ફરી વાર પાકિસ્તાનની નજર સિરક્રિક પર છે!

(ઘટના દર્પણ)

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Tuesday 29th September 2026 12:36 EDT
 
 

કચ્છના સિરક્રીક પાસે પાકિસ્તાની સેનાની ‘સી સ્પાર્ક-2026’ કવાયત થઈ હોવાના સમાચાર સામાન્ય ઘટના નથી. પાકિસ્તાની નૌકાદળના વિભાગ તરફથી જાહેર કરાયેલા વીડિયોમાં નૌકાદળના વડા એડમિરલ નવીદ અશરફ ક્રિક વિસ્તારના પાકિસ્તાની સૈનિકોની મુલાકાત લઈ આવ્યા હોવાનો અહેવાલ છે. 20 સપ્ટેમ્બરે આ અહેવાલ આવ્યો છે તેમાં સી સ્પાર્ક-2026ની પરેડનો સંદર્ભ છે. 15 સપ્ટેમ્બરે આઈએનએસ કોલકાતા અને પાકિસ્તાની નૌકાદળના પીએનએસ હુનેન વચ્ચે પશ્ચિમી હિન્દ મહાસાગરમાં ટક્કર થઈ હતી. ભારતે આ ઘટનાને ભારત-પાકિસ્તાન કરાર-10 અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી નિયમનો ભંગ ગણાવી હતી.
ગંભીર બાબત એ પણ છે કે પહેલી સપ્ટેમ્બરથી યોજાયેલી પાકિસ્તાની નૌકાદળની આ દ્વિ-વાર્ષિક સૌથી મોટી પેરેડ છે. તેમાં યુદ્ધ જહાજો, સબમરીન, બહુક્ષેત્રીય લશ્કરી કામગીરી વગેરેનો વ્યાપક ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. નેવલ ચીફની મુલાકાત દરમિયાન તે સ્થળે દીવાલ પર લખવામાં આવ્યું હતું: ડિફેન્ડર ઓફ સિર ક્રીક.
આ સંકેતો દર્શાવે છે કે સિર ક્રીકનો નાનો લાગતો મુદ્દો ગરમાવીને પાકિસ્તાન ભારત સાથેના વિવાદનો વિસ્તાર કરીને યુદ્ધનો માહોલ પેદા કરી રહ્યું છે.
સિર ક્રીકનો વિવાદી ઇતિહાસ તપાસવા જેવો છે. 1947માં ભારત-પાકિસ્તાન ભાગલા થયા તે પછી તુરત પાકિસ્તાને એવો સવાલ ઉઠાવ્યો કે કચ્છના જખૌ બંદરગાહ નજીકનો વિવાદ છે, તેની કોઈ નિશ્ચિત સીમારેખા આંકવામાં આવી નથી, અને સ્પષ્ટ સુલેહ કરાર થયા નથી. આ મુદ્દો ત્યારે પેદા થયો કે પાકિસ્તાની મરીન સિક્યુરીટી એજન્સી ભારતીય માછીમારોની બોટ અને તેમને પકડી ગઇ. ભારતે વિરોધ નોંધાવ્યો તો સામો જવાબ મળ્યો કે તમારા ભારતીય માછીમારોએ અમારા વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો!
1988માં પહેલીવાર ભારત-પાકિસ્તાન વચ્ચેના જળપ્રદેશોના સીમાંકનનો મુદ્દો પાકિસ્તાને ઉઠાવ્યો, અને કોરી ક્રિકથી સિર ક્રીક સુધીના વિસ્તારમાં સુરક્ષા દળોને સક્રિય કર્યા. ભારતે પણ તેવું કર્યું. તેમાં ગુજરાત બિરાદરીએ સ્થાપેલી સીમા અભ્યાસ સમિતિનો અહેવાલ પણ નજરમાં લેવાયો. આ સમિતિના અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલ અને મારી જવાબદારી સંયોજકની હતી.
ગુજરાતી અને અંગ્રેજીમાં ‘સીમા પર સાવધાન’ નામે આ અહેવાલ પ્રકાશિત થયો, ત્યારે સિર ક્રીકની પહેલીવારની અમારી પ્રત્યક્ષ મુલાકાત આજે પણ યાદ છે. કચ્છના લખપતથી ઉત્તરે કાટખૂણો કરતી આંતરરાષ્ટ્રીય સરહદનું કેન્દ્રબિંદુ સીમાસ્તંભ નંબર 1175 છે, ત્યાંથી 99 કિલોમીટર સિર ક્રીકના મુખ સુધીનો વિસ્તાર છે. તેને પાકિસ્તાન વિવાદી ગણાવીને પોતાનો માને છે.
મહારાજ કુમાર હિંમતસિંહજીની સાથે મુલાકાત કરી તો તેમણે અમને કહ્યું કે આ વિસ્તાર તો પરંપરાગત રીતે ભારતનો જ છે. કચ્છ રાજ્ય અને બ્રિટિશ હકૂમત હેઠળના સિંધ પ્રાંતની વચ્ચે 1914માં અભયપૂર્વક મંત્રણા થઈ ત્યારે જ સમજૂતી થઈ. તેમ 1924માં સમજૂતી અંતર્ગત સિંધ-કચ્છ દરિયાઈ સરહદ સ્પષ્ટ કરતાં થાંભલા ખોડવામાં આવ્યા, ત્યારે કચ્છમાં મહારાવ ખેંગાર ત્રીજાનું શાસન હતું. તે અંગેનો તમામ પત્રવ્યવહાર દીવાન ચુનીલાલ સારાભાઈએ કર્યો હતો, તેમાં કચ્છને ભાગે 76,527 એકર ભૂ-ભાગ આવ્યો. તે સમયના નકશા અને થાંભલા ખોડવાની દસ્તાવેજી વિગતો મળે છે. હવે પાકિસ્તાન કહે છે કે અમને 1914ની સમજૂતી કે નકશા મંજૂર નથી. એવું માનવામાં આવે છે કે સિર ક્રીકની જમીન નીચે પેટ્રોલિયમ અને ગેસનો ભંડાર છે, અગાઉ રશિયન વિજ્ઞાનીઓએ આવો અહેવાલ આપ્યો હતો. પાકિસ્તાનની એક લાલચ આ પણ હોઇ શકે છે.
વિગતોમાં જઈએ તો 24 ફેબ્રુઆરી, 1914ની સમજૂતી (ઠરાવ 11920) મુજબના આ નકશામાં કચ્છના સમગ્ર રણ વિસ્તારને કચ્છના રાજ્યનો ભાગ ગણાવવામાં આવ્યો હતો. જેમ ચીને મેકમોહન રેખાને માન્ય ના કરી અને યુદ્ધ કર્યું, તેમ પાકિસ્તાને પણ કચ્છ પરના હુમલામાં આવું કર્યું.
1967ના સપ્ટેમ્બરમાં સિર ક્રીક સરહદી આંકણીનો પ્રશ્ન લાહોર બેઠકમાં ઉઠાવવામાં આવ્યો. 1989થી આ વિવાદનો વિસ્તાર થયો. ભારત-પાકિસ્તાન મંત્રણા થઈ. 1994માં વળી મંત્રણા ચાલી. તેમાં ભારતના વિદેશ સચિવ ખાલી હાથે પાછા વળ્યા. 24 જાન્યુઆરી, 1994 આ જ મુદ્દો. બે સપ્તાહમાં પોઝિશન પેપર તૈયાર કરીને પાકિસ્તાનને મોકલી આપીશું એવું તે સમયના વિદેશ સચિવ દીક્ષિતે જણાવ્યું. પછીથી તેઓ કોંગ્રેસની વિદેશ નીતિમાં સલાહકાર હોવાના અહેવાલો હતાં.
24 જાન્યુઆરી, 1994ના 6 મુદ્દાની ચર્ચામાં એક સિર ક્રીક પણ હતું. આમ તો 1991-92 માં જ મેરી ટાઈમ બાઉન્ડ્રીની સરહદી આંકણીમાં બન્ને દેશો સંમત થયા હતાં, વિદેશી સચિવ તેનાં વિષે મૌન રહ્યા તે સવાલ તે સમયે ચર્ચાયો હતો. પાકિસ્તાને તો છ મુદ્દા જ ફગાવી દીધા અને કાશ્મીરની ચર્ચાનો આગ્રહ રાખ્યો એટલે મંત્રણા નિષ્ફળ ગઈ.
સિર ક્રીક મુદ્દો 1989 પછી વારંવાર સચિવ સ્તરની બેઠકોમાં ચર્ચાતો રહ્યો છે. 2005માં પણ સર્વેક્ષણ ટુકડીનો અહેવાલ તૈયાર થશે એવું પાકિસ્તાન સરકારે કહેલું. પાકિસ્તાની ટુકડીમાં 10 સભ્યો હતાં, ભારતીય સીમા સુરક્ષાના અધિકારીઓ પણ હતાં. તેનાં 20 સભ્યો હતાં,
કચ્છની ઉત્તરે કાટખૂણો લેતી સરહદ 233-જી સ્તંભ ધરાવે છે. તેમાંનો એક 1175-જી કેન્દ્રમાં છે. 1985માં કચ્છ અભ્યાસ સમયે આ પીલરનો સ્પર્શ કરતાં રણ, દરિયો, સરહદનો રોમાંચક અનુભવ થયો હતો! આજે તો સવાલ પાકિસ્તાની તૈયારીઓનો છે, તેનું ભવિષ્ય શું હશે? પાકિસ્તાન તેની આંતરિક મુશ્કેલીઓ અને પંજાબી સેનાનો એકાધિકારવાદ, ગરીબી અને મોંઘવારીથી પ્રજાને બીજે રસ્તે ચાતરવા માટે ભારત સામેના યુદ્ધનો ખતરનાક પ્રયોગ કરશે? તેમાં સિર ક્રીક એક નિમિત્ત બનશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter