આજે પાંચમી મે 2026ના રોજ આપણે સૌ સોનેરી સંગતમાં ‘ગુજરાત સમાચાર’ના 54મા સ્થાપના દિનની ઉજવણી માટે ભેગા થયા છીએ.
સી.બી. આપની આ યાત્રા ‘સંગ સંગ ભેરુ તો સર થાય મેરુ’ના મંત્રથી શરૂ થઈ હતી. બહુજન હિતાય, બહુજન સુખાયની ભાવના સાથે આપ અને આપની ટીમે જે સિદ્ધાંતલક્ષી અને સમાજલક્ષી કાર્ય કર્યું છે, તેના કારણે ‘ગુજરાત સમાચાર’ની આ યાત્રા માત્ર સફળતાની નહીં, પરંતુ સાર્થકતાની યાત્રા બની છે. આપે માત્ર ગુજરાતી ભાષાની સેવા નથી કરી, પરંતુ Asian Voice દ્વારા બે સંસ્કૃતિઓ વચ્ચે સંવાદનો એક જીવંત સેતુ રચ્યો છે.
એક ભાષા માણસને તેના મૂળ સાથે જોડે છે અને બીજી ભાષા વિશ્વ સાથે. આ બંને યાત્રાને સાથે લઈને ચાલવું એ સહેલું કાર્ય નથી. પ્રવાસી સમાજ માટે આવા સમાચારપત્રો માત્ર મીડિયા કે માહિતીનું સાધન રહેતા નથી; તેઓ આઇડેન્ટીટી, કન્ટીન્યુટી અને કોમ્યુનિટી કોમ્યુનિકેશનનું કેન્દ્ર બની જાય છે. તેઓ સમયની નોંધ લે છે, પરંતુ સાથે સાથે સમાજની આત્માને પણ સાચવે છે. આજે આ પ્રસંગે મને કેન્યાના પ્રખર પત્રકાર ગિરધારીલાલ વિદ્યાર્થીની યાદ આવે છે. તેમણે 1933માં ‘The Colonial Times’ નામનું દ્વિભાષી - ગુજરાતી અને અંગ્રેજી - ન્યૂઝપેપર શરૂ કર્યું હતું. તેનું સૂત્ર હતું: ‘Free, Frank and Fearless’. આવા પત્રકારો માત્ર જર્નાલિસ્ટ નહોતા; તેઓ મોરલ વોઇસ હતા. તેઓએ ઘણીવાર પોતાના બિઝનેસ, ફ્રિડમ અને અને સેફ્ટીને જોખમમાં મૂકી સત્ય અને ન્યાય માટે કલમ ચલાવી.
કોલોનીયલ કેન્યામાં 1920 અને 1930ના દાયકામાં અંગ્રેજી અખબારો મુખ્યત્વે બ્રિટિશ રુલર્સના દૃષ્ટિકોણને આગળ વધારતા હતા. પરંતુ એ જ સમયમાં ગુજરાતી અને પંજાબી પત્રકારોએ ન્યૂઝપેપર્સને માત્ર ધંધો નહીં, પરંતુ રેઝિસ્ટન્સ, આઇડેન્ટિટી અને સિવિલ રાઇટ્સના સાધન તરીકે ઉપયોગ કર્યો. ‘The Colonial Times’ બ્રિટિશ નીતિઓની ખુલ્લી ટીકા કરતું હતું. તેમાં ભારતીયો અને આફ્રિકનો પર થતાં અન્યાય અંગે લખાતું અને આફ્રિકન નેશનાલિસ્ટ લીડર્સને પણ અવાજ આપવામાં આવતો. આ બધું કોલોનિયલ ગવર્ન્મેન્ટ માટે અસ્વીકાર્ય હતું. ગિરધારીલાલ વિદ્યાર્થી સેડીશન માટે સજા પામનાર પ્રથમ પત્રકારોમાંના એક હતા. તેમનું ન્યૂઝપેપર લાંબા સંઘર્ષ પછી 1962માં - કેન્યાની ઇન્ડિપેન્ડન્સ પહેલાં જ - બંધ થયું.
આ ઇતિહાસ આપણને એક ઊંડો વિચાર આપે છે: બ્રિટિશ શાસકોએ પ્રેસનો ઉપયોગ એમ્પાયર માટે કર્યો, પરંતુ એ જ પ્રેસ કેટલાક ભારતીય અને આફ્રિકન પત્રકારોના હાથમાં રેઝિસ્ટન્સનું શસ્ત્ર બની ગયું. આવા અખબારો માત્ર સમાચાર નહોતા આપતા; તેઓ સત્તાને પ્રશ્ન પૂછવાની હિંમત પણ શીખવાડતા હતા. તેથી ડાયસ્પોરા જર્નાલિઝમ ઓળખ, હક્ક, ન્યાય અને સ્વાતંત્ર્યચેતનાનું માધ્યમ બની ગયું. ખાસ કરીને ઇસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, ફિજી, મોરિશસ અને બ્રિટનમાં વસેલા ભારતીય સમાજ માટે ન્યૂઝપેપર્સે અદભૂત ભૂમિકા ભજવી. પ્રવાસી ભારતીયો માત્ર દર્શક નહોતા; તેઓ માનસિક અને બૌદ્ધિક રીતે ફ્રિડમ મૂવમેન્ટ સાથે જોડાયેલા હતા. ન્યૂઝપેપર્સ એ વતન સાથેનો સંબંધ, રાજકીય જાગૃતિ, સામૂહિક ઓળખ અને વિરોધનો અવાજ જીવંત રાખ્યો.
બ્રિટિશ સરકારને પ્રેસથી ડર શા માટે લાગતો હતો? કારણ કે ન્યૂઝપેપર્સ લોકોમાં પ્રશ્નો પૂછવાની હિંમત જગાડતા, ઇન્જસ્ટિસને નામ આપતા, જુદા જુદા સમુદાયોને જોડતા અને રાઇટ્સ અંગે જાગૃતિ લાવતા. ગુજરાતી ન્યૂઝપેપર્સની વિશેષતા એ હતી કે વેપારી અને શિક્ષિત વર્ગે પ્રિન્ટીંગ કલ્ચર ઝડપથી અપનાવ્યું. તેમા માત્ર વેપાર, લગ્ન કે સમાજ સમાચાર જ નહોતા, પરંતુ ગાંધીજીના વિચારો, સ્વદેશી, સિવિલ રાઇટ્સ, એન્ટી રેસિઝમ, અને આફ્રિકન નેશનાલિઝમ પર પણ ચર્ચા થતી. ઘણા ગુજરાતી એડિટર્સ બ્રિજ ફિગર્સ બન્યા. તેઓ સંપૂર્ણ બ્રિટિશ નહોતા અને સંપૂર્ણ આફ્રિકન પણ નહોતા. - પરંતુ બંને દુનિયાને સમજતા હતા.
આ વિષય આપણને ડાયસ્પોરા સાઇકોલોજી પણ સમજાવે છે. પ્રવાસી મન ઘણીવાર બે દુનિયા વચ્ચે જીવતું હોય છે: શરીર એક દેશમાં અને સ્મૃતિઓ બીજા દેશમાં. એટલે ડાયસ્પોરા જર્નાલિઝમ ઘણીવાર ‘ડબલ કોન્સિયસ’ સાથે જીવતું હતું. કોલોનીયલ શાસન માત્ર રાજકીય વ્યવસ્થા નહોતું. તે મનુષ્ય પોતાની જાતને કેવી રીતે જુએ છે — તેની પર પણ અસર કરતું હતું. અંતમાં, ફ્રિડમ મૂવમેન્ટ માત્ર રાજકીય લડાઈ નહોતી; તે નેરેટિવની લડાઈ પણ હતી. કોણ ઇતિહાસ લખશે? કોનો અવાજ સંભળાશે? અને ‘સિવિલાઇઝ્ડ’ કે ‘નેટિવ’ કોણ કહેવાશે? ડાયસ્પોરા જર્નાલિઝમે આ નેરેટિવને પડકાર્યો. એટલે આ વિષય માત્ર મીડિયા હિસ્ટ્રી નથી; તે આઇડેન્ટિટી, મેમરી અને ડિગ્નિટીનો ઇતિહાસ છે. અને કદાચ એટલા માટે જ પ્રવાસી અખબારો માત્ર સમાચાર નથી લખતા - તેઓ વિખરાયેલી ઓળખને શબ્દોમાં ભેગી કરે છે.


