1971માં ભારત-પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું. એ એક અજબ લડાઈ હતી. પાકિસ્તાનને દમન દ્વારા પૂર્વ પાકિસ્તાન પર પોતાનો કબજો જાળવી રાખવો હતો, જ્યારે પૂર્વ પાકિસ્તાને હવે માથું ઊંચક્યું હતું. તેને બંગાળી ભાષા સહિત પોતાની આગવી ઓળખ જાળવવી હતી. તેમને પાકિસ્તાની સેનાનું શાસન ખપતું નહોતું અને કટ્ટરવાદને સમાપ્ત કરવો હતો. આ સંઘર્ષ બાંગ્લાદેશના પોતાનાં ધ્વજ અને રાષ્ટ્રગીત માટેનો હતો.
લોહિયાળ યુદ્ધના અંતે 15 ડિસેમ્બરે પાકિસ્તાન પરાસ્ત થયું. ઢાકામાં પશ્ચિમ પાકિસ્તાનની સેનાના લેફ્ટનન્ટ જનરલ એ.એ.કે. નિયાઝીએ ભારતીય સેનાના વડા જનરલ માણેકશાને સંદેશો મોકલ્યો કે તેઓ યુદ્ધવિરામ માટે તૈયાર છે. જનરલ માણેકશાએ કમાન્ડના સૈનિકો વતી જવાબ આપ્યો કે 16 ડિસેમ્બરે સવારે 9 વાગ્યે શરણાગતિ સ્વીકારી લો. 16મીએ ભારતના વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જાહેરાત કરી કે આજે 16:31 વાગ્યે બાંગ્લાદેશમાં પશ્ચિમ પાકિસ્તાનની સેનાએ બિનશરતી આત્મસમર્પણ કર્યું છે.
જનરલ નિયાઝીએ આત્મસમર્પણના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા, જ્યારે ભારત અને બાંગ્લાદેશની સંયુક્ત સેના તરફથી લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરાએ આત્મસમર્પણનો સ્વીકાર કર્યો.
આ શરણાગતિ પત્રના અંશો આ પ્રમાણે હતાઃ
પાકિસ્તાનનો પૂર્વી વિસ્તારનો કમાન્ડ. ભારત-બાંગ્લાદેશની સેનાઓના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સમક્ષ શરણાગતિ માટે સંમત છે. તેમાં પાકિસ્તાનની તમામ થલ, વાયુ અને જળ સેનાઓ તેમજ અર્ધસૈનિક અને નાગરિક સશસ્ત્ર દળો સામેલ છે. આ તમામ દળો લેફ્ટનન્ટ જનરલ અરોરાના કમાન્ડ સમક્ષ પોતાનાં હથિયારો સાથે આત્મસમર્પણ કરશે. પાકિસ્તાનનો આ પૂર્વ ક્ષેત્ર હવે જનરલ અરોરાના આદેશ હેઠળ રહેશે. આદેશનું ઉલ્લંઘન શરણાગતિની શરતોનો ભંગ ગણાશે અને તેના પર કડક પગલાં લેવાશે. જીનીવા કરાર મુજબ સૌની ગરિમા અને સન્માન જાળવવામાં આવશે.’ (સહીઃ જગજીત સિંહ અરોરા અને આમીર અબ્દુલ્લા ખાન નિયાઝી, 16 ડિસેમ્બર 1971) 1985માં જનરલ અરોરા ગુજરાતમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. અમદાવાદમાં ‘ગુજરાત બિરાદરી’ અંતર્ગત તેમનું અને વિમલાતાઈ ઠકારનું વ્યાખ્યાન યોજાયું હતું. ભાવનગરમાં પણ કાર્યક્રમ હોવાથી મને તેમની સાથે પ્રવાસ કરવાની તક મળી. પ્રવાસ દરમિયાન ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ અને 1971ના બાંગ્લાદેશનું નિર્માણ એ વાતચીતના મુખ્ય વિષયો હતા. આ સૈનિકી નાયકે બાંગ્લાદેશ નિર્માણનું વિગતવાર વર્ણન કર્યું હતું. પરંતુ સાથે એક ચેતવણી પણ આપી હતી કે, ‘ભવિષ્યમાં બાંગ્લાદેશની નીતિ અને સ્થિતિ આવી જ રહેશે તેવું માનવું જોઈએ નહીં.’ તેમની આ ભવિષ્યવાણી આજે કેટલી સાચી પડી છે! આજે બાંગ્લાદેશના કટ્ટરવાદી તત્ત્વોને ત્યાંની હિન્દુ લઘુમતી જરાય ગમતી નથી. તેમનાં ઘરો, સ્ત્રીઓ અને મંદિરો સલામત નથી.
જેમને ‘વંચિતોના વાણેતર’ કહીને નવાજવામાં આવ્યા હતા તે મોહમ્મદ યુનુસ આજે કટ્ટરવાદી પરિબળોને ટેકો આપી રહ્યા હોય તેવું જણાય છે. ભારતની મદદથી જન્મેલા દેશમાં આજે ભારત-દ્વેષનો અડ્ડો ઊભો થઈ રહ્યો છે. શેખ હસીના અને લેખિકા તસલીમા નસરીન જેવાં લોકોએ આજે ભારતમાં આશ્રય લેવો પડ્યો છે.
3 ડિસેમ્બર 1971ની સાંજે 5:40 વાગ્યે ભારતે યુદ્ધઘોષિત કર્યું. આ લડાઈમાં અંદાજે 30 લાખ લોકોએ જાન ગુમાવ્યા અને 2 લાખ જેટલી સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બની. ભારતના 3,630 જવાનો શહીદ થયા. બાંગ્લાદેશી લેખક સલામ આઝાદે નોંધ્યું છે કે આ શહીદ ભારતીય સૈનિકો માટે બાંગ્લાદેશમાં કોઈ યોગ્ય સ્મારક પણ નથી. ભારતે તે સમયે 7,000 કરોડનો ખર્ચ શરણાર્થીઓ પાછળ કરવો પડયો હતો. ખરેખર તો પૂર્વ પાકિસ્તાનનું નિર્માણ જ કૃત્રિમ હતું.
કરાચી અને ઢાકા વચ્ચે માત્ર ભૌગોલિક નહીં, સાંસ્કૃતિક અંતર પણ વિશાળ હતું. 1947માં ઇતિહાસની વિડંબના જુઓ કે આપણે પંજાબ અને બંગાળનું વિભાજન સ્વીકાર્યું. 1948માં ભાષાકીય આંદોલનથી શરૂ થયેલી સ્વાયત્તતાની માંગ 1971માં એક
સ્વતંત્ર રાષ્ટ્રમાં પરિણમી. આટલાં વર્ષો પછી બાંગ્લાદેશમાં પાકિસ્તાનની મદદથી જે રીતે કટ્ટરવાદી તત્ત્વો, ચૂટણીનાં વાઘા પહેરીને કે તેના વિના ભારત-દ્વેષનો અડ્ડો ઊભો કરાઈ રહ્યો છે. તેનું મૂલ્યાંકન કઈ રીતે કરીશું?


