ચોથી મેના દિવસે બંગાળ વિધાનસભાની ચૂંટણીનું વિસ્ફોટક પરિણામ અને પહેલી મેના દિવસે ગુજરાત રાજ્ય સરકારની સ્થાપનાની ઉજવણી. દેખીતી રીતે તો આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. પણ, બંગાળની ચૂંટણી દરમિયાન માત્ર રાજકીય નહિ, સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોની વાતો બંગાળમાં થઈ, તેની ભૂમિકા અને તેનું અર્થઘટન સમજવાં જેવાં છે.
તૃણમૂલ કોંગ્રેસના નિશાન પર આમ તો ચૂંટણી પંચ, મતદારોની ચકાસણી, નાગરિકોની નોંધણી જેવા વિષયો તો હતા જ, પણ તેનો છેલ્લો ઇરાદો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા. બીજા ગુજરાતી રાજકારણીનો ઉમેરો થયો તે અમિત શાહનો. બંને ગુજરાતી, અને ભાજપના વર્તમાન દિગ્ગજો, જેના વિના આખો પક્ષ અધૂરો એટલે વિરોધ પક્ષો કોઈ પણ ભોગે આ બંને સત્તા પર ના હોય એવો ઇરાદો રાખે છે. અગાઉના રાજકારણ-સત્તાકારણમાં સરદાર વલ્લભભાઈ અને તે પછી મોરારજીભાઈ પ્રત્યેનો અલગાવ રહ્યો હતો. દિલ્હીની બ્યુરોક્રસી પણ ગુજરાતની ઉપેક્ષામાં સામેલ રહી.
2014માં મોદીનો વડાપ્રધાન તરીકે કેન્દ્રમાં પ્રવેશ થયો ત્યારે ગુજરાત-ગુજરાતી નેતૃત્વ પ્રત્યેની ઉપેક્ષાનો મોટો દબદબો હતો. આમેય ગોધરા-કાંડને લીધે મોદીની તસવીર હિન્દુ-તરફી હતી. અમેરિકાએ તો અગાઉ તેમના પ્રવાસની ના પડી દીધી એટલે દુનિયાના દેશોમાં મોદી વિશેની છાપ ઠીક નહોતી. અમેરિકા-ઈંગ્લેન્ડમાં કેટલાંક કથિત ‘લિબરલ્સ’ સરઘસો અને લેખોથી વિરોધનો મોકો ગુમાવતા નહોતા.
આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર અને રાજકીય પક્ષોમાં ગુજરાત-વિરોધી પ્રવૃત્તિ ચાલુ હતી તેનો અંદાજ વડાપ્રધાન મોદીને હતો જ. આ બધાંની પ્રભાવશાળી રીતે સ્થાપિત થવાની જે વ્યૂહરચના મોદીએ ઘડી હતી તેની વળી અલગ આંતરિક કથા છે. આટલાં વર્ષે તેનું પરિણામ એ આવ્યું કે સરકારી બાબુસાહેબો તમામ નિર્ણયો અને અમલીકરણમાં સાવધાન રહીને કામ કરતા થયા છે. મીડિયાએ પણ મોટાભાગે જે વિધેયક ભાગ ભજવવા માંડ્યો તેનાથી નારાજ થઈને વિરોધીઓએ ‘ગોદી મીડિયા’ જેવુ નામ આપ્યું.
ચૂંટણીઓમાં આની અસર કેમ ના પડે? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ તેમાં એક મોટો વર્ગ આશા રાખીને બેઠો હતો કે જુઓને, લોકો રાજ્ય સરકારથી નારાજ છે અને સ્થાનિક સંસ્થાઓમાં તેનો સફાયો કરશે. પરંતુ એવું ના થયું. શીર્ષકો અને નિવેદનો તૈયાર રાખ્યા હતાં તે બદલવા પડ્યાં!
બંગાળમાં વળી સાવ અલગ લાગે તેવી, પણ જમાનાજૂની ‘કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય’નો શોરબકોર શરૂ થયો, ચૂંટણી પંચ, સર, મતદાતા તપાસણી, કેન્દ્રીય પોલીસ દળોનો ઉપયોગ વગેરે મુદ્દાઓ પ્રચારમાં ઉઠાવવામાં આવ્યા. ભાજપ હિન્દુ-મુસ્લિમ ભાગલા પાડીને મત મેળવવા માંગે છે એમ કહેવાયું. સામસામી તલવારો મતદાન સુધી ચમકતી રહી. મુખ્યમંત્રીનું વલણ જોઈને એક મુસ્લિમ નેતાએ તો બાબરી મસ્જિદ ઊભી કરવાનું એલાન કરી દીધું, તેને માટે ફંડફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. જેઓ અયોધ્યા-ઘટના પછી સમસમીને બેઠા હતા તેમને તક મળી ગઇ. બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હિંસા અને આગના બનાવો રોજના થઈ ગયા.
બંગાળ અને બંગાળીનો સ્વભાવ થોડો અલગ છે, તેઓ સાહિત્ય, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્યનીતિમાં બીજી પ્રજાથી અલગ અને વિશેષ છે એવી બંગાળીઓની માન્યતા છે. તેમની બંગાળ પ્રત્યેની ચાહના વિશેષ રહી તે કઈ આજકાલની વાત નથી, અનેક ઘટનાઓ તેની સાક્ષી છે. પ્લાસીના યુદ્ધને બાદ કરીએ તો ખુદ અંગ્રેજોને સૌથી મોટો ડર બંગાળનો રહ્યો, એટલે તો લોર્ડ કર્ઝને 1905માં બંગાળના ભાગલાનો નિર્ણય લીધો. બીજી તરફ દેશની રાજધાની દિલ્હી બનાવવાનું નક્કી કર્યું. ભારત વિભાજનમાં બ્રિટિશ ધૂર્તતાના બે ઈરાદાઓ હતા કે પંજાબ અને બંગાળના બે ટુકડા થાય તો તેનો જુસ્સો ખતમ થઈ જાય. સિંધ-ગુજરાત વિભાજનનો તેને ડર નહોતો કે એ પ્રજા કશું કરી શકે.
1947ની આસપાસ એક પ્રયાસ ‘બૃહદ બંગાળ’નો થયો હતો. પાકિસ્તાનને તો આસામ અને બંગાળ સહિતનું પૂર્વ બંગાળ જોઈતું હતું. શેખ મુજીબર રહેમાન પણ તેવા અભિપ્રાયના હતા. છેવટે સંપૂર્ણ બંગાળ જ પાકિસ્તાનને સોંપી દેવાય તેવી પરિસ્થિતિ થઈ ત્યારે ‘પશ્ચિમ બંગાળ’થી ભારતીય બંગાળીઓએ મને-કમને સ્વીકાર કરી લીધો. જે પ્રજાએ બંગ-ભંગનો પ્રચંડ વિરોધ કરીને બ્રિટિશ સત્તાને નિર્ણય બદલવાની ફરજ પાડી હતી, તે જ પ્રજા બંગાળના બે ભાગલા માટે મજબૂરીથી તૈયાર થઈ ગઈ.
વાસ્તવિકતા તો એ હતી કે સમગ્ર બંગાળે સ્વાધીનતા માટે આહુતિ આપી હતી. આપી દેવાયેલા ભાગમાં ચટગાવમાં માસ્ટરદા સૂર્યસેનના નેતૃત્વ હેઠળ જાલાલાબાદ સહિતનો જે રણ સંગ્રામ થયો તેનાથી બ્રિટિશ સત્તાના પાયા હચમચી ગયા હતા. સૂર્યસેન સહિત સૌ હુતાત્મા થયા. અનેક દિવસો સુધી બ્રિટિશ સૈનિકોની સામે લડતા રહ્યા, પ્રીતિલતા નામે ક્રાંતિકારીની યુદ્ધ મોરચે શહીદ થઈ, સૂર્યસેનને અને બીજાઓને ફાંસી મળી. આ ચટગાવની એક બીજી ઐતિહાસિક વિશેષતા એ છે કે બર્મામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ ઇમ્ફાલના મોરચે આગળ વધીને ચટગાવ પહોંચવા માંગતી હતી. એકવાર જો બંગાળમાં પ્રવેશ થઈ જાય તો સ્વાધીનતા જંગ ચારેતરફ વિસ્તરે અને બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સુધી જનતા સ્વયં બ્રિટિશ સત્તાને સમાપ્ત કરશે, ભારત સમગ્ર મુક્ત થશે, કોઈ વિભાજન નહિ થાય.
જોકે આ વ્યૂહરચના જાપાનના પરાજય પછી સફળ ના થઈ, પણ બંગાળનો પ્રભાવ જુઓ. બહુ સમય સુધી પશ્ચિમ પાકિસ્તાનને તે સહન કરી શક્યું નહિ, ઉર્દૂને બદલે બંગાળી ભાષાનો આગ્રહ રાખતાં આંદોલનોમાં યુવાનો મરાયા. વિશ્વ માતૃભાષા દિવસ આ આંદોલનનું પરિણામ છે. રવીન્દ્રનાથ ટાગોરનું ગીત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બન્યું, કાઝી નઝરૂલ ઇસ્લામ જેવો રાષ્ટ્રભક્ત કવિ લોકપ્રિય રહ્યો, શરદબાબુ બંગાળના કથા-સમ્રાટ રહ્યા. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘વંદે માતરમ્...’ રાષ્ટ્રનો પ્રાણસ્વર બન્યું.
સમગ્ર બંગાળની સૌથી મોટી વિશેષતા ક્રાંતિ માટેના સંગ્રામની છે. ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ જે બરાકપોર સ્થાને છેલ્લું પ્રચાર ભાષણ કર્યું ત્યાં 1857નો પ્રથમ ક્રાંતિકાર મંગલ પાંડે હુતાત્મા બન્યો હતો. બંગાળથી જ 1857 પછી બીજો સંઘર્ષ આયોજિત કરવાનું કાર્ય રાસબિહારી બોઝે કર્યું હતું, અને દેશવ્યાપી ‘ગદર’ની આંધી જગાવી હતી. જિંદગીના છેલ્લા પડાવે તેમણે ટોકિયોમાં જાપાન સરકાર પાસેના ભારતીય યુદ્ધકેદીઓને સાથે લઈને આઝાદ હિન્દ ફૌજ રચી, બીજા બંગ મહાનાયક સુભાષચંદ્ર બોઝને જર્મનીથી બોલાવીને આઝાદ હિન્દ સરકારની રચના કરી, છેક ઇમ્ફાલ અને આંદામાન સુધીના પ્રદેશમાં 1943માં જ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરક્યો.
1905માં અરવિંદ ઘોષે વડોદરાથી ‘ભવાની મંદિર’ પુસ્તિકા લખી, તેના પરથી એક વધુ બંગાળી ચિત્રકાર અવનીન્દ્ર નાથ ટાગોરે ભારતમાતાનું ચિત્ર દોર્યું. ભગિની નિવેદિતાએ બંગાળમાં ચેતનાનું કાર્ય કર્યું. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ બંગાળના શક્તિ-સૂર્યો.
આ યાદી ઘણી લાંબી થાય તેવું બંગાળનું મહત્વ છે, પણ વર્તમાન ચૂંટણીના રાજકારણમાં માનસિક રીતે ઘવાયેલા મુખ્યમંત્રીએ ‘બદલાવ નહિ, બદલો’ની ભૂમિકા પર લાવીને મૂક્યા. એક આંતરરાષ્ટ્રીય વિદ્વાને તો ત્યાં સુધી કહ્યું કે બંગાળમાં શક્તિની પૂજા છે, શ્રી રામની નહિ. એક મહિલા રાજનેતાએ કહ્યું કે બંગાળે સ્વાતંત્ર્ય જંગમાં વધુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, ગુજરાતે નહિ. ઇતિહાસના અજ્ઞાનમાંથી આવો અભિપ્રાય પેદા થયો છે. 1857થી 1945 સુધીમાં ગુજરાતે સશસ્ત્ર અને અસહકાર - અહિંસા બંનેમાં ભાગ લીધો છે. એકલા ગાંધી કે સરદાર નહીં, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ કામા, વડોદરામાં અરવિંદ ઘોષ, હરીપુરામાં રાષ્ટ્રીય અધિવેશનમાં નેતાજીનું સભાપતિ હોવું, આઝાદ હિન્દ ફૌજમાં ગુજરાતીઓનું પ્રદાન... આ બધામાંથી એકાદ વિગત પણ તે મહિલાને યાદ હોત તો...
પણ વર્તમાન રાજકારણ એ રાજનીતિ નથી, માત્ર કારણ છે, નીતિ નથી! ક્રિયા-પ્રતિક્રિયામાંથી જન્મેલી છીછરી માનસિકતા છે. બંગાળમાં અગાઉ કોંગ્રેસ સત્તા પર હતી, વિધાનચંદ્ર રાય જેવા મુખ્યમંત્રી હતા, પણ આ પક્ષ હારી ગયો અને ડાબેરી મોરચો આવ્યો, તે પણ ગયો અને કોંગ્રેસમાંથી બળવો કરીને અલગ પડેલા તૃણમૂલ કોંગ્રેસના મમતાજીએ સત્તા સાંભળી. કોઈ વિકલ્પ નહોતો એટલે લાંબા સમય સુધી રાજકાજ ચલાવ્યું, પણ પછી તેને માટે પણ બોધપાઠ આપણાં કવિની પંક્તિ યાદ કરાવે તેવો છે: ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, તેથી જ શાણા માણસો લેશ પણ ફુલાતા નથી!’


