241 વર્ષ અગાઉ બ્રિટિશ રાજની છળકપટ લીલાનો આરંભ જ ન હતો થયો, પરંતુ, કોઈ પણ અટકળ કરી શકે તેમ તે સંપૂર્ણ થઈ હતી. બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિલિયમ પીટ, ધ યંગરનું નામ અપાયેલો કાયદો ધ ઈસ્ટ ઈન્ડિયા કંપની એક્ટ 1784ની 13 ઓગસ્ટે પસાર કરાયો હતો. કાયદાનો હેતુ 1773ના રેગ્યુલેટિંગ એક્ટના છીંડાને દૂર કરવાનો તેમજ સરકાર માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ભારતના વહીવટીતંત્રનો વ્યૂહાત્મક અંકુશ લેવાનો હતો.
‘પીટ‘સ ઈન્ડિયા એક્ટ ઓફ 1784’ તરીકે ઓળખાતો કાયદો બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની પર અંકુશ અને સત્તા પ્રસ્થાપિત કરવા અને ભારતના વહીવટને પ્રત્યક્ષપણે બ્રિટિશ સરકારની નજર હેઠળ મૂકવાનો સત્તાનો ખેલ હતો. આ કાયદો ભારતીયો માટે ‘એક્ટ ઓફ ટ્રેટરી’ એટલે કે ‘છળકપટના કાયદા’થી વિશેષ કશું ન હતો.
મોટા ભાગના લોકો આના વિશે કશું જાણતા નહિ હોય, પરંતુ પીટ‘સ ઈન્ડિયા એક્ટનું સત્તાવાર ટાઈટલ ‘ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બાબતો-કામગીરી અને ઈન્ડિયામાં બ્રિટિશ મિલકતો (પઝેશન્સ)ના બહેતર નિયંત્રણ અને સંચાલન, તેમજ ઈસ્ટ ઈન્ડિઝમાં આચરાયેલા અપરાધોના આરોપી વ્યક્તિઓની વધુ ઝડપી અને અસરકારક ટ્રાયલ માટે કોર્ટ ઓફ જ્યુડિક્ચરની સ્થાપના માટેનો કાયદો’ હતું.
આ ટાઈટલને ફરી એક વખત વાંચો, વિચારો અને પછી તમારી જાતને સવાલ પૂછો કે આ કેવા પ્રકારના લોકો છે જેઓ તેમને ખુલ્લા દિલે ભારતમાં આવકાર આપનારા યજમાનો સાથે આવો વ્યવહાર કરે. આ એ કાયદો હતો જેમાં જાહેર કરાયું કે ઈન્ડિયા બ્રિટનના કબજા હેઠળની મિલકત કે સંપત્તિ હતું. આ કાયદો અમલમાં આવતાની સાથે જ ભારતમાં મોટા પાયે ખુલ્લેઆમ લૂંટફાટ શરૂ થઈ ગઈ. મિત્ર હોવાના, ધંધાકીય એકમ હોવાના, વેપારી ભાગીદાર હોવાના તમામ મહોરાં કે નકાબો અદૃશ્ય થઈ ગયા. ભારત પાસે જે સંસાધનો-સ્રોતો હતા તે તમામ હડપી લેવાની શરૂઆત થઈ. આ વિશે મારો અર્થ માત્ર જમીન, મિનરલ્સ, વનસ્પતિ-ખેતી, વન્યજીવન, નદીઓ અને સમુદ્રો સુધી મર્યાદિત નથી. આ લૂંટફાટ યાદીના સર્વોચ્ચ સ્થાને રાષ્ટ્ર અને તેની પ્રજાને ગુલામીની જંજીરો પહેરાવાનું કાર્ય હતું. પાંખાળી કલમના એક જ ઝાટકે બ્રિટિશરોએ પ્રત્યેક ભારતીયને તેમના જ દેશમાં વિદેશી બનાવી દીધા.
વર્ષ 1858માં ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ અમલમાં આવ્યો, જેના થકી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો. ઈન્ડિયા હવે તાબા હેઠળનો દેશ હતો. બ્રિટિશ ઈન્ડિયાના વાસ્તવિક શાસક બનવા સાથે લોર્ડ કોર્નવોલિસની સત્તામાં વધારો થયો. બ્રિટિશ સત્તા અને તેની લૂંટફાટનું સરળ વિહંગાવલોકન કરવું હોય તો આ બાબતોને ધ્યાન લેવી જોઈએઃ
• આર્થિક શોષણઃ બ્રિટિશરોએ એવી નીતિઓ અખત્યાર કરી જેનાથી ભારતીય ઉદ્યોગધંધાઓના જોખમે અને હિસાબે બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝ અને વેપારની તરફેણ થતી હોય. આના પરિણામે, ભારતમાં ઉદ્યોગોનો વિનાશ અને આર્થિક પડતી થતી ગઈ.
• સંસાધનોનું ઉત્ખનનઃ ભારતમાં ખનિજો, કૃષિપેદાશો અને અન્ય કાચી સામગ્રી સહિત પ્રાકૃતિક સંસાધનોના ઉત્ખનન કરી તેને તદ્દન ઓછી કિંમતોએ બ્રિટન નિકાસ કરવામાં આવતા, જેનો લાભ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝને મળતો હતો.
• શિલ્પકૃતિઓ અને ખજાનાઓઃ મૂલ્યવાન રત્નો, જવેરાત, કલાકૃતિઓ અને ધાર્મિક વસ્તુઓ સહિત હજારોની સંખ્યામાં મહામૂલી શિલ્પકૃતિઓને ભારતથી લઈ જવાઈ હતી, જેમાંથી ઘણી આજે બ્રિટિશ મ્યુઝિયમ્સ અને ખાનગી સંગ્રહોમાં જોવા મળે છે. ભારતીય રાજવી પરિવારો પાસેથી ભારે દબાણ હેઠળ કોહીનૂર હીરો, ટિમૂર રુબી અને સંખ્યાબંધ કિંમતી આઈટમ્સ હાંસલ કરવાના અને ચોરી મારફત બ્રિટન લઈ જવાના ઉદાહરણો નજર સામે જ છે.
મોટા પાયે ‘ભારતની લૂંટ’ થવાના પરિણામે ભારતમાં ગરીબી અને આર્થિક અવનતિ થતી રહેવાની સાથોસાથ બ્રિટનની સમૃદ્ધિમાં વધારો થતો ગયો અને ઔદ્યોગિક ક્રાંતિને વેગ મળ્યો. જો ભારત ન હોત તો બ્રિટનમાં કદી તેની ઔદ્યોગિક ક્રાંતિ જોવા મળી ન હોત! બ્રિટિશ ટેક્ષ્ટાઈલ્સની તરફેણ કરવાની બ્રિટિશ નીતિના કારણે જ બંગાળની પ્રખ્યાત મલમલ ઈન્ડસ્ટ્રી સહિત ભારતીય ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝની પડતી થઈ. વણકરોએ ભારે મુશ્કેલી અને ગરીબીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ, ઉત્તરમાં ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી આર્થિક તાકાતનું એન્જિન બની રહેવા સાથે બ્રિટિશ કામદાર વર્ગોને મોટી પાયે વળતર પ્રાપ્ત થવા લાગ્યું હતું.
તમને સંખ્યાબંધ ઈતિહાસકારોની દલીલો અને દાવાઓ સાંભળવા મળશે કે રોડ્સ, રેલવેઝ, શાસનપદ્ધતિ, વહીવટ, વહાણવટા વિગેરેના વિકાસમાં સંપૂર્ણપણે બ્રિટિશરોનું યોગદાન છે. હું આ સાથે સંમત થતો નથી. આ બધાનું નિર્માણ ભારતીય સંસાધનોના ઉપયોગ સાથે ભારતીય કામદારો થકી જ કરાયું હતું. બ્રિટિશરોએ તો ભારતીયો તેમના હુકમો મુજબ કામ કરે તે માટે ઘૂંટણીએ પાડવા બળપ્રયોગ અને ચાબૂક વીંઝવાનું જ કામ કર્યું હતું.
આપણે કદી ભૂલવું ન જોઈએ કે ભારત સમૃદ્ધ દેશ હતો (દેશ કહેવાનો મારો અર્થ સનાતન ધર્મથી વિકસેલા સામાન્ય મૂલ્યોથી સંકળાયેલા ભારત વર્ષની રચનાના તમામ તત્વો સંદર્ભે છે). તે સમયે તેનો વિકાસ વિશ્વના GDPના 25 ટકાની સમકક્ષ હતો. બ્રિટિશરો ભારત છોડીને ગયા ત્યારે વિકાસદર ઘટીને માત્ર 2 ટકા જ રહ્યો હતો.
આ શ્વેત સંસ્થાનવાદીઓ શોષણ અને છળકપટ થકી જ સમૃદ્ધિ પામ્યા છે. આજે પણ આપણે ભારે ટેરિફ્સની માગણીઓ થકી પોતાનું વર્ચસ્વ દર્શાવવું, વધુ શોષણ કરી શકાય તે માટે દેશોને સંપૂર્ણ સુવિધાની પહોંચ આપવી અને તેમના દ્વારા પ્રસ્થાપિત નિયમોનું જેઓ પાલન ન કરે તેમની સાથે અતિ ખરાબ વ્યવહાર કરવાની આ જ માનસિકતા જોઈ રહ્યા છીએ. પશ્ચિમવિશ્વ હવે વિનાશકારી મિજાજમાં છે. તેઓ પડતીના માર્ગે છે ત્યારે તેમને તેમની નાણાકોથળીઓની વિશાળ ખાઈ ભરવાની જરૂર પડી છે. નાણાને પ્રિન્ટ તો કરી શકાય, પરંતુ જ્યાં સુધી પત્તાનો મહેલ તૂટી પડે ત્યાં સુધી જ તે કામે લાગી શકે છે. ભારત, રશિયા અને ચીને પશ્ચિમને પરેશાન કરી થકવી નાખ્યું છે. ગોરા પુરુષો તેમના અત્યાધુનિક શસ્ત્રો, ચહેરા પર ખંધા હાસ્ય, કાંટેદાર જીભ સાથે આવે અને પોતાનું ધાર્યું કરી જાય તેવા દિવસો તો હવે વહી ગયા છે. આજે એવા કેટલાક દેશો છે જે આવી બળજબરી કે દાદાગીરીનો સામનો કરી શકવા મજબૂત છે. જો વિશ્વે અસ્તિત્વ જાળવવું હશે અને આગળ વધવું હશે તો આવી દાદાગીરી કરનારાના નાકને લોહિયાળ બનાવી દેવાનો સમય પાકી ગયો છે.
જીઓ-પોલિટિક્સ કે ભૂ-રાજકીય સ્થિતિ ભારે પ્રવાહી અવસ્થામાં છે. આગામી વર્ષોમાં આ બધા ટુકડાઓ કેવી રીતે સંકળાશે અને તેનાથી કેવું પરિદૃશ્ય રચાશે તે નિહાળવાનું રસપ્રદ બની રહેશે. ભારતે પોતાની ભવિતવ્યતાના માલિક બનવાની આવશ્યકતા છે.


