ભારતે 26 નવેમ્બરે 11મો સંવિધાન દિન મનાવ્યો. સંવિધાન એ દેશનો સર્વોચ્ચ કાયદો છે. જેના હેઠળ કાયદો-વ્યવસ્થા સંબંધિત તમામ વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે. મોદી સરકારે વર્ષ 2015માં 26 નવેમ્બરને સંવિધાન દિવસનાં રૂપમાં મનાવવાનો પ્રારંભ કર્યો હતો. હિન્દી અને અંગ્રેજીમાં હાથ વડે લખાયેલા બંધારણની નકલ આજે પણ સુરક્ષિત સચવાયેલી છે.
આપણાં બંધારણમાં 10 દેશોની વ્યવસ્થા અને
101 સુધારા તથા સૌથી વધુ આર્ટિકલ
વિશ્વનો કોઇ પણ દેશ હોય બંધારણ હંમેશા સર્વોચ્ચ સ્થાને હોય છે. આ બંધારણ અંતર્ગત જ સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત બાબતોનું સંચાલન કરવામાં આવતું હોય છે. મોદી સરકારે ગત વર્ષ 2015થી 26 નવેમ્બરના દિવસને સંવિધાન દિવસનાં રૂપમાં મનાવવાનું શરૂ કર્યું હતું. આ જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે સમાજમાં સંવિધાન પર ચર્ચા જરૂરી છે. આથી સંવિધાન અંગે લોકોમાં જાગૃતિ વધશે.
ભારતીય સંવિધાન વિશે જાણવા જેવું
• ભારતના બંધારણને ઘડવામાં 2 વર્ષ 22 મહિના અને 18 દિવસ લાગ્યા હતા.
• સંવિધાનનો મુસદ્દો તૈયાર કરવા માટે 7635માંથી 2473 સુધારા પર ચર્ચા કરવામાં આવી હતી.
• આ સમયમાં સંવિધાન સભાનાં સભ્યોએ દેશનાં સર્વોચ્ચ કાયદાને આખરી ઓપ આપવા 166 બેઠકો કરી હતી.
• આટલા મોટા દેશનું બંધારણ હિન્દી અને અંગ્રેજીમાં હાથથી લખવામાં આવ્યું હતું. તેની મૂળ નકલ સંસદની લાયબ્રેરીમાં આજે પણ સચવાયેલી છે.
• આ લેખનકાર્ય પ્રેમબિહારી નારાયણ રાયજાદાએ કર્યું હતું.
• ભારતનું બંધારણ કોઈ પણ સાર્વભૌમ દેશનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
• સ્વતંત્ર ભારતનાં પહેલા કાયદા પ્રધાન બી.આર. આંબેડકરને બંધારણનાં મુખ્ય ઘડવૈયા ગણવામાં આવે છે.
• 67 વર્ષ પહેલાં 1949માં 26 નવેમ્બરનાં રોજ દેશનું બંધારણ રચાઈને તૈયાર થયું હતું.
• ત્યારથી આજ સુધીમાં બંધારણમાં 101 સુધારા કરવામાં આવ્યા છે.
• બંધારણ સભામાં પાસ થયા પછી તેની 26 જાન્યુઆરી, 1950થી અમલ કરવામાં આવ્યો હતો.
• બંધારણ અમલી બન્યા પહેલાં ભારતની શાસનવ્યવસ્થા અનેક અધિનિયમો હેઠળ ચાલતી હતી.
ભારતીય બંધારણઃ આંકડાઓમાં...
• 12 અનુસૂચિ • 465 આર્ટિકલ • 25 પાર્ટ
101 સુધારા (છેલ્લો સુધારો GST ખરડાવાળો)
જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં 22 પાર્ટ, 8 અનુસૂચિ અને 365 આર્ટિકલ્સ હતા. બંધારણ અમલી બન્યા પછી 1951થી તેમાં લગભગ 20 અનુચ્છેદ, એક પાર્ટ (સાતમો) હટાવવામાં આવ્યા હતા. જ્યારે 85 નવા અનુચ્છેદ, 4 પાર્ટ અને 4 અનુસૂચિ ઉમેરવામાં આવ્યા છે.
ભારતીય બંધારણઃ ક્યા દેશની કઇ જોગવાઇને સ્થાન
ભારતના સંવિધાનમાં કેટલાક દેશોના બંધારણ અને મહત્ત્વનાં કાયદાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ દેશોના બંધારણની ખાસ વાતો ઉપરાંત સુપ્રીમ કોર્ટનાં મોડેલની કેટલીક જોગવાઈઓને પણ સામેલ કરવામાં આવેલ છે.
આપણા બંધારણમાં આ દેશોનાં બંધારણની ઝલક પણ જોવા મળે છે.
• બ્રિટન એક નાગરિકતા અને સરકારનું સંસદીય સ્વરૂપ
• અમેરિકા સંઘીય વ્યવસ્થા અને મૌલિક અધિકાર
• ઓસ્ટ્રેલિયા દેશ અને રાજ્યો વચ્ચે વેપારની સ્વતંત્રતા
• ફ્રાન્સ સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ જેવા આદર્શ
• કેનેડા સરકારની અર્ધસંઘીય સિસ્ટમ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી
• જર્મની (વીમર સંવિધાન) આકસ્મિક જોગવાઈઓ
• દક્ષિણ આફ્રિકા સંવિધાનમાં સુધારાની જોગવાઈ
• જાપાન કાયદાની યોગ્ય પ્રક્રિયાનો સિદ્ધાંત (સુપ્રીમ કોર્ટનું મોડેલ)
ભારતીય બંધારણ તારીખોમાં
• સંવિધાન સભાનાં સભ્યો પહેલી વાર 9 ડિસેમ્બર, 1946માં મળ્યા હતા.
• 29 ઓગસ્ટ, 1947માં ડો. આંબેડકરનાં નેતૃત્વમાં સંવિધાનની ડ્રાફ્ટ કમિટી રચવામાં આવી હતી.
• 26 નવેમ્બર 1949નાં રોજ દેશનું સંવિધાન તૈયાર થઈ ગયું હતું. તે તારીખે જ સંવિધાન સભાએ આ મુસદ્દાનો સ્વીકાર કર્યો હતો.
• 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન સભાનાં 284 સભ્યોએ તેનાં પર હસ્તાક્ષર કર્યાં હતા અને તેને લાગુ કરવા મંજૂરી આપી હતી.
• 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું સંવિધાન અમલી બનાવવામાં આવ્યું હતું. દર વર્ષે આ તારીખે આપણે પ્રજાસત્તાક દિવસ મનાવીએ છીએ.


