળા દરમિયાન બિલિયન્સ ડોલર્સ ખર્ચાઈ ગયાં છે, એક મિલિયનથી વધુ લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે, યુક્રેને તેના વિસ્તારના આશરે 45,000 સ્ક્વેર માઈલ્સ (કુલ ભૂમિવિસ્તારના 19 ટકા) પરનો અંકુશ ગુમાવ્યો છે તેમજ સેંકડો હજારો ટન વિસ્ફોટકોના ધડાકાઓ થયા છે અને રશિયાએ 30થી વધુ પશ્ચિમી દેશોને હંફાવી નીચાજોણું કરાવ્યું છે.
ઝેલેન્સ્કીએ સૌથી મોટી અને ભયંકર ભૂલ પશ્ચિમી દેશોની ઉશ્કેરણીને માનવાની તેમજ યુક્રેન રશિયા વિરુદ્ધ વિજય હાંસલ કરી લેશે તેમ વિચારવાની કરી હતી. સામાન્ય બુદ્ધિ કે સમજને તો બારીની બહાર જ ફેંકી દેવાઈ હતી. જો તેમણે એક સીધોસાદો પ્રશ્ન જ કર્યો હોત કે મોટી ન્યુક્લીઅર સત્તા નાનકડા દેશ સામે પરાજય સ્વીકારી લે તેવી કોઈ જ શક્યતા ખરી? આનો ઉત્તર, એક જ હોય કે કદી નહિ. પુતિન અને રશિયા વિરુદ્ધ સામૂહિક ઘૃણા સાથે પશ્ચિમી દેશોએ પોતાનું કામ આગળ વધારવા ઝેલેન્સ્કી નામના સરમુખ્ત્યારને બલિનો બકરો બનાવી આગળ ધરી દીધો.
આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ સાથે ઝેલેન્સ્કીની ‘તુ તુ મેં મેં’ થઈ ત્યારે જ બધું સમુસુતરું નહિ હોવાનો સ્પષ્ટ સંકેત મળી ગયો હતો. યુરોપિયનોએ ભેગા મળી ધ્યાન ખેંચવા (અને મહત્ત્વ દર્શાવવા) ‘કોએલિશન ઓફ વિલિંગ’ ઉભું કરી દીધું. ફરી એક વખત કોઈએ પ્રશ્ન ઉઠાવવાની તસ્દી ના લીધી કે,‘તેઓ શું કરવાની ઈચ્છા રાખે છે?’ આનો ઉત્તર પણ સ્વાભાવિક કશું જ નહિ હતો. તેઓ સૌથી સારું કામ નાણા આપવાનું અને યુદ્ધને લંબાવે રાખવાનું જ કરી શકવાના હતા, પરંતુ નિરાશ અને દયનીય ગઠબંધનમાંથી કોઈ પણ રણસંગ્રામમાં જોડાવા તૈયાર ન હતું.
આથી, જ્યારે ટ્રમ્પે યુક્રેન માટે તેમની 28 મુદ્દાની શાંતિયોજના જાહેર કરી ત્યારે તેના વિષયો સંદર્ભે મને જરા પણ આશ્ચર્ય થયું નહિ. ટુંકમાં જ કહીએ તો, અમેરિકા યુક્રેનને રશિયાને વેચવા તૈયાર છે અને આ પ્રક્રિયામાં ટ્રમ્પ અમેરિકા અને અમેરિકી કંપનીઓ માટે બિલિયન્સ ડોલર્સ ઉસેટવા ઈચ્છે છે. આખરે તો આ બધું નાણા માટે જ હતું અને યુક્રેનના સાર્વભૌમત્વ સાથે તેને ઓછું લાગેવળગે છે.
મેં આ ડ્રાફ્ટ પ્લાન પર નજર નાખી છે અને નીચે મુજબના મુદ્દાઓએ મારું ધ્યાન ખેંચ્યું છેઃ
A. યુક્રેનના સાર્વભૌમત્વને સ્થાયી કરાશે. મારા મતે તો આ સૌથી મોટી જોક છે. છેવટે તો આ યોજના રશિયાને યુદ્ધના તમામ ફાયદા હાંસલ થાય તેની ચોકસાઈ કરે છે. આને કયા બ્રહ્માંડમાં કઈ રીતે નિશ્ચિત સાર્વભૌમત્વ તરીકે ગણાવી શકાય?
B. એવી અપેક્ષા રખાય છે કે રશિયા પડોશી દેશો પર આક્રમણ નહિ કરે અને NATO નું વધુ વિસ્તરણ નહિ કરાય. જોકે, NATOએ વધુ વિસ્તરણ નહિ કરવા 1990માં ગોર્બાચોવને આપેલા વચનનું પાલન કર્યું હોત તો કદાચ યુક્રેનને આ ઝમેલામાં પડવાનું થયું જ ન હોત.
C. યુક્રેન તેના બંધારણમાં તે NATOમાં નહિ જોડાય તેવી જોગવાઈ કરવા અને NATO તેના બંધારણમાં યુક્રેનને ભવિષ્યમાં NATOમાં પ્રવેશ નહિ આપવાની જોગવાઈ કરવા સંમત થાય છે. રશિયા માટે આ ઘણો મોટો વિજય છે.
D. યુએસની ગેરન્ટીઃ જો રશિયા યુક્રેન પર હુમલો કરે તો, નિર્ણાયક સંકલિત લશ્કરી પ્રતિભાવ ઉપરાંત, તમામ વૈશ્વિક પ્રતિબંધો ફરી લાગુ કરાશે, નવા વિસ્તારોને અપાયેલી માન્યતા તેમજ આ સોદાના અન્ય તમામ લાભ રદ કરાશે. NATO અને યુએસએ ‘નિર્ણાયક સંકલિત લશ્કરી પ્રતિભાવ’ આપશે તેમ હજુ કોઈ માની ન શકશે ખરું?
E. રશિયાને વૈશ્વિક અર્થતંત્રમાં પુનઃ સમાવી લેવામાં આવશેઃ
પ્રતિબંધો ઉઠાવી લેવા વિશે ચર્ચાઓ યોજાશે અને તબક્કાવાર અને કેસીસના ધોરણે તેના પર સંમતિ સધાશે. યુનાઈટેડ સ્ટેટ્સ એનર્જી, કુદરતી સ્રોતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સેન્ટર્સ, આર્ક્ટિકમાં રેર અર્થ મેટલ ઉત્ખનન પ્રોજેક્ટ્સ તેમજ પરસ્પરને લાભકારી અન્ય કોર્પોરેટ તક સહિતના ક્ષેત્રોમાં પારસ્પરિક વિકાસ માટે દીર્ઘકાલીન આર્થિક સહકાર સમજૂતીમાં ઉતરશે. રશિયાને ફરી G8માં સામેલ થવાનું આમંત્રણ અપાશે.
રશિયા માટે તો આ સંપૂર્ણ વિજય જ છે.
F. પ્રદેશો- વિસ્તારોઃ
ક્રીમિઆ, લુહાન્સ્ક અને ડોનેટ્સ્કને સંપૂર્ણપણે રશિયન પ્રદેશ તરીકે યુનાઈટેડ સ્ટેટ્સ સહિતના દેશો દ્વારા માન્યતા અપાશે. ખેર્સોન અને ઝેપોરીઝાહીઆને લાઈન ઓફ કોન્ટેક્ટની સાથે યથાવત -સ્થગિત કરી દેવાશે એટલે કે લાઈન ઓફ કોન્ટેક્ટની સાથે ડી ફેક્ટો માન્યતા મળી જશે. રશિયા ઉપરોક્ત પાંચ પ્રદેશોની બહારના અન્ય સંમત વિસ્તારો પરના અંકુશને છોડી દેશે. યુક્રેનના દળો હાલ ડોનેટ્સ્ક ઓબ્લાસ્ટના હિસ્સા પર અંકુશ ધરાવે છે ત્યાંથી પરત ખેંચી લેવાશે અને દળો પરત ખેંચાયેલા ઝોનને ન્યૂટ્રલ ડિમિલિટરાઈઝ્ડ બફર ઝોન તરીકે ગણવામાં આવશે તેમજ આ વિસ્તાર રશિયન ફેડરેશનનો હોવાને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાશે. જોકે, રશિયન દળો આ ડિમિલિટરાઈઝ્ડ ઝોનમાં પ્રવે શ નહિ કરે.
આ પણ રશિયા માટે તો સંપૂર્ણ વિજય જ છે.
G.આ યુદ્ધ-સંઘર્ષમાં સંકળાયેલા બધા પક્ષકારોને યુદ્ધ દરમિયાન તેમના કાર્યો માટે સંપૂર્ણ એમ્નેસ્ટી-માફી મળશે અને ભવિષ્યમાં કોઈ ક્લેઈમ્સ નહિ કરવા અથવા કોઈ ફરિયાદો વિશે નહિ વિચારવા સંમતિ સધાશે.આનો અર્થ એ થાય કે પુતિન અને રશિયન લશ્કરના પર્સોનેલને કોર્ટ સમક્ષ નહિ લઈ જવાય. ઈયુમાં જે લોકોએ રશિયા સામે યુદ્ધઅપરાધો બદલ કાર્યવાહી ચલાવવાના વચનો આપ્યા હતા તે બધાને આનાથી મોટો ઘા વાગશે. 28 મુદ્દાની શાંતિયોજના વિશે વધુ ચર્ચાઓ થતી જશે તેમ ફેરફારો થવામાં કોઈ શંકા નથી. યુરોપિયન્સ (અથવા ‘કોએલિશન ઓફ વિલિંગ’) ભાષાકીય ફેરફારોનો આગ્રહ રાખશે જેથી રશિયાનો જ વિજય થયો હોવાનું કે તેનો હાથ ઉપર રહ્યો હોવાનું દેખાય નહિ. જોકે, તેમની ઈચ્છા યુદ્ધનો અંત લાવવાની જ હોય તો મૂળભૂત તત્વોને જાળવી જ રાખવા પડશે.
ટ્રમ્પ જે દિવસથી ચૂંટાયા અને તત્કાળ યુદ્ધ બંધ કરાવી ન શક્યા ત્યારે જ યુક્રેન માટે નિષ્ફળ નીવડ્યા હતા. આથી, અત્યારે કોઈ પણ હિસાબે સોદાબાજી કરાવી લેવી તે લાજ બચાવી લેવા સિવાય કશું નથી. ટ્રમ્પ માટે તો ટ્રમ્પ સિવાય કશાનું મહત્ત્વ નથી. એ પણ હકીકત છે કે જે દિવસથી યુદ્ધ થયું ત્યારથી જ યુક્રેનનો પરાજય નિશ્ચિત હતો, તેણે યુદ્ધ ગુમાવ્યું જ હતું. યુક્રેનને બિલિયન્સ ડોલર્સ આપવામાં આવ્યા, પરંતુ તેનાથી ગુમાવી દીધેલાં યુદ્ધને લાંબુ ખેંચવા સિવાય કશું મળ્યું નહિ.
તમે આ કેકને ભલે ગમે તે રીતે કાપી શકશો, પરંતુ આપણે એટલું કહી શકીએ કે પુતિનને વિજય થયો છે, ટ્રમ્પ બેઆબરુ બન્યા છે અને ઝેલેન્સ્કીને અતિશય ધનવાન બનાવવા યુક્રેને ઘણી ભારે કિંમત ચૂકવી છે.


