પ્રગતિની પહેલના પ્રેરક અને પોષકઃ લાખાજીરાજ

પ્રા. ચંદ્રકાંત પટેલ Sunday 17th December 2017 07:34 EST
 
 

ચાર વર્ષની વયે પિતા ગુમાવ્યા. અઢી વર્ષની વયે માતા ગુમાવ્યાં. મોસાળમાં ઊછર્યાં. આવા લાખાજીરાજ રાજકોટના નાનકડા રાજ્યના રાજવી. તેમને ભણવા માટે રાજકોટની રાજકુમાર કોલેજમાં મોકલ્યા. રાજકુમારોને ભણાવતી આ હાઈસ્કૂલનું નામ કોલેજ રાખેલું. રાજ્યના ખર્ચે અહીં વિદ્યાર્થીઓને દારૂ, માંસ અને બગડવા માટે જોઈએ તે અપાતું. લાખાજીરાજ આમાંથી બચ્યા અને શિક્ષકોના માનીતા થયા.

૧૯૦૭માં અઢાર વર્ષની પુખ્તવયે રાજવી બન્યા. તેમણે તેમના શાસનથી નોખી ભાત પાડી. બ્રિટિશ ભારત કરતાંય તેમના રાજમાં લોકોને વધુ અધિકાર હતા. ઈંગ્લેન્ડમાં બધી જ સ્ત્રીઓને મતાધિકાર ન હતો ત્યારે લાખાજીરાજના માત્ર ૫૬ હજારની વસતિ ધરાવતા રાજ્યમાં ૨૭,૨૦૯ મતદાર હતા અને તેમાં ૧૩,૩૦૦ સ્ત્રી મતદાર હતા. ૧૯૨૪માં લાખાજીરાજ જ્યારે પોતાના પુત્રો માટે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરવા ઈંગ્લેન્ડ ગયા ત્યારે પોતાની બધી જ વહીવટી સત્તાઓ આ પ્રતિનિધિ સભાને સોંપીને ગયેલા. અંગ્રેજોને આવા પ્રગતિશીલ રાજવી ન ગમતા!
દેશી રાજ્યોમાં ત્યારે સરકારી કર્મચારીઓની ભરતીના ચોક્કસ નિયમો ન હતા. રાજા, રાજકુટુંબીઓ કે કારભારી જેની પર ખુશ તેને રાખે. ના ફાવે તો કાઢી મૂકે. આથી સરકારી અમલદારો કડવું સત્ય બોલતા ડરે. સાચાને બદલે નીમનારને ગમતું કરે. નોકરીમાં લાયકાત જોવાતી નહીં. તેમનું ચોક્કસ પગારધોરણ પણ નહીં. લાખાજીરાજે સરકારી કર્મચારીઓની લાયકાત ઠરાવી. પગારધોરણ, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઈટી બધું તે જમાનામાં નક્કી કર્યું. બીજા રાજ્યોમાં તે મોટેભાગે ન હતું.
કેળવણી ક્ષેત્રે તેમણે સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં નવો ચીલો પાડ્યો. કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું. રાજ્યમાં શાળાઓ શરૂ કરીને મફત શિક્ષણની જોગવાઈ કરી. રાજ્ય તરફથી બાલમંદિરો શરૂ કર્યાં. રાજ્યમાં પ્રજાજનોમાં શિસ્ત અને આત્મશ્રદ્ધા પ્રગટે તે માટે લશ્કરી તાલીમ શરૂ કરી. નાની વયથી બાળકોમાં જવાબદારી અને પરોપકારની ભાવના વધે તે માટે સ્કાઉટની યોજના અમલી બનાવી. રાજકોટ નગર બહારનાં ગામોના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં છાત્રાલયો શરૂ કરાવ્યાં.
લાખાજીરાજ રમતગમતના રસિયા અને જાણકાર હતા. ક્રિકેટના સુંદર ખેલાડી હતા. વિશ્વમાં ક્રિકેટ ક્ષેત્રે નામના કાઢનાર જામ રણજીતસિંહના એ સાથી અને મિત્ર હતા. રામજી અને અમરજી નામના ક્રિકેટ ક્ષેત્રે નામના મેળવનાર ક્રિકેટરોને તાલીમ આપવાની જોગવાઈ એમણે કરી હતી.
લાખાજીરાજ ઉત્તમ શાસક બન્યા એમાં એમની અંતઃપ્રેરણા અને આગવી સૂઝ કારણભૂત હતાં. તેમણે પોતાની આસપાસ ખુશામતખોરોને ભેગા ન થવા દીધા. સૂઝવાળા અને અનુભવી આગેવાનોને એ મળતા અને એમની સાથે ચર્ચાવિચારણા કરતા. બધી બાજુનો વિચાર કરીને જ એ યોગ્ય નિર્ણય લેતા. તેમણે અંગત મોજશોખ છોડ્યા. આમ કરીને તેમણે શક્તિ, સંપત્તિ અને સમયનો દુર્વ્યય થતો રોક્યો.
રાજ્યની પ્રવૃત્તિથી પ્રજાને વાકેફ રાખવા તેમણે સરકારી ગેઝેટ બહાર પાડવાનું શરૂ કર્યું. પ્રજાનાં સુખદુઃખ જાણવા એ ફરતા રહેતા. ૧૯૧૮-૧૯માં રાજકોટ પ્લેગમાં સપડાયું. માણસો ટપોટપ મરવા લાગ્યા. આવા વખતે લાખાજીરાજે પ્લેગપીડિતો માટે વૈદોની વ્યવસ્થા કરી. દર્દીઓને અલગ રહેવાની જોગવાઈ કરી. મોતના ભયે ધનિકો આવા વખતે રાજકોટ છોડીને બીજાં નગરો કે ગામડાંમાં જઈને વસ્યાં. બધાને મોતનો ભય લાગે. કોણ ક્યારે પ્લેગમાં સપડાય અને મરે તે નક્કી નહીં. રાજકોટના આગેવાનોએ ત્યારે લાખાજીરાજને રાજકોટ છોડીને બીજે વસવા વિનંતી કરી. લાખાજીરાજે ત્યારે કહ્યું, ‘મારાં પ્રજાજનો મરતાં હોય ત્યારે મારાથી તેમને રેઢાં મૂકીને ના જવાય.’
લાખાજીરાજે રાજકોટ ન જ છોડ્યું. તેઓ પ્લેગના દર્દીઓને મળવા જતા. લાખાજીરાજ એક ઝૂંપડીમાં ગયા. તેમાં પ્લેગપીડિત વૃદ્ધા હતી. તેનો જુવાનજોધ દીકરો પ્લેગમાં મરણ પામ્યો હતો. રાજવીએ વૃદ્ધાની ખબર પૂછી. વૈદો પણ આવા દર્દીને આઘેથી જોઈને દવા આપતા ત્યારે લાખાજીરાજ ડોશી પાસે પહોંચીને કહે, ‘માજી, ચિંતા ના કશો. હું પણ તમારો દીકરો છું.’ માજી ભાવવિભોર થઈ ગયાં. લાખાજીરાજે દર્દીના શરીર પર મચ્છરનાં ઢીમણાં જોયાં. તરત જ રાજમહેલના પલંગ પરથી મચ્છરદાની લાવીને અહીં બાંધવા કહ્યું. આવા હતા પ્રજાવત્સલ લાખાજીરાજ.
લાખાજીરાજ નાનકડી ઠકરાતના રાજવી પણ હિંમત મોટા મહારાજા જેવી. અંગ્રેજોના ખંડિયા રાજવી પણ અંગ્રેજોની ખુશી કે નાખુશીની પરવા વિનાના. ૧૯૨૧માં કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરવાની હતી. સૌરાષ્ટ્રના બીજા રાજાઓ આ વખતે ગાંધીજીની અસહકારની લડત ચાલી ત્યારે અંગ્રેજોની નાખુશીને લીધે પોતાના રાજ્યમાં પરિષદ ભરવા દેવા હિંમત ના કરતા, ત્યારે લાખાજીરાજે સામે ચાલીને રાજકોટમાં પરિષદ ભરવા આમંત્રણ આપ્યું. ૩૬ વર્ષના યુવાન રાજવીની હિંમતથી કોંગ્રેસીઓ દંગ થઈ ગયા. વિઠ્ઠલભાઈ પટેલ (સરદાર પટેલના મોટા ભાઈ)ના પ્રમુખપદે રાજકોટમાં આ અધિવેશન ભરાયું. ૧૯૨૫માં જ્યારે આનું ત્રીજું અધિવેશન ભાવનગરમાં ભરાયું ત્યારે ગાંધીજીના હાથે લાખાજીરાજને માનપત્ર અપાયું. લાખાજીરાજે આવું સન્માન સ્વીકાર્યું. અંગ્રેજ અમલદારોને આમાં પોતાની ધરાર અવગણના લાગી. આને લીધે લાખાજીરાજને અસ્થિર મગજના ગાંડા ગણીને દાર્જિલિંગમાં ઉપચાર માટે મોકલ્યા. લાખાજીરાજ ના જ બદલાયા!
લાખાજીરાજે રવિન્દ્રનાથ ટાગોરને પોતાને ત્યાં આમંત્રણ આપીને બોલાવીને બહુમાન કર્યું હતું. ૧૯૨૯માં કાઠિયાવાડ યુવક પરિષદનું અધિવેશન રાજકોટમાં ભરવા માટે સગવડ આપી. જવાહરલાલ નેહરુ જે ત્યારે કોંગ્રેસના ઉગ્રવાદીઓના આગેવાન ગણાતા હતા તે યુવક અધિવેશનના પ્રમુખ તરીકે રાજકોટ આવ્યા.
રાજકોટમાં રાષ્ટ્રીય શાળા બાંધવા માટે ૮૦ હજાર વાર જમીન નામમાત્રની કિંમતે લાખાજીરાજે આપી હતી. રાષ્ટ્રીય નેતાઓની પ્રવૃત્તિને લાખાજીરાજ સીધી કે આડકતરી રીતે કાયમ સાથ આપતા હતા.
લાખાજીરાજ આધુનિક પ્રવાહોના જાણકાર અને સમજદાર હતા. નવા યુગને વધાવતી તેમની પ્રવૃત્તિએ ત્યારે રાજકોટને દેશમાં જાણીતું કર્યું. તેમણે રાજકોટમાં બેંક શરૂ કરી. રાજકોટમાં ટ્રામ શરૂ કરી. રાજ્યનાં મુખ્ય નગરોને જોડતી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. ટેલિફોન સેવા ઊભી કરી. કાપડની મિલ સ્થાપી. આમ કરીને એ સ્વદેશી આંદોલનના ટેકેદાર બન્યા.
લાખાજીરાજ ગાદીએ આવ્યા ત્યારે રાજ્યની આવક માત્ર ચાર લાખની હતી. નવા કરવેરા નાખ્યા વિના આગવી સૂઝ અને સારા વહીવટથી આવકના નવા સાધનો ઊભાં કરીને આવક ત્રણ ગણા કરતાંય વધારી.
૧૯૩૦માં લાખાજીરાજ મરણ પામ્યા ત્યારે રાજ્યની તિજોરી છલકાતી હતી અને પ્રજાવત્સલ રાજવીના અવસાને લોકોની આંખો આંસુથી છલકાતી હતી. રાષ્ટ્રવાદી પ્રગતિની પહેલ કરનાર અને રાજવી લાંબુ જીવ્યા હોત તો ગાંધીજીને રાજકોટ સત્યાગ્રહ કરવાની તક જ મળી ન હોત!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter