ભગવાન રામ સાસરી જનકપુરીમાં હોળી રમ્યા, બરસાનામાં રાધાકૃષ્ણ રંગે રમી રહ્યા છે

Wednesday 24th March 2021 08:13 EDT
 
 

નેપાળના જનકપુરીમાં આવેલા જનકપુર મંદિરેથી નીકળેલી શ્રીરામ અને જાનકીની ડોળી શનિવારે બપોરે કંચનવન પહોંચતા રંગ-ગુલાલની વર્ષા થઇ. આ સાથે જ ત્રેતાયુગથી ચાલી આવતી પરંપરા હેઠળ મિથિલામાં હોળી મહોત્સવની શરૂઆત થઇ. શ્રીરામ લગ્ન બાદ સીતા માતા સાથે મિથિલા દર્શન માટે નીકળ્યા હતા. ૧૫ દિવસની આ પરિક્રમાના સાતમા દિવસે તેઓ કંચનવન પહોંચ્યા તે દિવસે હોળી હતી. નવદંપતી કંચનવનમાં જ હોળી રમ્યાં. આ ફાગોત્સવમાં રામ-જાનકી સાથે મિથિલાના લોકો પણ જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે હજારો સાધુ-સંતો, સ્ત્રી-પુરુષો કંચનવન પહોંચીને ફગુઆ (હોળી)ની શરૂઆત કરે છે.

જાનકી મંદિરના મહંતે જણાવ્યું કે એવી માન્યતા છે કે વરરાજા શ્રીરામ દર વર્ષે જાનકીમૈયા તથા તેમની સહેલીઓ સાથે હોળી રમવા કંચનવન આવે છે. તેથી આ પ્રસંગે અહીં વહેલી સવારથી મોડી સાંજ સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. શ્રી મિથિલા બિહારી અને કિશોરીજીની ડોળી પહોંચે તે સાથે જ બધા એકબીજા પર રંગ-ગુલાલની વર્ષા શરૂ કરી દે છે. કંચનવનના રહેવાસી રામદુલાર યાદવ જણાવે છે કે અહીંના લોકોએ ભગવાન રામ અને જાનકીમાતાની પહેલી હોળીની પરંપરા આજે પણ જાળવી રાખી છે. આજેય અહીં લોકો રંગ-ગુલાલ જાતે જ તૈયાર કરે છે.

૪૫ દિવસ ચાલે છે હોળી ઉજવણી

આપણે સહુ ભલે હોળી-ધૂળેટીનું પર્વ વિક્રમ સંવત કેલેન્ડર અનુસાર ફાગણ સુદ પૂનમ - વદ એકમે (આ વર્ષે ૨૮-૨૯ માર્ચે) ઉજવીએ, પણ વ્રજ મંડળમાં તો આ તિથિના ૪૫ દિવસ પૂર્વેથી એટલે કે વસંતપંચમીના શુભ દિનથી હોળીની ઉજવણી શરૂ થઇ ગઇ છે! વ્રજ મંડળમાં ગોકુળ, મથુરા, બરસાના, વૃંદાવન, નંદગાંવ વગેરે ઘણાં ગામો આવે છે. વ્રજ મંડળ અને ખાસ કરીને મથુરામાં ૪૫ દિવસની હોળી-ધૂળેટીનું પર્વ ઉજવાય છે.
વસંતપંચમી પર્વે વ્રજમાં બગવાન બાંકે બિહારીએ ભક્તોની સાથે હોળી રમીને હોળી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો ત્યારથી અહીં આ પરંપરા ચાલે છે. અલબત્ત, ભારતમાં કેટલીક જગ્યાએ તો ફાગણ માસ શરૂ થતાં જ હોળીનો દંડ રોપીને આ ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે. વ્રજ મંડળમાં ફાગ ઉત્સવ બાદ હોળિકાદહન અને પછી ધૂળેટી-રંગોત્સવ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો મિઠાઇઓ વહેંચે છે. અને ઘણા ભાંગનું સેવન પણ કરે છે. હોળિકાદહનના પાંચમા દિવસે રંગપંચમી ઉજવવામાં આવે છે. વ્રજ મંડળમાં સૌથી વધુ હોળી બરસાનામાં રમાય છે. બરસાનાની હોળી વિશ્વ પ્રખ્યાત છે. આ હોળીને જોવા લોકો દૂર દૂરથી આવે છે. અહીં ઘણાં પ્રકારે હોળી રમાય છે. રંગ લગાવીને, દાંડિયા રાસ રમીને, લઠ્ઠમાર હોળી વગેરે.
વ્રજમાં રંગોનો તહેવાર હોળીની શરૂઆત વસંતપંચમીથી થાય છે. આ દિવસે અહીં હોળીનો દંડ લગાવવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે શ્રીજી મંદિરમાં રાધારાણીને ૫૬ ભોગનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અષ્ટમીના દિવસે નંદગાંવ અને બરસાનાની એક-એક વ્યક્તિ ગામમાં જઈને સૌને હોળી રમવાનું નિમંત્રણ આપે છે. નવમીના દિને જોરદાર રીતે હોળીની હુડદંગ મચે છે. નંદગાંવના પુરુષો નાચતા નાચતા છ કિલોમીટર દૂર બરસાના પહોંચે છે. તેમનો પહેલો પડાવ પીલી પોખર પર હોય છે. આ પછી બધા રાધારાણીના મંદિરના દર્શન કરે છે. આ પછી લઠ્ઠમાર હોળી રમવા માટે રંગીલી ગલી ચોકમાં એકત્ર થાય છે. દસમીના દિને આ પ્રકારે હોળી નંદગાવમાં રમાય છે. રાધાકૃષ્ણના વાર્તાલાપ પર આધારિત બરસાનાની હોળી રમવાની સાથે ત્યાંનું લોકગીત ‘હોરી....’ ગાવામાં આવે છે.
ફાગળ માસની નોમથી જ આખું વ્રજ રંગીલું બની જાય છે, પરંતુ પરંતુ વિશ્વવિખ્યાત બરસાનાની લઠ્ઠમાર હોળી જે ‘હોરી’ કહેવામાં આવે છે તેની ધૂમ તો જોવાલાયક હોય છે. દેશ-વિદેશથી લોકો આ જોવા આવે છે.
આની શરૂઆત ૧૬મી શતાબ્દીમાં થઈ હોવાનું માનવામાં આવે છે. આ દિવસે કૃષ્ણના ગામ નંદગાંવના પુરુષો બરસાનામાં આવેલ રાધાના મંદિર ઉપર ઝંડો ફરકાવવાની કોશિશ કરે છે, પરંતુ ત્યાંની મહિલાઓ તેમને લઠ્ઠથી ખસેડવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન પુરુષોને કોઈ પણ પ્રકારના પ્રતિરોધની આજ્ઞા નથી હોતી! તેઓ મહિલાઓ ઉપર માત્ર ગુલાલ છાંટીને, તેને ચકમા આપીને ઝંડો ફરકાવવાની કોશિષ કરે છે. જો તેઓ પકડાઈ જાય છે, તો તેમની જોરદાર પિટાઈ થાય છે. એટલું જ નહીં એ પુરુષને મહિલાઓના વસ્ત્રો પહેરાવીને શૃંગાર આદિ કરીને સામૂહિકરૂપે નચાવવામાં આવે છે! આ રીતે વ્રજ મંડળના લોકો હોળીનો મીઠો આનંદ મનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter