હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું. ગુજરાતનાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, તેમના પત્ની સરોજબહેન મહેતા, પત્રકાર કે.પી. શાહ અને પાયલોટ સહિતના તમામને લઈ જતાં વિમાનને કચ્છના સુથરી પાસે પાકિસ્તાને તોડી પડ્યું હતું.
1956માં છાડબેટ પર પાકિસ્તાને નિષ્ફળ આક્રમણ કર્યું. 1965ના જાન્યુઆરીમાં કંજરકોટ ચર્ચાનું કેન્દ્ર બન્યું. 10 ફેબ્રુઆરીએ એકાએક છાડબેટ, કંજરકોટ, કરીમશાહી તરફ પાકિસ્તાની સૈન્ય ધસી આવ્યું. એપ્રિલમાં અબડાસા પર સૈનિકી વિમાનો દેખાયા. સરદારકોટ, વીઘાકોટ વગેરેમાં એપ્રિલ મહિનો સામસામી લડાઈનો રહ્યો. બહાદુર ભારતીય સૈનિકોએ તમામ જગ્યાએ સામનો કરીને આ સ્થાનો મેળવ્યા. છેવટે 30 જૂન, 1965ના યુદ્ધવિરામ જાહેર થયો. બ્રિટને આ મંત્રણામાં ભાગ લીધો હતો.
ગુજરાત સરકાર સાવ અજાગૃત હતી. વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ ‘ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી કચ્છના રણની ઉત્તરે આશરે 300 માઈલની સરહદ આવી છે, ત્યાં કોઈ વસતિ નથી, વેરાન પ્રદેશ છે, સરહદના કોઈ થાંભલા ખોડાયા નથી, સરહદની કોઈ વાડ બાંધવામાં આવી નથી.’ (24 ફેબ્રુઆરી, 1965 વિધાનસભાની કાર્યવાહી).
1962માં ચીની આક્રમણ વેળા લોકસભામાં પંડિત જવાહરલાલ નેહરુએ એવું કહ્યું હતું કે ઉત્તર સરહદે ઘાસનું તણખલું પણ ઉગતું નથી. ત્યારે કોંગ્રેસ-નેતા મહાવીર ત્યાગીએ કહ્યું: ‘એમ તો મારા માથા પર ટાલ છે, કોઈ વાળ ઊગતા નથી. તો શું મારે એ માથું સાચવવું નહિ? કાપી નાખવું?’
ગુજરાતની સરહદો વિષે આપણે જાગૃત તો રહેવું જ જોઈશે. છેક 14 જુલાઈ, 1948ના પાકિસ્તાને માગણી કરી હતી કે કચ્છ સીમાનો વિવાદ જલ્દી ઉકેલાવો જોઈએ. 1914માં જ કચ્છ અને સિંધ વચ્ચેની સરહદોની આંકણી થઈ ગઈ છે એટલે કોઈ એવી જરૂર નથી. પાકિસ્તાને ફરી વાર 1954માં આ સવાલ ઉઠાવ્યો.
કચ્છ-સિંધમાં ‘ઇનલેન્ડ સી’ હોવાથી રણના ઉત્તર ભાગમાં 7000 માઈલના વિસ્તારમાંથી 3500 ચોરસ માઈલ વિસ્તાર પાકિસ્તાનનો છે એમ જણાવ્યું. ભારતે આ દાવાનો અસ્વીકાર કર્યો એટલે 1956માં છાડબેટ પર પાકિસ્તાની હુમલો થયો. ભારતે વિરોધ નોંધાવ્યો. દરમિયાન નેહરુ-અયુબ મળ્યા અને નિર્ણય લીધો કે સરહદી વિવાદ મંત્રણા અને ટ્રિબ્યુનલથી ઉકેલવાનો પ્રયાસ કરવો. આવી મંત્રણા 15થી 22 ઓક્ટોબર, 1959માં ચાલી. 1960માં 4થી 11 જાન્યુઆરી મંત્રણા ચાલી. તેના દસ્તાવેજો સંસદમાં 9 ફેબ્રુઆરી, 1960ના ટેબલ પર મૂકવામાં આવ્યા. પણ આ તો પાકિસ્તાન! 1965માં જાન્યુઆરીની ત્રીજીએ સરહદમાં છેક દોઢ માઈલ સુધી પાકિસ્તાની ટુકડી ઘૂસી આવી. 10મીએ કંજરકોટ પર હુમલો થયો. ભારતે પહેલાં તો વિરોધ યાદી નોંધાવી. જવાબ ના મળતા 11મીએ સરદાર ચેકપોસ્ટ પાછું મેળવી. અમેરિકી-બ્રિટિશ શસ્ત્રોથી સજ્જ 14 પાક. બટાલિયન ખડકી દેવાઇ હતી.
જુલાઇની પહેલી તારીખ સુધીની આ લડાઈ પછી યુદ્ધવિરામ જાહેર તો થયો પણ મંત્રણા દરમિયાન જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણની તૈયારી કરી. કરાર થયા પછી પણ હુમલાખોરોને મોકલ્યા. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આકાશી હલચલ શરૂ થઈ. જામનગર પર સાતમી અને બારમીએ બોમ્બ ફેંકાયા. દ્વારિકા-ઓખા પર બોંબમારો થયો ત્યારે જ ગુજરાતની સમુદ્ર સરહદો કેટલી મહત્વની હતી તેનો અંદાજ આવ્યો.
જોકે 1965નું યુદ્ધ અન્ય સરહદો સાથે પણ જોડાયેલુ હતું. તેના ભાગરૂપે ગુજરાત અને રાજસ્થાનની સીમા પર સામસામા મોરચા મંડાયા. 5 ઓગસ્ટ 1965ના કાશ્મીરમાં ભાંગફોડ માટે 3000 ‘મુજાહિદો’ ઘૂસી ગયા હતા. આઠમીએ પૂંચમાં ગોળીબાર થયો. નવમીએ દિવસના તોફાનો થયાં. 11મીએ છાંબમાં ઘમસાણ ચાલ્યું. બારામુલ્લા રોડ પર લડાઈ થઈ. લેહ માર્ગ કાપીને 9500 ફૂટની ઊંચાઈએ જંગ શરૂ થયો. કારગિલ પરનો કબ્જો ભારતે વાપસ મેળવ્યો. 18 તારીખે યુદ્ધની ચરમ સીમા પર હતું. 24મી પાકિસ્તાનને હજુ યાદ છે. ભારતીય સેનાએ કાશ્મીરમાં યુદ્ધ-હરોળ ઓળંગી. તીથવાલના ત્રણ થાણા, ઉરી, પાકિસ્તાન હેઠળના કાશ્મીરમાં બેદોર, હાજીપીર, પીરપંજાલની પર્વતમાળા, તીથવાલ, મુનાવર-તાવી નદીની પાર 10 માઈલ, જોરિયાન અને લાહોર મોરચે તો માત્ર 10 માઈલ દૂર લાહોર હતું તેવી પરિસ્થિતિએ પાકિસ્તાનને બહાવરું કરી નાખ્યું.
પાકિસ્તાને અનેક મોરચા ખોલ્યા અને બધે નિષ્ફળતા મળી. સરગોધા જેવું તેનું મહત્વનું વિમાનીમથક ધ્વસ્ત કરવામાં આવ્યું. સિયાલકોટ મોરચે પાકિસ્તાન સેનાની અમેરિકી ફેટન ટેન્કોને ભારતીયોએ રમકડાની જેમ નષ્ટ કરી. બદીન વિમાનીમથક ધ્વસ્ત કરાયું. ઘણી વાર હતાશા વધુ જોખમી હોય છે. જે મથક પરથી કચ્છમાં બળવંતરાય મહેતાના વિમાનનો પીછો કરવામાં આવ્યો હતો તે બદીન વિમાનીમથક ભારતીય સેનાના હાથમાં આવ્યું. છેવટે 22 સપ્ટેમ્બરના યુદ્ધવિરામ થયો. તાશકંદ મંત્રણા થઈ. 1966ના જાન્યુઆરીમાં થયેલી મંત્રણામાં ભારતે ઘણું ગુમાવ્યું, અને ભારતીય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને પણ! તાશકંદમાં કરાર થયા પછી પરિવારને દિલ્હી ફોન કરીને પૂછયું કે આ સમજૂતીની ભારતમાં શી પ્રતિક્રિયા છે?
... પણ પ્રતિક્રિયાનો અજંપો જાણવા ભારત પાછા ફરે તે પહેલાં એ રાત્રે લાલબહાદુર શાસ્ત્રી તાશકંદમાં જ મૃત્યુ પામ્યા. શાસ્ત્રી પરિવાર, લલિતાદેવી અને વિરોધ પક્ષોએ પ્રશ્નો કર્યા, તપાસ સમિતિની માંગણી કરી પણ...
ગુજરાતનાં નસીબે પાકિસ્તાનનાં વિસ્તારવાદનો ખેલ જ આવ્યો. 1965ના પ્રારંભે, 19 ફેબ્રુઆરીએ કચ્છ-ટ્રિબ્યુનલનો આઘાતજનક ચુકાદો આવ્યો, જેમાં 350 ચોરસ માઈલ પાકિસ્તાનને આપી દેવામાં આવે એવું જણાવાયું.
કચ્છ અને સમગ્ર દેશમાં આ ચુકાદાએ પ્રચંડ વિરોધ જન્માવ્યો અને કચ્છની સરહદો પર લાંબા સમય સુધી સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહે દેશમાં પહેલીવાર સશક્ત કોંગ્રેસવિરોધી તાકાત ઊભી કરી, જેની અસર 1974માં ગુજરાતમાં સ્થપાયેલા ‘જનતા મોરચા’ અને પછી કેન્દ્રમાં જનતા પક્ષના નિર્માણમાં રહી.
ગુજરાત સરહદી પ્રદેશ છે. એકલા પાકિસ્તાનની સાથે તેની જમીન, આકાશ બંનેની નજદિકી છે. સિંધ સાથે કચ્છના સાંસ્કૃતિક સંબંધો છે. હજુ કચ્છની પાકિસ્તાની સરહદ સવાલો પેદા કરી રહી છે. સોનાની દાણચોરી, કેફી દ્રવ્યોની હેરાફેરી અને સર ક્રીકનો સવાલ -આટલા સરહદી પ્રશ્નો છે. પાકિસ્તાન ક્રોસ-બોર્ડર આતંકવાદથી કાશ્મીરમાં અરાજકતા અને ખુનામરકીની પરિસ્થિતી ઊભી કરવા માગે છે. સિંધુ-જળ કરારને મોકૂફ રાખવાની ભારત સરકારે કરેલી જાહેરાતથી તેની હતાશા અને કટ્ટરતા વધ્યા છે. આ સંજોગોમાં ગુજરાતની સજ્જતા અને સાવધાની વિશેષ જરૂરી બની જાય છે.