ભારતમાતા રાષ્ટ્ર-ભાષિણી...

(ઘટના દર્પણ)

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Tuesday 08th September 2026 07:52 EDT
 
 

સ્વતંત્રતાના આટલાં વર્ષો પછી પણ રાષ્ટ્રની ભાષાની શોધ કરવી પડે તે દુર્ભાગ્ય કહેવાય કે નહિ? દરેક દેશની પોતાની એક સર્વપ્રિય અને સર્વસ્પર્શી ભાષા હોય છે તેને રાષ્ટ્રની ભાષાનો દરજ્જો આપવામાં આવે છે. પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લા દેશ)માં બંગાળી ભાષાને યોગ્ય દરજ્જો આપવામાંથી બાકાત રાખવામાં આવી ત્યારે યુવા પેઢીએ આંદોલન કર્યું, (આપણે ત્યાં હમણાં જંતરમંતર પર વંદા-બહાદુરોએ ગાલીપ્રદાન કર્યું તેવું નહિ. બંગાળી યુવકોની એ વિશેષતા છે કે તેઓ સત્તા સામેના સંઘર્ષમાં સ્વદેશીની ચળવળ કરે કે બોમ્બનો ઉપયોગ કરે, તે ઉગ્ર જરૂર હોય પણ અર્થહીન નથી રહ્યા.) બાંગ્લા દેશના એ ભાષા-પ્રેમના આંદોલને દુનિયા આખીને ‘સ્વભાષા-દિવસ’ની કાયમી ભેટ આપી.

આ સ્વભાષા સંવેદનાનું રાષ્ટ્રીય શક્તિ સાથેનું સંધાન છે. 1948માં જન્મેલા ઈઝરાયેલને માત્ર દેશ રહેવું નહોતું. હજારો વર્ષો સુધી દુનિયામાં રખડતા-રઝળતા રહેલા, દેશવિહોણા યહૂદીઓએ જેટલી યાતના સહન કરી હતી એટલી બીજી પ્રજાએ ભાગ્યે જ કરી હશે. પ્રસન્નિકા કોષના વિદ્વાન બંસીધર શુક્લે નોંધ્યું છે કે વિશ્વ સમાજને જ્ઞાન-વિજ્ઞાન તથા ઉત્તમ વ્યવહાર આપવા છતાં તેમના પર સતત અત્યાચાર થયા તે બે લોકજાતિ છે - હિન્દુ અને યહૂદી. હિબ્રૂ એટલે નદીના તટ પર વસેલી પ્રજા. (હિન્દુનું પણ એવું જ અસ્તિત્વ રહ્યું, જે સિંધુ નદીના કિનારે વસી હતી તે હિન્દુ.) પશ્ચિમની સૌથી પ્રાચીન ઈજીપ્તની સંસ્કૃતિની પણ પહેલા ભૂમધ્ય સાગરના પૂર્વ કિનારે યહૂદીઓ વસતા હતા. અબ્રાહમ, ઇસાક અને યાકુબ તેના પ્રથમ નેતાઓ. આજે યહૂદી દેશની પરિકલ્પના સાકાર કરનાર ફિલસૂફ નેતા બેન ગુરિયનના પગલે ચાલી રહેલા વર્તમાન નેતા નેતન્યાહુ. આ પ્રજાએ ઇસુ ખ્રિસ્ત કે ઇસ્લામનો સ્વીકાર કર્યો નહિ. ઈંગ્લેન્ડ, ઈટાલી, ફ્રાંસ, રશિયા, જર્મની... તમામ દેશોએ તેમને પોતાને ત્યાં રહેવા દીધા નહિ. મોટા હત્યાકાંડોનો તેઓ ભોગ બન્યા. પેલેસ્ટાઇન તેની મૂળ ભૂમિ હતી. અઢી હજાર વર્ષ સુધી તેનો પોતાનો કોઈ દેશ નહોતો, છતાં તેના પરિવારો જ્યાં હોય ત્યાં સવારે પ્રાર્થના કરતા, ’નેક્સ્ટ યર ઇન જેરુસલેમ...’ છેવટે 1948માં તેનો પોતાનો દેશ ઈઝરાયેલ બન્યો. જેરુસલેમ તેની રાજધાની છે. દુનિયાભરમાં વિસ્થાપિત યહૂદીઓ આવીને માતૃભૂમિને પામ્યા. 85 પ્રતિશત યહૂદીઓએ ‘મરી ગયેલી’ કહેવામાં આવેલી હિબ્રૂ ભાષાને પુન: સ્થાપિત કરી, આજે તેમની એ રાષ્ટ્ર ભાષા છે.
આ બધું યાદ કરવાનું નિમિત્ત અમદાવાદમાં મળી ગયું. બેન્ક ઓફ બરોડા રાષ્ટ્રીય સ્તરની ખ્યાત બેન્ક છે. આપણું ગૌરવ એ કહેવાય કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના નામ સાથે તે જોડાયેલી છે. ગાયકવાડે હિન્દી - ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે મોટું કામ કર્યું, તેવું જ મહત્ત્વનું પ્રદાન ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું ‘ભગવદગોમંડલ’ના નિર્માણનું. અમદાવાદમાં 31 ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી બેન્કના દેશવ્યાપી અધિકારીઓ એકત્રિત થયા હતા. શા માટે? જે કામ તેમની બેન્કના આદર્શ મહારાજાએ કર્યું હતું તે હિન્દીના ઉત્કર્ષનું સહચિંતન કરવા માટે. શિબિરનું નામ અપાયું હતુંઃ ‘રાજભાષા ઉત્કર્ષ - નેતૃત્વ ક્ષમતા વિકાસ કાર્યક્રમ’. ગુજરાત સહિત મેંગલુરુ, બેંગલુરુ, એનાર્કુલમ, હૈદરાબાદ, બરેલી, પટણા, જયપુર, ભુવનેશ્વર, નવી દિલ્હી, લખનઉ, વારાણસી, લુધિયાણા, ભોપાલ, જોધપુર, રાયપુર, ઉત્તર પૂર્વ, ચંડીગઢ, પૂણે, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ... આ બેન્કની પોતાની એપેક્ષ અકાદમી છે, અમદાવાદનાં ભવ્ય કાર્યાલયમાં બેન્કના સર્વોચ્ચ અધિકારીઓ રવીશ કુમાર, વી.સી. જૈન, ડો. પુનિતકુમાર મિશ્ર, સંજયકુમાર આર્ય, આર.કે. ચોપરા, નિવેદિતા ગાંગુલી, ડો. બેમબેમ દેવી, જાયફળ સિંહ, રિન્કાજ કંદવાલ, પ્રમોદ બર્મન, મનીષ કુમાર, વિવેક ચૌધરી, સર્વેશ કુમાર તિવારી, પ્રતિભા રોય, વગેરેએ માર્ગદર્શન કર્યું.

અતિથિ વિશેષ તરીકે મારે કેટલીક વાત કહેવાની હતી, હિન્દી વિશે. ‘હજુ સુધી આપણો દેશ કોઈ એક રાષ્ટ્રભાષાને ઘોષિત કરી શક્યો નથી, માત્ર ‘રાજભાષા’થી સંતોષ લેવો પડે છે, તેનું કારણ શું? ખરેખર તો 15 ઓગસ્ટ, 1947ના દિવસે જ ભારતની રાષ્ટ્રભાષા હિન્દી ઘોષિત કરી દેવી જોઈતી હતી. દલીલ એવી કરવામાં આવી કે દક્ષિણના રાજ્યો સંમત નહિ થાય. એવી માન્યતા તદ્દન ખોટી છે. હિન્દીનો વિરોધ દક્ષિણમાં છૂટાછવાયા રાજકીય સ્થાપિત હિતો જ કરે છે, સામાન્ય નાગરિક નહીં. વિશાળ દેશ છે એટલે વિવિધ ભાષાઓ તો હોવાની. ભારતમાં બોલતી ભાષાઓની સંખ્યા 780 છે, તેમાં બોલી પણ આવી જાય છે. જેમ કે કચ્છી પ્રજા પોતાની કચ્છી બોલીમાં વાત કરે છે. 122 મુખ્ય ભાષાઓ અને 1599 અન્ય એવો આપણો વૈભવ છે. 1898માં પહેલીવાર ‘ભાષાકીય સર્વે’ થયો, તે પછી 1928માં થયો. એક અંદાજ મુજબ સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી (57.11) છે, અંગ્રેજી તો માંડ 13 ટકા બોલાય છે. પણ 200 વર્ષની બ્રિટિશ ગુલામી અને અંગ્રેજીનું કેટલાક (કેટલાક જ) દેશોમાં પ્રચલન હોવાથી સ્વતંત્રતાનો રાષ્ટ્રીય અનુભવ હિન્દીને ના થયો, તે આજ સુધી ચાલુ છે. એ ઠીક છે કે દરેક ભાષાની પોતાની સમૃદ્ધિ હોય છે, પણ જ્યારે રાષ્ટ્રીય સ્વાભિમાનનો સવાલ આવે ત્યારે તેની રાષ્ટ્રભાષા, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત - ત્રણેનું વિશેષ મહત્ત્વ રહે છે.

એક રસપ્રદ પ્રસંગ છે. 1905માં લંડનમાં અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને અંગ્રેજ યુવકો એમ કહીને ચીડવતા કે તમારો રાષ્ટ્ર ધ્વજ ક્યો છે? તમારું રાષ્ટ્રગીત? ભારતીય વિદ્યાર્થીઓ એ કશું કહી શકતા નહિ. બધા ‘ઈન્ડિયા હાઉસ’માં રહેતા. ત્યાં બેઠકમાં શ્યામજી કૃષ્ણવર્માને યુવકોએ આ પ્રશ્ન પૂછ્યો. તે પછી સાવરકર, મેડમ કામા , બેરિસ્ટર રાણા વગેરેએ રાષ્ટ્ર ધ્વજ તૈયાર કર્યો અને સ્ટુટગાર્ટમાં મળેલી દુનિયાભરના દેશોની સમાજવાદી પરિષદમાં મેડમ કામાએ ગૌરવભેર ઘોષિત કર્યું કે શહીદોના રક્તથી ભીંજાયેલો આ અમારો રાષ્ટ્રધ્વજ છે! ભારતમાં પણ ભગિની નિવેદિતાએ રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો હતો, સમય જતાં ગાંધીજીના પ્રભાવ હેઠળ ધ્વજમાં રેંટિયો ચિતરવામાં આવ્યો. બંધારણ સભાને સાવરકર અને આંબેડકરે સૂચવ્યું કે રેંટિયાની જગ્યાએ ચક્ર હોવું જોઈએ. તેમના ચિત્તમાં સ્વાભિમાની સુદર્શન ચક્ર હતું, પણ તેને બદલે અશોક ચક્ર મૂકીને અહિંસાને સ્થાન આપવાનું નક્કી કર્યું. વાસ્તવમાં ઇતિહાસના તથ્યો મુજબ ચક્ર તો બૌદ્ધ ધર્મનું હતું, તેને પછીથી અશોકે સારનાથના સ્તૂપ પર અંકિત કર્યું હતું. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે સ્થાપેલી આઝાદ હિન્દ ફોજના રાષ્ટ્રીય ધ્વજમાં ધસી રહેલો દીપડો આલેખિત હતો, જે દુશ્મનોનો સામનો કરવા માટેનો વીરતાનો અંદાજ આપતો હતો.

ભારતમાં પહેલેથી હિંદીએ સ્વતંત્રતામાં મહત્ત્વનું સ્થાન સ્થાપિત કર્યું હતું. ગુજરાતે સ્વામી દયાનંદ સરસ્વતી આપ્યા જેમણે હિન્દીનો સબળ ઉપયોગ કર્યો. હિન્દુ-મુસ્લિમ એકતાના આગ્રહી ગાંધીજીએ હિન્દી અને ઉર્દુ મિશ્ર કરીને હિંદુસ્તાની ભાષાના ઉપયોગનો આગ્રહ કર્યો. તો સાવરકરે અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ વગેરેનું શુદ્ધ હિંદીકરણ કરતી શબ્દાવલી આપી. આજે જે પ્રચલિત શબ્દો છે તે નગરપાલિકા, મહાપૌર, હુતાત્મા, દૂરદર્શન, મધ્યાંતર, પુરસ્કાર, આચાર્ય, છાયાચિત્ર, મૂલ્ય, દિનાંક જેવા 1000 શબ્દો આજે પ્રચલિત છે તે સાવરકરને લીધે છે. વિજ્ઞાનની ભાષાનું હિંદીકરણ આચાર્ય ડો. રઘુવીર દ્વારા થયું. તુલસીદાસ, મહાદેવી વર્મા, નિરાલા, અજ્ઞેય, મૈથિલી શરણ ગુપ્ત, રામધારી સિંહ દિનકર વગેરે હિન્દીના શ્રેષ્ઠ સર્જકો. અટલ બિહારી વાજપેયી (જે સ્વયં હિન્દી કવિ હતા) યુનાઇટેડ નેશન્સની મહાસભામાં હિન્દીમાં વ્યાખ્યાન આપ્યું તે સર્વપ્રથમ ઘટના છે. નરેંદ્ર મોદી પણ તેમના પગલે ચાલે છે.

આમાંની થોડીક વાત દેશભરથી આવેલા અધિકારીઓની સાથે કરવાનો મોકો મળ્યો. આયોજકો શ્રી ચંદ્રવીર સિંહ અને શ્રી તિવારીના આગ્રહથી આ સંવાદ થયો. તો હિન્દીના પ્રચંડ સ્વરૂપની અનુભૂતિ પણ થઈ. આર્થિક વ્યવહારો સાથે સંકળાયેલી બેન્કો જેવી સંસ્થાઓ આવો પ્રયત્ન કરે તે મહત્ત્વનું છે. આપણાં ન્યાયાલયોમાં પણ આવી શિબિરો વકીલ-ન્યાયાધીશો માટે કેમ ના યોજાય?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter