ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વારંવાર જુદાં જુદાં શબ્દોમાં કહેતા કે ‘Whatever I have achieved in my political field is the direct result of my experiments in the spiritual field.’ (મેં જે કોઈ રાજકીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેની પાછળ મારા આધ્યાત્મિક પ્રયોગો રહેલા છે). એવી જ રીતે ભારતના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીએ પણ જે કોઈ રાજકીય, સામાજિક કે વૈશ્વિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એની પાછળ આધ્યાત્મિક શક્તિ છૂપાયેલી છે.
કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ એ તેના વાણી, વર્તન, વિચાર અને વલણથી સ્પષ્ટ થતું હોય છે. શ્રીમાન નરેન્દ્રભાઈની વાણીમાં ઊંડી આધ્યાત્મિકતા પ્રગટ થતી જોવા મળે છે. જ્યારે રામજન્મભૂમિ અયોધ્યા ખાતે રામમંદિરની શિલાન્યાસ પૂજનવિધિ થતી હતી ત્યારે નરેન્દ્રભાઈએ પોતાના પ્રવચનમાં ભગવાન શ્રીરામનો મહિમા જે ગહનતા, સંપૂર્ણતા સાથે તથા રામજન્મભૂમિના ઇતિહાસ અને વૈશ્વિક પ્રભાવની જે વાત કરી તે સાંભળીને ત્યાં ઉપસ્થિતિ સૌ ધર્મપુરુષો પણ બોલી ઊઠ્યા હતા કે ‘આટલી ગહનતા, સંપૂર્ણતા સાથેનું આવું સંતુલિત પ્રવચન કે વ્યાખ્યાન બહુ જૂજ સાંભળવા મળે.’ આ રીતે તેમની વાણીમાં ધર્મ અને ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસની પ્રતીતિ થાય છે.
જોકે, આધ્યાત્મિક પ્રતિભા કેવળ વાણીથી પૂર્ણ થતી નથી, તેમાં વર્તનનો પણ સમન્વય જરૂરી છે. નરેન્દ્રભાઈનું જીવન સાદું છે કહેતા કે ભોગવાદી નહીં, પરંતુ ત્યાગવૃત્તિવાળું છે. તેઓ કર્મઠપુરુષ અને નિષ્કામ-પુરુષની જેમ સતત મહેનત ને સેવા કરી રહ્યા છે. તેઓ સંપૂર્ણ શાકાહારી છે. જ્યારે વર્તનની વાત કરીએ તો સવારે પ્રાણાયામ, યોગથી માંડી નાની-મોટી સાધના સાથે નિયમિત જીવન જીવી રહ્યા છે. આધ્યાત્મિકતાની અંદર નિયમ-ધર્મ અને સાધના પર ભાર મૂકવામાં આવે છે.
તેઓ છેલ્લા કેટલાય વર્ષથી નવરાત્રિમાં વ્રત - ઉપવાસ અને તપ કરે છે. જે અંતર્ગત માત્ર લીંબુનું પાણી પીને સંપૂર્ણ નવરાત્રિ અનુષ્ઠાન કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે તેઓની અમેરિકા યાત્રા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપમુખે તેઓના સન્માન માટે ભોજનનું આયોજન કર્યું હતું. તેમાં સૌ કોઈ ભોજન લઈ રહ્યાં હતા અને મોદી સાહેબ માત્ર લીંબુપાણી પીતા હતા. એ કોઈ દેખાવ નહીં, પરંતુ એમાં તેમના અંતરનો ભાવ રહેલો છે.
વર્ષ ૨૦૦૨નો એક સ્વાનુભવ આપણી સમક્ષ વર્ણવું કે જ્યારે ભુજમાં ભૂકંપ બાદ નવનિર્મિત નારાયણનગરના ૩૦૦ ઘરનું એ ગામ અર્પણ કરવાનો ઉદ્ઘાટન પ્રસંગ હતો. એ સમયે ઉદ્ઘાટક તરીકે શ્રીમાન મોદી સાહેબ પધાર્યા હતા. એ સમયે પણ નવરાત્રિ અનુષ્ઠાનનાં વ્રત-ઉપવાસનો નિયમ તેમણે અકબંધ જાળવી રાખ્યો હતો. અમને એ પણ ખબર છે કે છેલ્લા ૪૦ વર્ષથી તેઓ નિયમિત વ્રત-ઉપવાસ કરી રહ્યાં છે.
તેઓ માત્ર વ્રત- ઉપવાસ જ કરે છે, એવું નથી, પરંતુ તેઓને દેવદર્શન પણ એટલું જ ગમે છે. તેઓ જે સ્થળનાં પ્રવાસમાં હોય ત્યાં નજીકના દેવાલય કે ધર્મસ્થાનની મુલાકાત દર્શનનો તેઓ શ્રદ્ધાપૂર્વક આગ્રહ રાખે છે. પછી તે ગુરુદ્વારા હોય કે તિરુપતિ મંદિર, કેદારનાથ, બદરીનાથ કે સ્વામિનારાયણ અક્ષરધામ હોય. તેઓ આવા ધર્મસ્થાનમાં જઈને ભક્તિપૂર્વક દેવદર્શન કરે છે. કેવળ દર્શન નહીં, પરંતુ કેદારનાથમાં તેઓ ધ્યાનસ્થ થયા. ગંગાજીની આરતી કરતા હોય ત્યારે પણ તેની પાછળ તેઓની નિષ્ઠાયુક્ત ધર્મભાવના આપણને જોવા મળે છે. આ સઘળું ઉપરછલ્લું ન થઈ શકે, શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિ થકી જ તે શક્ય બને.
આ રીતે તેઓ માત્ર વર્તનથી જ નહીં, વિચાર અને વલણથી પણ આધ્યાત્મિક છે. આપણે જાણીએ છીએ કે તેઓ બાળવયનાં હતા ત્યારથી જ તેઓ હિમાલય અને સાધુ-સંતો તરફ આકર્ષિત હતા. તેઓ એ પણ સ્વીકારે છે કે સૈનિકો દેશની સેવા કરે છે. જોકે, સાચા સંતોને મળ્યા બાદ તેઓએ એ પણ સ્વીકાર્યું કે સંતો પણ સંસ્કૃતિની સેવા કરી રહ્યાં છે.
એ પણ સૌને ખ્યાલ છે કે બે-ત્રણ વર્ષ માટે તેઓ હિમાલયમાં એકાંતવાસમાં રહ્યા. ત્યારબાદ તેમણે બેલૂર મઠમાં જઈને રામકૃષ્ણ મિશનનાં સાધુ થવાની ઈચ્છા પણ તેમને વ્યક્ત કરી હતી. એ સમયે તેમને સમાજ સેવા કરવાનો આદેશ પ્રાપ્ત થયો એટલે તેઓ સમાજ સેવાનાં કાર્યમાં ઊંડા ઉતર્યા. આ રીતે તેઓનું વલણ પણ આધ્યાત્મિક છે. સાધુ-સંતો અને ગુરુજનોનાં આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેઓ હંમેશાં શ્રદ્ધાપૂર્વક તત્પર રહે છે. જ્યારે તેમણે અયોધ્યામાં રામલલ્લા સમક્ષ સાષ્ટાંગ દંડવત કર્યા ત્યારે તેઓ ભારતના પ્રધાનમંત્રી તરીકે નહીં, પરંતુ એક ભક્ત તરીકે ત્યાં પધાર્યા હતા.
તેઓની વિચારધારા પણ આધ્યાત્મિક છે. બાળવયના હતા ત્યારથી માંડી ભારતના પ્રધાનમંત્રી પદે બિરાજમાન છે ત્યારે પણ તેઓ સૌને ભારતની આધ્યાત્મિક પંરપરા અને સંસ્કૃતિથી વાકેફ થાય એવું તેમનું વલણ રહેલું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટર્નબલ ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેઓ સ્વયં હાથ પકડીને ટર્નબલ સાહેબને સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે લાવ્યા હતા ત્યારે તેમને કહ્યું કહ્યું કેં ‘હું તમને મારા એક પ્રિયસ્થાનમાં લઈ જઉં છું.’ જ્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ભારત આવ્યા ત્યારે તેઓની સાથે વાર્તાલાપ પણ મહાબલિપુરમ્ મંદિરના પ્રાંગણમાં કર્યો. આવા નેતા મળવા એ ખૂબ જ જૂજ છે. તેઓનું વલણ આધ્યાત્મિક છે.
તેઓ દેશનું ટુરિઝમ વધારવા માટે પણ પ્રયાસરત છે. પછી એ અંબાજીનું મંદિર હોય કે સોમનાથ મંદિર – વિશ્વમાં આ તમામ તીર્થસ્થાનોનો પ્રભાવ આદર વધે એ માટે પણ તેઓ કાર્યરત છે. તેઓને સાધુ-સંતો માટે પણ આદર છે. એક દિવસ તેમણે અંગત વાત કરતા કહ્યું હતું કે ‘જ્યારે હું ગુજરાતના મુખ્ય મંત્રીપદે બિરાજમાન હતો ત્યારે મારી કાર અક્ષરધામ તરફથી પસાર થાય ત્યારે ત્યારે હું અચૂક અક્ષરધામનાં શિખર અને કળશનાં દર્શન કરતો અને આ મારો નિયમ હતો’ આવું આધ્યાત્મિક વલણ તેઓનું રહેલું છે. તેનું એક વૈશ્વિક ઉદાહરણ વર્ષ ૨૦૧૪નું છે.
જ્યારે તેઓ જાપાનનાં પ્રવાસે હતા ત્યારે તેમણે જાપાનનાં ઇમ્પિરિયલ પેલેસમાં એમ્પરર અકીહિટોને તેમણે ભેટમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ આપીને કહ્યું કે ‘There is nothing more for me to give and there is nothing more for the world to get.’(મારી પાસે આનાથી વિશેષ આપવા જેવું કંઈ છે નહીં અને વિશ્વની પાસે આનાથી વિશેષ પ્રાપ્ત કરવા જેવું કંઈ નથી.) આ રીતે ભારતની ઊંડી આધ્યાત્મિકતાને તેઓ જીવનમાં વિશેષ મહત્ત્વ આપે છે.
જેમની વાણીમાં આધ્યાત્મિકતાનો ઊંડો અભ્યાસ છલકાતો હોય, જેમના વર્તનમાં નિયમધર્મ હોય, જેમના વલણમાં આધ્યાત્મિકતા હોય અને જેમની વિચારધારા આધ્યાત્મિકતા સર્વત્ર પ્રસરે તે માટે સંનિષ્ઠ હોય તેવી વિશિષ્ઠ પ્રતિભાસંપન્ન વ્યક્તિ પર સૌ ગુરુજનોનાં આશીર્વાદ સહર્ષ નિરંતર વરસતા હોય છે.
બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ સાહેબ માટે વારંવાર કહેતાં કે ‘તમે ભગવાન, પ્રાર્થના, આધ્યાત્મિકતાના બળે અને સૌ સંતોના આશીર્વાદથી કેવળ દેશનું નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ભલું કરી શકશો.’ તેમના જન્મદિન નિમિત્તે પ્રાર્થના કરીએ કે ‘ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ, ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ, તમામ અવતારો, અવતારી પુરુષો અને તમામ સંત-મહાત્માઓનાં આશીર્વાદ સાહેબને ખૂબ પ્રાપ્ત થાય અને આપણા દેશને વિશ્વગુરુ બનાવે તેવી જન્મદિન નિમિત્તે શુભ પ્રાર્થના.’
પ્રધાનમંત્રીએ ટ્વિટર પર લખ્યુંઃ ‘હું બીએપીએસ પરિવાર સાથે સંકળાયેલો છું, તેનું મને ગર્વ છે...’
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિને શુભેચ્છા પાઠવતાં જણાવાયું હતું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિન નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ વતી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પ્રાર્થના કરી છે. તેઓ વૈશ્વિક કલ્યાણ માટે ભારતનું નેતૃત્વ કરે. તેઓની અદ્ભુત સિદ્ધિઓનું રહસ્ય મૌન આધ્યાત્મિકતા છે.’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર પરથી તેનો પ્રત્યુત્તર પાઠવાયો હતો કે ‘હું બીએપીએસ પરિવારની સાથે સંકળાયેલો છું. તેનું મને ગર્વ છે કે જે સંસ્થાના પોતાની ત્રુટિહીન સેવા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હું પરમપૂજ્ય મહંતસ્વામી મહારાજનો આભારી છું. હું બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવું છું.’