પ્રેમ - મૈત્રી - પ્રાર્થનાઃ એક વેદી - એક યજ્ઞ

Thursday 27th August 2015 07:05 EDT
 
 

પરમ ચૈતન્ય પામવાના ત્રિવિધ માર્ગો છે પ્રેમ - મૈત્રી અને પ્રાર્થના. પ્રેમ - મૈત્રી એ મનુષ્યતાને અતિક્રમી જવાનો એક માર્ગ છે. વ્યક્તિચૈતન્યની પાવક જ્વાળાઓને પ્રેમ - મૈત્રી અને પ્રાર્થના એવા નામ અપાયા છે. ધ્યાન બર્હિમુખ બને ત્યારે પ્રેમ મૈત્રી છે અને અંર્તમુખ બને તો પ્રાર્થના છે. વિશ્વનો એકમાત્ર શ્રેષ્ઠ ધર્મ છે પ્રેમ.

આ અને આવા વાક્યો જ પુસ્તકના પાને પાને વાચવા મળે છે એ પુસ્તક એટલે જાણીતા વિચારક-ચિંતક-લેખક-શિક્ષક અને વક્તા શ્રી સુભાષ ભટ્ટનું પ્રવિણ પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તક ‘પ્રેમ - મૈત્રી - પ્રાર્થનાઃ એક વેદી - એક યજ્ઞ’.
હવે આ પુસ્તક ઓડિયો બુક સ્વરૂપે ઉપલબ્ધ બન્યું છે. લેખક સુભાષ ભટ્ટે અનુભૂતિની કેટલીક યાદગાર ક્ષણોએ લખેલા પત્રો આ ઓડિયો બુકમાં એમના નિવેદન સાથે સામેલ છે.
આ પુસ્તકને ઓડિયો બુક રૂપે ધ્વનિ જોષી, સ્તુતિ કોમ્યુનિકેશન દ્વારા શ્રોતાઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે. લેખકની પ્રેમ - મૈત્રી અને પ્રાર્થના વિશ્વની પોતીકી વિચારધારા અને સમજને જાણીતા પ્રવક્તા - કાર્યક્રમ સંચાલક અને લેખક તુષાર જોષીનો ભાવવાહી અને સંવેદનાપૂર્ણ સ્વર સાંપડ્યો છે. પુસ્તકના આરંભે લેખકનું નિવેદન છે જેના એક-એક શબ્દમાં સમાયેલી અનુભૂતિ અને ગહનતાને તથા પુસ્તકમાં સમાવાયેલા નાના પત્રોની ભાવનાને તુષાર જોષીએ પોતાના ઘેરા અને મધુર અવાજ થકી અર્થપૂર્ણ રીતે સહજભાવે રજૂ કરી છે.
શાંતિથી - ધ્યાનસ્થ થઈને વહેલી સવારે કે લોંગ ડ્રાઇવમાં કે ભાંગતી રાતે આ પત્રોનું પઠન સાંભળવાથી પ્રેમ - મૈત્રી - પ્રાર્થનામાં સમાયેલી સાધના-આરાધનાનો, સમર્પણ અને સમજણનો સ્પર્શ થશે. એકાદ નાનકડો દીવડો પ્રેમ - મૈત્રી - પ્રાર્થનાનો પ્રગટ્યાની અનુભૂતિ શ્રોતાને આ ઓડિયો બુકના શ્રવણ થકી જરૂર થશે.
વધુ વિગત માટે સંપર્કઃ ધ્વનિ જોષી, સ્તુતિ કોમ્યુનિકેશન-અમદાવાદ
e-mail: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter