ભાદરણ બંધુ સમાજની વાર્ષિક સભાઃ જે સમાજના મૂળિયા ઊંડા તેનો પ્રસાર મજબૂત

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 24th September 2019 04:25 EDT
 
 

ગુજરાતમાં આણંદ પાસે આવેલો ભાદરણ વિસ્તાર એકસમયે પોતાની સમૃદ્ધિ અને સુવિધાઓને કારણે સયાજીરાવ સ્ટેટનું પેરિસ કહેવાતો. ઇતિહાસ કહે છે કે ત્યાં ભદ્રાસુર અને અઘાસુર નામના બે દૈત્ય રહેતા. મહાદેવજીનું વરદાન પામીને તેઓ ખુબ તાકાતવર બન્યા એટલે તેમણે લોકો પર પ્રકોપ વર્તાવવો શરૂ કર્યો. દેવોને પણ તેમણે પરાજિત કરી દીધા. આખરે દેવોની પ્રાર્થનાથી ભદ્રકાળી અને અંબાજી માતાજી પ્રગટ્યા અને બંને શક્તિઓએ સાથે મળીને અસુર ભાઈઓનો વધ કર્યો. અહીં બંને માતાઓને એક જ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આવા ભાદરણના લોકો પણ સાહસિક, સુરવીર અને સમૃદ્ધ હોય તેમાં શું શંકા?
આજે યુકેમાં ભાદરણના છ ગામનો સમાજ ‘ભાદરણ બંધુ સમાજ’ તરીકે કાર્યરત છે. તેઓએ પોતાના સમાજના લોકોને એક તાંતણે બાંધી રાખવાનું સુંદર કાર્ય કર્યું છે. રવિવારે તેમની સામાન્ય વાર્ષિક સભા બુશી એકેડમીમાં યોજાઈ. કાર્યક્રમમાં નવી સમિતિએ પોતાનો કાર્યભાર સાંભળ્યો. પ્રમુખસ્થાને ફરીથી શ્રી બિમલ પટેલ નિમાયા. પૂર્વ પ્રમુખો, ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યોની પણ જાહેરાત કરાઈ. સમગ્ર કાર્યક્રમ ખુબ રસપ્રદ રીતે કંડારવામાં આવ્યો હતો. સમાજના સભ્યો પરિવાર સહિત આવ્યા હતા. બપોર પછી શરૂ કરીને રાત્રે ગુજરાતી વાળુ કર્યા બાદ બધાએ પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
ત્રણ નૃત્યાંગનાઓના સમૂહે વિવિધ ગીતો પર મનમોહક નૃત્યો રજુ કરીને લોકોના મન મોહી લીધા. સુરિન્દરના ગીતો અને સંગીત તો જાણે ચેરી ઓન ધ કેક બની ગયા. એકલો કલાકાર ઓર્કેસ્ટ્રા પર સંગીત પણ સંચાલિત કરે અને ગીતો પણ ગાય તેવું તો બહુ ઓછું બને. આ સુરિન્દરભાઈએ એ પણ કરી બતાવ્યું, અને તે પણ ખુબ સરસ રીતે. આવા મનોરંજન ઉપરાંત વક્તવ્યો અને સમાજના સભ્યોનું સ્નેહમિલન પણ રાખવામાં આવેલું. પીરસવામાં આવેલું ભોજન લોકોને ગુજરાતમાં ચરોતરમાં બેઠા હોવાનો આસ્વાદ કરાવવા સમર્થ હતું. શ્રીખંડની મીઠાશની તો શું વાત કરવી.
આ સમાજના લોકોએ પણ એક વાતનું દુઃખ વ્યક્ત કર્યું કે નવી પેઢીના યુવાનો સમાજ અને તેની પરંપરા સાથે સાંકળતા નથી. મારા વક્તવ્ય દરમિયાન મેં સૂચન કર્યું કે તેમને સમિતિમાં સભ્ય બનાવો, તેમને ગમે તેવા કાર્યક્રમો યોજો, તેમને જવાબદારી સોંપો, તેમને રસોઈમાં મીઠા જેટલું જ્ઞાન પોતાની સંસ્કૃતિ અંગે આપ્યા કરો જેથી કરીને તેઓ પોતાના મૂળથી અલગ ન પડી જાય. જે ઝાડના મૂળ ઊંડા હોય તે જ તો મજબુતીથી પોતાનો વિસ્તાર કરી શકે. પ્રેરક ઘટના એ રહી કે પ્રમુખ શ્રી બિમલ પટેલની પુત્રીએ ૧૯ વર્ષની વયે સમિતિમાં જોડાઈને યુવાનોને ઉદાહરણ પૂરું પાડયું છે. બીજા યુવાનો પણ તેને અનુસરે અને યોગ્યતા અનુસાર સમાજમાં કાર્યરત બને તેવી શુભેચ્છા સાથે ભાદરણ બંધુ સમાજને તેના સુંદર કાર્યક્રમ માટે ખુબ ખુબ અભિનંદન. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter