કવિતાનું વૃક્ષ જ એવું છે કે તેની ડાળીઓ, પાંદડાઓ અને ફૂલોની યે વિવિધતા છે. નગર, મહાનગર, અરણ્ય, રણ, પર્વત અને નાના સરખા ગામડાંમાં, ગમે ત્યાં અવતરિત થાય છે.
આજે એવા એક ઓલિયા કવિ (આ નામ તેમના પરમ મિત્ર મકરંદ દવેએ સ્વામી આનંદને લખેલા પત્રમાં આપ્યું હતું) મનુભાઈ ત્રિવેદીનું સ્મરણ થઈ આવ્યું. હમણાં કોઈ સંપાદકોએ એક પુસ્તક તૈયાર કર્યું છે. પુસ્તક વેચાણ કેન્દ્રમાં તે જોયું ને મનુભાઈ યાદ આવ્યા. આ પુસ્તકમાં સંપાદકોએ દુનિયાના નગરો કે ગામો વિશે કવિઓએ રચેલી કવિતાઓ પ્રસ્તુત કરી છે. પોતે જે માટીમાં રમ્યો છે, રડ્યો છે, ઊભો થયો છે, દોડ્યો છે, સ્થળાંતર કર્યું છે તેના વિશે તે કશુંક લખે તે પણ રસપ્રદ સાહિત્યિક ઘટના છે.
ઘણા નોબેલ વિજેતા લેખકોએ પોતાની નવલકથાઓમાં બાળપણનું ગામ આલેખિત કર્યું છે. નોબેલ વિજેતા મારકવેઝની ખ્યાત નવલકથા તેના વતનની આસપાસ વિસ્તરે છે. આપણે ત્યાં પન્નાલાલ અને મેઘાણીની કથાભૂમિ ગામડાંની છે. રઘુવીર ચૌધરીએ પણ એવો પ્રયોગ કર્યો છે. બીજી તરફ, તસ્લીમા નસરીનની નવલકથાઓ બાંગ્લા દેશની ભૂમિ પર દોરી જાય છે. શરદબાબુની ‘પથેર દાબી’ - જ્યાં તેઓ લાંબો સમય રહ્યાં હતા તે - રંગુનનું ચિત્ર આલેખે છે. ‘પથેર પાંચાલી’ મૂળ નવલકથા, પણ સત્યજિત રાયની કુશળ નિર્માણ-કળાથી ઉત્કૃષ્ટ ફિલ્મ બની.
ઘણા કવિઓએ પોતાના નગર-ગ્રામને નવલકથા કે વાર્તાની જેમ કાવ્ય સ્વરૂપ આપ્યું છે. ઉલ્લેખિત પુસ્તકમાં મેં કુતૂહલ સાથે યાદી જોઈ, સમર્થ અને નવોદિતો બન્ને તેમાં છે. વિવિધ પ્રદેશો અને વિદેશોના કવિઓ પણ છે. એવું બને કે વિવિધ ભાષાની જાણકારી ના હોવાથી ઘણા કવિઓ વંચિત રહી ગયા છે. કેરળ અને કર્ણાટકના કવિઓએ મલયાલમ અને કન્નડ ભાષામાં ઉત્તમ રચનાઓ આપી છે.
મારી ઉત્સુકતા થોડીક મર્યાદિત હતી, કે મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’નું માણાવદર વિશેનું કાવ્ય છે કે નહિ? એ તો ના દેખાયું પણ આ અલગારી કવિની જીવન-રેખા નજર સામે આવી ગઈ. મનુભાઈ ગુજરાતીના અધ્યાપક તો હતા નહિ, ન્યાયમૂર્તિ હતા! કાનૂન અને ન્યાયના માહોલની વચ્ચે તેમણે કવિતાની સંજીવનીને સાંચવી હતી. અધ્યયનનો એ રસપ્રદ વિષય થઈ શકે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના લેખકો-કવિઓ ભાષાના અધ્યાપકો કે વિદ્વાનો નહોતાં. અલગ ક્ષેત્રોમાંથી આવ્યા હતા. મેઘાણી તેવું ઉત્તમ ઉદાહરણ છે. મકરંદ દવે એવું બીજું નામ. મડિયા, હરીન્દ્ર દવે, વેણીભાઇ પુરોહિત અને મોહમ્મદ માંકડ પણ ખરા.
મનુભાઈ જન્મ્યા માણાવદરમાં. સોરઠ જિલ્લાનું આ નાનકડું નગર પોતાનો ઇતિહાસ સાચવીને બેઠું છે. ખારી નદી એકવડી આહીર કન્યા જેવી. પણ આ નદીના કિનારે ભક્તો, સંતો અને બહાદુરો જીવનના મૂલ્યોને જીવ્યા હતા. ખોબા જેવડા ગામડાઓ. બાંટવા શ્રીમંત મેમણોનું નગર, સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય એવી ઇમારતો અને વ્યવસાય. બેરિસ્ટર ઝીણા આ વસતિથી આકર્ષિત થયેલા. ધોરાજી પાસેના પાનેલીમાં તેમના બાપદાદા વ્યવસાય કરતા, ભારતના ભાગલા થયા ત્યારે જૂનાગઢ-માણાવદર પાકિસ્તાનમાં વિલીન થાય તો આ નવાબોને ત્યાંની સરકારમાં મોટો હોદ્દો મળે તેવી યોજના. પણ તેવું શક્ય ના બન્યું.
કુતિયાણા, બાંટવા, માણાવદર, સરદારગઢ, પાજોદ, બાબરિયાવાડ, વાઘણિયા વગેરે રણે ચડયા, છેક મુંબઇમાં આરઝી હકૂમત રચાઇ, અને કુતિયાણાના મૂળ વતની શામળદાસ ગાંધી સરસેનાપતિ બન્યા, આસપાસના રજવાડાંઓ સક્રિય થયા, અને બન્ને નવાબો - માણાવદર અને જૂનાગઢ - પાકિસ્તાન ભાગી ગયા.
નવાબો પોતે કોઈ ખાસ રાજકીય સમજ અને કૂનેહ ધરાવતા નહોતા. ક્રિકેટ, ફૂટબોલ, નાટક, શ્વાનો અને બેગમોમાં ગળાડૂબ હતા, એટલે તેના દરબારીઓએ ઉંધા રસ્તે ચડાવીને પાકિસ્તાન સાથે વિલીનીકરણની જાહેરાત કરાવી. પાકિસ્તાનમાં તેઓ સામાન્ય જીવનમાં ભૂંસાઈ ગયા. આ રાજ્યોમાં લોકમત સંગ્રહ પણ થયો 20 સપ્ટેમ્બર, 1947ના રોજ તો લગભગ તમામ નાગરિકોએ ભારત-તરફેણમાં મત આપ્યાં હતા.
આ નવાબી શાસનની પોતાની તવારીખ છે. ‘આઈને અકબરી’માં માણાવદરના ગઝફર ખાનનો ઉલ્લેખ છે, 1818થી આ બધાં બ્રિટિશ હકૂમત હેઠળના પત્તાં બની ગયા. પાકિસ્તાનમાં જૂનાગઢના નવાબને ‘વઝીરે આઝમ’નો ખિતાબ આપવામાં આવ્યો. ક્યારેક કરાચીમાં પરિષદ યોજવામાં આવે છે, 9 નવેમ્બરને કાળો દિવસ મનાવવામાં આવે છે.
મનુભાઈનું બચપણ માણાવદરમાં કેવું વીત્યું હશે? પિતાજી ત્રિભુવનભાઈ ત્રિવેદી નવાબના દીવાન હતા. થોડો સમય ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી અહીં રહી ગયેલા. અહીં વ્યાપાર વિકસિત રહ્યો. એશિયામાં કપાસનું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર માણતું. વેજીટેબલ ઘીના કારખાના હતા. આસપાસના ગામડાં નાનડિયા, કોયલાણા, વડાલા, ઝીઝરી, સીતાણા, ચૂડવા, ખડિયા, ખાંભલા, નાકરા, પાજોદ, જીલાણા, સરદારગઢ, કોડવાવ, મીતડી, લીંબુડા, શેરડી, ભિમોરા, બોડકાં, સીતાણા... આ તેના ગામડાંઓ.
ખાન સાહેબ ગુલામ મોઇનુદ્દીન ખાન નવાબી રાજ્યના છેલ્લા નવાબ. ક્રિકેટર તરીકે વિદેશોમાં ખ્યાત. સિડનીમાં આંતરરાષ્ટ્રીય હોકી મેચમાં અહીંના રમતવીરો હતા. પાકિસ્તાનમાં લખાયેલ ક્રિકેટના ઇતિહાસમાં એક આખું પ્રકરણ આ રજવાડાનું છે. બાંટવાથી હિજરત કરી ગયેલા જનાબ અબ્દુલ સતાર એધીને સમાજસેવા માટે મેગેસેસ એવોર્ડ મળ્યો હતો. એક અબ્દુલ રઝાક થાપલાવાલા (થાપલા એક ગામ છે)એ 2011 માં એક પુસ્તક લખ્યુંઃ ‘ઇલ્લીગલ ઓક્યુપેશન ઓફ જૂનાગઢઃ એ પાકિસ્તાની ટેરિટરી’ (સરનામુંઃ સી-15, દાઉદ કો-ઓપેરેટિવ સોસાઇટી, કરાચી-74800, ફોનઃ 4534235) આ નોંધ 2008 ની છે, આજે તો તે લેખક કે તેના વારસદારો ક્યાં હશે?
એક બીજું પુસ્તક પાકિસ્તાનમાં છપાયું તે ‘બાંટવા - કલ ઔર આજ’. આ પુસ્તકોમાં 18 પ્રકરણો છે, શું લખ્યું હશે જનાબ અબ્દુલે? બાંટવાના આદમજી જયુટ કિંગ ગણાતા, યુસુફ અબ્દુલ માંડવિયા પાકિસ્તાની પત્રકાર ‘તારીખે બાંટવા’માં લખ્યું. આજે પણ ત્યાંની મુસ્લિમ પ્રજા જૂનાગઢ-માણાવદરને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત ગણવામાં આવે તેવી માંગણી કરે છે.
માણાવદરમાં મનુભાઈનું બાળપણ વીત્યું તેનું પરિણામ એટલે માણાવદર પર તેનું કાવ્ય. ગિરનારના શિખરનું સાંનિધ્ય અનુભવતા આ ગામનું ત્યારે ધમધમતું સ્ટેશન હતું, (વર્ષોપૂર્વે રેલ આવી તેમાં પાટા ધોવાઈ ગયા, ત્યારથી આખી રેલ-લાઇન જ બંધ એટલે હવે તો ભેંકાર સ્ટેશન!) ગામની બહાર ત્ર્યંબકેશ્વર મંદિર, મીતડીનો મેળો, જોરાવર બાગ, કમાલ બાગ, પાતળી નદી, નવ નાલા પુલ... આ બધું એક ગામની ખૂબસૂરતી માટે પર્યાપ્ત હતું. ક્રિકેટનું મોટું મેદાન, સ્ટેડિયમ, રમતની પીચ... ત્યારે તો હશે, આજે તે બધુ ભૂતકાળ બની ગયું! પણ, ‘સરોદ’ કે ગાફિલ મનુભાઈની કલમે લખાયેલું ગીત એવું ને એવું તાજું રહેશે.