પ્રથમ પંડિતા: રમાબાઈ મેધાવી

પ્રથમ ભારતીય નારી

ટીના દોશી Tuesday 30th May 2023 06:59 EDT
 
 

એક એવી યુવતી જેણે બાળપણમાં વણઝારાની પેઠે ભટકતું સંઘર્ષમય જીવન જીવવું પડ્યું અને એક પછી એક સ્વજનો ગુમાવ્યા છતાં પોતાની વિદ્વત્તાને પગલે પંડિતા અને સરસ્વતી જેવાં સન્માનનીય બિરુદ પ્રાપ્ત કર્યા....
એનું નામ રમાબાઈ. રમાબાઈ પંડિતા કે રમાબાઈ સરસ્વતી તરીકે જાણીતી. વિદ્વત્તાનો વારસો રમાબાઈને પિતા પાસેથી મળેલો. પિતા અનંતશાસ્ત્રી ડોંગરે વેદાંતના વિદ્વાન હતા. એમણે પત્ની લક્ષ્મીબાઈને શિક્ષણ આપેલું. એથી રૂઢિચુસ્ત જ્ઞાતિએ એમનો સામાજિક બહિષ્કાર કરેલો. અનંતશાસ્ત્રીએ પોતાનું મૂળ વતન મેંગલોર છોડ્યું. આંધ્ર પ્રદેશનાં ગંગામૂળની ટેકરીઓમાં આશ્રમ સ્થાપ્યો.
આશ્રમમાં ૨૩ એપ્રિલ ૧૮૫૮ના રમાબાઈનો જન્મ થયો. થોડા સમય બાદ કુટુંબે યાત્રાનો પ્રારંભ કર્યો. અનંતશાસ્ત્રી અને લક્ષ્મીબાઈએ રમાબાઈનાં શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સંસ્કૃત વ્યાકરણ અને સાહિત્યનુ પાક્કું જ્ઞાન આપ્યું. કાચા ઘડે ચડતા કાંઠલા પેઠે રમાબાઈ લગભગ અઢાર હજાર શ્લોકોનું સતત ગાન કરી શકતી. દરમિયાન અનંતશાસ્ત્રીની ઉદારતાને પગલે સઘળી સંપત્તિ વપરાઈ ગઈ. પરિવાર ભટકતું જીવન જીવવા મજબૂર થઇ ગયો. રમાબાઈની સોળ વર્ષની ઉંમરે પિતાનું અને પછી માતાનું મૃત્યુ થયું. રમાબાઈ માતાની ઠાઠડીને કાંધ દેનારી પ્રથમ હિંદુ સ્ત્રી અને પ્રથમ સમાજસુધારક બની. મોટીબહેન કૃષ્ણાનું મૃત્યુ થતાં પરિવારમાં રહેલા રમાબાઈ અને ભાઈ શ્રીનિવાસ. પવિત્ર સ્થળોનાં દર્શન કરતાં, પુરાણો અંગે પાઠ કરીને ખપજોગું કમાઈ લેતાં.
શ્રીનિવાસ અને રમાબાઈ કોલકાતા પહોંચ્યા. એક મંદિરમાં હરિકથા કરી. સમાચાર ફેલાઈ ગયા કે સંસ્કૃતની વિદુષીનું આગમન થયું છે. કોલકાતા વિદ્વાનોનું નગર હતું. એક કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનમાં પ્રોફેસર ટોને રમાબાઈની તુલના વિદ્યાદેવી સરસ્વતી સાથે કરી. રમાબાઈએ કહ્યું કે, ‘હું સરસ્વતી નથી. હું તો જ્ઞાનની દેવીની વિનમ્ર ઉપાસિકા છું !’ એ દિવસના રમાબાઈના વક્તવ્ય પછી તેને ‘પંડિતા’ અને ‘સરસ્વતી’ના બિરુદથી નવાજવામાં આવી.
રમાબાઈ સફળતાની સીડી ચડી રહેલી, એવામાં ૧૮૮૦માં શ્રીનિવાસનું મૃત્યુ થયું. વિપિન બિહારી દાસ મેધાવીનો સાથ મળ્યો. રમાબાઈ અને વિપિન બિહારીએ અદાલતમાં જઈને સિવિલ મેરેજ કર્યાં. દીકરી મનોરમા જન્મી. એવામાં ૧૮૮૨માં વિપિન બિહારીનું અવસાન થયું. પુત્રી સાથે રમાબાઈએ ભારતભ્રમણ કર્યું. સ્વામી દયાનંદ સરસ્વતીને મળી. મહિલા-સન્માનની નવી દ્રષ્ટિ પામીને પુણે આવી. પુણેમાં રમાબાઈએ પ્રવચનો ઉપરાંત પ્રવૃત્તિઓ દ્વારા જનજાગરણની દિશામાં કામ કર્યું.
૧૮૮૨માં પુણે ખાતે સર્વપ્રથમ આર્ય મહિલા સમાજની સ્થાપના કરી. મુખ્ય ઉદ્દેશ મહિલા ઉત્કર્ષનો અને સ્ત્રીઓ સાથેનો દુર્વ્યવહાર રોકવાનો હતો. ૧૭ મે ૧૮૮૩ના રોજ પુત્રી મનોરમા સાથે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો. લંડનમાં રમાબાઈએ પીડિત મહિલાઓ માટેના મહિલા ઉદ્ધારગૃહો જોયા. આ ગૃહો સિસ્ટર્સ હોમ એટલે કે ભગિનીગૃહો તરીકે ઓળખાતા. આ ગૃહોના માધ્યમથી સ્ત્રીઓને નવા જીવનની શરૂઆત કરવાનો અવસર મળતો. રમાબાઈને ભારતીય સ્ત્રીઓની મદદ કરવાનો માર્ગ દેખાયો.
આ અરસામાં આધ્યાત્મિક સંઘર્ષમાંથી પસાર થઇ રહેલી રમાબાઈએ ૨૯ સપ્ટેમ્બર ૧૮૮૩ના ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ૧૮૮૬માં રમાબાઈએ અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. ભારતની બાળવિધવાઓની સહાય માટે ૧૩ ડિસેમ્બર ૧૮૮૭ના બોસ્ટનમાં ‘પંડિતા રમાબાઈ એસોસિયેશન’ની સ્થાપના કરવામાં આવી. ૧૮૮૮માં રમાબાઈનું પુસ્તક ‘ધ હાઈ કાસ્ટ હિંદુ વિમેન’ પ્રકાશિત થયું. બાળવિવાહ, સતીપ્રથા અને વર્ણવ્યવસ્થા સહિતના મુદ્દાઓને આવરી લેતા આ પુસ્તકની દસ હજાર કરતાં પણ વધુ નકલોનું વેચાણ થયું.
રમાબાઈ ભારત પાછી ફરી. ૧ માર્ચ ૧૮૮૯ના વિધવાઓ માટે આશ્રમની સ્થાપના કરી. આશ્રમમાં પ્રવેશેલી પહેલી બાલિકાના નામ પરથી આશ્રમનું નામ શારદા સદન રાખવામાં આવ્યું. શારદા સદનમાં ભરતગૂંથણ, સિલાઈકામ, સુથારીકામ, માટીકામ, બાગકામ અને નેતરકામ જેવા વિવિધ હુન્નરો દ્વારા નિરાધાર વિધવાઓને આત્મનિર્ભર બનાવાતી. વિધવાવિવાહને ઉત્તેજન આપતી. ૧૮૯૭માં કેડગાંવ ખાતે ૧૫ એકર ભૂમિમાં શારદા સદનનું નિર્માણ કર્યું. ૧૯૦૦ના દુકાળ વખતે અનેક પીડિત સ્ત્રીઓએ ત્યાં આશ્રય લીધેલો. ૫ એપ્રિલ ૧૯૨૨ના રમાબાઈનું મૃત્યુ થયું ત્યાં સુધી એ સ્ત્રીકલ્યાણ માટે કાર્યરત રહી. શિક્ષણની સાથે સમાજસુધારણા ક્ષેત્રે પણ રમાબાઈએ અણમોલ પ્રદાન કર્યું, પરંતુ વિદુષી હોવાને કારણે એનું નામ લેવાય ત્યારે ‘પંડિતા’ અને ‘સરસ્વતી’નું જ સ્મરણ થાય છે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter