પ્રથમ પ્રણયાનુભૂતિની ગઝલ

આપણી કવિતાનો અમર વારસો...

- રિષભ મહેતા Wednesday 22nd January 2025 05:11 EST
 
 

રિષભ મહેતા (જન્મઃ તા. 16-12-1949) 

જન્મસ્થળઃ વેડછા (નવસારી). કાવ્યસંગ્રહોઃ ‘આશકા’, ‘સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.
કોલેજમાં આચાર્ય.

•••

પ્રથમ પ્રણયાનુભૂતિની ગઝલ

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં
ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈં
રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈં
હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે;
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈં
એટલી નાજુક છે તારી નિકટતા, કે તને -
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈં
એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈં
મહેંકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં –
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈં
આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે?
આ બધું કહેવાય નૈં, સહેવાય નૈં, સમજાય નૈં




to the free, weekly Gujarat Samachar email newsletter