ભગવાન જગન્નાથઃ ભૂખ્યાનો આધાર, ગરીબોના બેલી, જગતના નાથ

પર્વવિશેષઃ જગન્નાથજીની રથયાત્રા

Wednesday 29th June 2022 06:28 EDT
 
 

ઓડિસાના પુરીસ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ યાત્રાધામ મંદિર, હિંદુઓનાં મુખ્ય ધામમાંનું એક છે. કહેવાય છે કે આ ધામની યાત્રા અવશ્ય કરવી જોઈએ. જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ પુરીમાં ભગવાન હરિ વિષ્ણુના કૃષ્ણ અવતારનાં પવિત્ર મનોરમ દર્શન થાય છે. આ મંદિર ખૂબ જ પુરાતન છે. ભગવાન શ્રીકૃષ્ણ (જગન્નાથ)ની સાથે મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ આ મંદિરમાં બિરાજમાન રહે છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ છે જગન્નાથ પુરીની રથયાત્રા. પુરી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેમાં અમદાવાદની રથયાત્રા સૌથી જૂની અને વિશાળ છે. સાત દસકા કરતાં વધુ સમયથી યોજાતી અમદાવાદની રથયાત્રા શ્રદ્ધાળુઓમાં આગવું સ્થાન ધરાવે છે.

ભૂખ્યાનો આધાર, ગરીબોના બેલી, જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજ (આ વર્ષે પહેલી જુલાઇ)ના રોજ નીકળે છે. પુરીમાં આ રથયાત્રાને રથ મહોત્સવ તરીકે પણ લોકો ઓળખે છે. પુરીમાં રથયાત્રા મહોત્સવ પૂરા નવ દિવસ સુધી મનાવાય છે. અષાઢ સુદ બીજથી અષાઢ સુદ દશમ (આ વર્ષે 1થી 9 જુલાઇ) સુધી આ રથયાત્રા મહોત્સવ પુરીમાં ધામધૂમ સાથે ઊજવાય છે. દેશ-વિદેશથી લાખો ભક્તો પુરીના રથ મહોત્સવમાં પહોંચે છે અને દસ દિવસ સુધી આ રથ મહોત્સવનો અલભ્ય લાભ લઈને આ મહાયાત્રા અને મહાઆયોજનના સાક્ષી બને છે.
આ દિવસે જગતના નાથ ભગવાન કૃષ્ણ, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાને ત્રણેયને પોતપોતાના અલગ અલગ રથમાં બિરાજમાન કરાવીને મોસાળ ગુંડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે. આ તમામ પ્રકારની તૈયારીઓ અક્ષય તૃતિયાથી શરૂ કરી દેવામાં આવે છે.

રથયાત્રા મહોત્સવ શા માટે?
રથયાત્રા સાથે સંકળાયેલી ઘણી એવી બાબતો અને કથાઓ છે, જેના કારણે આ ભવ્ય મહોત્સવ સમગ્ર દેશમાં અને વિદેશમાં પ્રસિદ્ધ છે. ઘણાં લોકોનું માનવું છે કે, ભગવાન કૃષ્ણની બહેન સુભદ્રા ભાઈ કૃષ્ણ પાસે પિયરમાં પધારે છે અને બંને ભાઈઓ સમક્ષ નગરભ્રમણની ઈચ્છા વ્યક્ત કરે છે. બહેન સુભદ્રાની ઈચ્છા પૂર્ણ કરવા માટે બંને ભાઈઓ કૃષ્ણ અને બલરામજી બહેન સુભદ્રાને રથમાં બેસાડીને નગરભ્રમણ કરાવે છે. આ સત્યઘટનાની ઝાંખી ભક્તોને કરાવવા માટે એ સમય પછીથી પુરીમાં રથયાત્રા મહોત્સવની શરૂઆત થઈ.

કોઈ એવું પણ કહે છે કે ભગવાન કૃષ્ણને મામા કંસનું મથુરા પધારવા આમંત્રણ મળે છે. એ સમયે ભગવાન કૃષ્ણ ભાઈ-બહેન સાથે રથમાં સવાર થઈને મથુરા પધારે છે. એ પ્રસંગની યાદમાં રથયાત્રા મહોત્સવ ઉજવાયો. શ્રીકૃષ્ણની રાણીઓ માતા રોહિણી પાસેથી કૃષ્ણની રાસલીલાની કહાની સાંભળવા ઇચ્છા વ્યક્ત કરે છે. એ વખતે માતા રોહિણીને એવું લાગે છે કે, કનૈયાની રાસલીલા, ગોપીલીલા, બહેન સુભદ્રા ન સાંભળે તો સારું. માટે માતા રોહિણી બહેન સુભદ્રાને બંને ભાઈઓની સાથે રથમાં બેસાડીને મોકલી આપે છે. એ સમયે ત્યાં નારદજી પ્રકટ થયા. ત્રણેય ભાઈ-બહેનને એકસાથે જોઈ ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે આપ ત્રણેય ભાઈ-બહેન આ જ રીતે દર વર્ષે રથયાત્રાના સ્વરૂપમાં પ્રયાણ કરી ભક્તોને દર્શન આપી તેઓને ધન્ય કરો અને મોક્ષના અધિકારી બનાવો.

આ સંદર્ભે ઉજવાય છે દર વર્ષે રથયાત્રા પર્વ
એક પૌરાણિક કથા એવી પણ છે કે, બ્રહ્માજીએ વૈશાખ સુદ આઠમે શુભ નક્ષત્રમાં ત્રણેય કાષ્ટમય સ્વરૂપ મૂર્તિની સ્થાપના આ મંદિરમાં કરી એ સમયે જગતના નાથ જગન્નાથે ત્યાંના રાજા ઈન્દ્રદ્યુમ્નને કહ્યું કે, `હું બ્રહ્મના બે પરાર્ધ સુધી આ ભૂમિ ઉપર રહીશ. અહીંની ભૂમિ તીર્થક્ષેત્ર ગણાશે, મોક્ષભૂમિ કહેવાશે. જેઠ સુદ પૂનમે મારી જન્મજયંતી ઉજવાશે અને એ દિવસથી પંદર દિવસ મંદિર બંધ રાખી અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા ઉત્સવ ઉજવાશે.' ભગવાનનાં આ વચન અને આજ્ઞા મુજબ અહીંયાં પરંપરાગત રથયાત્રા મહોત્સવ ઊજવાય છે.
આ રીતે ભગવાનને ભવ્યાતિભવ્ય મહારથમાં બિરાજમાન કરીને સમગ્ર પુરીમાંથી પસાર કરી ગુંડીચા મંદિર લઈ જવાય છે. ચોથા દિવસે કૃષ્ણના પત્ની સાક્ષાત્ લક્ષ્મીજી સજી-ધજીને સોળે શણગાર સજીને પતિનાં દર્શને પધારે છે. આ ઉત્સવને પુરીમાં હરિપંચમી કહે છે. દશમે ત્રણેય રથ મૂળ મંદિરે પરત પધારે છે.
વિજયદ્વાર ઉપર ત્રણેય ભગવાનના સ્પર્શદોષ નિવારણ સંસ્કાર કરાય છે. આ રીતે ભવ્યાતિભવ્ય રથયાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ જોડાય છે. જનમેદની જોતાં લાગે કે હૈયે હૈયું દળાઈ રહ્યું હોય. ત્રણેય ભગવાન અલગ અલગ રથમાં સવાર થાય છે. રથની શોભા ભવ્ય હોય છે.
 
જગન્નાથજીનો ભવ્ય રથ
ભગવાન જગન્નાથજીનો રથ 45 ફૂટ ઊંચો છે જેમાં 16 પૈડાં છે. તેનો વ્યાસ 7 ફૂટ છે. આખા રથને લાલ અને પીળા કાપડથી સજાવવામાં આવે છે. આ રથના સારથી દારૂકા છે. આ રથ ઉપર ધજા ફરકે છે તેને ત્રિલોક્યમોહિની કહે છે. ચાર ઘોડાના રથમાં ભગવાનની સાથે, ગોવર્ધન, કૃષ્ણા, નરસિંહા, રામનારાયણ, ત્રિવિક્રમ હનુમાન અને રુદ્ર બિરાજમાન હોય છે. આ રથ જે દોરડા વડે ખેંચાય છે એ દોરડાનું નામ શંખચુડા છે.

બલરામજીનો રથ
આ રથ 43 ફૂટ ઊંચો છે. તેમાં 14 પૈડાં છે. લાલ અને નીલા રંગના કાપડથી રથને સજાવાય છે. તેની રક્ષા વાસુદેવ કરે છે. મનાલી નામના સારથી રથને ચલાવે છે. બલરામજીની સાથે રથમાં ગણેશ કાર્તિક, સર્વમંગલા, પ્રલામ્બરી, હટાયુદ્ધ, મૃત્યુંજય, નાતામ્બારા, મુક્તેશ્વર, શેષદેવ બિરાજમાન રહે છે. આ રથના ધ્વજને ઉનાની કહે છે. આ રથ વાસુકી નાગ વડે ખેંચવામાં આવે છે.

સુભદ્રાજીનો રથ
આ રથ 42 ફૂટ ઊંચો છે. તેમાં 12 પૈડાં છે. લાલ અને કાળા કાપડથી રથની શોભા થાય છે. રથની રક્ષા જયદુર્ગા કરે છે. સારથી અર્જુન છે. તેમાં નંદિકા નામનો ધ્વજ લહેરાય છે. બહેન સુભદ્રા સાથે ચંડી ચામુંડા, ઉગ્રતારા, વનદુર્ગા, શુલિદુર્ગા, વારાહી, શ્યામલી, મંગલા, વિમલા બિરાજમાન રહે છે. સ્વર્ણચુડા નાગ વડે આ રથને ખેંચવામાં આવે છે.
આ રીતે ભવ્યાતિભવ્ય રથમાં પ્રભુ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે સવાર થઈને દર્શન આપવા આપણી વચ્ચે પધારે છે.
 
રથયાત્રાની ઉજવણી
ત્રણેય ભગવાનને રથમાં બિરાજિત કરાવીને પુરીના રાજા ઘોડા ઉપર બેસીને રથ પાસે પધારે છે. ઘોડા ઉપરથી ઊતરીને થોડું ચાલીને વારાફરતી ત્રણેય રથ પાસે જાય છે. સોનાની સાવરણીથી રથની સફાઈ કરીને ત્રણેય ભગવાનની વિધિવત્ પૂજા કરે છે. આ પૂજાને પહિન્દ વિધિ કહેવાય છે. ત્યારબાદ ભક્તો રથને ખેંચીને સવાર થાય છે. ભક્ત વારંવાર રથ ખેંચવા પ્રેરાય છે. તે સમજે છે કે હું રથને ખેંચીશ, પ્રભુ મારાં સઘળાં પાપ દૂર કરશે. મારી મનોકામના પૂર્ણ કરશે. આ રીતે ભક્ત પૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી પ્રભુમાં ઓતપ્રોત થઈ જાય છે. આ દિવસો દરમિયાન પુરીમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે. ઠેર ઠેર મહાપ્રસાદ, ઠંડાં પીણાંની વિનામૂલ્યે સુવિધા ઊભી કરાય છે. જેટલા દિવસ ખૂબ ભીડ ભરાય તે દિવસોને `બહુડા' કહેવાય છે.
દેશ-વિદેશમાં રથયાત્રા
માત્ર ભારતના અન્ય રાજ્યો કે નાનામોટા નગરોમાં જ નહીં, દુનિયાના અનેક દેશોમાં પણ રથયાત્રા નીકળે છે. જ્યાં જ્યાં કૃષ્ણ મંદિર છે ત્યાં શ્રીકૃષ્ણની પ્રતિમાને રથમાં બેસાડીને ફેરવાય છે. ઈસ્કોન મંદિર દ્વારા લગભગ દરેક સ્થળે રથયાત્રા યોજાય છે. ડબલીન, લંડન, મેલબોર્ન, પેરીસ, ન્યૂ યોર્ક, સિંગાપોર, ટોરેન્ટો, મલેશિયા, કેલિફોર્નિયામાં પણ ભવ્ય રથયાત્રા મહોત્સવ ઊજવાય અને તેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભારતીયો ઉપરાંત સ્થાનિક નાગરિકો પણ જોડાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter