બાવીસમીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું સીમાચિહન

ઘટનાદર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 10th January 2024 06:42 EST
 
 

રામમંદિરમાં ભગવાન રામની પ્રતિષ્ઠાપના કોઈ એક સંપ્રદાય, ઉપાસના કે ધર્મનો પ્રસંગ નથી, એ સમગ્ર મનુષ્યજગત-જે રામને વિવિધ સ્વરૂપે ઓળખે છે, આદર કરે છે, પુજા કરે છે અને અનુસરે છે તે-નો આનંદ ઉત્સવ છે. જેમ કે મુસ્લિમ સૂફી સંતોએ રામના ગુણ ઉપાસ્યા છે, ફાધર કામિલ બુલકેએ રામચરિત માનસને સંશોધન પૂર્વક શબ્દદેહ આપ્યો છે, ગાંધીજી “રામ રાજ્ય”ની આદર્શ કલ્પના પ્રબોધી છે, મલેશિયા, ફિજી, થાઈદેશમાં રામ અને રામાયણની પરંપરા મંદિરો, શિલ્પ અને સાહિત્યમાં છે, પૂર્વોત્તરમાં સંત શંકરદેવે વનવાસી પ્રજાને રામ-કીર્તન આપ્યા તે દરેક ગામના દેવઘરમાં ગવાય છે, શાસ્ત્રીય નૃત્ય પછી તે કથકલી, ભરતનાટ્યમ,મણિપુરી, કત્થક,કુચિપુડી – માં પણ રામકાવ્ય તો છે જ. અને એક અંદાજ પ્રમાણે દેશભરમાં વાલ્મીકિ રામાયણ પછી 27 રામાંયણો રચાયા છે, પોતાના પરદેશની કાલીઘેલી ભાષામાં રામ, સીતા, હનુમાન, રાવણ, વિભિષણ આલેખાયા છે, કચ્છનું પોતાનું રામાયણ-“રામરાંધ” છે, તે કેરાના મહેલમાં ભીંતચિત્રમાં શોભે છે. થોડાંક વર્ષ પૂર્વે ખેતીની મોસમ સમયે તેની ગામને પાદર ઉજવણી થતી. રામ તો છે સામાન્ય મનુષ્યોનો પોતાનો માણસ. કચ્છના દરિયા નજીક જાઓ તો નાખુદાઓ સમુદ્ર ખેડે તે પહેલા હનુમાનના ચિત્ર સાથેની ફરકતી ધજાવાળા વહાણમાં શઢ ફરકવે ત્યારે સમૂહમાં ગીત ઉપાડે છે:
હે માલી જામશા, રામો રામ!
ગણપતિ ને હડમાન જતી, રામો રામ!
હડમાનને ચાડસા લાડુ રામો રામ !
જાન ફેસાની, રામ રખવારી રામો રામ!
આ ખારવા કોઈ એક સંપ્રદાયના નથી, સાગરપુત્રો છે, હિન્દુ અને મુસ્લિમ પણ છે, બધાને માટે “રામ રખવારી” છે. આ સદીના મધ્યકાળ સુધી ચોમાસામાં ઉગાડાયેલા પાક (મોલ) ની લણણી થાય ત્યારે જે રામલીલા ભજવતી તેની શરૂઆત “રામમોલ” થી થતી. ખુલા ચોકમાં, રાતના અજવાળે પ્રારંભ થાય. લોકો અગ્નિના તાપણા પાસે બેઠા હોય, મંચ પર “નાયક” પ્રવેશે, જંતરના સંગીતે માહોલ બદલાય અને એક પછી એક, મામલો પહેલો, મામલો બીજો, મામલો ત્રીજો.... આ મામલો એજ રામમાનસના કાંડ.. બાલ કાંડ, અયોધ્યા કાંડ... અભિનય કરનારા “રાવળ” કોમના વહીવંચા બ્રાહ્મણો. રંગભૂમિથી તેઓ નામશેષ થયા. થોડાંક વર્ષો પૂર્વે અંજાર ગયો ત્યારે કોઇકે કહ્યું કે રામરાંધ ભજવનાર પરંપરાગત કુટુંબ છેલ્લું ભૂવાડા ગામનું ધૂળાભાઈનું હતું. મહેસૂલ ઉઘરાવવાનું કામ કરી જીવન નિર્વાહ કરતું. વિઘોટી પદ્ધતિ દાખલ થઈ ને તે કુટુંબ આ નાટ્ય કળા છોડી દેવી પડી.
રામાયણ માત્ર કાવ્ય,કથા કે પરિસંવાદો પૂરતું સીમિત રહ્યું જ નથી માટે તે ભારતીય સાંસ્કૃતિક જીવનનો ચમત્કાર છે. આપણે ત્યાં મેઘવાળ જાતિ અનુસુચિત યાદીમાં છે. મેઘવાળ કોણ? છેક રામ-યુગ સુધી તેના પગલાં દોરે છે. ઇન્દ્રપ્રસ્થ જેવી ભવ્ય નગરીનું નિર્માણ કર્યું હતું “માયા” સમુદાયે. એ જ આ મેઘવાળ! આજે નગર નિર્માણનું કામ તો આધુનિક સ્થપતિઓ પાસે છે, પણ મેઘવાળ મહિલાઓ આજે પણ વસ્ત્રો પર “ગંભીરા” અને “કબીર” સુંદર ભરતકામ કરે છે. આ કચ્છનો રામ-સનેહ મઝાનો છે. છેક “રામવાડા”થી ભૂરેખાનો આરંભ થાય તે “રામ કી બજાર” સુધી પહોંચે. વચ્ચે બેર, લક્ષ્મીરાણી, નારાયણ સરોવર, રામશરની, કોટેસર, લખપત, સયારો, સિંધુડી, રામ કી બજાર. હવે તે પાકિસ્તાનમાં હોવાથી “રહિમ કી બજાર” છે. તમામ મૂલકનું કાયમી નાગરિક છે એક પંખી, ‘રામતેતર’! તે કચ્છમાં છે, તો પાકિસ્તાન સિંધમાં પણ છે. કચ્છી સમય ગ્રીનીચ ટાઈમથી ચાર કલાક, 38 મિનિટ અને 20 સેકન્ડના અંતરે છે, બરાબર બાર વાગે ભૂજમાં તોપ ધણધણતી ને ઘોષ થતો: ‘હીયે રામ! જિયે રામ!’ આવા લોકદેવતા રામની મૂર્તિ -પ્રતિષ્ઠા અયોધ્યામાં તેમના જન્મસ્થાને થતી હોય ત્યારે એ જનસમાજનો ઉત્સવ બને છે. તેમાં સેક્યુલરિઝમ કે રાજકીય દીવાલ કે ‘લિબરલ’ ભ્રાંતિ નડવા જોઈએ નહિ. કારણ આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ભારતીય કીર્તિસ્તંભ છે. તમામ સંપ્રદાયોનો છે, મઝ્હબોનો છે. તેની તવારીખ પોતે જ અનેક ચડાવ-ઉતારની છે. રામ જન્મ્યા હતા ઇક્ષ્વાકુ વંશમાં દશરથના પુત્ર તરીકે. પણ અવતાર-શાસ્ત્ર મુજબ ભગવાનનો સાતમો અવતાર હતા. તેનો એક આદર્શ માનવીય સંબંધ સાથે. બીજા ભાઈ અન્ય માતાઓના છતાં પ્રિય ભાઈ બની રહ્યા. અપર માતાને પણ પ્રેમપૂર્વક ચાહી. પત્ની સીતા એવી જીવનસંગિની કે રામની પહેલાં તેનું નામ લેવાય છે, સીતા રામ. (તેની અગ્નિપરીક્ષાનો પ્રસંગ પ્રક્ષેપ તરીકે પછીથી ઉમેરાયો તે કાલ્પનિક છે) રાવણને માર્યો પછી તેના પ્રાયશ્ચિતનું તપ કર્યું.
 તેના મંદિરની સ્થાપના કુશ દ્વારા થઈ હતી. પછી ગ્રીક રાજવી મિલિંદરના આક્રમણથી તે મંદિર નષ્ટ થયું તેને આક્રમણ પછી છ માહિનામાં જ શૃંગ વંશના રાજા યુય્ત્સેને ફરી ઊભું કર્યું. વિક્રમાદિત્ય પણ આવા જીર્ણોદ્ધાર માટે ઈતિહાસમાં અંકિત છે. પણ બાબરના સમય દરમિયાન મીર બાકીએ તોપોના ગોળાથી તેને ઉડાવી દઈ ત્યાં મસ્જિદ ઊભી કરી ત્યારથી દરેક સમયાંતરે સાલાર મસૂદ, અકબર, ઔરંગઝેબ, શહાદત અલી, વાજીદ અલી વગેરેના સમય દરમિયાન આ રામજન્મભૂમિ મંદિર નિશાન બન્યું. એવી ગણતરી કરાય છે કે આવા 80 યુદ્ધ થયા અને તેમાં 3.5 લાખ ભારતીયોના બલિદાન લેવાયા.
સ્વતંત્રતા પછી મામલો અદાલતમાં પહોંચ્યો. સાત ભૌગોલિક પુરાતત્વીય સંશોધન સર્વેક્ષણ થયા, યાત્રાઓ નીકળી, આંદોલનો થયા, અંતે સર્વોચ્ચ અદાલતે નિર્ણય આપ્યો અને જે મંદિર બંધાયું તે એક સપ્તાહ પછી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું સીમા ચિહ્ન બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter