ભારતીય શાસકોની આર્થિક અને કૂટનીતિની અગ્નિપરીક્ષા

Friday 05th September 2025 05:58 EDT
 
 

ભારતની કૂટનીતિની સાથે સાથે આર્થિક નીતિ પણ જટિલ પરીક્ષામાંથી પસાર થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાતો પર 50 ટકા ટેરિફ લદાયા બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. આ ટેરિફના કારણે ભારતના સંખ્યાબંધ સેક્ટરની નિકાસો પ્રભાવિત થવાની છે, લાખો નોકરીઓ પર જોખમ તોળાઇ રહ્યું છે ત્યારે ભારતે હવે ચીન તરફ નજર દોડાવી છે. મહત્વનો સવાલ એ છે કે ભારતનું અમેરિકા સામેનું મક્કમ વલણ અને ચીન તરફનો ઝૂકાવ લાભદાયી નીવડશે કે કેમ... ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધી રહ્યો છે પરંતુ બંને દેશ વચ્ચેની વેપાર ખાધ અત્યંત ચિંતાજનક છે. ભારત અને ચીન વચ્ચેના વેપારમાં બેઇજિંગનું પલડું જ ભારે છે.
2024-25ના નાણાકીય વર્ષમાં ભારતની ચીન ખાતેની નિકાસ 14.25 બિલિયન ડોલર હતી જેની સામે આયાત 113.5 બિલિયન ડોલર રહી હતી. વર્ષ 2003-04માં બંને દેશ વચ્ચેની વેપાર ખાધ ફક્ત 1.1 બિલિયન ડોલર હતી જે 2024-25માં વધીને 99.2 બિલિયન ડોલર પર પહોંચી ગઇ હતી. ભારતની કુલ વેપાર ખાધમાં ચીની વેપાર ખાધનો હિસ્સો 35 ટકા છે. આ આંકડા દર્શાવે છે કે ભારત ચીની આયાતો પર કેટલી હદે નિર્ભર બની ચૂક્યો છે. ભારતના ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કન્સ્ટ્રક્શન મટિરિયલ, રિન્યુએબલ એનર્જીથી માંડીને કન્ઝ્યુમર ગૂડ્સ સેક્ટરો પર ચીની આયાતો સંપુર્ણપણે સકંજો જમાવી ચૂકી છે. એકરીતે કહીએ તો ભારતીય ઉદ્યોગજગત 75 ટકા ચીની આયાતો પર નભી રહ્યું છે. ભારતની ચીન સાથેની વેપાર ખાધ અત્યંત ભયાનક ઉપરાંત માળખાકીય પણ છે જે સ્થિતિને વધુ ગંભીર બનાવે છે.
અમેરિકા દ્વારા ભારતીય આયાતો પર 50 ટકાના ટેરિફ બાદ ચીની આયાતો માટે ભારતના દ્વાર ખોલી દેવા કેટલાં અંશે યોગ્ય ગણી શકાય. ચીની આયાતો વધવાની સાથે બેઇજિંગને નવી દિલ્હી પર વધુ દબાણ સર્જવાની તકો મળી જશે. બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાશે ત્યારે સપ્લાય ચેઇન દબાણ માટે એક કારગર સાધન બની રહેશે. ભારતથી ચીનમાં થતી નિકાસનું સંતુલન સતત જોખમાઇ રહ્યું છે. બે દાયકા પહેલાં ચીન સાથેના દ્વિપક્ષીય વેપારમાં ભારતનો હિસ્સો 42.3 ટકા હતો જે આજે ઘટીને ફક્ત 11.2 ટકા રહી ગયો છે. આજે એવી સ્થિતિ છે કે ભારતીય ઉદ્યોગોને ધમધમતા રાખવા માટે ચીની કાચા માલ પર જ નિર્ભર રહેવું પડે છે.
એ વાત ન ભૂલવી જોઇએ કે વૈશ્વિક કૂટનીતિમાં ભારતને કદ પ્રમાણે વેતરી નાખવામાં ચીન જરાપણ પાછી પાની કરતો નથી. તાજેતરમાં ઓપરેશન સિંદૂરના સમયે ચીને ભારતના પરંપરાગત દુશ્મન પાકિસ્તાનને સહાય કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. ચીન સાથેના સરહદી પ્રશ્નો પણ યથાવત છે. આજે પણ ભારતની હજારો કિલોમીટર જમીન ચીનના કબજામાં છે. સૌથી મહત્વની વાત એ છે કે ચીન તેની વિસ્તારવાદી નીતિઓ માટે કુખ્યાત છે. તે ગમે ત્યારે પીઠમાં ખંજર ભોંકી શકે છે. ભૂતકાળ તેનો સાક્ષી રહ્યો છે. આવી સ્થિતિમાં આયાતો માટે એકલા ચીન પર નિર્ભર રહેવું કેટલી હદે યોગ્ય ગણી શકાય.
મહત્વની વાત તો એ છે કે વધુ પડતી આયાત નિર્ભરતા દેશના વિદેશી હુંડિયામણ પર ગંભીર અસર કરે છે. કોઇપણ દેશ માટે વિદેશી હુંડિયામણ અને સોનાનો જથ્થો તેની આર્થિક શક્તિનો પુરાવો છે. ભારત સાથેના વેપારના કારણે ચીની વિદેશી હુંડિયામણની તિજોરી છલોછલ થઇ રહી છે જ્યારે ભારત મહામૂલું વિદેશી હુંડિયામણ ગુમાવી રહ્યો છે.
બીજી ગંભીર ચર્ચા માગી લેતો વિષય અમેરિકા સાથેનો ભારતનો વેપાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં સત્તામાં આવતાની સાથે વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવાનું શરૂ કર્યું ત્યારે મોટાભાગના દેશોએ પોતાની નિકાસો પર અસર ન પડે તે માટે અમેરિકા સાથે દ્વિપક્ષીય સંધિઓ કરી લીધી. મસમોટા ટેરિફ કરતાં નજીવા ટેરિફ સાથે વેપાર કરી લેવામાં તેમણે શાણપણ સમજ્યું પરંતુ ભારતના શાસકોએ અમેરિકા સાથે શિંગડા ભેરવીને પોતાની નિકાસોને જોખમમાં મૂકી દીધી છે. ચીનની સરખામણીમાં ભારત અમેરિકા સાથેના દ્વિપક્ષીય વેપારમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરે 2024માં અમેરિકા સાથે 212.3 બિલિયન ડોલરનો વેપાર કર્યો હતો જેની સામે અમેરિકી વેપાર 128.9 બિલિયન ડોલર રહ્યો હતો. ભારતે 2024માં 87.3 બિલિયન ડોલરની નિકાસ અમેરિકા ખાતે કરી હતી જેની સામે અમેરિકાની ભારત ખાતેની નિકાસ 41.5 બિલિયન ડોલર રહી હતી. આમ વેપાર ખાધ જોઇએ તો 45.8 બિલિયન રહી હતી. તેનો અર્થ એ થયો કે અમેરિકા સાથેના વેપારના કારણે ભારતીય વિદેશી હુંડિયામણની તિજોરીમાં 45.8 બિલિયન ડોલરની આવક થઇ હતી.
ભારતે અક્કડ વલણ અપનાવતાં અમેરિકા સાથેનો વેપાર કરાર ઘોંચમાં પડ્યો છે ત્યારે ભારતીય નિકાસોને પણ મોટો ફટકો પડવા જઇ રહ્યો છે. હજુ ટ્રમ્પે ભારત સાથેના અમેરિકી સર્વિસ ટ્રેડ પર કોઇ ટેરિફ લગાવ્યો નથી. 2024માં ભારત અને અમેરિકા વચ્ચેનો સર્વિસ ટ્રેડ 83.4 બિલિયન ડોલર જ્યારે અમેરિકાની સર્વિસ નિકાસો 41.8 બિલિયન ડોલર રહી હતી. જો ટ્રમ્પ આ સર્વિસ ટ્રેડ પર પણ ટેરિફનું પગલું લેશે તો ભારતીય સર્વિસ સેક્ટરને મોટો ફટકો પડી શકે છે.
આ આંકડા જોતાં ભારતે કોની સાથે વેપાર સંબંધો મજબૂત કરવા તે વિચાર માગી લેતો પ્રશ્ન છે. એકતરફ અમેરિકા છે તો બીજી તરફ ચીન છે. અમેરિકા ભારત પછીની બીજી સૌથી મોટી લોકશાહી છે જ્યારે ચીન એક સરમુખત્યારી શાસન છે. ફક્ત અમેરિકાને પાઠ ભણાવવા ચીનના ખોળામાં જઇને બેસવું કેટલા અંશે યોગ્ય ગણી શકાય. આપણાં મોટેરાં કહી ગયાં છે કે જ્યારે તમારો હાથ પથ્થર નીચે દબાયેલો હોય ત્યારે તેને હળવેથી કાઢવામાં જ શાણપણ છે. ઉધામા કરવાથી આપણો જ હાથ ઘવાય છે. ભારતે પણ વિશ્વના અન્ય દેશોએ જે રીતે ટ્રમ્પની ટેરિફ નીતિ સામે શાણપણ દાખવ્યું તે રીતે કૂટનીતિક વલણ અપનાવવાની જરૂર હતી પરંતુ હવે એમ લાગી રહ્યું છે કે ભારત ગાડી ચૂકી ગયો છે. ગુજરાતીમાં કહેવત છે ને કે બે આખલાની લડાઇમાં દિવાલનો ખો નીકળે. કદાચને ભારત પણ આજે એજ સ્થિતિમાં પહોંચ્યો છે. અમેરિકા, રશિયા અને ચીન વૈશ્વિક પ્રભુત્વ માટે ધમપછાડા કરી રહ્યાં છે ત્યારે એવું લાગી રહ્યું છે કે નહેરૂની બિનજોડાણવાદી નીતિ કારગર રસ્તો છે. ભારતીય શાસકોની કૂટનીતિ અને આર્થિક નીતિની આ અગ્નિપરીક્ષા છે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter