પ્રજાસત્તાક પર્વ એટલે ભારતીય બંધારણનાં અમલીકરણની ઉજવણી

પર્વવિશેષઃ પ્રજાસત્તાક દિન

Wednesday 24th January 2024 09:32 EST
 
 

ભારતમાં અને વિશ્વમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના સંવિધાનને લોકતાંત્રિક સંસ્કાર પ્રણાલી સાથે અમલમાં મૂકવામાં આવ્યું હતું માટે 26 જાન્યુઆરીને ભારતના રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોનાં આધિપત્યમાંથી આઝાદી મેળવી હતી, પરંતુ ભારત પાસે તેનું કાયમી બંધારણ નહોતું. 1947માં ભારતની આઝાદી બાદ 9 ડિસેમ્બર 1947ના રોજ સંવિધાન સભાની જાહેરાત કરવામાં આવી હતી અને તે સભા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ ચાલી હતી. જે સંદર્ભે ભારતા બંધારણની રચના માટે ડો. આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિનાં ગઠન કરવામાં આવ્યું અને 308 સભ્યોની બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના રોજ હસ્તલિખિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને બે દિવસ બાદ 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં મૂક્યું.
આ સમયે ભારતનાં પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ રાજગોપાલાચારી ચક્રવર્તીએ પોતાના પદથી રાજીનામું આપ્યું અને રાજેન્દ્રપ્રસાદની નિમણૂંક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. 1950નાં વર્ષમાં જ અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતિક ચિહ્નનાં રૂપમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1963ની 26 જાન્યુઆરીએ મોરનાં સૌંદર્યને લીધે તેને ભારતનું રાષ્ટ્રીય પક્ષી પણ જાહેર કરવામાં આવ્યું હતું.
દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ
ભારતીય બંધારણને લખવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયા. ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે ડ્રાફ્ટીંગ કમિટીનું નેતૃત્વ કર્યું. આ દુનિયાનું સૌથી લાંબું લેખિત બંધારણ છે, જે 444 અનુચ્છેદ, 22 ભાગ અને 12 અનુસૂચિઓમાં વહેંચાયેલું છે. તેમાં 118 સુધારા થઈ ચૂક્યા છે. તેમાં ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ’ની અવધારણા ફ્રાન્સના બંધારણથી પ્રેરિત છે જ્યારે પંચવર્ષીય યોજનાનો વિચાર સોવિયેત સંઘના બંધારણમાંથી લેવાયો છે. ‘જન ગણ મન...’ને બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું હતું.
પૂર્ણ સ્વતંત્રતાનો સંકલ્પ પણ આ જ દિવસે
26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ એટલા માટે પસંદ કરાયો, કારણ કે 1930માં આ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બ્રિટિશ સત્તા પાસેથી પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવાનો સંકલ્પ લીધો હતો. આઝાદી પહેલાં આ જ દિવસને સ્વાતંત્રતા દિવસ તરીકે ઉજવાતો હતો. ભારત 26 જાન્યુઆરી 1950ના રોજ 10.18 કલાકે પ્રજાસત્તાક દેશ બન્યો અને આશરે 6 મિનિટ પછી ડો. રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પ્રજાસત્તાક રાજ્યના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા.
પ્રથમ પરેડ યોજાઇ હતી ઈરવિન સ્ટેડિયમમાં
આ વર્ષે ભારતભરમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. પાટનગર દિલ્હીમાં દેશનો સૌથી મહત્ત્વનો કાર્યક્રમ યોજવામાં આવશે. દિલ્હીના કર્તવ્યપથ (અગાઉના રાજપથ) પર યોજાનારી પરેડમાં ભારતની આન-બાન-શાનનું પ્રદર્શન થશે. દેશનાં હજારો નાગરિકો સાથે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશી મહાનુભાવો આ પ્રસંગે હાજરી આપશે અને ભારતીય સેનાનાં શૌર્ય અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી નિહાળશે. અત્યારે ભલે પરેડ પાટનગરના કર્તવ્યપથ પર યોજાતી, પણ 26 જાન્યુઆરી 1950ની પહેલી પરેડ ઇરવિન સ્ટેડિયમમાં (હાલના નેશનલ સ્ટેડિયમમાં) યોજવામાં આવી હતી. જેમાં ડો. ભીમરાવ આંબેડકર અને અન્ય વરિષ્ઠ નેતા હાજર રહ્યાં હતા. રાજપથ પર પહેલી વાર 1955માં પ્રજાસત્તાક દિવસની પરેડ યોજવામાં આવી હતી. જેમાં તે સમયના તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ અને ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપ્રમુખ સુકાર્ણો વિદેશી મહેમાન તરીકે હાજર રહ્યાં હતાં.
1950ની પ્રથમ પરેડમાં પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરાયા હતા. જ્યારે આ વર્ષે 2024ની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના ગાઢ મિત્ર એવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેંક્રોને આમંત્રિત કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter