બિહારઃ ધર્મ, શિક્ષણ અને શાસનની જન્મભૂમિ

Tuesday 04th April 2017 06:33 EDT
 
 

અયોધ્યાના રાજા રામને સાસરી બિહારમાં એવું કોઈ કહે તો નવાઈ ના પામશો. ક્યારેક ઠઠ્ઠામશ્કરીના કેન્દ્રસમા લાલુ પ્રસાદ યાદવના બિહારનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એના ભવ્ય ભૂતકાળ ભણી એક નજર નાંખી લેવાનું મન થયા વિના રહેતું નથી. બિહાર આજે ભારતનું એક રાજ્ય છે. હજુ વર્ષ ૨૦૦૦માં જ એમાંથી અમુક હિસ્સો કાપીને તેના દક્ષિણ ભાગમાં ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી છે. બિહાર અને ઝારખંડની ધરતીના પેટાળમાં સમૃદ્ધ ખનીજો અને એની ઉપર સમૃદ્ધ માનવપ્રતિભાઓની આ ભોમકા રહી છે. ધર્મ, શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે વિશ્વભરમાં ક્યારેક એનું નામ ગાજતું હતું.

અહીં રાજપૂત રાજવી પરિવારના રાજા બનવા નિર્માયેલા રાજકુમાર સિદ્ધાર્થ અને મહાવીરે રાજવી ભોગવિલાસને ત્યાગીને સનાતન ધર્મ એટલે કે હિંદુ ધર્મમાંના દૂષણોને દૂર કરવા માટે સુધારાવાદી ધર્મોનો મારગ અપનાવ્યો. ગૌતમ બુદ્ધ તરીકે સિદ્ધાર્થે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. એમનો ધર્મ દેશવિદેશમાં પ્રસર્યો. મહાવીર સ્વામીએ જૈન ધર્મની સ્થાપના કરી એવી ભૂલભરેલી માન્યતા પ્રવર્તે છે, પરંતુ ગૌતમ બુદ્ધના સમકાલીન એવા મહાવીર સ્વામી તો જૈનોના ૨૪મા તીર્થંકર હતા. પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. મહાવીરે જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર ખૂબ વ્યાપક બનાવ્યો.

બૌદ્ધ અને જૈન ધર્મ નિરીશ્વરવાદી હોવા છતાં સમયાંતરે એમાં તમામ પ્રકારનાં પરિવર્તન અને ફાંટા જોવા મળ્યા. જોકે, બૌદ્ધ ધર્મ વિશ્વભરમાં વધુ પ્રભાવી બન્યો, પણ એની જન્મભૂમિમાં, ભારતમાં જ એ ક્ષીણ થતો ચાલ્યો. છેક ઓક્ટોબર ૧૯૫૬માં ડો. બાબાસાહેબ આંબેડકરે નાગપુરમાં લાખો દલિતો અને અન્યોને પોતાની સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવી ત્યારથી એનું નવબૌદ્ધ તરીકે ભારતમાં પ્રભાવ પાથરવાનું શક્ય બન્યું.

જોકે, બિહાર નામ જ બૌદ્ધ વિહાર (બૌદ્ધ મઠ) પરથી પડ્યાનું મનાય છે. ભગવાન ગૌતમ બુદ્ધને બોધિગયામાં જ્ઞાન લાધ્યું હોવાની માન્યતાને પરિણામે આજે દુનિયાભરના બૌદ્ધો માટે બોધિગયા મહાતીર્થ મનાય છે. એ જ રીતે જૈનો માટે વૈશાલી અને પાવાપુરી પવિત્ર તીર્થ લેખાય છે. મહાવીર વૈશાલીમાં જન્મ્યા અને પાવાપુરીમાં નિર્વાણ પામ્યા.

નાલંદા વિદ્યાપીઠ વિનાશ-સર્જન

પ્રાચીન ભારતમાં શિક્ષણ માટે દુનિયાભરમાંથી વિદ્યાર્થી આવતા એ પ્રાચીન વિદ્યાપીઠ નાલંદના અવશેષો પણ અહીં બિહારમાં નાલંદ જિલ્લાના રાજગીરમાં જોવા મળે છે. ક્યારેક મગધ સામ્રાજ્યની પ્રથમ રાજધાની રહેલું રાજગીર અત્યારે નાલંદા વિદ્યાપીઠને ફરીને જીવંત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. બૌદ્ધ કાળમાં પ્રાચીન શાસકોએ નાલંદા વિદ્યાપીઠને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી હતી. ચીની મુસાફરોએ પણ એની નોંધ લીધેલી છે.

અહીંની નાલંદા વિદ્યાપીઠના સર્વેસર્વા રહેલા આર્યભટ્ટનું નામ દુનિયાભરના ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક તરીકે આજે પણ આદરથી લેવાય છે. ‘શૂન્ય’ અને ‘પાઈ’ની શોધ તેમણે કરી એ વાતે ભારત ગૌરવ લઈ શકે તેમ છે. જોકે, ત્રણ-ત્રણ વાર નાલંદા વિદ્યાપીઠનો નાશ કરવાના પ્રયાસ થયા હતા. બે વાર એનો જીર્ણોદ્ધાર થયો પણ તુર્ક આક્રમણખોર બખ્તિયાર ખીલજીએ ઈ.સ. ૧૧૯૩માં એનો વિનાશ કરવા માટે એના ગ્રંથાલયને આગ લગાડી. એ આગ ત્રણ મહિના સુધી ચાલી રહી એટલી ભવ્ય એ વિદ્યાપીઠ હતી.

વર્ષ ૨૦૦૬માં પૂર્વ રાષ્ટ્રપતિ અને અંતરિક્ષ વિજ્ઞાની ડો. એ. પી. જે. અબ્દુલ કલામે બિહારની ધારાસભાનાં બંને ગૃહોને સંબોધતાં નાલંદા વિદ્યાપીઠને પુનર્જીવિત કરવાની વાતની માંડણી કરી હતી. બિહાર સરકારે આ વાતને ઝીલી લીધી અને જરૂરી જમીન ફાળવી. કેન્દ્રમાં એ વેળાની ડો. મનમોહન સિંહ સરકારે કાયદો પસાર કરીને વિશ્વસ્તરની વિદ્યાપીઠને ફરી જીવતી કરવાની તૈયારી આદરી. જાપાન, ચીન, સિંગાપુર, કોરિયા વગેરે દેશોએ એમાં સહયોગ આપ્યો. નોબેલ પારિતોષિક વિજેતા ડો. અમર્ત્ય સેનના વડપણ હેઠળ સંચાલક મંડળની નિયુક્તિ થઈ. વિદ્યાપીઠ પુનઃ શરૂ થઈ. હવેની નરેન્દ્રભાઈ મોદીના વડપણવાળી ભારત સરકારે પણ નાલંદા વિદ્યાપીઠના કામને આગળ ધપાવવા માટે દેશના મોટા ગજાના વૈજ્ઞાનિક ડો. વિજય ભાટકરના નેતૃત્વમાં સંચાલક મંડળની નિમણૂક કરી નાલંદા વિદ્યાપીઠને વિશ્વસ્તરની વિદ્યાપીઠ બનાવવાના ડો. કલામના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસોને બળ પૂરું પાડ્યું છે.

બિહારનાં પ્રાચીન જનપદોનું ગૌરવ

વિશ્વમાં લોકશાહી પરંપરા પશ્ચિમ દેશોની દેન હોવાનું માનનારાઓ રખે ભૂલે કે લોકશાહીનું સૌપ્રથમ પ્રાગટ્ય તો બિહારમાં થયું હતું. અહીં પ્રાચીન કાળમાં જનપદોની પરંપરા હતી. એ જનપદો સંસદની જેમ કામ કરીને પોતાના શાસકને ચૂંટતી હતી. હકીકતમાં પશ્ચિમના દેશોમાં લોકશાહી સિદ્ધાંતો અને પરંપરાને થિયરી તરીકે રજૂ કરવામાં આવ્યા, એ દૃષ્ટિએ બિહારનાં જનપદોનો વિધિવત્ અભ્યાસ થયો નહીં હોવાને કારણે ભારતની પ્રાચીન પરંપરા વિશ્વફલક પર પ્રસ્થાપિત થવામાં ઊણી ઊતરી એવું કહી શકાય.

મગધ, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને અશોક

બિહારમાં જ આતંકી રાજવીઓના નંદવંશનું નિકંદન કાઢીને ‘અર્થશાસ્ત્ર’ જેવા મહાન ગ્રંથના રચયિતા કૌટિલ્ય કે ચાણક્યના માર્ગદર્શનમાં ચંદ્રગુપ્તના શાસનની સ્થાપના થઈ શકી હતી. મગધના સામ્રાજ્યનો વિસ્તાર છેક અફઘાનિસ્તાનમાં અને દક્ષિણ ભારતમાં આંધ્ર લગી પ્રસ્થાપિત થયો હતો.

‘અર્થશાસ્ત્ર’ એ કોઈ આર્થિક બાબતોનો નહીં, પણ આદર્શ શાસન વ્યવસ્થા માટેનો ગૌરવવંતો ગ્રંથ લેખાય છે. કૌટિલ્યને પૂર્વના મેકિયાવેલી તરીકે ગણાવવામાં આવે છે.

આ જ બિહારના મગધ સામ્રાજ્યના અધિપતિ એવા સમ્રાટ અશોક થકી સામ્રાજ્ય વિસ્તાર અને આદર્શ શાસન વ્યવસ્થા સ્થાપવામાં આવી. આ મહાપ્રતાપી રાજાએ કલિંગ (અત્યારનું ઓડિશા) રાજ્ય પર આક્રમણ કર્યું અને બે લાખ જેટલા લોકોની લાશો ઢાળીને વિજય મેળવ્યો એ જોઈ એનું દિલ દ્રવી ગયું અને પ્રાયશ્ચિતરૂપે એણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને પણ ધર્મપ્રચારના મિશન પર પાઠવ્યાં. અશોક આજે પણ પશ્ચિમના વિદ્વાનો માટે અભ્યાસનું કેન્દ્ર બન્યો છે.

ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી

મહાત્મા ગાંધી ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકેથી સ્વદેશ પાછા ફર્યા પછી એક વર્ષ ભારતના પ્રશ્નો અને પ્રજાને સમજવા પરિભ્રમણ કરતા રહ્યા. એમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેની આ સલાહ હતી. ૧૯૧૬માં લખનઊમાં કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા ગયા ત્યારે બિહારના ચંપારણમાં ગળીનું ઉત્પાદન કરનારાઓનું શોષણ થતું હોવા વિશે એમની સમક્ષ રજૂઆત કરાઈ. ગાંધીજી અભ્યાસ અને સંશોધન કર્યા વિના કોઈ મુદ્દો હાથમાં નહીં લેનાર વ્યક્તિ. એમણે ગળીનું ઉત્પાદન કરનારા બિહારી ખેડૂતોના શોષણની વાત વાજબી લાગી. બીજે વર્ષે એમણે ચંપારણ સત્યાગ્રહ હાથ ધરીને અન્ય સામે લડતનું બ્યુગલ ફૂંક્યું. અંગ્રેજ શાસનની જોહુકમીને પડકારી. અહીં ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા સાથી મળ્યા. આચાર્ય કૃપાલાનીનો સહયોગ પ્રાપ્ત થયો. સરદાર પટેલ જેવા બેરિસ્ટર પણ આ સત્યાગ્રહથી પ્રભાવિત થઈ બાપુ સાથે જોડાયા. ભારત સરકાર વર્ષ ૨૦૧૭ને ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી તરીકે ઊજવે છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice 8th April 2017 વેબલિંકઃ http://bit.ly/2otZZsI)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter