ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેકઃ ત્યારે અને અત્યારે

મારા જીવનનો યાદગાર પ્રસંગ

મુકુંદ આર. સામાણી, લેસ્ટર Wednesday 17th May 2023 11:27 EDT
 
 

તાજેતરમાં આપણે નવા રાજા ચાર્લ્સ તૃતીયના રાજયભિષેક નિમિત્તે જે ઉજવણી થઇ તે મહાઅવસરનો આનંદ માણ્યો. આપણામાંથી મોટા ભાગના લોકોએ આવી ઉજવણી પહેલી વખત નિહાળી હશે - ખૂબ જાજરમાન અને ભવ્ય ઉત્સવ હતો. જોકે આજે અહીંયા સીત્તેર વર્ષ પહેલાં નામદાર ક્વીન એલિઝાબેથ - દ્વિતીયનો રાજ્યાભિષેક યોજાયો તે સમયે આ દેશ કેવો જુદો હતો તેની કેટલીક રસપ્રદ તેમજ આંકડાકીય વિગતો પર સરસરતી નજર ફેરવીએ.
માત્ર 27 વર્ષની નાની ઉંમરે બીજી જૂન 1953ના રોજ જ્યારે મહારાણીની રાજગાદી પર વરણી થઈ ત્યારે આ દેશના વડા પ્રધાન ચર્ચિલ હતા અને તે સમયે તેઓ પચાસ વર્ષથી સંસદ સભ્ય હતા. આ ઉજવણી સમયે વિશ્વના વિવિધ દેશોના વડાઓ સાથે સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ સમયે આખા દેશની વસ્તી 51 મિલિયન હતી, જેમાંના 22 મિલિયન 30 વર્ષથી નાની ઉંમરના હતા. મોટા ભાગની વસ્તી શ્વેત વર્ણની હતી.
આખા દેશમાં 3 મિલિયન ટેલિવિઝન સેટ હતા, અને એ સમયે 25 ટકા વસ્તી પાસે ટોઇલેટ ઘરની બહારના ભાગમાં હતાં. તે સમયે વોશિંગ મશીન અને ફ્રીજ માત્ર શ્રીમંત લોકો જ ખરીદી શકતા હતા. આખા દેશમાં માત્ર 3 મિલિયન કાર રસ્તા પર હતી, જે સંખ્યા હાલમાં અંદાજીત ૩૫ મિલિયન છે. એ સમયે મૃત્યુ દંડની સજા કાયદેસર હતી અને અમુક વિસ્તારોમાં પબની બારીઓમાં ‘No Black & No Irish’ પાટિયા લટકતા જોવા મળતા હતા.
મહારાણીના કોરોનેશનના દિવસે જ સર એડવર્ડ હિલેરીએ એવરેસ્ટ આરોહણ કર્યું હતું. એ સમયે એક લેખક સિરીલ કોનોલીએ લંડન વિશે વિગતવાર પુસ્તક લખ્યું હતું. જેમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે સર્વ મોટા શહેરોમાં લંડન સહુથી વધારે મોટું, પણ ગંદુ અને જુસ્સા વિનાનું શહેર છે. તેમણે વધુમાં લખ્યું હતું કે લંડનના અડધા ઘરો મનુષ્યને રહેવા લાયક નથી. એ સમયે દેશમાં દર દસમાંથી એક ઘરમાં વીજળી નહોતી અને કોલસાના હિટર્સ વપરાતા હતા. કોરોનેશનના માત્ર છ મહિના પહેલા જ ડિસેમ્બર - 1952માં ‘Thick fog of coal smoke’ એટલે કે કોલસાના ધુમાડાથી સર્જાયેલા ગાઢા ધુમ્મસના કારણે માત્ર પાંચ જ દિવસમાં શ્વાસની બીમારીના લીધે અંદાજીત 10 હજાર માણસો મુત્યુ પામ્યા હતા. આ વખતની ઉજવણીમાં રજવાડી જમણવારમાં શાકાહારી વાનગી Coronation Queche ને સ્થાન મળ્યું હતું, પરંતુ રાણીના રાજયભિષેક વખતે ભારતમાંથી શીખવામાં આવેલી ચિકન કરીનો સમાવેશ થયો હતો.
મહાન વ્યક્તિઓ, રાજકારણીઓ, રાજા અને રાણીઓ આવે અને જાય પરંતુ ગમે તે સંજોગોમાં દેશનો જુસ્સો જળવાઈ રહે તે મહત્વનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter