પૂર્વોત્તરના પરિવર્તનમાં ‘જય આઈ અસમ!’

ઘટના દર્પણ

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Tuesday 12th May 2026 12:04 EDT
 
 

કેટલીકવાર સામૂહિક અવાજ માત્ર નારો રહેવાને બદલે જીવંત પ્રાણવાન સૂત્ર બની જતા હોય છે, તાજેતરની પાંચ વિધાનસભા ચૂંટણીમાં સુદૂર અસમમાં એક સૂત્ર રણ-ઘોષ બની ગયું તે ‘જય આઈ અસમ!’ પ્રચલિત નામ આસામ તો બ્રિટીશરોના ભારતીય ભાષાના અજ્ઞાનનું પરિણામ છે. ખરો શબ્દ છે અહોમ. અહીંની આ રાજ્ય-સત્તાની સાથે જોડાયેલો બહાદુર વંશ. શેષ ભારતમાં મુઘલ શાસન હતું ત્યારે અહોમ રાજવીઓએ તેમને પૂર્વોત્તરમાં પ્રવેશવા ના દીધા. 1190થી 1200 ઈસવી સન દરમિયાન ભીષણ લડાઈ થઈ. મોહમ્મદ-બિન–કાસિમે સિંધ પર આક્રમણ કર્યું, ત્યાં રાજવી દાહીરે સામનો કર્યો. કુત્બુદ્દીન ઐબકની દુષ્ટ દૃષ્ટિ બંગાળ-અસમ પર પડી, તેનો સેનાપતિ મુહમ્મદ-બિન-અખત્યાર મોટી સેના લઈને નીકળ્યો, પણ વચ્ચે કામરૂપમાં અહોમ રાજ્ય અવરોધક બન્યું. અખત્યાર ત્યાં ખરાબ રીતે હાર્યો. તેનો શિલાલેખ બોલે છે: ‘શક સંવત 1127, 9 માર્ચ, 1206. ચૈત્રની તેરસના દિવસે તુર્ક સેના આવી તેનો વિનાશ કરી દેવાયો.’

1980 અને 1983 મારે બે વાર અસમ જવાનું થયું, પત્રકારત્વ અને ઇતિહાસનું ઇજન હતું. એક શાંત-પ્રશાંત પ્રચંડ પ્રભાવી જન-આંદોલન ચાલી રહ્યું હતું, જેને અસમ આંદોલન નામ અપાયું હતું. તમામ નાગરિકોની એક જ માંગ હતી, બહિરાગત અને બિદેશીને અમારા મુલકમાંથી હાંકી કાઢો. કારણ એ હતું કે લાખોની સંખ્યામાં પૂર્વ પાકિસ્તાનથી ઘૂસણખોરી ચાલુ હતી. તેઓ જમીન, પાણી, નોકરી, ભાષા અને મતદાર બનીને સરકારમાં પ્રભાવી બની રહ્યા હતા. સત્તા પક્ષને માટે તે ‘વોટ બેન્ક’ બની ગયા હતા. શરૂઆત મેમનસિંઘ વિસ્તારથી થઈ. 1916ની આસપાસ તે રોકવા લાઇન સિસ્ટમ લાગુ પાડવામાં આવી. પણ કોઈ પરિણામ આવ્યું નહિ. 1939માં સર સાદુલ્લાની સરકારે ‘વધુ જમીન પર વધુ અનાજ વાવો’ યોજના કરી અને તેને માટે બહારથી લોકોને લાભની જાહેરાત સાથે બોલાવ્યા. બે વાર સાદુલ્લાની સરકાર આવી અને એક ઉક્તિ મુજબ ‘ઉપર અલ્લા, નીચે સાદુલ્લા’ની સ્થિતિ બની.

મૂળ અસમી નાગરિક મજબૂર થઈને જોતો રહ્યો. 1946માં ગોપીનાથ બાર્ડોલોઇની સરકારે પગલાં ભર્યા તો મૌલાના ભાષાણીએ એક્શન કમિટી બનાવી, રમખાણો થયા, કેટલાક નાગરિકો માર્યા ગયા. અસમ-બંગાળ મુસ્લિમ લીગનું અધિવેશન થયું, તેનાથી અનેક વિસ્તારોમાં હિંસા ફેલાઈ. બંગાળની જેમ અસમમાં મુસ્લિમ નેશનલ ગાર્ડની સ્થાપન કરવામાં આવી તેનો નેતા ઈર્શાદ અલી હતો. 1946માં કેબિનેટ મિશનની દરખાસ્ત હતી કે ‘સી’ સેકશન હેઠળ અસમ અને બંગાળને સમાવિષ્ટ કરવામાં આવ્યું અને સૂચવવામાં આવ્યું કે આ વિસ્તારો પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવે. અસમ લેજીસ્લેટિવ એસેમ્બલીએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. 1946માં તો અસમ અને અડધું બંગાળ બચી ગયા.

પરંતુ કસોટી પછી જ થઈ. હિતેશ્વર સાઇકિયા, અનવરા તૈમુર, ગોગોઈ વગેરેની સરકારોએ કોઈ અસરકારક પગલાં લીધા જ નહિ. 2012માં ચૂંટણી પંચના વડા એચ.એસ. બ્રહ્માએ જણાવ્યું કે અસમના 27 જિલ્લામાંથી 11માં બાંગ્લાદેશી સ્થળાંતરિતોની બહુમતી થઈ છે. નવેમ્બર-1969થી અસમ આંદોલન શરૂ થયું. 1983માં વિધાનસભાની ચૂંટણી થઈ. જોકે એક રીતે તે તદ્દન નિરર્થક હતી કેમ કે અસમ આંદોલનકારોએ અને અનેક પ્રજાકીય સંગઠનોએ ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો. કોઈ ઉમેદવાર ઊભા રહ્યા નહિ, માત્ર કોંગ્રેસી ઉમેદવાર માંડ 10 ટકા મતદાનમાં જે મળ્યા તેમ ચૂંટાઈ આવ્યા. સામાન્ય સંજોગોમાં તો આટલા મતોથી અનામત રકમ પણ ગુમાવવી પડે. આ ચૂંટણીમાં ભારે હિંસા થઈ.

1951થી પરિસ્થિતિ વધુ તીવ્ર બની ગઈ હતી. 40 લાખ ઘૂસણખોરોમાંથી 18 લાખ મતદાર બની ગયા હોય તે પરિસ્થિતિ નજર સામે હતી. 1979 સુધીમાં આંદોલનકારોના કહેવા મુજબ 60 લાખ જેટલી સંખ્યા થઈ અને ગોલપારા, દરાંગ, કામરૂપ, નૌગાવ, કાચારમાં સ્થાનિક પ્રજા જ લઘુમતીમાં ફેરવાઇ ગઈ.

આંદોલનકારીઓ માટે રાજવી વીર લચિત આદર્શ હતો. 600 વર્ષ સુધી અસમની અસ્મિતા માટે યુદ્ધ કરનાર આ વંશ અને પ્રજા હતા. ઇશાન ભારતના છત્રપતિ શિવાજી મહારાજ તરીકે લચિતનું એક મોટું ચિત્ર ગુવાહાટીની કોટન કોલેજના મેદાનમાં સ્થાપિત કરાયું. તેમણે ઔરંગઝેબને 17 વાર પરાજિત કર્યો હતો. કોટન કોલેજના ખંડમાં આંદોલનમાં ગોળીબારથી માર્યા ગયેલા પ્રથમ હુતાત્મા ખડગસિંહ તાલુકદારનું ચિત્ર પણ હતું. પછીથી સરકાર બનાવનાર અસમ ગણ પરિષદના પ્રફુલ્લ મહંતો, ભૃગુ ફૂંકન વગેરેની સાથે યુવકો આ ચિત્રને પુષ્પહાર ચડાવીને આંદોલન શરૂ કરતાં. કદાચ, ભારતના ઇતિહાસમાં આનાથી દીર્ઘ આંદોલન બીજું કોઈ નહોતું.

આજનું અસમ આ ભૂ-રાજકીય અને ભૂ-સાંસ્કૃતિક દર્પણ છે. ત્રીજીવાર મતદારોએ ભાજપ અને એનડીએને બહુમત આપ્યો, તેનું એક કારણ બહારથી ઘૂસી ગયેલાઓનો આર્થિક-રાજકીય-સામાજિક દુષ્પ્રભાવ છે. બીજું કારણ અગાઉની કેન્દ્ર સરકાર દ્વારા સદંતર ઉપેક્ષા છે. ત્રીજું, ઉદ્યોગોનો અને વિકાસનો અભાવ છે. એટલે મતદારોએ પોતાનો નાયક પસંદ કરી લીધો તે હિમંતા બિસ્વા સરમા છે. રાજકારણમાં તો કોંગ્રેસી તરીકે પ્રવેશ કર્યો હતો, પણ રાહુલ ગાંધીની અસમ સમસ્યાઓ તરફની ઉપેક્ષાના એક પ્રસંગ પછી પક્ષ છોડ્યો. ભાજપે તેની શક્તિનું સંવર્ધન કરવાની તક આપી. પરિણામ આપણી નજર સામે છે. હિમંતા માટે અસમની અસ્મિતા અગ્રતા ક્રમે છે, એટલે તો તેનો રણઘોષ છેઃ જય આઈ અસમ!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter