‘ગામ માત્ર નકશા પર દેખાતી એક વસાહત નથી. તે પેઢીઓના સંસ્કાર, સંઘર્ષ, સેવા અને સપનાઓનો જીવંત ઇતિહાસ છે.’ ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલું ભાદરણ માત્ર એક ગામ નથી, પરંતુ ચરોતરની સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનું પ્રતીક પણ છે. સદીઓ જૂનું આ ગામ પોતાની સમૃદ્ધ પરંપરા, પ્રગતિશીલ વિચારસરણી, કૃષિ સમૃદ્ધિ, શિક્ષણ, સમાજસેવા અને વિશ્વભરમાં વસેલા પોતાના પ્રવાસી સમાજના કારણે વિશિષ્ટ ઓળખ ધરાવે છે.
આજે ભાદરણને ગુજરાતના સૌથી સુવ્યવસ્થિત, સ્વચ્છ અને વિકસિત ગામોમાં સ્થાન આપવામાં આવે છે. સમયની સાથે આ ગામે આધુનિકતાને સ્વીકારી છે, પરંતુ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક મૂલ્યોને ક્યારેય છોડ્યા નથી. આ જ સંતુલન તેને અન્ય ગામોથી અલગ બનાવે છે.
સેવા અને નેતૃત્વની નવી ઓળખ
ભાદરણના વર્તમાન વિકાસની ચર્ચા કરીએ ત્યારે ગ્રામ પંચાયતના નેતૃત્વનો ઉલ્લેખ સ્વાભાવિક છે. વર્તમાન સરપંચ ઉદયભાઈ એમ. પટેલના નેતૃત્વમાં ગામના વિકાસકાર્યોને નવી ગતિ મળી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઉદયભાઈ પટેલે ચૂંટણી દરમિયાન ગામના સર્વાંગી વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો કહે છે કે તેઓ નિયમિત રીતે ગામની મુલાકાત લઈને સ્વચ્છતા, પીવાના પાણી, રસ્તા, વીજળી અને અન્ય નાગરિક સુવિધાઓના કાર્યોની જાતે દેખરેખ રાખે છે.
ગામના કેટલાક નાગરિકોનું એવું પણ માનવું છે કે તેમણે અનેક જાહેર કાર્યોમાં વ્યક્તિગત સ્તરે પણ સહયોગ આપ્યો છે. આવા અનુભવો ગ્રામજનોમાં તેમના પ્રત્યે વિશ્વાસ અને સન્માનનું કારણ બન્યા છે. એક દુકાનદારે વાતચીત દરમિયાન કહ્યુંઃ ‘ભાદરણને સમજવું હોય તો કોઈને પૂછશો નહીં. ગામની અંદર જાઓ, બજાર, બસ સ્ટેન્ડ, રસ્તાઓ, હોસ્પિટલ અને વ્યવસ્થાઓ જુઓ. ઘણું બધું તમને પોતાની આંખે જ દેખાઈ જશે.’ આવી પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે ગામના વિકાસકાર્યોને સ્થાનિક સ્તરે સકારાત્મક દૃષ્ટિએ જોવામાં આવી રહ્યા છે.
ભાદરણનો ઐતિહાસિક પરિચય
સ્થાનિક માન્યતાઓ અનુસાર ભાદરણનું પ્રાચીન નામ ભદ્રપુર હતું. એવું માનવામાં આવે છે કે ગામનું નામ મા ભદ્રકાળીના નામ પરથી પડ્યું છે.
તેમનું પ્રાચીન મંદિર આજે પણ ગામની આસ્થા અને સાંસ્કૃતિક ઓળખનું મુખ્ય કેન્દ્ર છે. પાટીદાર સમાજની ઐતિહાસિક વંશાવળીઓ અનુસાર વિક્રમ સંવત 1415 (ઈ.સ. 1357)માં આણંદા પટેલ આંકલાવથી ભાદરણ આવી વસ્યા હતા. તેમના વંશજોએ આગળ જઈને મોટી ખડકી અને નાની ખડકીની સ્થાપના કરી, જે આજે પણ ગામની સામાજિક રચનાનો મહત્ત્વનો ભાગ છે.
‘ચરોતરનું પેરિસ’
ભાદરણનો સુવર્ણ યુગ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળમાં આવ્યો. તે સમયે શિક્ષણ, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓના ક્ષેત્રમાં આ ગામ એટલું આગળ હતું કે તેને ‘ચરોતરનું પેરિસ’ અને ‘ગાયકવાડ રાજ્યનું પેરિસ’ તરીકે ઓળખવામાં આવતું હતું.
તે સમયના ભાદરણમાં -
• ભૂગર્ભ ગટર વ્યવસ્થા • પીવાના પાણીની સુવ્યવસ્થિત સુવિધા • સહકારી બેંક • નેરો ગેજ રેલવે સ્ટેશન • આધુનિક શાળાઓ • પુસ્તકાલય • હોસ્પિટલ • ટાઉન હોલ તેમજ • શરૂઆતના સમયમાં જ વીજળી જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી.
સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાદરણનું મહત્વનું યોગદાન રહ્યું છે. 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન અહીંના અનેક યુવાનો સક્રિય રીતે જોડાયા હતા. આજે પણ તે સમયની સ્મૃતિઓ અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા ઐતિહાસિક ચિહ્નો ગામના વારસાનો ભાગ છે.
શિક્ષણ, ઉદ્યોગ અને સમાજસેવાની ધરતી
ભાદરણે એવા અનેક મહાનુભાવો આપ્યા છે જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે
• રમણભાઈ બેચરભાઈ પટેલ – કેડિલા લેબોરેટરીઝના સ્થાપક. તેમના પુત્ર પંકજભાઇ પટેલે આગળ જઈ ઝાયડસ ગ્રૂપને વૈશ્વિક ઓળખ અપાવી.
• ડો. જમનાદાસ સી. પટેલ - ડાયાબિટીસ અને રક્તરોગના પ્રખ્યાત નિષ્ણાત
• મણિભાઈ ફૂલાભાઈ પટેલ – સ્વતંત્રતા સેનાની
• શિવાભાઈ આશાભાઈ પટેલ – પૂર્વ સરપંચ, સ્વતંત્રતા સેનાની અને શિક્ષણના અગ્રણી
• ચુનીભાઈ ફૂલાભાઈ પટેલ – સમાજસેવક અને શિક્ષણપ્રેમી
• અંબુભાઈ હીરાભાઈ પટેલ – સ્વતંત્રતા સેનાની અને ઇતિહાસકાર
પ્રવાસી ભાદરણ
આજે ભાદરણના હજારો પરિવારો અમેરિકા, બ્રિટન, કેનેડા, પૂર્વ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા અન્ય દેશોમાં વસે છે. તેમ છતાં તેઓ પોતાની જન્મભૂમિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે અને શિક્ષણ, આરોગ્ય, ધાર્મિક તથા સામાજિક વિકાસના કાર્યોમાં સતત સહયોગ આપી રહ્યા છે.\
આજનું ભાદરણ
આજનું ભાદરણ આધુનિકતા અને પરંપરાનું સુંદર સંગમ છે. કૃષિ, શિક્ષણ, ડિજિટલ ગ્રામ વહીવટ, સ્વચ્છતા, ધાર્મિક આસ્થા અને સામાજિક એકતા તેની સૌથી મોટી ઓળખ છે.
ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીનું સંચાલન, 24×7 પાણી પુરવઠો, રેડિયો ફ્રિક્વન્સી (RF) આધારિત વોટર મીટર સિસ્ટમ, જળ સંરક્ષણ અને આધારભૂત સુવિધાઓના વિસ્તરણ જેવા અનેક વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ટૂંકમાં કહીએ તો...
ભાદરણ માત્ર ઇતિહાસનો વિષય નથી, પરંતુ તે એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જ્યારે શિક્ષણ, સમાજસેવા, દૂરદર્શિતા અને જનસહભાગિતા સાથે આગળ વધે, ત્યારે એક ગામ આખા રાજ્ય માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે.
મારા વ્યક્તિગત અનુભવ મુજબ ભાદરણ એવા ગામોમાંનું એક છે જેને ‘મોડેલ વિલેજ’ તરીકે વ્યાપક સ્તરે રજૂ કરી શકાય. અહીં વિકાસ માત્ર બાંધકામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સાંસ્કૃતિક વારસો, સ્વચ્છતા, નાગરિક સહભાગિતા અને આધુનિક ગ્રામ વહીવટ સાથે આગળ વધતો જોવા મળે છે.
જો આ વિકાસયાત્રા સતત ચાલુ રહેશે, તો ભાદરણ ગ્રામ વિકાસનું એવું આદર્શ ઉદાહરણ બની શકે છે, જેના અભ્યાસથી દેશના અન્ય ગામો પણ પ્રેરણા લઈ શકે.
ભાદરણ ખરેખર ચરોતરનું ગૌરવ છે - જ્યાં પરંપરાનાં મૂળ ઊંડાં છે અને વિકાસની ઉડાન સતત આગળ વધી રહી છે.
(લેખકનો પરિચયઃ લક્ષ્મણ પાર્વતી પટેલ એક સ્વતંત્ર લેખક, વાર્તાકાર અને સામાજિક નીરિક્ષક છે, જેઓ તેમના લોકપ્રિય મંચ #Kahaniwalaના માધ્યમથી સમાજ, સંબંધો, માનવીય સંવેદના અને જીવન સાથે સંકળાયેલાં વણકહ્યાં પાસાંઓને વાચા આપે છે. તેમની આ વાર્તાઓ આમ આદમીના અસાધારણ અનુભવોમાંથી આકાર લે છે. તેમનું લેખનકાર્ય માનવતા, વૃદ્ધોનું જીવન, પારિવારિક સંબંધો, સામાજિક પરિવર્તન, આત્મસન્માન, સંઘર્ષ, કરુણા, અને ભારતીય જીવન મૂલ્યો કેન્દ્રીત હોય છે. #Kahaniwalaની વાર્તાઓ માત્ર વાચકોના વાંચન માટે નહીં પરંતુ વિચાર પ્રેરક હોય છે.)


