પીટર નવારો તેનું નામ છે. આમ તો તેને અમેરિકા સિવાય કોઈ જાણતું નહોતું, પણ તેના એક બાલિશ, પૂર્વગ્રહીત અને ઇરાદાપૂર્વકનું વિધાન થોડી ચર્ચા જગવી ગયું છે. તેણે પોતાના રાજકીય બોસ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રાજી કરવા માટે જ જાણે આ વાત કરી. તે પણ સાવ આધિકારિક પ્રવક્તા તરીકે નહિ, પ્રમુખ ટ્રમ્પના સલાહકાર તરીકે ફોક્સ ન્યુસને એક મુલાકાત આપી તેમાં કહ્યું કે ભારતમાં બ્રાહ્મણો રશિયન ઓઇલ પી જાય છે. રશિયન ઓઇલની નફાખોરી કરે છે એટલે અમે લગાવેલો ટેરિફ યોગ્ય છે.
અમેરિકન ટેરિફના બચાવમાં આ પીટરભાઈએ આવું કહ્યું. કાલ ઊઠીને વધુ ઉહાપોહ થાય તો વ્હાઇટ હાઉસ રદિયો આપશે કે આવું સત્તાવાર અમે કહ્યું નથી. પણ આજે શું? બુંદ સે ગઈ હોજ સે નહિ આતી... પશ્ચિમના સત્તાવાદી દેશોનું ચરિત્ર જ ઉઘાડું પડી ગયું છે. તેઓ - બ્રિટનની સાથે - વર્ષોથી એવો ઇરાદો રાખીને ચાલતા આવ્યા છે કે ભારતમાં ભાગલા પાડવા હોય તો બધાને કોઈને કોઈ રીતે અલગ પાડવા. હિન્દુ વિરુદ્ધ મુસલમાન, બ્રાહ્મણ વિરુદ્ધ દલિત, સવર્ણ વિરુદ્ધ નીચલો વર્ણ, સ્ત્રી વિરુદ્ધ પુરુષ, સંસ્કૃત વિરુદ્ધ અંગ્રેજી, ઉત્તર ભારત વિરુદ્ધ દક્ષિણ ભારત...
આવું કારનારાઓમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની, બ્રિટિશ સરકાર, પશ્ચિમના વિદ્વાનો અને કેટલાક ચિંતકો તેમ જ ઈસાઈ ધર્મના પ્રચારકો મુખ્ય છે. તેઓ વર્ષોથી આ ધંધો કરે છે અને તેનો લાભ પણ થયો છે. તેમાં ડાબેરી તત્વો પણ ભળ્યા અને ભારતમાં દિમાગી ધોવાણ (બ્રેઇન વોશિંગ) ચાલુ કર્યું. તેની અસર થઈ. તેમાંથી અનામતને વિશેષ અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યો, રાજકીય પક્ષો પણ તેમ કરતા રહ્યા. બંધારણે તો બાંધી મુદત સુધી જ અનામતનું સૂચન કર્યું હતું, પણ તેવી કોઈ મુદત રહી નહિ. દરેક સમયે તેને આગળ ચાલુ રાખવાની મંજૂરી સંસદમાં આપવામાં આવી. પછી અદાલત શું કરે? તેથી વિપરીત રાજ્યોમાં અનામતની સંખ્યા તો વધી, દલિત અને આદિવાસી પછી ઓબીસી (અન્ય પછાત વર્ગ)નો ઉમેરો થયો, તેમ ગુજરાતમાં અને માંડલ પંચના અમલીકરણની સામે દેશભરમાં વિદ્રોહ પેદા થયો. કૈંક મરાયા, કેટલાકે આત્મદાહ કર્યો. પ્રજા અને પોલીસ સામસામે અથડાયા.
અલગાવની આ પ્રવૃત્તિમાં એક મુદ્દો વધુ મજબૂત બનાવવામાં આવ્યો તેને ‘બ્રાહ્મણવાદ’નો સિક્કો મારી દેવામાં આવ્યો. પછી તો જયાં ક્યાંય કોઈ ફેરફાર થાય તો કહેવામાં આવ્યું કે જુઓ, જુઓ, બ્રાહ્મણવાદ હજુ ચાલે છે! એટલે નોકરી, સંસ્થાઓ, શિક્ષણ, વહીવટી તંત્ર, ખાનગી ઉદ્યોગો, વેપાર... બધે અનામત તો જોઈએ જ એવી માંગ ચાલી.
સમાજ-પંડિતો હજારો વર્ષ પૂર્વેની વ્યવસ્થાને આગળ કરીને કહેતા આવ્યા કે ઉચ્ચ વર્ગીય, ભદ્ર વર્ગીય પરિબળોના હાથમાં જ સત્તા રહે છે અને દલિતો, વંચિતોને અન્યાય થાય છે. આવું કહેનારા પાછા સુખસુવિધા ધરાવતા લિબરલ્સ કે ડાબેરી કે દલિત નેતાઓ જ હોવાના! દલિત આંદોલન દરમિયાન એક પત્રિકામાં એવું લખ્યું હતું કે સાહિત્યમાં પણ દવે, શુક્લ, પંડયા, શાહ વગેરેનું વર્ચસ્વ છે! જોકે સાહિત્ય કોઈ એકનો ઇજારો ક્યારેય નહોતો. સંત સાહિત્યમાં ઉજળિયાતની જગ્યાએ સામાન્ય જાતિના કવિઓની સંખ્યા વધારે જ રહી છે. અછૂતવિરોધી આંદોલનોમાં સ્વામી દયાનંદ સરસ્વતીથી માંડીને કેટલા બધાએ પોતાનું જીવન સમર્પણ કરી દીધું હતું?
બ્રાહ્મણનો અર્થ શો? ઇતિહાસની દૃષ્ટિએ ચાણક્યને સમજો એટલે બ્રાહ્મણનો અંદાજ મળે. સમાજજીવનમાં વિરાટ પરિવર્તનનો અગ્રદૂત બ્રાહ્મણ બન્યો છે, તે રાજ્યનો અને સમાજનો પંડિત પણ રહ્યો અને સમાજ વ્યવસ્થાને માટે શાસ્ત્રો રચ્યા અને સમાજ સામે આક્રમણ થયાં તો શસ્ત્રો પણ ઉપાડ્યા. જે માધ્યમ હાથવગું હતું તેનો ઉપયોગ કર્યો. મધ્ય યુગમાં વિદેશી આક્રમણો સમયે રાજાઓ ભલે પરાસ્ત થયા પણ સામાન્ય પ્રજા ટકી રહે તેને માટે સાથે તાંબાની માંડ (ગાગર)ને વાદ્ય બનાવીને ગામડે ગામડે આખ્યાનો કરનારો ભટ્ટ પ્રેમાનંદ હતો. ગુજરાતની અસ્મિતાના બે ગાયકો - વીર નર્મદ અને કનૈયાલાલ મુનશી. ભારતને સાંસ્કૃતિક એકતામાં બાંધનાર છેક કેરળના કાલડીનો તરુણ નામ્બુદ્રી બ્રાહ્મણ એટલે આદિ શંકરાચાર્ય.
વેદ વિજ્ઞાનનો એક વિભાગ છે બ્રાહ્મણ ગ્રંથો. 5000 વર્ષ પૂર્વેની આ ચિંતન-સમૃદ્ધિ છે. મંત્રો અને વેદ બંનેને બ્રહ્મ કહેવાય છે, એટલે તે મંત્રસંહિતા સાથેની વેદની વ્યાખ્યાને ‘બ્રાહ્મણ ગ્રંથ’ કહેવાય. તે ગદ્યમાં લખાયા છે. ઐતરેય, શાનખાયન, શતપથ, તૈત્તિરીય, તાંડય, સામવિધિ, આરષેય, જૈમિનિય, દૈવત, ગૌપથ સહિત બીજા 24 બ્રાહ્મણ ગ્રંથો છે. સામવેદીય બ્રાહ્મણની સંખ્યા આઠ છે. સંહિતોપનિષદના વળી પાંચ ખંડ છે.
પશ્ચિમ અને વામપંથી વિદ્વાનોએ વેદ સહિતના ગ્રંથો પણ માત્ર ઉચ્ચ બ્રાહ્મણ વર્ગ માટે હતાં તેવું કહ્યું. વાસ્તવમાં તેવું કશું નથી. જન્મે જ નહિ, વિદ્યા અને વિવેકથી કોઈ પણ વ્યક્તિ બ્રહ્મત્વ પામી શકે તેવું કહેવાયું ત્યારે બ્રાહ્મણ જાતિ કે વર્ગ નહોતા. જ્ઞાન પરંપરાની ઓળખ હતી. પછી આક્રમણોએ પરિસ્થિતિ બદલાવી. એક વર્ગે જ્ઞાનને પોતાની મિલકત ગણાવ્યું અને બીજાને માટે ઇનકાર કર્યો. પણ આ બધું લાંબા સમય સુધી ચાલ્યું નહિ. ભારતીય ચિંતનને અનેક વર્ણ, વર્ગોમાંથી ઉત્તમ નિષ્ણાતો, સંતો, ઉપદેશકો, ભક્તો, ચિંતકો, મળતા રહ્યા.
બેશક, જેમની પાસે પરંપરાગત વાતાવરણ હતું તેઓ વિદ્યાક્ષેત્રે વધુ આગળ વધ્યા. પરિસ્થિતિ અને તક મળી તો અન્ય વર્ગો પણ તેવી ઉપલબ્ધિ મેળવી શક્યા. ગાંધીજી પહેલા તો ડો. આંબેડકરને પણ બ્રાહ્મણ માનતા હતા! હજારો વર્ષોથી આવું જ્ઞાનકર્મ બ્રાહ્મણ વર્ગ કરતો હતો એટલે તેમના મનમાં આવું સ્થાપિત થયું હોય એ વાસ્તવિકતા છે.
વર્તમાનમાં બ્રાહ્મણ માત્ર જાતિ તરીકે રહ્યો હોય તો તે તેની ખામી છે. આર્થિક પાયમાલીના બે ઉદાહરણો ગુજરાત સૌરાષ્ટ્રમાં મળે છે. એક, સ્વરાજ્ય પછી જમીનદારી પ્રથા કાઢી નાખવામાં આવી તો તેના માલિકો રાજપુતો - દરબારોની આર્થિક હાલત ખરાબ થઈ. પહેલા જમીન હતી એટલે મોટાભાગના ભણ્યા નહિ, એટલે નોકરી શોધતા થઈ ગયા. મશ્કરીમાં કહેવાતું કે મોટાભાગના બસ-કંડકટર કે ડ્રાઈવર થયાં. કંગાળ રહેલા ખેડૂતો સમૃદ્ધ થયાં. બ્રાહ્મણોની સ્થિતિ એટલા પૂરતી સારી રહી કે તેઓ શિક્ષક થઈ શક્યા. પણ હજુ ઉત્તર ગુજરાત અને અન્ય ભાગોમાં તેમની સ્થિતિ બહેતર નથી. એટલે તો કોઇક વાર બ્રાહ્મણને ય અનામતનો એક ભાગ આપવો જોઈએ તેવી માંગણી ઉઠે છે.
વાસ્તવમાં અનામત એ આર્થિક-સામાજિક અસમાનતા નષ્ટ કરવાનો ઈલાજ નથી, માત્ર રાજકીય વ્યવસ્થા સ્થાપિત કરી દેવામાં આવી છે. એટલે અનામતનો લાભ લેનાર વર્ગે જ તેના વિષે પુનર્વિચાર કરવો એ એક જ ઉપાય છે. લોકશાહીની ચુંટણી પ્રથામાં વોટબેન્કનું મહત્વ હોવાથી રાજકીય પક્ષો પાસે આશા રાખવાં જેવી નથી.
બિચારો બ્રાહ્મણ! તેનો કોઈ સમર્થક રહ્યો નથી કે તેને ન્યાય મળે. 5000 વર્ષ પૂર્વે તેના કોઈ અપરાધ - સમાનતા વિશેના - હોય તો એકવીસમી સદીમાં તેની સજા ના હોય. આ તો અગાઉ એકને તો અત્યારે બીજાને અન્યાય થયો કહેવાય. જાણકારો ચૂપ બેઠા છે કેમ કે તેઓ કોઈ તર્ક કરે તો તેને ‘મનુવાદી’, ‘બ્રાહ્મણવાદી’નો આક્ષેપ ચારે તરફથી સાંભળવા મળશે. વાસ્તવમાં તો સારાસાર વિવેક જ રાષ્ટ્રને માટે જરૂરી છે. મનુસ્મૃતિનો ઘોર વિરોધ થાય છે, તેના અમુક વિચારોનો થવો જ જોઈએ. પણ આખી મનુસ્મૃતિનો ધિક્કાર યોગ્ય છે? તેમાં સમાજવ્યવસ્થા માટેના ઉત્તમ નીતિનિયમો અપાયા છે, ‘મનુર્ભવ’ (મનુષ્ય બનો) કહેવાયું છે. તો શું સૂકા ભેગું લીલું બાળવાનું?
અમેરિકાનું નિશાન રશિયા અને ચીન છે. તેની સામે લડવાને બદલે તેણે ભારત પર ખીજ કાઢી, કારણ કે રશિયા પાસેથી પેટ્રોલિયમ પેદાશ ખરીદે છે! આર્થિક સત્તાવાદની બજારનું આ અપલક્ષણ છે, તેનો દોષનો ટોપલો અમેરિકાએ ભારત પર ઢોળ્યો, અને તે પણ બ્રાહ્મણો પર! વાહ, ભાઈ, વાહ... કેવાં નમૂના ટ્રમ્પના સલાહકારોમાં છે, તેની તો ખબર દુનિયાને પડી!