ભારતીય સંસ્કૃતિની જનની: ગાયત્રી

ગાયત્રી જયંતી (જેઠ સુદ - દસમ)

Wednesday 01st June 2022 08:55 EDT
 
 

મહાભારતના અનુપર્વ અધ્યાય 15ના શ્લોક 78માં કહેવામાં આવ્યું છે કે ‘હે યુધિષ્ઠિર, સંપૂર્ણ ચંદ્રવંશી, સૂર્યવંશી, રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈને પરમગતિને આપનાર ગાયત્રી મંત્રનો જપ કરે છે.’

આ જ પ્રકારે ‘બૃહદ સંધ્યાભાષ્ય’માં જણાવાયું છે કે, ‘અઢાર પ્રકારની વિદ્યાઓમાં મીમાંસા શાસ્ત્ર શ્રેષ્ઠ છે, મીમાંસા કરતાં તર્કશાસ્ત્ર, તર્કશાસ્ત્ર કરતાં પુરાણ, પુરાણ કરતાં ગાયત્રી શ્રેષ્ઠ છે.’ મનુસ્મૃતિ પણ કહે છેઃ આ લોક કે સ્વર્ગાદિ લોકમાં પણ ગાયત્રી સમાન પવિત્રમાં પવિત્ર કરનારું અન્ય કોઈ તત્વ કે શક્તિ નથી. આ બધા ઉપરથી ગાયત્રીનું સર્વશ્રેષ્ઠત્વ પ્રતિપાદિત થાય છે.
ગાયત્રી મંત્ર એ સદ્બુદ્ધિની પ્રાપ્તિ અર્થે સૂર્યની ઉપાસનાનો મંત્ર છે. કોઈ દેવ પ્રત્યક્ષ દર્શન આપતા નથી જ્યારે જગતનો આત્મા સૂર્ય એ ધરતીનો જીવતોજાગતો પ્રત્યક્ષ દેવ છે! આથી જ તો આર્યો ભારતમાં આવ્યા ત્યારથી અગ્નિ અને સૂર્યની પૂજાને પ્રથમ પ્રાધાન્ય મળ્યું.
વિશ્વમાં અમેરિકા, બ્રિટન, જાપાન, ચીન, આફ્રિકા, રશિયા, પાકિસ્તાન વગેરે દેશો જુદા જુદા છે, પરંતુ સૂર્ય જુદા નથી. સૂર્ય તો બધાનો એક જ છે. આથી જ ગાયત્રીની, સૂર્યની સાધના કરવાનો સર્વે જીવાત્માને અધિકાર પ્રાપ્ત થાય છે.
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્ ।।
આ ગાયત્રી મંત્રના ત્રણ ચરણ છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં - પ્રથમ ચરણ, ભર્ગો દેવસ્ય ધીમહિ - બીજું ચરણ, ધિયો યોન: પ્રચોદયાત્ - ત્રીજું ચરણ. આથી ગાયત્રીનું બીજું નામ ‘ત્રિપદા’ પણ છે.
સદ્બુદ્ધિ એ સાધનાની સીડીનું પ્રાથમિક સોપાન છે, સાધકની પૂર્વ શરત છે. સદ્બુદ્ધિના અભાવે રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા તથા શિવપુરાણ જેવા પવિત્ર શાસ્ત્રોના આદર્શને સમજી શકવા કઠીન બને છે. આ કારણે જ ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ મહાદેવ સદ્બુદ્ધિની દાતા એવી ગાયત્રીના પ્રતીક તરીકે જનોઈને પોતાના શરીર પર ધારણ કરી પોતપોતાનો આદર્શ રજૂ કરે છે. બ્રાહ્મણો, ક્ષત્રિયો, સાધુ, સંતો, મહંતો વગેરે પણ યજ્ઞોપવિત (જનોઈ)ને અનિવાર્યપણે અપનાવે છે. દુર્બુદ્ધિ થકી કૌરવો જીવનપર્યંત સદ્કર્મ ન કરી શક્યા તો સામા પક્ષે સદ્બુદ્ધિના કારણે પાંડવોએ અસદ્કર્મ ન કર્યું. આ સદ્બુદ્ધિ અને દુર્બુદ્ધિનો પ્રભાવ!
ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીમાં - ‘ગાયત્રી છંદ સા મહમ્ - ‘છંદોમાં હું ગાયત્રી છું’ એમ કહીને ગાયત્રીની મહત્તા પ્રસ્થાપિત કરી છે. પ્રાચીન કાળમાં સાંદિપની, વશિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ જેવા ઋષિઓનાં આશ્રમમાં છાત્રોને વેદ, ગાયત્રી, યજ્ઞ અને ત્રિકાળ સંધ્યાનું જ્ઞાાન અપાતું હોવાના અનેક ઉલ્લેખો રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભાગવત જેવાં ધાર્મિક ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે.
ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે જે ચારેચાર વેદ ઉપરાંત ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, શ્રોતસૂત્ર અને કુર્મપુરાણમાં પણ જોવા મળે છે. આથી આ મંત્ર ‘વેદમાતા’ તરીકે સુપ્રસિદ્ધ છે. આપણા મિસાઈલમેન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને આ પ્રાચીન મંત્રોની શક્તિમાં અખૂટ વિશ્વાસ હતો! એમની ભગવદ્ ગીતા પરની પ્રીતિ કે ગાયત્રી મંત્ર પરનો દઢ વિશ્વાસ એ છુપાવતા નહોતા. અને આજીવન એવા જ રહ્યા.

24 અક્ષરનો મહામંત્ર
ગાયત્રી મંત્રમાં આવતા ભૂ ર્ભુવઃ સ્વઃ એ ત્રણ લોક - સ્વર્ગ, ધરતી અને પાતાળનો નિર્દેશ કરતી વ્યાહૂતિ છે. ગાયત્રી મંત્ર શરૂ થાય છે તત્સવિતુ...થી અને વિરામ પામે છે પ્રચોદયાત્ પાસે ‘ત્’ સાથે. 9 શબ્દો અને 24 અક્ષરોનો બનેલો આ મહામંત્ર છે, એટલે જ તો ‘ગાયત્રી ચાલીસા’માં યોગ્ય કહેવાયુંઃ ‘મહામંત્ર જીતને જગ માહિ, કોઉ ગાયત્રી સમ નહિ.’
ભારતીય સંસ્કૃતિમાં 24 ઋષિઓ થયા. જેમ કે, મહાતેજસ્વી વિશ્વામિત્ર, તપોનિધિ જમદગ્નિ, વેદ વ્યાસ, તપમાં શ્રેષ્ઠ નારદ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, શુક, કણ્વ, પરાશર, કપિલ, યાજ્ઞવાલ્કય, ભારદ્ધાજ, ગૌતમ, મુદ્ગલ, લોમશ, અગસ્ત્ય, કૌશિક, વત્સ, પુલસ્ત્ય, માંડુક્ય, દુર્વાસા, કશ્યપ અને મહાન શૌનક. ભગવાન દત્તાત્રેયે 24 ગુરુ કર્યા. ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગામાં રહેલા અશોક ચક્રના આરા 24. જૈન ધર્મમાં થયેલા 24 તીર્થંકરો. વાલ્મિકી રામાયણના શ્લોકોની સંખ્યા 24 હજાર, રાત્રી અને દિવસના 24 કલાક અને માનવશરીરમાં ગ્રંથીઓ 24 - આ 24ની સંખ્યાને અરસપરસનો સંબંધ કહી શકાય.

ઋષિઓએ સ્વાનુભવના આધારે શાસ્ત્રોમાં દર્શાવ્યું કે ગાયત્રી મંત્રના જાપથી કઈ કઈ ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે. જેવી કે આત્માનો આનંદ અને મનની શાંતિ, અડગ આત્મબળ, તંદુરસ્ત આરોગ્ય, સમસ્યાનો ઊકેલ, બુદ્ધિનો વિકાસ, અજ્ઞાન અને અંધકારનો નાશ, સદ્બુદ્ધિની પ્રાપ્તિ અને સમાજમાં માન, મોભો, યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ ગાયત્રી મંત્રના જાપ કરનારને મળે છે. એટલે જ તો મહાપુરુષોએ એકી અવાજે ગાયત્રીનો મહિમા ગાયો છે. જેમાંથી કેટલાકનો નિર્દેશ નીચે દર્શાવ્યા મુજબ કરી શકાય.

• મહાત્મા ગાંધીજી: ગાયત્રી મંત્રનો નિરંતર જાપ રોગીઓને સારા કરવામાં આત્માઓની ઉન્નતિ માટે છે. સ્થિર ચિત્ત અને શાંત હૃદયથી કરવામાં આવતા જાપ આપત્તિ કાળના સંકટોને દૂર કરવાનો પ્રભાવ ધરાવે છે.
• કવિવર રવીન્દ્રનાથ ટાગોર: ભારત વર્ષને જગાડનારો જે મંત્ર છે એ એટલો બધો સરળ છે કે એક શ્વાસમાં એનું ઉચ્ચારણ થઈ શકે છે. તે ગાયત્રી મંત્ર છે. આ પવિત્ર મંત્રનો અભ્યાસ કરવામાં કોઈ પ્રકારનો તાર્કિક ઉહાપોહ, કોઈ પ્રકારના મતભેદ અથવા કોઈ પ્રકારના બખેડાને અવકાશ નથી.
• ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્: જો આપણે આ સાર્વભૌમિક પ્રાર્થના ગાયત્રી મંત્ર પર વિચારીશું તો આપણને ખબર પડશે કે એ આપણને ખરેખર કેટલો સંગીન લાભ કરે છે. ગાયત્રી મંત્ર આપણી અંદર ફરીથી જીવનનો સ્ત્રોત ઉત્પન્ન કરનારી પ્રાર્થના છે.
• લોકમાન્ય ટિળક: આત્માની અંદરના પ્રકાશ માટે ગાયત્રી જાપ અતિ ઉત્તમ છે.
• મદન મોહન માલવિયા: ઋષિમુનિઓએ આપણને જે અમૂલ્ય રત્નો આપ્યા છે. એમાંનું એક અનુપમ રત્ન ગાયત્રી મંત્ર છે.
• સ્વામી રામકૃષ્ણ પરમહંસ: હું લોકોને કહું છું કે લાંબી સાધનાઓ કરવાની એટલી બધી જરૂર નથી. આ નાની શી ગાયત્રી સાધના તો કરી જુઓ. ગાયત્રીના જાપ કરવાથી મોટી સિદ્ધિઓ મળી જાય છે. એ મંત્ર નાનો છે, પરંતુ એની શક્તિઓ વધારે છે.
• સ્વામી વિવેકાનંદ: રાજાઓ પાસે એક જ વસ્તુ માંગવી જોઈએ કે જે તેના ગૌરવને અનુકૂળ હોય. પરમાત્મા પાસે માગવા યોગ્ય વસ્તુ સદ્બુદ્ધિ છે, ઇશ્વર જેની ઉપર પ્રસન્ન થાય છે તેને સદ્બુદ્ધિ આપે છે. સદ્બુદ્ધિથી સન્માર્ગ તરફ પ્રવૃત્તિ થાય છે અને સત્કર્મથી બધી જાતનું સુખ પ્રાપ્ત થાય છે. જે સત્ય તરફ આગળ વધી રહેલ છે તેને કોઈ જાતના સુખની કમી રહેતી નથી. ગાયત્રી સદ્બુદ્ધિનો મંત્ર છે.
• સ્વામી રામતીર્થ: રામને મેળવવાનું મોટું કામ છે. ગાયત્રીનો અભિપ્રાય બુદ્ધિને કામરુચિમાંથી હટાવીને રામરુચિમાં લગાવી દેવાનો છે. જેની બુદ્ધિ પવિત્ર હશે તે જ રામને મેળવશે. ગાયત્રી પુકારે છે કે બુદ્ધિમાં એટલી પવિત્રતા હોવી જોઈએ કે તે ઈશ્વરમાં સ્થિર થાય.
• સ્વામી દયાનંદ સરસ્વતી: ભાગવત સપ્તાહ કરતાં ગાયત્રી પુરુશ્વરણ અધિક શ્રેષ્ઠ છે.
• દેવર્ષિ નારદ: ગાયત્રી ભક્તિનું જ સ્વરૂપ છે. જ્યાં ભક્તિરૂપી ગાયત્રી છે ત્યાં નારાયણનો નિવાસ છે એમાં કોઈ સંદેહ નથી.
• મહર્ષિ વ્યાસજી: જે રીતે ફળનો સાર મધુર સુગંધ છે, દૂધનો સાર ઘી છે તેવી જ રીતે બધા વેદોનો સાર ગાયત્રી છે. સિદ્ધ કરેલી ગાયત્રી કામધેનુ સમાન છે. ગંગા શરીરના પાપોને દૂર કરે છે. ગાયત્રીરૂપી બ્રહ્મગંગાથી આત્મા પવિત્ર થાય છે. જે ગાયત્રી છોડે છે તે ભીખ માંગનારની જેમ મૂર્ખ છે. ઈચ્છિત સફળતા તપની વૃદ્ધિ માટે ગાયત્રીથી શ્રેષ્ઠ બીજું કાંઈ જ નથી.
• જગદ્ગુરુ શંકરાચાર્યજી: ગાયત્રી મહિમાનું વર્ણન કરવું મનુષ્યની શક્તિ બહાર છે, બુદ્ધિનું શુદ્ધ થવું એટલું મોટું કામ છે કે જેની સરખામણી સંસારના બીજા કોઈ પણ કાર્ય સાથે થઈ શકતી નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની દિવ્ય દૃષ્ટિ જે વસ્તુથી પ્રાપ્ત થાય છે તેની પ્રેરણા ગાયત્રી દ્વારા થાય છે. ગાયત્રી આદિ મંત્ર છે, તેનો અવતાર દુઃખોનો નાશ કરવા અને સુખોના વધારા માટે થયેલ છે. આવો, આપણે ગાયત્રી મંત્રના ભાવાર્થથી ભગવાન ભાસ્કરને પ્રાર્થના કરીએ.

ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।
(ભાવાર્થઃ એ પ્રાણસ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં
ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter