છોડો આ બધી લડાઈની રોજની વાતો. ચાલો, થોડું હસી લઈએ...
આવું કોઈ કહી શકે તો તે ઇઝરાઈલની પ્રજા છે. પરાજિત થવાનો ગમ નહિ, જીત્યાનું અટ્ટહાસ્ય નહિ. બસ, જિંદગી અને રાષ્ટ્રના અસ્તિત્વ માટે સંજીવની સમાન સ્મિત!
પુસ્તક છે, ‘એન્સાઈક્લોપીડિયા ઓફ જ્યુઈશ હ્યુમર’. સંપાદક હેન્રી ડી. સ્પોલ્ડિંગ કોઈ મોટો વિદ્વાન નથી. વિદ્વાન હોત તો આવું પુસ્તક થોડું કર્યું હોત?! આમે ય વિદ્વત્તાની જિંદગી જીવ્યો નથી. ભારતીય સૂત્ર સાંભળ્યુ હશે કે નહિ, પણ છેક બચપણથી તેને મનુષ્ય તરીકે જીવવું હતું.
‘સાક્ષરા વિપરિતા રાક્ષસા:’ સાવ એવું ના પણ હોય છતાં ક્યાંક તે જરૂર લાગુ પડે. આ હેન્રી તો મનુસ્મૃતિના એક વાક્યને અનુસર્યો: ‘મનુર્ભવ...’ માણસ બનજે! એવું થવા માટે તે યહૂદી પ્રજાની જીવનશૈલીનું નિરીક્ષણ કરતો થયો. હજારો વર્ષોથી આ પૂર્વજો ચારેતરફ ધુત્કાર જ પામ્યાઃ હિજરત, ગેસ ચેમ્બર્સ, લેબર કેમ્પ, હત્યાઓ... પોતાનું કહી શકાય એવું સ્થાન નહીં.
‘નેક્સ્ટ યર ઇન જેરુસલેમ...’ સવારની પ્રાર્થનામાં માત્ર આ સપનું. અંતે તેનો જયવારો થયો. બેન ગુરિયનથી લઇને આઇન્સ્ટાઇન સુધીના મહાપુરુષો આપનારી યહૂદી પ્રજાને પોતાનો દેશ મળ્યો, ઈઝરાયેલ. પણ ત્યાં રહેવું સહેલું ક્યાં હતું? ચારેતરફ એવા દેશો, જેને ઇઝરાયેલ આંખના કણાની જેમ ખટકતું રહ્યું. ઇઝરાયેલને નષ્ટ કરી નાખવાના લોહિયાળ ખેલ શરૂ થયા. પેલેસ્ટાઇનનો મુદ્દો તો આંતરરાષ્ટ્રીય બનાવી દેવામાં આવ્યો. યાસર અરાફતને મુક્તિનાયક તરીકે ચિતરવામાં આવ્યો. હિઝબુલ્લાહ નામ ગાજતું કરવામાં આવ્યું. પણ આ તો ઈઝરાયેલ...
અત્યારે તેનું લક્ષ્ય ‘ગ્રેટર ઈઝરાયેલ’ બૃહદ્દ ઈઝરાયેલનું છે. લોકશાહી ખરી પણ કટ્ટર રાષ્ટ્રવાદ સાથેની. પોતાના દેશ અને સમાજ માટે કેવી સજ્જતા જોઈએ, કેવી દૃઢતા જોઈએ તે ઇઝરાયેલની પાસેથી શીખવા જેવું છે. આ દેશે ખારા પાણીને મીઠું બનાવવાનું કુશળ આયોજન કર્યું છે.
આ બધાના અનુભવ અને અનુભૂતિ સાથે હેન્રી વ્યવસાયમાં જોડાયો, સંપાદક તો પછી બન્યો. પગરખાં બનાવતી ફેક્ટરીમાં કામ કર્યું. પછી પત્રકારત્વમાં રસ પડ્યો. પાંત્રીસમાં વર્ષે લેખન તરફ વળ્યો. અને રચાયો આ હાસ્ય-ગ્રંથ.
500 પાનાંના આ દળદાર ગ્રંથમાં પ્રાચીનથી અર્વાચીનના ઉંબરે વેરાયેલા યહૂદી હાસ્યને સંકલિત કરાયું. આમ તો હાસ્યનું કોઈ વિવેચન, સમીક્ષા, કે પૃથક્કરણ કરવાનો અર્થ છે હાસ્યને મારી નાખવું. ‘લો, તમને રમૂજ કહું...’ એવું કોઈ કહે અથવા હાસ્યલેખક મંચ પરથી વક્તા તરીકે હાજર થાય ત્યારે બિચારા શ્રોતાઓના નસીબે પરાણે હાસ્ય કરવાનું આવે. થોડાક અપવાદ જરૂર હશે પણ બાકીનો અનુભવ સારો હોતો નથી. પણ, આ હાસ્ય-વિસ્ફોટ અનુભવો, તે યહૂદી પ્રજાની યાતનામાંથી સર્જાયેલું હાસ્ય છે. તેમાં પ્રેમ, ઘૃણા, કળા, લગ્નના દલાલો, છૂટાછેડા, શરાબની દુકાનો, સેના, નાસ્તિકતા, યહૂદી-વિરોધીઓ, રઝળપાટ, મૃત્યુ, કરવેરા, ધૂમ્રપાન, ખાણીપીણી, રેસ્ટોરાં, અખબારો, શિક્ષણ, વિજ્ઞાન, આરોપીઓ, અદાલતો, તબીબો, હોસ્પિટલો, રાજકારણ, વકીલો, યુવાનો, રીતરિવાજો... આવા વિષયોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
અહીં તેમાંની થોડીક સામગ્રી...
• એક મિત્રે બીજાને પૂછ્યું: ભગવાને સ્ત્રીની પહેલાં પુરુષને શા માટે બનાવ્યો હશે? બીજાએ જવાબ આપ્યો, ‘પુરુષ કેવી રીતે ઘડવો જોઈએ તેની સલાહ કોઈ આપે તેમ ભગવાન ઇચ્છતા નહોતા!’
• મિત્રને તેણે પૂછ્યું, ‘મને સમજમાં નથી આવતું કે તારા જેવો આકર્ષક યુવાન હજુ સુધી પરણી શક્યો નથી?’ મિત્રે જવાબ આપ્યો: ‘શું કરું, કોઈ છોકરીનો પરિચય થાય છે અને પછી તુરત મને એવો ખ્યાલ આવે છે કે તે મારી માની જેમ જ રસોઈ કરે છે અને મારા પિતાના જેવી દેખાય છે!’
• એક કળાકારે લગ્ન કરાવતા એજન્ટને કહ્યું કે ‘મારે લાયક છોકરી શોધી આપજે’. પેલો એક છોકરીને લાવ્યો તો કલાકાર થીજી ગયો. આટલી બેડોળ? એક આંખ ત્રાંસી, મોટુંમસ નાક, જાડા હોઠ... ‘શું મેં આવી યુવતી માટે કહ્યું હતું?’ એજન્ટ કહે, ‘ભાઈ, તું તો મોટો કલાકાર છે. એટ્લે પિકાસોના ચિત્ર જેવી પસંદ કરે, અથવા કોઈને ય નહિ. એટલે પિકાસોના ચિત્ર જેવી યુવતી જ લાવુંને?’
• પોતે શા માટે લગ્ન કરતી નથી તે એક અપરિણીત સ્ત્રીના શબ્દોમાં: ‘મેં પંપાળવા માટે એક કૂતરો રાખ્યો છે, ફાયરપ્લેસનો અગ્નિ મને ગરમી આપે છે, પોપટ કાયમ કચકચ કરે છે, એક બિલાડી મારી પાછળ પાગલ થઈને રાતદિવસ સાથે રહે છે. બોલો, પતિની શી જરૂરત છે?’
• છૂટાછેડાના એક કેસમાં ન્યાયાધીશે સ્ત્રીને પૂછ્યું, ‘મેડમ, તમારી ઉમર કેટલી છે?’ સ્ત્રીએ કહ્યું, ‘પાંત્રીસ’. ન્યાયાધીશને આશંકા થઈ, અને કહ્યું, ‘આ જન્મના પ્રમાણપત્રમાં તો તમે પચાસ વર્ષના છો’. સ્ત્રીએ કહ્યું, ‘આપ સાચું કહો છો, પણ છેલ્લા 15 વર્ષથી તો હું પતિની સાથે છું. તેને કંઈ થોડા ગણી શકાય?’
• ‘પણ, તું શા માટે છૂટાછેડા લેવા માગે છે?’ યુવકે કહ્યું કે ‘મારી પાસે ઘણા કારણો છે’. ‘મને જણાવીશ?’ યુવકે ના પાડી. મિત્રે કહ્યું કે ‘મને તો નવાઈ લાગે છે. તારી પત્ની સુંદર છે, સરસ છે, તારા પ્રત્યે એકદમ નરમ રહે છે...’ પેલાએ પોતાના બૂટ ઉતાર્યા અને કહ્યું: ‘આ મારાં બૂટ છે. એકદમ ચકચકતા છે, સરસ છે, ચામડું પણ નરમ છે...’ ‘હં... બરાબર છે... તો શું?’ ‘પણ આ જોડાં મને ક્યાં ડંખે છે તેની તો મને જ ખબર છે, સમજ્યો?’
• ‘શું તમે પરણેલા છો?’ ‘ના... પણ એવો દેખાતો હોઈશ, કેમ કે હમણાં જ કોઈ મારી કાર ચોરી ગયું છે!’
• એક રશિયન યહૂદી સૈનિક વિશ્વયુદ્ધમાં ડરીને સેના છોડીને નાસી ગયો. પછી પકડાયો. સજા પહેલાં ન્યાયાધીશે કહ્યું: ‘આ રીતે તો ડરપોક અને રશિયા-દ્રોહી હોય તે જ ભાગી જાય.’ સૈનિકે જવાબ આપ્યો: ‘એવું નથી, સાહેબ... હું મારાં જર્મન દુશ્મનોને એટલો ધિક્કારતો હતો કે તેની સામે જોવા પણ માગતો નહોતો એટલે મોરચા પરથી ભાગી ગયો...’
• એક રશિયન જનરલે સૈનિક છાવણીની અચાનક મુલાકાત લીધી. તેને જોઇને નવાઈ લાગી કે સૈનિકોનાં ગણવેશ અત્યંત ગંદા હતા. એટલે હુકમ કર્યો, ‘આ સૈનિકોનાં ગંદા બનિયનો બદલાવી નાખો...’ છાવણીનો ઇન્ચાર્જ કહે, ‘પણ, સાહેબ, એવું તે કેમ થઈ શકે? બધા સૈનિકોની પાસે એક જ બનિયન છે...’ જનરલે ગર્જના કરી, ‘તો શું થયું? બધા એકબીજા સાથે બનિયન બદલાવી લે!’
• ઈઝરાયેલ-આરબ યુદ્ધ વખતે ઇઝરાયેલી સૈનિકો માટે બહુ સારું ખાણું નહોતું મળતું. સુરક્ષાપ્રધાન મોશે ડાયાને તેનો ઉકેલ બતાવ્યો: ‘ઈજીપ્તમાં પકડાયેલા સૈનિકોનું વેર વાળવાનો આ ઉત્તમ ઉપાય છે, મારાં સૈનિકો જે ખાણું લે છે તે એમને ખવડાવીશ!’
આવી 2000 જેટલી રમૂજો આ ગ્રંથમાં છે, તેના પરથી સમજાય છે કે યાતનાના અરણ્ય વચ્ચે જિંદગીનું અસ્તિત્વ સર્જવા આ પ્રજાએ હળવાશનો કેવો શાનદાર ઉપયોગ કર્યો છે?


