ભારતીય બંધારણના રચયિતા બાબાસાહેબની ૧૨૫મી જન્મજયંતી

પર્વવિશેષ

Thursday 14th April 2016 06:44 EDT
 
 

ભારતીય બંધારણના રચયિતા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતીની આજે પ્રથમ વખત યુનાઇટેડ નેશન્સમાં ઉજવણી થઇ છે. આ ઘટના દેશની ૧૬ ટકા દલિત વસતીની સાથે સાથે સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો ભારતના એવા પસંદગીના નેતાઓમાં સમાવેશ થાય છે જેમનું યોગદાન દલિતો માટે મસીહા તરીકે યાદ કરવામાં આવે છે. બાબાસાહેબને સામાન્ય રીતે દેશમાં અનામતની શરૂઆત કરનાર તરીકે ઓળખવામાં આવે છે. હવે યુનાઇટેડ નેશન્સે તેમણે અસમાનતા વિરુદ્ધ છેડેલાં યુદ્ધને પોતાના લક્ષ્યોમાં સમાવેશ કર્યો છે. યુએનએ દુનિયામાંથી ૨૦૩૦ સુધીમાં ગરીબી, ભૂખમરો અને અસમાનતાને દૂર કરવાનું લાંબા ગાળાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

દર વર્ષે ૧૪ એપ્રિલના રોજ આંબેડકરની જયંતી ઊજવવામાં આવે છે, પરંતુ યુનાઇટેડ નેશન્સે તેમની જયંતી એક દિવસ પહેલાં એટલે કે ૧૩ એપ્રિલના રોજ ઊજવી છે. ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્ય પ્રદેશના મહૂમાં થયો હતો. તેમને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદાપ્રધાન હતા. એટલું જ નહીં તેઓ એક સારા અર્થશાસ્ત્રી પણ હતા, પરંતુ તેમની વધુ એક ઓળખાણ હતી દલિતોના સૌથી મોટા નેતાની. તેમણે આજીવન દલિતોના ઉત્થાન માટે સંઘર્ષ કર્યો.

બાબાસાહેબે ૧૯૫૬માં નાગપુરમાં હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. ડો. આંબેડકર સૌથી વધુ ભણેલા-ગણેલા અને જાણકાર નેતા તરીકે વિખ્યાત હતા. ઘણા મુદ્દાઓ પર મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ સાથે તેમના મતભેદો રહ્યા હતા. છેલ્લાં અમુક વર્ષોમાં તો તેમણે કોંગ્રેસ સાથે અંતર વધારી દીધું હતું. તેમનું નિધન ૧૯૫૬માં થયું હતું અને તેમને ૧૯૯૦માં મરણોપરાંત દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

યુએનમાં વર્ષગાંઠની ઉજવણી

યુએનમાં ભારતમાં સ્થાયી મિશન કલ્પના સરોજ ફાઉન્ડેશન અને ફાઉન્ડેશન ફોર હ્યુમન હોરાઈઝન આંબેડકરની જયંતીના એક દિવસ પહેલા ૧૩ એપ્રિલના રોજ યુનાઇટેડ નેશન્સના વડા મથકમાં તેમની ૧૨૫મી જન્મજયંતી ઊજવી છે. તેનો હેતુ સતત વિકાસને લક્ષ્ય મેળવવા માટે અસમાનતાઓ વિરુદ્ધ લડાઈ માટે વાતાવરણ તૈયાર કરવાનો છે. હકીકતમાં બાબાસાહેબે જે રીતે સમાજની સ્થાપના કરી હતી આજે યુએન પણ ગરીબી, ભૂખમરા અને સામાજિક-આર્થિક અસમાનતાની નાબૂદી માટે તેમના લક્ષ્યોને આગળ ધપાવી રહ્યું છે.

દેશમાં સૌથી પહેલાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ મોટા પાયે આંબેડકર જયંતી ઊજવવાની શરૂઆત કરી હતી, પરંતુ સમયની સાથે બદલાતાં રાજકીય પરિમાણોએ તમામ પક્ષના વલણો આંબેડકરના રસ્તે દલિતોતરફી વધી ગયાં. પછી તો ભાજપ-કોંગ્રેસ સહિત તમામ જોડાઈ ગયાં. આજકાલ સમગ્ર દેશમાં બાબાસાહેબ આંબેડકરની જયંતિ વિવિધ સ્થળોએ ધામધૂમથી ઊજવવામાં આવે છે અને તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે.

ભારતમાં દલિતોની વસતી

ભારતમાં કુલ વસતીના લગભગ ૧૬ ટકા દલિતો છે. ચૂંટણી સમયે ઘણા સ્થળોએ હાર-જીતનો નિર્ણય દલિત વોટ બેંક પર નિર્ભર રહે છે. પંજાબથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર, મહારાષ્ટ્રથી લઈને પશ્ચિમ બંગાળ સુધી મોટી સંખ્યામાં વસતી ડો. આંબેડકરને માને છે.

ડો. આંબેડકરનું જીવન

સતારામાં શરૂઆતનો અભ્યાસ. ૧૯૦૭માં મેટ્રિક પૂર્ણ કર્યું. આ દરમિયાન તેમના એક શિક્ષકે આંબેડકર નામ આપ્યું જે બાદમાં તેમની અટક બની ગયું. ૧૯૦૭માં સત્તર વર્ષની ઉંમરે લગ્ન કર્યાં. ૧૯૧૨માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. ૧૯૧૫માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. પાસ કર્યું અને ૧૯૨૪માં પીએચ.ડી.ની પદવી મેળવી. તેમણે ડોક્ટર ઓફ સાયન્સ, બાર-એટ-લો જેવી પદવીઓ પ્રાપ્ત કરી.

- ૧૯૨૭માં સમતા સમાજ સંઘની સ્થાપના કરી.

- ૧૯૨૯માં મુંબઈ વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકન.

- ૧૯૩૬માં ઈંડિપેન્ડન્ટ લેબર પાર્ટીની રચના કરી.

- ૧૯૪૨માં ગર્વનર જનરલ કાઉન્સિલમાં સભ્ય તરીકે ચૂંટાયા.

- ૧૯૪૪માં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી બનાવી (શોષિતોના શિક્ષણ માટે).

- ૨૯ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સંવિધાનની નિર્માણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બન્યા.

- ૧૯૪૯માં તેમને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બનાવવામાં આવ્યા.

- ૧૯૫૦માં તેઓ શ્રીલંકાના બૌદ્ધ સંમેલનમાં ભાગ લેવા માટે ગયા.

- ૧૯૫૧માં કાયદાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું.

- ડો. આંબેડકર વર્ષ ૧૯૫૨ની સામાન્ય ચૂંટણીઓમાં હારી ગયા.

- ૧૯૫૨થી ૧૯૫૬ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter