1950થી લઇને આજસુધી અને તે પહેલાંની બ્રિટિશ પડછાયા જેવી ‘સ્ટેટ એસેમ્બલી’ઓની ઉઠાપટક સામાન્ય નહોતી. પંજાબ, આસામ, મધ્ય પ્રાંત, બલૂચિસ્તાન અને સિંધમાં ભારત-વિભાજન પહેલાં જ શતરંજના મહોરાં ગોઠવાઈ ચૂક્યા હતાં, તેનું એક કારણ ભારતના ભાગલાનું હતું. જો તેમ થાય તો કોની સરકારો અને પાકિસ્તાન-હિન્દુસ્તાન બનશે તે સવાલ ચારેતરફ હતો. લાઇન સિસ્ટમ મુજબ એ, બી, સી વર્ગીકરણમાં મેલો ઇરાદો હતો કે પંજાબ, પૂરું આસામ અને બંગાળ પાકિસ્તાનમાં જાય. એક આંશિક બાકાત સમિતિ રચવામાં આવી.
તત્કાલીન આસામ પ્રદેશ સરકારના મુખ્યમંત્રી ગોપીનાથ બાર્ડોલોઇને લાગ્યું કે જાગીશું નહિ તો આસામ સહિત પૂર્વોત્તર પાકિસ્તાનમાં જોડી દેવામાં આવશે. બ્રિટિશ મહેરબાનીથી અહીં મુસ્લિમ લીગની, બીજા કેટલાક નાના પક્ષોને સાથે લઈને સરકાર બની, તેનાં મુખ્યમંત્રી સર સાદુલ્લા હતાં. બહારથી આવે તેવા મુસ્લિમોને માટે જમીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો તેનાથી સર્વત્ર મુસ્લિમોને માટે સાદુલ્લા લોકપ્રિય થઈ પડ્યો. ‘ઉપર અલ્લા, નીચે સાદુલ્લા’ કહેવાતું થયું. ચિંતિત બાર્ડોલોઇ અને બીજા નેતાઓએ ગાંધીજી, જવાહરલાલ, સુભાષચંદ્ર બોઝ, સરદારનો સંપર્ક કર્યો.
સુભાષ જાતે આસામ આવ્યા અને બાર્ડોલોઇ પાસે સંખ્યા હતી એટલે સરકાર રચવાનું સૂચન કર્યું. તેવું થયું અને 1938માં સાદુલ્લા સરકાર રહી નહીં, તો મૌલાના ભાષણથી અને બીજાઓએ કટ્ટરતા ફેલાવવી શરૂ કરી. બ્રિટનને એક કરોડનું ‘વોર ફંડ’ અપાવીને લીગે વળી પાછી પોતાની સરકાર બનાવી. 1946માં કેબિનેટ મિશનની મુલાકાત દરમિયાન ભાવિ પૂર્વ પાકિસ્તાનમાં આસામને જોડવાની માગણી થઈ. આ ભાગલાનું રાજકારણ હતું. કાશ્મીર, પંજાબમાં પણ એવું બન્યું. ગુજરાતમાં ભલે સૌરાષ્ટ્ર સરકાર બની પણ જૂનાગઢે પાકિસ્તાનમાં જોડાવાની પેરવી કરી હતી.
સ્વતંત્રતા પછી પ્રાદેશિક સરકારો બદલાતી રહી. કોંગ્રેસમાંથી છૂટા પડેલા કોંગ્રેસ નેતાઓએ સરકારો બનાવી. તમિલનાડુમાં ડીએમકે અને એઆઈડીએમકે વચ્ચેનો ગજગ્રાહ ક્યારેક એક પક્ષને તો ક્યારેક બીજાને સિંહાસન અપાવે છે. કોંગ્રેસમાંથી છૂટા પડીને તેલુગુ દેસમ્ પક્ષ રચાયો અને સામાન્ય અભિનેતા એન.ટી. રામારાવે કોંગ્રેસને આંધ્રમાં પરાસ્ત કરી દીધી હતી. 1967માં રાજ્ય સરકારોની અસ્થિરતા વધી ગઈ. કાશ્મીરમાં તેની સાથે અલગાવ અને ભ્રષ્ટાચાર જોડાઈ ગયા. આસામમાં અનવર તૈમુર, પછી આસામ ગણ પરિષદ, વળી પાછી કોંગ્રેસ, અને અત્યારે ભાજપ એવી ઉથલપાથલ થઈ છે. કેરળમાં પણ બે મોરચા છે તેમાંથી ડાબેરી મોરચો સત્તાવિહોણો થઈ ગયો છે. પંજાબમાં કોંગ્રેસ ચાલી નહિ. ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ, મેઘાલય અને મિઝોરમનું રાજકારણ તદ્દન સ્થિર હોય તેવું બન્યું નથી, સામા છેડે મહારાષ્ટ્રમાં તો કેટલા પક્ષોની સરકારો આવી અને ગઈ?
...પણ, હાલ બંગાળમાં જે રાજકીય પરિવર્તન આવ્યું તે થોડું અલગ અને થોડું વિચિત્ર છે. કોંગ્રેસમાંથી જ અલગ પડેલા તૃણમૂલ પક્ષે એકસાથે ડાબેરી મોરચો અને કોંગ્રેસ બંનેને પડકાર આપીને બહુમતી મેળવી અને સરકાર બનાવી. આ એક નવો રાજકીય વળાંક હતો. પણ બન્યું એવું કે તૃણમૂલ સરકારની અંદર અને આસપાસ એવાં તત્વો ગોઠવાઈ ગયા કે તેમણે બેફામ ભ્રષ્ટતા એટલી હદે ફેલાવી કે નાના-મોટા કોઈ પણ કામ માટે વચેટિયા ગોઠવાઈ ગયા. ગરીબ અને મધ્યમ વર્ગની યોજનાઓમાં તૃણમૂલના ધારાસભ્યો અને મંત્રીઓ તેમજ સંગઠનના નેતા- કાર્યકર્તાઓ ‘લાભાર્થી’ બની ગયા. અત્યારે જે ‘કટ મની’ ઉહાપોહ શરૂ થયો છે તે આ અનૈતિક આર્થિકતાનું પરિણામ છે.
તૃણમૂલ કોંગ્રેસ આટલી હદે કારમો પરાજય મેળવશે તેવી કોઈને કલ્પના નહોતી, માત્ર સ્થાનિક બંગાળી મતદાર તે નક્કી કરીને બેઠો હતો. બરાબર 1977ની રાષ્ટ્રીય ચૂંટણી સમયે પણ આવું બન્યું હતું. ઈન્દિરાજીને તેમની આસપાસના ખુશામતખોરો અને સમર્થકો ઉપરાંત દેશની જાસૂસી સંસ્થા ‘રો’ (રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ)ના વડા પી.એન. કાઓએ ખાનગીમાં જણાવી દીધું હતું કે ચુંટણી જાહેર કરી તો જીત કોંગ્રેસની જ છે. જે.પી.નો પક્ષ નેસ્તનાબૂદ થઈ જશે. શ્રીમતી ગાંધીએ તેમ કર્યું. વિરોધ પક્ષની સભાઓમાં લોકો તો આવતા હતાં, પણ મન કળવા દેતાં નહોતા.
તૃણમૂલમાં તો કેવા હાકલા પડકારા હતા! ચૂંટણી જીતી ગયા પછી રાષ્ટ્રીયસ્તરે મમતા બેનરજી અડીખમ સર્વોચ્ચ નેતા તરીકે ગઠબંધનમાં વિરાજિત થાય અને આગામી રાષ્ટ્રીય ચુંટણી તેમના નેતૃત્વમાં લડવામાં આવે તેવી તૈયારી થઈ ગઈ હતી. કોંગ્રેસમાં રાહુલ પરિવારને તે ગમતું નહોતું પણ ખામોશ રહ્યા. આમેય બંગાળમાં તો તેનો ગજ વાગવાનો નહોતો. એક જમાનામાં જેનો રાજકીય દબદબો હતો, તે ડાબેરી મોરચો પણ પોતાની તરફેણમાં કશું થાય તેવી આશા રાખતો નહોતો. આમ સ્પર્ધા માત્ર ભાજપ અને તૃણમૂલ વચ્ચે જ હતી એટલે હિંસાખોરી શરૂ થઈ. આટલાં વર્ષ સત્તા પરના પક્ષે આવું જ કામ કર્યું, અસામાજિકોને પ્રોત્સાહન આપ્યું. ગેરકાયદે રહેનારાઓને સુરક્ષાની છત્રી ધરી, કોઈને અહીંથી ધકેલી દેવામાં નહિ આવે તેવા જાહેર નિવેદનો થયા. અસામાજિકો બળાત્કાર, જોરજુલમ અને ખંડણીના કામમાં બેફામ થયા.
એટલું સ્વીકારવું જોઈએ કે મમતા બેનરજી પોતે આવા કૌભાંડોમાં ક્યાંય નહોતા. એક સાદગીભર્યું જીવન રાજકારણને સમર્પિત કર્યું હતું, પણ બીજા અવગુણો ઉમેરાતા રહ્યા, ભત્રીજાને આગળ ધર્યો. જિદ્દીપણુ વધતું રહ્યું, જાણે પોતે જ બંગાળમાં સદા સર્વદા સામ્રાજ્ય ભોગવવાના હોય તેવી માનસિક્તામાં ઉમેરો થતો ગયો. તેની મહત્વાકાંક્ષા ‘દૂસરી ઇન્દિરા’ થવાની હોય તે સ્વાભાવિક છે, આવી ખતરનાક હાર પછી પણ કહે તો છે કે હું દિલ્લીમાં ભાજપ હારે નહિ ત્યાં સુધી જીવવાની છું.
બર્ટ્રાન્ડ રસેલનું એક પુસ્તક છેઃ The Power. આ સત્તાનો નશો વ્યસન કરતાં પણ ખતરનાક હોય છે. એકવાર સત્તા પર આવ્યા પછી ત્યાંથી નીકળવાનું મન થતું નથી અને પોતે જ સત્તા પર ચાલુ રહે તે માટેના પ્રપંચો ચાલુ રાખે છે. ઔરંગઝેબે પોતાના સગાભાઈ દારા શિકોહને મારી નંખાવ્યો હતોને? આધુનિક રાજકીય મુઘલો એવું જ કરે છે, ભલે તેનાં હથિયાર અને માધ્યમ અલગ હોય. નેપાળમાં તો આખા રાજકુટુંબને મારી નાંખ્યાનું ઉદાહરણ હમણાંનું છે. કાવતરા, પ્રપંચ, બળવો, સમર્થન અને વિરોધનું ચક્કર ચાલ્યા જ કરે તે કઈ સર્વોચ્ચ જ નહિ, નીચલા સ્તર સુધી ચાલુ રહે છે, તેમાં કેટલાક જ રાજકારણને બદલે રાજનીતિને કેન્દ્રમાં રાખે તેવા અપવાદ મળી આવશે.
મમતાની બીજી કરુણાંતિકા એ રહી કે હારવાની સાથે જ આખો પક્ષ પત્તાંની જેમ વિખરાઈ ગયો. આનો અર્થ તો એ થયો કે પક્ષ પ્રત્યે, નૈતિક વલણ સાથે રહેનારા કાર્યકર્તાઓનું નિર્માણ જ ના કરાયું. સાવધાન થવા જેવી આ હકીકત છે કે બીજા પક્ષોમાં પણ આવી હાલત વધી રહી છે. પ્રતિબદ્ધતા જરૂર છે પણ, તે સત્તા માટેની. નીતિ, સિદ્ધાંત, પ્રજાકીય કામો... આ બધું માર્યું ફરે. કાલ કોણે દીઠી છે? એક ગણતરી પ્રમાણે સત્તા ભોગવી ચૂકેલા નિવૃત્ત રાજનેતાઓ તેમજ વહીવટી ઓફિસરોની હાલની સંપત્તિની આકારણી કરવામાં આવે તો દેશના અર્થતંત્રને મજબૂત અને સમૃદ્ધ બનાવે એટલી અઢળક સંપત્તિ - રાજકારણના માધ્યમથી- ભેગી કરી લીધી છે.
મમતાની અત્યારની હાલત પક્ષ - વિનાની બહાદુરી જેવી છે. અગાઉ 1977ની ચુંટણી પછી ઈન્દિરાજીની હાલત પણ એવી જ થઈ હતી. ઇન્દિરા ઈઝ ઈન્ડિયા કહેનાર તેનાં પક્ષપ્રમુખ દેવકાન્ત બરુઆએ પરિણામો પછી પોતાનો પક્ષ બનાવ્યો હતો. ઈન્દિરાજીનું નસીબ કે જનતા પક્ષના એકમોમાં કેટલાંકનું લક્ષ્ય પ્રાપ્તિ જ હતી. ચરણસિંહ, રાજ નારાયણ, આઇ.કે. ગુજરાલ, યશવંતરાવ વગેરેને હેરાન ના કર્યા હોત કે આમાંના કેટલાકને જેલોમાં પૂર્યા ના હોત તો પ્રજાના નાયક બનવાનું શક્ય નહોતું. પ્રધાનમંત્રીની સ્પર્ધા અને વજૂદ વિનાના વિવાદોએ જનતા પક્ષને જલ્દીથી વેરવિખેર કરી નાખ્યો. આજે તેનાં નામનું પાટિયું પણ અસ્તિત્વમાં નથી. કોંગ્રેસ એવા જ રસ્તા પર છે. ડાબેરી મોરચો પણ ભૂતકાળ થઈ ગયો. મમતા બેનરજી પાસે તેમનો પક્ષ બચી જાય તેવી સંભાવના નથી. જેમ 1969માં કોંગ્રેસના બે ભાગલા પડ્યા, તેવું તૃણમૂલનું થશે.


