બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રયોગ કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે શું કરવું, કઈ રીતે કરવું તેની દ્વિધા હતી એટલે પૂણે ગયા. ગોપાલકૃષ્ણ ગોખલે તે સમયના ખ્યાત નેતા, તેમને મળ્યા. ગોખલે પાસે યુવા વકીલ મોહનદાસ કરમચંદ ગાંધીની દક્ષિણ આફ્રિકાની પ્રવૃત્તિ વિષે જાણકારી હતી. તેમની જાહેરજીવનમાં કામ કરવાની ઈચ્છા વિશેની વાતચીત થાય પછી એક સૂચન કર્યું, ‘મિસ્ટર ગાંધી, તમારે કોઈ પણ કામ કરવું હોય તો પહેલાં સમગ્ર ભારતનો પ્રવાસ કરો. દેશ અને સમાજને જુઓ, ઓળખો, આત્મસાત થઈ શકશો તો આપોઆપ રસ્તો મળી જશે.’
ગાંધીચરિત્રમાં અને તેમની આત્મકથામાં આ વાત આવે છે, તેમણે દેશ-ભ્રમણ કર્યું, વિવિધ લોકોને મળ્યા, ગરીબી અને શ્રીમંતાઈ જોઈ, વિવિધાતામાં એકતાનો પરિચય થયો. આમ ભારતને સમજવાનો ગોખલે-ચીંધ્યો રસ્તો કામ લાગ્યો. એક પ્રસંગ ભારે મહત્ત્વનો છે, ‘હિન્દ સ્વરાજ’ નામના તેમના પ્રથમ પુસ્તકમાં ‘આસામમાં ઠગ લોકો વસે છે’ એવું લખ્યું હતું, તેનો વિરોધ થયો અને પૂર્વોત્તરની મુલાકાત લીધી ત્યારે જ ખબર પડી કે અરે, આ તો અત્યંત સમૃદ્ધ, સંવેદનશીલ અને સભ્ય પ્રદેશ છે!
ભારત-ભ્રમણનો ઇતિહાસ ગાંધીજીથી શરૂ થતો નથી, છેક વેદકાલીન પરંપરા છે. અગસ્ત્યની પૌરાણિક કથાથી તો આપણે પરિચિત છીએ કે સમુદ્ર અવરોધક બન્યો તો તેને ઋષિ પેટમાં પધરાવી ગયા હતા. આ કલ્પના હોય તો પણ એક વાત પ્રમાણિત થાય છે કે આપના ઋષિ-મુનિઓ, વિવિધ સમાજો, રાજવીઓ દેશ અને દેશની બહાર ઘૂમ્યા હતા.
આ કંઈ બ્રિટિશ વ્યાખ્યા મુજબ ‘વેગેબોન્ડ’ કે સહેલાણીઓ નહોતા, રાષ્ટ્રની વિજિગીષા (ઉત્કર્ષ, ઉન્નતિ) સાથે જોડાયેલા સાંસ્કૃતિક પ્રતિનિધિઓ હતા. યવનાચાર્ય તો દ્વારિકાથી નીકળીને એથેન્સ પહોંચ્યા અને ત્યાં બેસીને સમુદ્રશાસ્ત્રનું અદ્દભુત પુસ્તક રચ્યું હતું, જે આજે પણ આધુનિક સમુદ્ર-વિજ્ઞાનમાં સંદર્ભ સ્વરૂપે કામ આવે છે. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ભલે મોનીયેર વિલિયમ્સને સંસ્કૃત શબ્દકોશમાં સહાયક તરીકે ગયા હતાં, પણ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા વિષે તેમની પાસેથી એટલું શીખ્યા કે મુગ્ધ બની ગયા.
આધુનિક ભારતમાં પરિભ્રમણ સહજ હતું. સામાન્ય પરિવારોમાં પણ એકવાર તીર્થધામનું મહત્ત્વ રહ્યું છે. આદિ શંકરાચાર્યની ચાર ભક્તિપીઠ - મહારાષ્ટ્રમાં આલંદી, દક્ષિણે બાલાજી, રામસેતુ, કાશ્મીરમાં શંકરાચાર્ય ટેકરી, અમૃતસરમાં સ્વર્ણમંદિર, ઓરિસામાં જગન્નાથ, ગુવાહાટીમાં મોટા કામાખ્યા, ઈન્દોરમાં મહાકાલ, નર્મદા તટે દેવાલયો, 64 શક્તિપીઠો, અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ, નેપાળમાં શિવતીર્થ, બનારસ-કાશીના દેવાલયો, ગંગાકિનારે દશાશ્વમેઘ સહિતના ઘાટ... આ યાદી તો અધૂરી છે. એક સમયે કાશી વિદ્યા અને ભક્તિનું પરમ સ્થાન હતું. બંગાળ જનારો યાત્રી દક્ષિણેશ્વર જવું ભૂલતો નથી. નર્મદાકિનારે કબીર વડનો જટાજૂટ વૈભવ છે, હિમાલય અને ગિરનાર સૌથી પ્રાચીન સંસ્કૃતિભૂમિ છે.
‘વિવેકાનંદ ચરિત’માં નિર્દેશ છે કે તેમણે પોતાના ગુરુબંધુઓની સાથે અને પછી એકલા ભારત-ભ્રમણ કર્યું હતું. 1892માં ગુજરાત આવેલા સ્વામીએ લીંબડી, સોમનાથ, જુનાગઢ, દ્વારિકા, પોરબંદર, કચ્છ, ભાવનગર, નડિયાદ, વડોદરા અને શિહોર સહિત અમદાવાદને આત્મસાત કર્યું હતું, એ માત્ર પ્રવાસ નહોતો, યાત્રા હતી. એવું જ સમગ્ર ભારતમાં ભ્રમણ થયું,
આવું જ ભ્રમણ એક વાર નહિ, ત્રણ વાર, મધ્યકાલીન ભક્ત કવિ દયારામે કર્યું, ગુરુ નાનક દેવ છેક કચ્છના લખપત સુધી પહોંચ્યા હતાં, તેમનું ગુરુદ્વારા હવે તો વૈશ્વિક વારસામાં ઉમેરાયું છે. આપણા તમામ સાધુ-સંતો પૂર્વથી પશ્ચિમ સુધી આવ્યા છે. આયોધ્યાથી સહજાનંદ સ્વામીનું કાઠિયાવાડમાં સ્થાયી થયાની ઘટના છે જ.
સાર્વજનિક જીવનમાં પણ ભ્રમણનું મહત્વ છે. 1966માં ડો. રામનમનોહર લોહિયા સુરેન્દ્રનગર આવ્યા હતા. કોલેજમાં વિદ્યાર્થી તરીકે તેમને સાંભળવા ગયો, માંડ 200 લોકોની સામે તેમણે કચ્છ-કરારને કેન્દ્રમાં રાખીને ભારતગાથા કહી. શ્રોતાઓ કેટલું સમજશે તેની ચિંતા કર્યા વિના એક કલાકનું ભાષણ, તેમાં ભારતના નકશા વિશે, સરસ સંસ્કૃત શબ્દનો પ્રયોગ કર્યો તે ‘માનચિત્ર’! પછી જ્યારે તેઓ જેમને ત્યાં નિવાસ હતો ત્યાં મળવા ગયો તો તેમનો પ્રવાસી આત્મા જાગી ઉઠ્યો. મને પૂછ્યું, ‘મીરાંબાઈ મેડતાથી દ્વારિકા ગઈ તે કોઈ રથમાં નહિ, પગપાળા પોતાના સત્સંગીઓ સાથે ગઈ હતી. સૌરાષ્ટ્રમાં તે કયા રસ્તેથી દ્વારિકા પહોંચી હતી તેનો કોઈ ઉલ્લેખ કે પુસ્તક છે?’ પછી એક મિનિટ શાંત રહીને ઉમેર્યું, ‘મારે મીરાંના એ ભ્રમણ-માર્ગે એકવાર તેની જેમ પગપાળા નીકળવું છે.’
થોડાંક વર્ષ પછી મિત્ર ભૂપેન્દ્ર દવેએ માહિતી આપી અને શિયાણી લઈ ગયા અને કૃષ્ણ મંદિર બતાવ્યું, અહીં મીરાં દ્વારિકા જતાં વિસામો લીધો હતો. સ્થાનિક રાજાએ તેમને વિનંતી કરી કે આપ અમારે ત્યાં જ રોકાઈ જાવ. મીરાંનો જવાબ હતો, ‘તમારી લાગણી માટે આભાર. પણ મારો દ્વારિકાધીશ રાજા રાહ જોઈ રહ્યો છે...’ એક કૃષ્ણ પ્રતિમા ભેટ આપીને તેણે પ્રયાણ કર્યું, ના જાણે, ક્યાં ક્યાં રસ્તામાં તેમનાં વિશ્રામ તંબુ ખોડાયા હશે?
આપણી સંસ્કૃતિનો ઉત્તમ શ્લોક છે, ‘સૂતેલાનું ભાગ્ય સૂતેલું રહે છે, બેસી રહેનારનું બેઠેલું રહે છે, માત્ર ચાલનારનું સદભાગ્ય છે કે તેની ગતિ રહે છે, માટે ચાલતા રહો, ચરૈવેતી... ચાલતા રહો.’
તેનું ક્રિયાનવયન ન જાણે કેટકેટલા મહાપુરુષોએ કર્યું હશે? નેતાજી સુભાષ યુવા વયે જ નીકળી પડ્યા હતા, ડો. લોહિયા કાયમના પ્રવાસી હતાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી ગુરુજીએ ભારતવર્ષની કેટલીબધી વાર યાત્રા કરી હતી. સ્વાસ્થ્ય ઠીક ના હોય તો પણ સ્વયંસેવકો અને પ્રચારકો, પ્રબુદ્ધજનોને મળતા. માર્ગદર્શન આપતા. શિબિરો અને સભાઓ પણ થતાં. ભારતવર્ષની સાથે તેમનો આત્મીય સંબંધ સંગઠન અને વિચારો માટે પ્રેરક બળ હતા. તે પછીના, વર્તમાન સરસંઘચાલક શ્રી મોહનરાવ ભાગવત સુધીના અનુગામી સરસંઘચાલકોએ તેવી પરંપરા જાળવી રાખી છે. સંઘ-પ્રચારક નવોદિત ભારતીય જનસંઘના મહામંત્રી બન્યા ત્યારે તેમનું કાયમી સરનામું મજાકમાં રેલગાડી જ રહેતું. અંતિમ શ્વાસ પણ તેમણે મુઘલ સરાઈ રેલ મુસાફરી વખતે લીધા. એકવાર મારા વિદ્યાર્થીજીવનમાં મેં જૂનાગઢથી માણાવદર સુધી, મીટરગેજ ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બાની ભીડમાં પ્રવાસી રહ્યાના સાક્ષી બન્યાની તક મળી હતી! સાચે જ ભારતીય રાજકારણમાં આવા ઓલિયા ચિંતક વીરલ રહ્યા છે.
આદિ શંકરાચાર્યના ‘શંકર દિગ્વિજય’થી આ લેખનું સમાપન સર્વથા ઉચિત રહેશે. સંસ્કૃતિ વિજયની એ મહા-ગાથા છે, સુધાકર અદીબ નામના સંશોધકે આદિ શંકર ભરતવર્ષમાં ક્યાંકયાં ભ્રમણ કર્યું હતું તેની વિગતો આપી છે. કેરળના કાલડીમાં ઈસવી સન પૂર્વે 507માં તેમનો જન્મ અને દક્ષિણથી ઉત્તર ભારતના કેદારનાથમાં 475 ઇ.સ. પૂર્વે વિદાય. 32 વર્ષની અવધિમાં અનંત યાત્રા. કાલડી ગામનો આ પ્રથમ સન્યાસી બાળક, કેટલાંક સ્થાનો - જ્યાં તેમના પગલાં પડ્યા તેની - યાદી જ નોંધી તો... -
શૃંગેરી, ઓમકારેશ્વર, કાશી, ઈન્દોર, રીવા, વિંધ્યાચલ, વિદિશા, પ્રયાગ, કાન્યકુબ્જ, ગઢ મુક્તેશ્વર, હસ્તિનાપુર, હરિદ્વાર, ઋષિકેશ, શિવપુરી, દેવ પ્રયાગ, શ્રીનગર, બદ્રીનાથ, રુદ્ર પ્રયાગ, કર્ણ પ્રયાગ, અલકનંદા - પિંડર સંગમ, જોષીમઠ, નંદ પ્રયાગ, જ્યોતિરધામ, માણાગાવ, અલકાપુરી સરોવર, દ્વારિકા પીપલ કોટિ, ગોપેશ્વર, ચમોલી ગઢવાલ, ગુપ્તકાશી, સોન પ્રયાગ, ફાટા, ગૌરી કુંડ, રામવાડા, કેદારનાથ, ગંગોત્રી, ઉત્તરકાશી, ટેહરી, હર્ષિલ, ભૈરવ ઘટી, ગોમુખ, કુરુક્ષેત્ર, મસૂરી, દેહરાદૂન, વૃંદાવન, મથુરા, અગ્રવન, બમરોલી, બટેશ્વર, અક્ષયવટ, માહિસ્મતી, ઉજ્જૈન, ૐકારેશ્વર, પંચવટી, પંઢરપુર, શ્રીશૈલ, ગોકર્ણ, હરિહર, મૂકાંબિકા, શ્રીબલી, શૃંગેરી, ગુરુવાયુર, તિરુવંતપૂરમ, થીરૂચેન્દુર, રામેશ્વર, ધનુષકોડી, મદુરાઇન શ્રીરંગમ્, મધ્યાર્જુન, કાંચી, સ્વામી મલાઈ, તિરુપતિ, કલિંગદેશ, પુષ્પગિરિ, રામચંદ્રપૂરાં, જગન્નાથપુરી, ગોવર્ધન મઠ, ઉજ્જૈન, મહાકાલ, પ્રભાષ ક્ષેત્ર, સોમનાથ, દ્વારિકા, બેટ-દ્વારિકા, તક્ષશિલા, પુષ્કર, કાશ્મીર, શ્રીનગર, શક્તિપીઠ કાંગડા, મનસા દેવી, કનખલ, હરિદ્વાર, નૈમિષારણ્ય, અયોધ્યા, પાટલીપુત્ર, બૌદ્ધગયા, નાલંદા, ગયા, ગૌડ પ્રદેશ, પ્રાગજ્યોતિષપુર, કામાખ્યા, કાઠમંડુ. અને અંતિમ સ્થાન કેદારનાથ...
કેવું હશે આ ભારત-દર્શન?


